અનોખું બંધન - ભાગ 2 Hemali Ponda તની દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખું બંધન - ભાગ 2

શું થયું? આપણે ક્યાં જઇયે છીએ? " સૌમ્યા બોલી. "
ઘરે જવું પડશે પપ્પાને છાતીમાં દુઃખે છે. મેં તેમને હોસ્પિટલમાં ' એડમીટ ' કરવા કહ્યું છે. મારે જલદીથી હોસ્પિટલ પહોંચવું પડશે. " મયંક બોલ્યો.
કાર ચલાવતા તેણે હોસ્પિટલમાં ફોન કર્યો. બીજા ડોક્ટરોને જરૂરી સૂચનો આપવા લાગ્યો. સતત ફોન આવતા હતા.
સૌમ્યા બોલી, " તમે ફોન પર વાત કરો! હું ડ્રાઈવ કરીશ. " "
તું કરી શકીશ? રસ્તો ઢોળાવવાળો છે! " મયંક બોલ્યો.
" તમે ચિંતા નહીં કરો. હું કરી લઈશ! આઈ એમ કવાઈટ સ્યોર!
મયંકે ' સ્ટીરીંગ વ્હીલ સૌમ્યાને સોપ્યું અને ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સાથી ડોક્ટરો સાથે સંપર્ક ચાલુ રાખ્યા. સૌમ્યા આખે રસ્તે પપ્પા માટે પ્રાર્થના કરતી હતી અને મયંકને હિમ્મત આપતી રહી. સતત અને સુરક્ષિત રીતે કાર ચલાવીને સૌમ્યા મંયકને હોસ્પિટલ લઈ આવી. આનંદભાઈનેે ICU માં ખસેડ્યા હતા. મયંક તેમની સારવાર માટે દોડ્યો અને સૌમ્યા મમ્મી અને કૃતિ પાસે પહોંચી.

પપ્પાની તબિયત થોડા કલાકો બાદ સ્થિર થઈ. ' માઈનર એટેક ' આવ્યો હતો. મયંકની અને સાથી ડૉક્ટરની કોશિશો કામયાબ રહી. મંયકે રાહતનો શ્વાસ લીધો. સૌમ્યા મમ્મીને લઈને ઘરે ગઈ. મંયકને આ મુશ્કેલીના સમયે સૌમ્યાની સમય સૂચકતા અને ધૈર્ય સાચવી રાખવાની રીત ગમી. એણે આજે મયંક માટે એક મિત્રની ફરજ સારી રીતે બજાવી હતી. એ દિવસોમાં પપ્પાની ગેરહાજરીમાં ઑફીસ પણ તેણે સારી રીતે સંભાળી લીધી. એ સાથે મમ્મીને પણ હિંમત આપતી અને સમયસર હોસ્પિટલ આવી પપ્પાની ચાકરી પણ કરતી. આ બધી જવાબદારીમાં કૃતિનું ધ્યાન રાખવામાં કોઈ કચાશ ન રાખતી. મા વિનાની કૃતિને વહાલ કરતી સૌમ્યા, પોતાના માતા પિતાને આદર આપતી સૌમ્યા, એક આગવી કાબેલિયતથી ઑફિસ સંભાળતી સૌમ્યા માટે મયંકને ખૂબ માન ઉપજ્યું!!
પોતે તેને લગ્ન બાદ કોઈ સુખ કે સન્માન આપ્યું નહોતું. બલ્કે સતત તેની ઉપેક્ષા કરતો રહ્યો હતો. છત્તાંય સૌમ્યા કોઈ ફરિયાદ કર્યા વિના તેના માટે કેટલું કરી રહી છે! એ જોઈ મયંકના હૃદયમાં એક અનોખી લાગણી જન્મી. હવે તેનું વર્તન સૌમ્યા પ્રત્યે રુક્ષ નહોતું રહ્યું. બલ્કે હવે ઘણી સારી રીતે વાત કરતો. બંને હવે મિત્રો બન્યા હતાં. સૌમ્યા પણ મંયકના વર્તનમાં આવેલા બદલાવથી ખુશ હતી.
પપ્પા પણ હવે ઘરે આવી ગયા હતા પરંતુ, ઑફિસે જવાનું હજી શરુ નહોતું કર્યું. સૌમ્યા જ ઑફિસે જતી. ઘરે આવીને પપ્પા સાથે કામની વાતો કરતી. એક સાંજે તેઓ ઑફિસના કામ વિષે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે મયંક બોલ્યો, " મારો વિચાર છે, પપ્પાને હવા ફેર કરવા થોડા દિવસ મહાબળેશ્વર લઈ જઇએ. બધા સાથે જઈશું તો મજા આવશે. " બધાએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો.
