મારા બાપા ઉર્ફે પપ્પા SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા બાપા ઉર્ફે પપ્પા

જૂન 16 ના ફાધર્સ ડે આવી ગયો. પિતાનાં જ DNA આપણાં અણુઓમાં વહી રહ્યાં છે એટલે શારીરિક, માનસિક રીતે જે છીએ એ છીએ. એમાં એમનો વારસો ઘણે અંશે કારણભૂત છે.

એટલે પ્રથમ તો મારા પિતાશ્રીને વંદન. સહુના પિતાઓને પણ વંદન.

મારા પિતા વિશે  કહું તો એમણે જે sinciarity,  complete honesty, સ્પષ્ટવક્તાપણું ( જે મેં સમય સંજોગો મુજબ ફિલ્ટર કર્યું. એમને ચાલ્યું, બધાને ન ચાલે. તેઓ સંપૂર્ણ સ્પષ્ટવક્તા તો હતા જ, ગમે એને સાચું એટલે કડવા શબ્દોમાં કહી દેતા. ), એમની નિર્વ્યસની ટેવ, ઉચ્ચ વાંચનની ટેવ વગેરે સદગુણોનો વારસો મને આપ્યો એને કારણે જ્યાં મળી શકે ત્યાંથી  કીર્તિ અને માન પણ મળ્યાં છે.

તેમની ગમે તે ઉંમરે નવું શીખવાની શક્તિ, તેમનું અંગ્રેજી અને સંસ્કૃત પરનું  પ્રભુત્વ કાબિલેદાદ હતું.

હું તો મને યાદ આવે છે એ, કદાચ એ વખતના પુરુષોમાં, ખાસ કરી નાગરોમાં જે જોયું એ યાદ કરી કંઇક અંશે વિનોદી પોસ્ટ મુકું છું. એમાં બાપનું અવમાન કરવાનો કોઈનો ઈરાદો ન હોય. પિતા સર્વદા વંદનીય જ હોય.

તેઓની એક શક્તિ હતી અમુક વિચિત્ર કે બીજાથી અલગ માણસો કે પરિસ્થિતિઓનું કોમિક વર્ણન. તેઓ બીજાની સ્ટાઈલ, એને મળતા અવાજમાં અદ્ભુત  રીતે કરી શકતા.

કોઈ છોકરો હંમેશાં ફેઈલ થતો છતાં ઘેર છેતરતો તેની વાત ' પાસ થયા.. પગે લાગો..' ઘણાને ખબર છે. એવી જ જોક તેઓ એક ખૂબ પ્રસિદ્ધ વ્યક્તિ માટે કરતા. એ મહાશય ખૂબ ઊંચી પોસ્ટ પર હતા પણ હિન્દી બાવા હિન્દી. કોઈ અન્ય રાજ્યનો માણસ એને ઘેર જમવા આવ્યો. પોતાની સંસ્કૃતિ બતાવવા તેઓ કહે ' આ દે..ખા..?' પેલો જોઈ રહ્યો કે મારી કાઈં ભૂલ થઈ? મહાશય કહે ' દેખો. હમ હાથી હૈ. ઇસલિએ હમારા વાટકા ડાબી બાજુ રખતે હૈ ' ( તેઓ કહેતા કે હાથી અટક વાળા જમતી વખતે દાળનો વાટકો ડાબી બાજુ રાખે). આવા કેટલાય ડેમો કોઈ વિશે કરતા.

તેઓની એક ખાસિયત કે અમને કાંઈ  ન ફાવે અને તેઓ ગુસ્સે થાય ત્યારે 'બુડી મર ' કહે. હજી એ મારું મઝાક પૂરતું તકિયા કલામ છે. પાછો હું તેઓ ન સાંભળે એમ બોલતો 'પણ સ્વિમિંગ શીખ્યા હોઈએ તો કેમ બૂડી મરવાનું?'

એ વખતના, કદાચ જામનગર રાજકોટ તરફના નાગરોમાં અમુક ગાળો પ્રચલિત હતી. બીજે હોય તો ખબર નથી, આ તરફ સહુથી વધુ એવી બોલતા સાંભળ્યા છે.

' ડેમ ફૂલ ', ' ડફ્ફર ', ' રાસ્કલ ', વેગાબોન્ડ (એ તો extreme કેસમાં).

