ટાવર કલ્ચરઅત્યારે હું ગુડગાંવ સેકટર 47 માં ટાવરમાં રહું છું. બેંગલોર હોય કે ગુડગાંવ કે પુના, હૈદ્રાબાદ કે મારાં અમદાવાદના જ શેલા, ગોદરેજ ગાર્ડન સીટી, એપલવુડ જેવી જગ્યા હોય ટાવર સિવાય કાયમી રહેતા લોકોને આ ટાવર કલ્ચર અલગ લાગે. મને કોઈ પણ મોટું શહેર હોય, આવા ટાવરોની જિંદગીમાં ઘણું સામ્ય લાગ્યું છે. એક તો અહીં મોટે ભાગે યુવાન, 40 નીચેનાં યુગલો રહે છે. એના ડ્રેસ કોડ પણ અલગ તરી આવે છે. અમારા ત્રણ માળિયા કહેવા પૂરતા HIG ફ્લેટમાં 90s માં સ્ત્રીઓ હજી સાડી જ પહેરતી એ 2000 પછી કુર્તા પાયજામા પહેરતી થઈ, ઘરની નજીકમાં બધી ગાઉન પહેરી નીકળતી. પુરુષો અમે લેંઘા અને ઘણા કફનીઓ માં તો બાકીના ઓફિસ જવાનું શર્ટ જૂનું થાય એટલે એ પહેરીને ફરતા. અહીં પુરુષો બ્રાન્ડેડ લાગે એવાં પણ કદાચ મધ્યમ કિંમતનાં ટી શર્ટ અને શોર્ટ પહેરી ફરે છે. સ્ત્રીઓ પણ ટી શર્ટ અને જીન્સ કે લેગીન્સમાં.કપડાં સૂકવવા દોરી કરતાં સ્ટેન્ડ બધું જોવા મળે છે. દોરી હોય તો નીચેના એક બે માળ સિવાય બાલ્કની ની છત પર ગરગડી થી દોરી ઉપર નીચે કરી સૂકવવાનાં હોય છે. કોઈનું 16 કે 22મે માળથી નીચે કપડું પડે તો ક્યાં જાય? બાળકો સો એ સો ટકા અંગ્રેજી માધ્યમમાં ભણતાં હોય છે અને અંદરોઅંદર ઝગડે (એટલે માત્ર દલીલબાજી. અમે ક્યારેક દફતરે દફતરે મારામારી જેવું કાઈંક કરી લેતા એવું નહીં) એ પણ અંગ્રેજીમાં. Looser એ લોકોમાં આપણા ચ અને ભ જેવી ગાળ છે.આવા ટાવરો મોટે ભાગે મુખ્ય શહેરથી થોડા દૂર હોય છે. વખાના માર્યા બધા અહીં નોકરી ધંધો કરતા લોકો કરોડ ઉપરના ફલેટના તગડા હપ્તા કે એવું જ ચાલીસ પચાસ હજારનું ભાડું ભરી રહે છે.અપવાદ વગર બધા ટાવર બાર થી સોળ માળના તો હોય જ છે. ટાવરોનાં સંકુલ વચ્ચે એક મોટી લોન હોય જ છે અને એના એક ખૂણે બાળકોને રમવા માટે સ્લાઇડ, સ્વિંગ (હીંચકા ન બોલાય.) અને હવે તો ઘણી નવી રાઈડ હોય છે જ્યાં સાંજે 5 થી અંધારાં સુધી યુવાન માતાઓ શિશુઓને ચું ચું કરતા બૂટમાં કે સ્ટ્રોલરમાં લઇ આવે છે. બાંકડા હોય છે પણ એનો ઉપયોગ સવારે સંતાનો સાથે રહેતા કે થોડો વખત આવેલા કાકાઓ ત્યાં બેસી પ્રાણાયમ કરવા અને સાંજે વયસ્ક સ્ત્રીઓ વાતો કરવા બેસે છે. હવે કોઈ કૂથલી કરતું લાગતું નથી. તો વાતો શું થતી હશે? ઈશ્વર જાણે.બધા ટાવરો પર માય ગેટ એપ હોય છે. કોઈ બહારથી લેબ વાળો લોહી લેવા આવે, મંગાવેલ માલ આવે, મહેમાન આવે એ બધાની તરત એન્ટ્રી થઈ ફ્લેટધારકને જાણ થાય. કામવાળી આવે, એની એન્ટ્રી થાય એટલે ઘરની માલકીનને હાશ થાય કે કામવાળી આવી.