ઇન્તજાર Niranjan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્તજાર

વરસાદની અચાનક હેલી આવતા નમને ઊભા થઇ બારી તો બંધ કરી પણ બહારનું ધૂંધળું વાતાવરણ નજરને રોકતી હતી. બસ, આમ જ મારા મનમાં પણ ધૂંધળાપણું છવાઈ ગયું છે અને મારૂં જીવન રોકાઈ ગયું છે તેમ તેને લાગ્યું.

બહુમાળી ઈમારતનાં ચોથા માળે આલીશાન ફ્લેટમાં તે એકલો જ રહેતો હતો કારણ રજની તેને છોડીને પિયર જતી રહી હતી. મુંબઈમાંને  મુંબઈમાં બંને રહેતા હોવા છતાં જાણે વિદેશમાં રહેતા હોય તેવો માહોલ બની ગયો હતો. એક નજીવા કારણસર થયેલી બોલચાલ આ સ્વરૂપ લેશે તેનો તેને અંદાજ પણ ન હતો. તેણે કરેલા પ્રયત્નો બાદ પણ સમાધાનનો આભાસ જણાતો ન હતો.

ગમગીન હૃદયે તે સોફા પર બેઠો અને બોઝિલ વાતાવરણને દૂર કરવા તેણે ટી.વી. ચાલુ કરી પોતાની ગમતી મ્યુઝિક ચેનલ શરૂ કરી. આ ચેનલ એટલા માટે તેને પ્રિય હતી કે તેમાં આજના ઘોંઘાટિયા ફિલ્મી ગીતો, જે તેના માટે માથાનો દુ:ખાવો હતાં તે નહોતા મુકાતા. આવા ગીતોમાં ન શબ્દોના ઠેકાણા, ન કોઈ મધુર કર્ણપ્રિય સંગીત. જુના જમાનાના ગીતો, જે આજે પણ સાંભળતા મન પ્રફુલ્લિત થઇ જાય તેના વીડિઓ આ ચેનલ પર જોવા મળતા હતા અને જ્યારે પણ રાતના ઘરે હોય ત્યારે અચૂક આ ચેનલ પર ગીતોનો વિડીઓ જોઇને થાક ઉતારી દેતો અને મનમાં પ્રસન્નતા અનુભવતો. ટી.વી. ચાલુ કરતાં જ ગીત સંભળાયું:

आजा के इन्तेजार में

जाने को है बहार भी

तेरे बगैर जिंदगी

दर्द बन के रह गई

 ગીત કાને પડતાં જ નમનને લાગ્યું કે આ ગીત જાને તેને માટે જ મુકાયું છે. તેના આ શબ્દો તેને કેટલા સચોટ લાગુ પડે છે. તેની હાલત પણ આ કલાકાર જેવી છે. તેમાંય જાણે બહારનું બોઝિલ વાતાવરણ તેની આ મન:સ્થિતિને સાથ આપતું ન હોય તેવું તેણે અનુભવ્યું. આવા વિચારમાંને વિચારમાં તે અતીતમાં ખોવાઈ ગયો અને આગળનું ગીત તેના ધ્યાનમાં જ ન રહ્યું.

કહેવાય છે કે પ્રેમલગ્ન એટલે બે યુવાન હૃદયોનો મનમેળ અને તે કારણે તેમનો જીવનરથ સરળતાથી ચાલે. નમનના લગ્ન પણ પ્રેમલગ્ન હતાં અને તે પણ આવા જ વિચારો ધરાવતો હતો એટલે રજની સાથે કોઈ કારણસર થોડો વિવાદ થયો અને રજની ઘર છોડીને ચાલી ગઈ ત્યારે તેને સમજાયું નહિ કે એક નાની બાબતને રજની આટલું મોટું સ્વરૂપ આપીને ગૃહત્યાગ કરી લેશે.  

તેને યાદ આવ્યું કે આજે આ બાબતને બે અઠવાડિયા થઇ ગયા હતા. શરૂઆતમાં તો તેનો મર્દ સ્વભાવ રજની સાથે કોઈ પણ વાત કરવા માનતો ન હતો. તેને હતું કે રજની નરમ પડી જશે અને પાછી આવી જશે. પણ તેની આ ધારણા ભૂલભરેલી હતી. ન રજની પાછી આવી ન તેના તરફથી કોઈ વાતચીતની પહેલ થઇ.