શનિવારે સવારે બધા સાથે નીકળ્યાં. રસ્તામાં સૌમ્યા અલકમલકની વાતો કરતી હતી. બંને આગળની સીટ પર બેઠા હતા. મયંક ડ્રાઈવ કરતાં બોલ્યો, " પપ્પા, સૌમ્યા પણ ખૂબ સરસ ' ડ્રાઇવિંગ ' કરે છે. ત્યારે એ જ મને અહીંથી હોસ્પિટલ લઈ આવી હતી.
પહેલીવાર મયંકના મુખે પોતાની પ્રશંસા સાંભળીને સૌમ્યા શરમાઈ ગઈ. મંયકે તેની આંખોમાં જોયું તો તરત નજર આંખો ઢાળી દીધી. મયંકને આજે તે ' બ્લેક જીન્સ ' અને ' પીંક ' ટોપમાં ખૂબ સુંદર લાગી રહી હતી. તેના ખોળામાં રમતી કૃતિ ખિલખિલાવીને હસતી હતી. મમ્મી, પપ્પા પણ ખુશ હતાં. મયંક વિચારી રહ્યો, ' મારા પરિવારને સૌમ્યાએ કેટલો સારી રીતે સંભાળી લીધો છે!! '
રિસોર્ટ પહોંચીને ફ્રેશ થઇને મયંક બોલ્યો, " ચાલો, બધા તૈયાર થઈ જાવ આપણે ' સનસેટ પોંઇટ ' જઈએ. મોડું થશે તો સૂર્યાસ્ત થઈ જશે. સૌમ્યાની આંખોમાં અનેરી ચમક આવી ગઈ.
એ જોઈને આનંદભાઈ બોલ્યા, " અમે સફરથી થાકી ગયા છે. હું અને મમ્મી અહીં આરામ કરીશું. કૃતિ પણ સૂતી છે. તમે બંને જઈ આવો. "
સોનેરી સાંજની સુંદરતાને માણતાં મયંક અને સૌમ્યા ' સનસેટ પોઈંટ ' પર બેઠા હતાં. મયંકે સૌમ્યાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને બોલ્યો, " હું તારી કઈ રીતે માફી માંગું એ મને નથી સમજાતું. મારી આટલી રુક્ષતા છતાંય તે મને અને મારા પરિવારને પ્રેમ અને સાથ આપ્યો! હું સતત તારી ઉપેક્ષા કરતો રહ્યો! તે કોઈ ફરિયાદ નથી કરી! બલ્કે એક પછી એક મારા પરિવાર પર ઉપકાર કરતી રહી. કોઈ આટલું સારું કઈ રીતે હોઈ શકે!! " સૌમ્યા બોલી," મેં જે કર્યું એ મારી ફરજ હતી. આ પરિવાર મારો પરિવાર પણ છે. તારું રુક્ષ વર્તન મને દુઃખ પહોંચાડતું હતું પરંતુ, હું જાણતી હતી કે તારા હૃદયમાં સીમાની યાદો છે, એની વિદાયનું દર્દ છે! એથી તું આવું કરી રહ્યો છે. મેં ક્યારેય ખરાબ નહોતું લગાડ્યું! આમ પણ પ્રિય વ્યક્તિની દરેક વાત પ્રિય લાગે છે! "
મંયક બોલ્યો, " મને પણ હવે તારી દરેક વાત પ્રિય લાગવા લાગી છે. હું પણ તને પ્રેમ કરવા લાગ્યો છું! મારા હૃદયમાં સીમાની યાદ તો છે જ અને એક સ્મરણ બનીને રહેશે જ પરંતુ, તારો પ્રેમ પણ એક મીઠી લાગણી બનીને પોતાની પકડ જમાવી રહ્યો છે. એક અનોખું લાગણીનું બંધન મને તારી સાથે બાંધી રહયું છે! તું કૃતિની મમ્મી સાથે મારી જીવન સંગિની પણ બનીશ? "
સૌમ્યાએ પોતાના હાથની પકડ મયંકના હાથ પર વધુ મજબૂત બનાવી. બોલી, " હું આ લાગણી તારા માટે ક્યારની અનુભવી ચૂકી હતી. માત્ર તારા સુધી મારી લાગણીને પહોંચાડી નહોતી શકી! "
મંયકે તેને પોતાના બાહુપાશમાં સમાવી લીધી. બંને પ્રેમના અનોખા બંધનમાં બંધાઈ ગયા!! અસ્ત થઇ રહેલો સૂર્ય પ્રેમી યુગલને એકલતા આપવા અંધારું પાથરી ને છુપાઈ ગયો!!
-તની