internal war books and stories free download online pdf in Gujarati

આંતરિક યુદ્ધ

વાર્તા:- આંતરિક યુદ્ધ
વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





સવારથી સ્નેહાનાં મનમાં પોતાની સાથે જ એક યુદ્ધ ચાલી રહ્યું હતું. એને સમજાતું ન હતું કે શું કરવું અને શું ન કરવું? આખરે આખા દિવસનાં મનોમંથનનાં અંતે એણે નિર્ણય કરી જ લીધો. મનોમન કશું નક્કી કરીને એ ફોન હાથમાં લઈ કોઈકને મેસેજ કરવા માંડી. તાત્કાલિક રીપ્લાય મળ્યો અને એ પણ એનાં પક્ષમાં એ વાંચીને એ મનોમન ખુશીથી નાચી ઉઠી. ત્યારબાદ થોડું કામ પતાવી એ સુઈ ગઈ.

બીજા દિવસે સવારે એ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ઊઠીને તૈયાર થઈ ગઈ. આજે એનો ઉત્સાહ સમાતો ન હતો. ફટાફટ રીક્ષા પકડી અને સીધી કૉલેજ પહોંચી ગઈ. પહેલાં તો એણે કૉલેજનાં દરવાજા પાસે જ ઊંડા શ્વાસ લીધાં. પછી અંદર ગઈ અને કૉલેજનાં પ્રિન્સિપલની ઓફિસની બહાર એને બોલાવે એની રાહ જોવા લાગી. માત્ર પાંચ મિનિટના વિરામ બાદ એને અંદર બોલાવવામાં આવી. બધી વાતચીત થઈ અને લગભગ અડધો કલાક પછી સ્નેહા બહાર આવી. હવે એનાં ચહેરા પર ખુશી બેવડાઈ ગઈ હતી. એને જે જોઈતું હતું એ મળી ગયું.

પોતાનું કૉલેજનું ભણતર પૂરું કરવાનું એનું સપનું પૂર્ણ થવા જઈ રહ્યું હતું. ફરીથી રીક્ષા કરી અને ઘરે આવી ગઈ. અઠવાડિયાની બિઝનેસ મિટિંગ પતાવી રાત્રે એનાં પતિ ઘરે આવવાના હતા. આથી એની ખુશીમાં વધુ એક ઉમેરો થયો. આ સ્નેહા એટલે શહેરનાં એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને શ્રીમંત વ્યક્તિ એવા દોલતચંદની દીકરી. આ સિવાય એમને સંતાનોમાં બે દીકરા. બંને દીકરાઓને એમણે ખૂબ ભણાવ્યા. એક સી. એ. થયો હતો અને બીજો એમ. બી. એ. બંને દીકરાઓ ભણતર પૂર્ણ કર્યા બાદ પિતા સાથે જ ધંધામાં જોડાઈ ગયા હતા.

બીજી બાજુ એમની દીકરી સ્નેહાનું સપનું હતું કે એ ગુજરાતી ભાષા સાથે પી. એચ. ડી. કરી કૉલેજમાં ગુજરાતી ભાષાની અધ્યાપિકા બને. પરંતુ એનાં પિતા એને વધારે ભણાવવા માટે તૈયાર ન હતા. એમનું માનવું હતું કે દીકરીને બહુ ભણાવવાનું નહીં. કૉલેજમાં જઈને પ્રેમનાં ચક્કરમાં પડી ખાનદાનનું નામ બોળે. આથી સ્નેહાનું બારમું ધોરણ પત્યું ને તરત જ એને માટે સારુ ઘર શોધવા માંડ્યું, અને ખૂબ ન ટૂંકા સમયમાં એમને જોઈતું હતું એવું ઘર મળી પણ ગયું.

રાજ એનાં માતા પિતાનો એકમાત્ર દીકરો હતો. એની એક મોટી બહેન પણ હતી. પરંતુ એક અકસ્માતમાં મૃત્યુ પામી હતી. આમ તો રાજ અને સ્નેહા વચ્ચે ઉંમરનો તફાવત ખાસો મોટો, આઠ વર્ષનો, હતો. છતાં પણ ખૂબ જ ઓછાં સમયમાં બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા માંડ્યા. એમનો સંસાર ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો. સ્નેહાનાં સાસુ સસરા પણ સરસ સ્વભાવનાં હતાં. સ્નેહાને પિયર યાદ જ ન આવે એટલાં પ્રેમથી એને રાખતાં હતાં. સમય જતાં સ્નેહા એક દીકરો અને એક દીકરી એમ બે જોડિયા બાળકોની માતા બની. હવે બંને સ્કૂલે જવા માંડ્યા હતાં.