દરેક ટાવરના ગેટ નજીક નાની પતરાંના શેડમાં એક દુકાન હોય જ છે જ્યાં વહેલી સવારે શાક, ફળ, દૂધની કોથળી લેવા છોકરાં સ્કૂલબસમાં મૂકીને આવતી સ્ત્રીઓ કે ક્યારેક પુરુષો આવી ખરીદી કરે છે. આટા વગેરેની કોથળીઓ, મેગી , વેફર અને બાળકો લલચાય એવી ચીજો બહાર લટકાતી હોય છે. એ તો ખાસ સંજોગોમાં જ. બાકી એમેઝોન, રિલાયન્સ, ઝોમેટો, ઝેપ્ટો અને બ્લીંકઇટ ના કર્મચારીઓ નાનાં મોપેડ જેવાં બાઈક પર આવે છે, લાઈનમાં ઊભી ગાર્ડ પાસે એન્ટ્રી કરાવે છે. ઝોમેટો, સ્વિગી જેવી ફૂડ ચેઇનની આવજા odd સમયે પણ જોવા મળે છે. ટાવર કલ્ચરમાં મોટે ભાગે લોકો ઓનલાઇન ખરીદી જ કરે છે. શહેરથી દૂર હોય તે!હા, ગોદરેજ ગાર્ડન સીટીમાં તો મોટું શોપિંગ સેન્ટર છે અને ચાંદખેડાના નાના સ્ટોર્સ પણ સાવ નજીક છે. બાકી નજીકમાં આ બધા ગાર્ડને ચા પીવા ચાની ટપરી હોય છે. ગેટ પાસે એક બે નાની દુકાન દવાની, મિકેનિકની, કદાચ ગ્રોસરીની અને સામાન્ય કરતાં મોંઘાં યુનિસેકસ સલૂન હોય છે.માંદા પડવું ટાવર કલ્ચરમાં ફોરેન નજીકનું, મોંઘુ પડે. એપોલો કે એવી દુકાન નાખી બેઠેલો ડોકટર સીધા હજાર રૂ. નું બિલ કરી દે. નજીકમાં એટલે ત્રણેક કિમી દૂર કોઈ ડોકટરનું ઓનલાઇન રેટિંગ જોઈ જાવ તો એ એમ.ડી. નું એસી ક્લિનિક જ હોય.આવા ટાવરો ઉપર કહ્યું તેમ શહેરથી થોડા દૂર હોય છે એટલે ત્યાં મોટે ભાગે પરપ્રાંતીય લોકો જ રહેતા હોય છે. એમનું વીસેક લોકોનું ગ્રુપ બને તો એમના ઉત્સવ ઉજવે બાકી એ શહેર કે નજીકમાં દોઢ બે કલાક ડ્રાઇવ કરી જવાનું. છતાં સરસ તૈયાર થઈ એ પેઢી બધા જ ઉત્સવોમાં નીકળી પડે છે ઉજવે છે.જન્માષ્ટમી, હોળી જ્યાં ફટાકડાની છૂટ હોય ને અલગ ભાગ ટાવરના ખૂણે મળી શકે ત્યાં દિવાળી, દુર્ગા પૂજા, ગણેશ ચોથ, ઓણમ એ બધા તહેવારો ઉજવાય છે.જેવી જગ્યા અને જેવો ઉત્સાહ. વચ્ચે સ્ટેજ જેવું હોય ત્યાં બાળકોના પરફોર્મન્સ પણ થતા રહે છે.વાર તહેવારે લેબ વાળા, કાર કે બાઈક વાળા, પ્રિ સ્કૂલ વાળા વગેરે નાની છત્રીઓ નાખી રવિવારે બેઠા હોય છે.સાવ કિડઝ માટે પ્લે એરિયા પણ થોડા મોટા કિશોરો, કિશોરીઓ નું શું?અમે સાત તાળી કે ખો ખો કે શેરી ક્રિકેટ રમતા એવી જગ્યા નથી હોતી. ટાવરની લોનના કોઈ ખૂણે કોલેજીયન જેવો યુવાન 'સર' સ્કેટિંગ, કરાટે, સીમિત જગ્યામાં ક્રિકેટ ના ક્લાસ કરાવતો હોય એમાં જ જવું પડે છે. ક્યારેક છોકરાં સાઇકલો ફેરવતાં ગોટપોટ અંગ્રેજીમાં વાતો કરતાં ફરે છે.તો આ મેં જોયેલી, જીવેલી બેંગલોર, ગુડગાંવ કે શેલા, શીલજના ટાવરોની જીંદગી. એ લોકોને મારી 90 ની રામેશ્વર સોલારોડ ની જીદગી પણ એલિયન લાગે.