અમુક ધોબી, પટેલ બાળમિત્રો ના બાપા ઘરમાં ચ ને ભ ના શબ્દો  પણ બોલતા એવું પિતાશ્રી ન બોલતા પણ આવા શબ્દો એ વખતે બોલવા સામાન્ય હતા.  પિતાશ્રી કદાચ કલાકે એકાદ વાર બોલતા.

પોતે બધું સમજે છે, મૂર્ખ ન બનાવો માટે કહેતા "હું પાણી ને ભુ નથી કહેતો."

એક અમારી મેનર્સ માટે વારંવાર કહેતા  "ક્યાંક જશો ત્યારે શું કહેશે?" આવું લગભગ રોજ સાંભળતાં. પણ ક્યાંક એટલે કાકાઓને ઘેર તો ભાગ્યેજ બાળપણમાં ગયાં છીએ. મામાને ઘેર બધું ચાલે. અને દરેક ઘરની રહેણીકરણી અલગ હોય. ઉપરાંત સીદીભાઈને સીદકાં વહાલાં એટલે મોં એ નહીં તો પાછળથી પોતાનાં છોકરાં કેમ ચડિયાતાં અને મહેમાન છોકરાં કેમ ઉતરતાં એની વાતો ઘડી કાઢીને કહેવાની આદત હોય જ. અમે ખાસ ક્યાંય ગયાં જ નહીં એટલે શું કહેશે ની અમને પડી જ નહોતી.

એ વખતના અમુક નાગરોમાં કુટેવ હતી કે જે હોય એ કરતાં વધારીને કહે. આજે પણ છે. કોઈ વોકેશનલ કોર્સ કરેલા નો બાપ કહે કે છોકરો એન્જિનિયર છે. કંપની મોકલે મદ્રાસ કે દિલ્હી પણ કહે કે છોકરો ફોરેન ગયો. એમને અમારી માટે નહીં પણ  પોતાને માટે એમણે જે કર્યું નહીં હોય એ પોતે કર્યું ને અસફળ બહારના સંજોગોને કારણે રહી ગયા એમ કહેવાનું. ક્યારેક કહે મેં મીલીટરી સીલેકશન ની એક્ઝામ આપેલી, ખાલી ઊંચી કુદ માં બે ઇંચ થી રહી ગયો. ક્યારેક કહે IIM માં સિલેક્ટ થવું બહુ અઘરું નથી. પોતાને ત્યાં પણ મોટી ઓળખાણો છે એમ કહે. કોલેજ કાળની પણ એવી વાતો. તેઓ વાર્તા લખતા નહીં ( હું પણ ઓનલાઇન જ લખું છું જેને અમુક વર્ગ લેખક ગણતો નથી) પણ તેમના દ્વારા વર્ણવેલી હું આ બધી વાતોને રસપ્રદ વાર્તાઓ જ ગણી લેતો. I never took them seriously.

એ વખતના બધા પુરુષોનો પોશાક એમના પિતાઓના ધોતિયાં કફની પરથી શર્ટ પેન્ટ પર આવેલો. આઝાદી પછીના દસકામાં. ખાસ કલરનાં જ શર્ટ પેન્ટ બધા પહેરે. ઘેર આવી લેંઘા અને  બાંય વિનાનું બનીયન (રણજીત કે એવું. રજની સિરિયલમાં  કરણ રાજદાન પહેરતો એવું) પહેરતા. પિતાશ્રી બનિયન પહેરતા, 'ઉપરથી ઉઘાડા'  પુરુષો પ્રત્યે એમને સુગ હતી પણ ઘણા પુરુષો માત્ર લેંઘો પહેરી છાતીના વાળ સફેદ હોય કે કાળા, ઉઘાડા જ બેસતા. ( ઘર પાસે  સાંજે બાલ્કનીમાં આમ ઉઘાડા બેઠેલા પુરુષો જોઈ હું કહેતો કે એ લોકો મુન બાથ લે છે!) પિતાશ્રીને એવા લોકો જરાય ગમતા નહીં.