છતાં પણ સ્નેહાનાં મનનાં એક ખૂણે એની પી. એચ. ડી. કરવાની ઈચ્છા જીવંત હતી. એવામાં એક દિવસ અચાનક જ રાજે એને કહ્યું, "સ્નેહા, તને કોઈ દિવસ એવી ઈચ્છા નથી થતી કે હું પણ ઘણું બધું ભણું? હું પણ કંઈક બનું?" અને સ્નેહા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પછી એણે રાજને બધી વાત કરી. બીજા દિવસે રાજે બિઝનેસ મિટિંગ માટે અમેરિકા જવાનું હોવાથી વધારે વાત કરી શક્યા નહીં.

અમેરિકા પહોંચ્યા બાદ રાજે ત્યાંથી ફોન કરીને સ્નેહા સાથે ગઈકાલની વાત આગળ વધારતાં કહ્યું, "સ્નેહા, હજુ પણ મોડું નથી થયું. મમ્મી પપ્પા પણ ના નહીં પાડે. તુ તારી ઈચ્છા પૂરી કર. કાલે જ જઈને કૉલેજમાં મળી આવ." સ્નેહાને તો સમજાતું ન હતું કે શું કરવું? એકબાજુ એનું અધૂરું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું, તો બીજી બાજુ ઘર અને બાળકોની જવાબદારી હતી. આમ વિચારવામાં ને વિચારવામાં જ એણે પાંચ દિવસ પસાર કરી નાંખ્યાં. પછી પાંચમા દિવસે રાજે ફરીથી એ જ વાત ફરીથી કરી ત્યારે એણે આગળ ભણવાનો નિર્ણય કરી લીધો. અને પચજી એણે એડમિશન મળી જશે એ વાતની ખાતરી પણ કરી લીધી.

રાજ અમેરિકાથી આવ્યો અને બીજા દિવસે એ બંનેએ સ્નેહાનાં ભણતર અંગેની વાત ઘરમાં કરી. આ સાંભળી સૌ કોઈ ખુશ થઈ ગયા. કોઈને સ્નેહા ભણે એનાથી આપત્તિ ન્હોતી. અંતે સ્નેહા પી. એચ. ડી. કરી ગુજરાતી ભાષાની પ્રોફેસર બની ગઈ. એનાં બાળકો એનાં સાસુ સસરાએ ખૂબ સારી રીતે સાચવ્યા, અને સતત ધ્યાન રાખ્યું કે સ્નેહાને ભણતરમાં ક્યાંય અડચણ ઊભી ન થાય.

સ્નેહાનાં સાસરે અપાર સંપત્તિ હતી, પણ એનું અભિમાન ન્હોતું. આ ઉપરાંત, ઘરની સ્ત્રીઓ ઘરમાં જ પુરાઈ રહે એવી માન્યતામાં એઓ માનતા ન હતાં. આથી જ સ્નેહાને ભણવામાં શક્ય એટલી તમામ મદદ કરી, અને પૈસાની ઘરમાં કોઈ જરૂરિયાત ન હોવાં છતાં સ્નેહાને નોકરી કરવાની મંજૂરી આપી કે જેથી કરીને એ પોતાનું સપનું પૂરું કરી શકે. આટલું જ નહીં, સ્નેહા અને એનો પરિવાર ભેગો થઈને ઘરનાં જ એક ઓરડામાં ટયુશન ક્લાસ ચલાવે છે, જેમાં બાળકો પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. ઉપરાંત, એવા બાળકો કે જેઓ ભણવા માંગે છે પરંતુ આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ભણી શકતાં નથી, એમનો ખર્ચો સ્નેહા પોતાનાં પગારમાંથી ઉઠાવે છે. આમાં પણ એનાં ઘરનાં સભ્યોનો એને સારો સહકાર મળે છે.

ખરેખર, એક સ્ત્રીને જો સમજદાર પરિવાર મળે તો એ પોતાનાં સપનાંઓ પણ પૂરાં કરી શકે છે અને ફરિયાદ વિનાનું જીવન પણ જીવી શકે છે.



આભાર.

સ્નેહલ જાની

બીજા રસપ્રદ વિકલ્પો