યુવાન દિલો કેટલો વખત આમ અલગ રહી શકે? પણ એક બાજુ પુરૂષત્વ આડે આવતું હતું તો બીજી બાજુ મન તેને તે ભૂલી પહેલ કરવા કહેતું હતું. હવે શું? ના અવઢવમાં તે પડી ગયો. તે સમયે તેને યાદ આવી કવિ હરીન્દ્ર દવેની કવિતાની બે પંક્તિ:

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ

ઝાંઝવા હોય કે હોય દરિયાવ, તરસતા જઈએ.

કોલેજકાળમાં તે અને રજની સાથે બેસી કાવ્યાસ્વાદ લેતા તેની યાદ તાજી થઇ ગઈ. થયું કે રજનીને ફોન કરીને કહે કે આજના આ વરસાદી માહોલમાં તેની યાદ સતાવે છે અને તેને કારણે તેની વિરહ વેદના ઓર વધી ગઈ છે. વીતેલા દિવસોની યાદ આવે છે અને કોલેજ સમયમાં સાથે બેસીને માણેલ કવિતા વાંચન સાંભરે છે. આજે ફરી તેમ કરવા મન થાય છે. તારી ગેરહાજરીમાં આ વિરહ અકલ્પનીય બની ગયો છે અને મારૂં હ્રદય ચચરાટ અનુભવે છે. તારા વિના હું કેમ ભીંજાઉં? કોની સાથે કવિતા પઠન કરૂ અને તેનો આનંદ લૂંટું? તું જો આવે તો આ બધું શક્ય છે.

પણ હજી તેનું મન તેને ફોન કરવા માટે તૈયાર ન હતું. પુરૂષ સ્વભાવ આડે આવતો હશે?

તેને વિચાર આવ્યો કે શું રજની પણ તે અનુભવે છે તેવું જ કાંઈક તે અનુભવતી હશે? પણ તે તો તેની સાથે વાત થાય ત્યારે ખબર પડે. હાલમાં તો ફક્ત અનુમાન કરીને મન મનાવવાનું છે. હવે એક જ ઉપાય છે. તેને વોટ્સએપ પર સંદેશો મોકલી જોઉં. તેનો કેવો પ્રતિભાવ આવે છે તેના પરથી રજનીના માનસની જાણકારી મળે.

કોઈ પણ સંબોધન વગર તેણે સંદેશો લખવા માંડ્યો.

ચાલ ફરી કોલેજકાળના દિવસો યાદ કરી સાથે બેસી કવિતાની લિજ્જત માણીએ.

થોડી થોડીવારે તે મોબાઈલ જોવા લાગ્યો કે રજનીએ તેનો સંદેશો વાંચ્યો કે નહિ. પણ તેની આશા ઠગારી નીવડી. રજનીએ તે સંદેશ વાંચ્યો હતો પણ કોઈ જવાબ નહોતો આપ્યો. તે સમજી ગયો કે રજનીના રીસામણાં હજી પૂરા થયા નથી. અંતે સમય વિતાવવા ફરી વાર તેણે ટી.વી. ચાલુ કર્યું અને તે જ વખતે સામે ફિલ્મ ‘ગાઈડ’નુ ગીત દેખાયું.

दिन ढल जाए हाये रात न जाये

तू तो न आये तेरी  याद सताये

નમનને થયું આજે કેમ તેના માનસિક પરિતાપમાં વધારો કરે એવા ગીતો જોવા મળે છે? તેણે ટી.વી. બંધ કર્યું અને મનને વાળવા કોઈ તો પ્રવૃત્તિ કરવી રહી માની તેણે હાથમાં રજનીની યાદમાં એક કવિતાનું પુસ્તક લીધું. તેને ખબર હતી કે તે જે પણ કાંઈ પણ વાંચશે તે તેના મગજ સુધી નહીં પહોંચે તો પણ કોઈ એક પાનું ખોલી વાંચવા લાગ્યો. એકાદ કવિતા વાંચી અને લાગ્યું કે આ પણ વ્યર્થ છે એટલે પુસ્તક બંધ કરી દીધું. હવે ન ટી.વી., ન પુસ્તક એટલે નવરો બેઠો નખ્ખોદ વાળે તેવો ઘાટ થયો. હજી પણ અહં આડે આવતો હતો એટલે રજનીને ફોન કરવાનો વિચાર જ ન કર્યો.

