મારી એ ખાસ મુલાકાત Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી એ ખાસ મુલાકાત

લેખ:- મારી એ ખાસ મુલાકાત

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




આજે મારી મુલાકાત જેની સાથે થઈ એ બહુ ખાસ બની ગઈ. આજે કવિ શ્રી નર્મદની ૧૯૧મી જન્મજયંતિ છે. ના ના, જો જો એવું ન સમજતાં કે હું કવિવરને મળી. આ તો આજનો એમનો જન્મદિન આખાય વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઉજવાય છે ને એટલે એમને યાદ કર્યા. બાકી હું મળી તો હતી ગુજરાતી ભાષાને.



બહુ રડતી હતી. કહેતી હતી કે, "હું તો બિચારી થઈ ગઈ. કોઈ મારી સામું ય નથી જોતું. બધાં અંગ્રેજી ભાષા પાછળ પડ્યા છે."  એટલે પહેલાં તો મને સમજાયું જ નહીં કે આને સાંત્વના શી રીતે આપવી? આથી પહેલાં એને એની થોડી વ્યથા ઠાલવી લેવા દીધી.



પછી મેં એને કહ્યું, "તુ નાહક રડે છે. હજુ પણ ઘણાં બધાં લોકો તને ચાહે છે. અને જે લોકો અંગ્રેજી ભાષા પાછળ પડ્યા છે ને એ લોકો પણ વાત તો ગુજરાતીમાં જ કરે છે. માત્ર વચ્ચે વચ્ચે થોડાં શબ્દો અંગ્રેજીનાં મૂકે છે."



એટલે વળી પાછી એ બોલી, "ના, એવું નથી. જુઓ ને! કેટલાં બધાં જણાં તો માત્ર અંગ્રેજીમાં જ વાત પણ કરે છે. ગુજરાતી તો એમનાં મોંએ નીકળતું જ નથી."



એટલે મેં કહ્યું, "એ તો બહારની દુનિયા સાથે. બાકી ઘરમાં તો એઓ ગુજરાતી જ બોલે છે. આખી દુનિયા સાથે સંપર્ક રાખવા માટે એક જ ભાષા સર્વ વ્યાપક હોઈ શકે. હાલમાં આ ભાષા અંગ્રેજી છે. એટલે એ જાણવું ખૂબ જ જરુરી છે."



"છતાં પણ હજુ તને શંકા હોય તો સાંભળ, આખીય દુનિયા આપણાં કવિ શ્રી નર્મદની જન્મજયંતિએ 'આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસ' ઉજવે છે. ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ દિવસ ખાસ 'વિશ્વ અંગ્રેજી ભાષા દિવસ' તરીકે ઉજવાયો હોય? નહીં ને! આ જ તારું મહત્ત્વ છે."



"કોઈ ગમે એટલું અંગ્રેજી બોલે, પણ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે તો તને જ યાદ કરે છે ને? અને આ તારો ગુજરાતી, આખીય દુનિયામાં ફરે ને તોય એ ગુજરાતી જ રહે. દુનિયાનાં ગમે એ ખૂણામાં ફરવા જાય ને તો ડબ્બામાં સાથે થેપલાં જ હોય, પછી ભલે ને આખાય રસ્તે એને પિત્ઝા, બર્ગર, સેન્ડવીચ અને બીજું ઘણું મળતું હોય. કોઈ પણ દેશમાં હોય, નવરાત્રિનાં નવ દિવસોમાંથી એકાદ બે દિવસ તો ચણીયા ચોળી પહેરી જ લે. અને તેં એકેય ગરબો અંગ્રેજીમાં સાંભળ્યો છે? નહીં ને? આ જ તો તારી ખૂબી છે. માતાજીની આરાધના કરવા માટે દરેક ગુજરાતી દરેક દેશમાં ગુજરાતી ભાષા જ વાપરે છે. તારા વગર તો એમને ભક્તિની મજા પણ નથી આવતી."



"તુ ક્યારેય ઈંગ્લેન્ડ અને અમેરિકાનાં ગુજરાતી વિસ્તારોમાં ધ્યાનથી ફરજે. તને ખબર પડશે તારું મહત્ત્વ. ભલે આ બે દેશો ગુજરાતમાં નથી (😂), પણ ત્યાંનાં ગુજરાતી વિસ્તારોમાં તો કેટલીક દુકાનોનાં પાટિયા પણ ગુજરાતી ભાષામાં જ લખાયેલા છે. હવે તુ જ કહે, શું તારા જેટલું માન અન્ય કોઈને મળ્યું છે? વિદેશમાં રહીને પણ પોતાની મહત્તા જાળવી રાખી છે તેં." આટલું સમજાવ્યા પછી મને લાગ્યું કે આ થોડી ઘણી માની ગઈ લાગે છે. ત્યાં જ વળી એણે બીજો પ્રશ્ન કર્યો, "એ બધું તો સમજ્યા, પણ આજકાલ માતા પિતા બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવા તૈયાર નથી એનું શું?"



એટલે મેં કહ્યું, "એ તો રહેવાનું જ! જમાનાની જરૂરિયાત મુજબ જીવવું પડે. તુ એ કેમ નથી જોતી કે અંગ્રેજી માધ્યમમાં ભણવા છતાં પણ આ બાળકો તેમજ એમનાં માતા પિતા ઘરમાં તો વાતચીતનાં માધ્યમ તરીકે તારો જ ઉપયોગ કરે છે ને? આ જ તો તારું મહત્ત્વ છે. ચાલ હવે ખુશ થઈ જા. આજે આખીય દુનિયા તારા નામે ઉજવણી કરે છે અને તુ આમ નિરાશ થઈને રડે એ સારું નહીં લાગે."



મારી આટલી વાતો સાંભળ્યા પછી એ થોડી ખુશ થઈ અને આભાર માની અદ્રશ્ય થઈ ગઈ.



કોઈ પણ ભાષા ક્યારેય ખોટી કે ખરાબ નથી હોતી. દરેક ભાષા એ એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટેનું માધ્યમ જ હોય છે. પરંતુ એ વાત તો માનવી જ રહી કે માતૃભાષા એ માતૃભાષા. એની સરખામણીએ કોઈ ન આવે. આમાં માત્ર ગુજરાતી જ નહીં, અન્ય તમામ ભાષાઓનો સમાવેશ થઈ જાય છે.



આભાર.

સ્નેહલ જાની.