રીટાયર થયા ત્યાં સુધી જો બસ મળતી હોય તો રિક્ષા ન કરે.  સાદગી હદ બહારની. વસ્તુઓનું વળગણ પણ ભારે. એમની  નોર્થ સ્ટાર 1955 મોડેલ સાઇકલ એમણે વાપરી, મારા કાકા પાસે વપરાવી, મારે 21 વર્ષ ની ઉંમરે 1978માં 600 રૂ. .પગાર હોવા છતાં એ પરાણે વાપરવી પડેલી. નવી 150 માં આવતી એ ખરીદવાની મને છૂટ નહોતી. અમારી એ પેઢી પોતાનું મન માન્યું ને પોષાતું કરે તો એ પણ 'ભવિષ્ય માટે બચાવો. ઉડાવો નહીં ' કહેવાતું.

એમ તો છેક 1995 માં મેં કોઈ એરિયર્સ આવતાં ફ્લેટમાં સાઠ હજારનું ફર્નિચર કરાવ્યું , એમણે કહ્યું ' તારી પાંખડી ખસી ગઈ છે ' ( પાગલ થઈ ગયો છે). એ  આઝાદી અગાઉ જન્મેલી ને નહેરુ યુગમાં નોકરી કરી ખાતી પેઢી કલ્પના બહાર સાદગીમાં જીવતી. ભવિષ્ય માટે બચાવવામાં આજનું બલિદાન આપતી. પિતાશ્રી એમાં અપવાદ નહીં.

તેઓ રીડર્સ ડાઈજેસ્ટ વાંચતા પણ કિંમત વધતાં ફેરિયાઓ પાસેથી ત્રણ મહિના જૂનું લઈ આવતા. બ્રિટિશ લાયબ્રેરીના મેમ્બર હતા.

જોકે મને લાગે છે કે આઝાદી આસપાસ મેટ્રિક થયેલા, ખાસ તો નાગરોમાં અંગ્રેજી વાંચવું અને પોતે અંગ્રેજી જ વાંચે છે એમ ખાસ જાહેર કરવું એ સ્ટેટસ સિમ્બોલ હતો! જો કે એટલે જ હું નવમા ધોરણથી રીડર્સ ડાઈજેસ્ટ માં એટલિસ્ટ લાઇફ ઇઝ લાઈક ધેટ કે લાફીંગ ધ બેસ્ટ મેડિસીન જેવી જોકની કોલમો વાંચતો થઈ ગયેલો.   ટાઈમ્સ એમણે મૃત્યુ પર્યંત બંધાવેલું. કોરોના લહેરમાં ટેબ્લેટ માં ઇલેક્ટ્રોનિક પેપર પણ વાંચતા.

નાગરો સ્ત્રીઓને ખૂબ માન આપે છે , ક્યારેક માથે ચડાવે છે. જોકમાં કહેવાય કે પ્રિયદર્શીની,  પ્રેમોર્મી વગેરે સંબોધનો કરતા હશે.  પણ પિતાશ્રી ગુસ્સે થાય ત્યારે હળવો અપશબ્દ વાપરી લે.  એ વખતનો દરેક પુરુષ એવું કરતો.

આ એ વખતના, આજે જીવતા હોય તો સેંચ્યુરી નજીક હોય એવા બધા બાપાઓ (અમારી 55 પછી જન્મેલી પેઢી જ , એ પણ શહેરી ઉચ્ચ વર્ણોમાં, પિતાને પપ્પા કહેતી થઈ. બહાર તો 'પેલાના બાપા' એમ જ કહેતા) જેવા જ મારા બાપા ઉર્ફે પપ્પા, જેવા હતા એવા નું વર્ણન.

ગંભીર તો સહુ કરે, વિનોદી બાજુનું મેં કર્યું.

8.3.21 ના રોજ  93 વર્ષની ઉંમરે એ જ રીતે મહિમ્ન બોલી, ટેબ્લેટમાં ટાઈમ્સ વાંચતા તે મૂકી  એક જ મિનિટમાં તેઓ આંખ બંધ કરી ઊંડા શ્વાસ લઈ કશું ધીમેથી બોલતા સ્વર્ગે સિધાવ્યા.

અમે જે છીએ એનો પાયો તેમની કેળવણી છે. પછીથી આજુબાજુનું વાતાવરણ, આસપાસના સમાજ અને સંયોગોએ  અમને ઘડ્યા છે.

વ્યક્તિત્વ તરીકે તેઓ હતા એ હું ન હોઈ શકું, મારા પુત્રો હું છું એ ન હોઈ શકે.

ફાધર્સ ડે પર પિતાશ્રીને એમની ખાસિયતો સાથે યાદ કરી પ્રણામ.