આ બાજુ રજનીને આજસુધી પણ પોતાનો અહં આડે આવતો હતો. પણ વરસાદી માહોલે તે પણ આજે અતિતમાં ખોવાઈ ગઈ. કોલેજકાળના કેવા મોજીલા દિવસો હતાં. ન કોઈ ચિંતા, ન કોઈ જવાબદારી. જ્યારથી કોલેજના પહેલા વર્ષે નમનને જોયો ત્યારથી તે તેની તરફ આકર્ષાઈ હતી અને તે કોઈ બીજી જ દુનિયામાં વસવા લાગી હતી. કોઈ પણ રીતે તેણે નમનનો મેળાપ કરી લીધો અને પોતાની એક તરફી લાગણીને વહાવવા લાગી. જો કે થોડા સમય પછી નમનને પણ જાણવા મળ્યું કે રજની પણ કવિતામાં રસ ધરાવે છે એટલે નમનનુ વલણ પણ બદલાઈ ગયું અને ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. છેલ્લા વર્ષે તો તે સંબંધ એટલો નિકટ બની રહ્યો કે લોકોએ ધાર્યું હતું તેમ તે સંબંધ Lifetime Achievement Award જેવો બની રહ્યો.

તો હવે તેમાં ખટાશ કેમ આવી? રજનીએ વિચાર્યું. ત્યાં જ તેના મોબાઈલ પર કોઈનો સંદેશ આવ્યાની જાણકારી મળી. જોયું તો નમન તરફથી કોઈ સંદેશ હતો. એક મિનિટ તો તેને નવાઈ લાગી કે નમન શું બધું ભૂલી મને સ્વીકારવા તૈયાર થઇ ગયો?

 આવેલો વોટ્સએપ સંદેશ તો વાંચ્યો પણ તેણે તરત જવાબ ન આપ્યો. જો કે સંદેશ વાંચી બહુ વિચારતા તેને લાગ્યું કે જે કારણસર તે નમનને છોડીને આવી છે તે આટલા સમય બાદ હવે તેને એવો કોઈ ગંભીર ન લાગ્યો. તો પછી હજી સુધી તેણે જ કેમ કોઈ પણ પહેલ કરી નહીં ? સ્ત્રી સ્વભાવ તો મૃદુ હોય છે. ખુલ્લા દિલે તે સામી વ્યક્તિને બધું ભૂલી આવકારી શકે છે તો તે આ બાબતે કેમ કાચી નીવડી?

તેને વિચાર આવ્યો કે શું નમન પણ આમ જ વિચારી અત્યાર સુધી મારા તરફથી કોઈ પગલાની આશા રાખતો હતો અને હવે નરમ બનીને આજે આ સંદેશ મોકલ્યો હશે?  

શું કરવુંના અવઢવમાં રજની પડી ગઈ. જવાબ આપવો કે નહીં અને આપવો તો તરત આપવો કે થોડા સમય પછી આપવો તેની તેને સમજ ન પડી અને કામમાં વ્યસ્ત થઇ ગઈ. તેને થયું કે જો નમન ખરેખર બધું ભૂલી ગયો હશે તો તે ફરી જરૂર સંદેશ મોકલશે અને ત્યારબાદ જ હું તેને યોગ્ય પ્રતિભાવ આપીશ.

આ બાજુ નમન પણ હવે પસ્તાવા લાગ્યો અને તેને થયું કે ચાલ જીવ મમત છોડ અને રજનીને ફોન કર અને આવવા કહે. જો કે તેને વધુ વિચારતા લાગ્યું કે ફોન કરવાને બદલે તે જાતે જ તેને ઘરે જઈને મનાવી લાવે તો સંબંધોમાં ફરી મીઠાશ આવવાની વધુ શક્યતા છે. ભલે મોડી રાત થઇ ગઈ છે પણ આમ કરવામાં કોઈ હરકત નથી માની તે તૈયાર થઇ ઘરેથી નીકળી ગયો.

રજનીના ઘરે બેલ વગાડતા રજનીના પપ્પાએ દરવાજો ખોલ્યો અને કહ્યું, ‘અરે, નમનકુમાર તમે? આટલી મોડી રાતે? કોઈ અજુગતું તો નથી બન્યુંને?’

‘ના પપ્પા, હું તો રજનીને લેવા આવ્યો છું.’

‘પણ એ તો તમારા ઘરે આવવા થોડીવાર પહેલા જ નીકળી ગઈ. તમને તે ન મળી?’

‘લાગે છે અમે એકબીજાને ક્રોસ કરી લીધા. પણ જો તે મારે ત્યાં જવાં નીકળી હોય તો હું અહી છું એટલે મારૂં ઘર બંધ છે. બંધ ઘર જોઇને તે પાછી આવશે તો વળી પાછો પ્રોબ્લેમ.’

‘એક મિનિટ ઊભા રહો. હું તેને ફોન કરીને પૂછી લઉં કે તે ક્યાં છે.’

'ફોન સ્પીકર પર રાખશો?’

 ‘હા.’

આ બાજુ રજની જ્યારે નમનના ઘરે પહોંચી ત્યારે ઘર બંધ જોઈ નવાઈ લાગી કે આટલી મોડી રાતે નમન ક્યાં ગયો હશે? કદાચ હોટેલમાં જમવા ગયો હોય. જો એમ હોય તો તે ક્યારે આવશે તેનો કોઈ અંદાજ ન હોવાથી વિચાર્યું કે બાજુના ફ્લેટમાં રહેતા રમાબેનને પૂછી લઉં. કદાચ તેમને કોઈ જાણકારી હોય.

રમાબેનના ફલેટની બેલ વગાડતા રમાબેને જ દરવાજો ખોલ્યો.

‘ઓહો રજનીબેન. આવોને. આટલી રાતે કોઈ ખાસ કામ?’

‘નમન ઘરમાં નથી તો તમને તેની કોઈ જાણકારી છે કે તે ક્યાં હશે?’

‘ના, મને ખબર નથી અને આમેય તે બહુ ઓછું ભળે છે એટલે અમને કહેવાનો સવાલ જ નથી. પણ તમે ઘરે ન હતાં?’ હકીકતથી અજાણ રમાબેને સવાલ કર્યો.

‘ના, હું થોડા દિવસ મારા પપ્પાને ઘરે ગઈ હતી અને હું આજે આવીશ તેવી જાણ નહોતી કરી એટલે કદાચ આમ બન્યું.’

‘આવોને, અંદર બેસોને. નમનભાઈ આવતાં જ હશે.’

‘ના હું તેને ફોન કરીને પૂછી લઈશ કે કેટલી વાર છે. જો વાર હોય તો હું પપ્પાને ઘરે પાછી જઈશ અને કાલે આવીશ.’   

ત્યાં જ રજનીનો ફોન વાગ્યો. ફોનમાં પપ્પાનું નામ વાંચ્યું એટલે ઉપાડીને પૂછ્યું કે કેમ ફોન કર્યો? તે ક્યાં છે એમ પપ્પાના સવાલના જવાબમાં તેણે કહ્યું કે તે તેના ઘરે આવી હતી પણ ઘર બંધ છે એટલે તે પાછી આવે છે.

આ સાંભળી પપ્પાના હાથમાંથી નમને ફોન લઇ લીધો અને કહ્યું, ‘ના, તું બાજુમાં રમાબેનને ઘરે બેસ. હું પંદર મિનિટમાં પહોંચું છું.’

‘નમન તું ત્યાં શું કરે છે?’

‘બધી વાત રૂબરૂમાં. બસ, ત્યાં જ રહેજે, હું આવું છુ.’

રજનીને લઈને નમન ઘરની અંદર ગયો. થોડી પળો માટે તો કોઈ કાંઈ ન બોલ્યું પણ પછી નમને જ પહેલ કરી.

‘કોઈ જાણ કર્યા વગર તું આવી? એક રીતે ગમ્યું કે તે પહેલ કરી અને સમાધાન તરફ ડગ ભર્યા.’

‘તો તે પણ શું કર્યું? મારી જેમ જ વર્તન કર્યું ને? એક ફોન કર્યો હોત તો તને જણાવતે કે હું જ આવું છું એટલે ધક્કો ન ખાતો.’

'તો તું પણ તેમ કરી શકી હોતને? જો કે મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી એટલે થયું કે ફોન કરી મનાવવાને બદલે રૂબરૂ જ જઈ તને પાછી લઇ આવું. અત્યાર સુધી મને મારો અહં આડો આવતો હતો પણ તેને કારણે આપણે બંને કેટલું સહન કરી રહ્યા છીએ તે સમજાયું એટલે થયું કે પહેલ તો મારે જ કરવી રહી.’

‘શું મને એટલી કઠોર સમજી હતી કે હું પહેલ ન કરી શકું? બહુ વિચારતા મને પણ લાગ્યું કે ગઈ ગુજરી ભૂલી જવામાં જ આપણું હિત છે. બસ, ઝટ નિર્ણય કર્યો અને નીકળી પડી. તને સરપ્રાઈઝ આપવી હતી એટલે ફોન ન કર્યો.’

 ‘આ જ દેખાડે છે કે હજી આપણા વિચારોમાં કેટલો મેળ છે. ચાલ, હવે સૌ સારૂં જેનો અંત સારો.’ 

ત્યાં જ આટલી મોડી રાતે પણ ક્યાંકથી ગીત સંભળાયું

हम बने तुम बने एक दूजे के लिये

કશું બોલ્યા વગર બંને એકબીજાના બાહુપાશમાં સમાઈ ગયા.

  

નિરંજન મહેતા