યાર તારી યારી... NISARG દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાર તારી યારી...

વહેલી સવારે પાંચ વાગે અંધારામાં ફ્લેટની ડોરબેલ વાગી. રાત્રે મોડે સુધી ચિંતાઓમાં પડખાં ઘસીને માંડ નિંદરમાં પોઢેલા અરવિંદના કાને અવાજ અથડાયો. તેની આંખ ઉઘડી. પરંતુ પથારીમાંથી ઉઠવાનું મન ન થતાં તે આંખો બંધ કરીને પડ્યો રહ્યો.
ફરીથી ઘંટડી વાગી. બંધ આંખે જ તેણે, બાજુમાં સૂતેલી પત્નીને હૂકમ કર્યો, "જો જે લ્યા, કોણ છે હવારહવારમાં.?"
પતિના એક જ અવાજે પત્ની પથારીમાંથી બેઠી થઈને દરવાજો ખોલવા ગઈ.
"ભાભી..! ચ્યોં જ્યો અરવિંદ..?" દરવાજો ખૂલતાં જ સામે ઊભેલા એક ગામડીયા જેવા માણસે પ્રશ્ન કર્યો.
"ઓહો હો.. કિશનભાઈ તમે..? આટલા વ્હેલાં અહીંયાં..?" આવનાર માણસને ઓળખી જતાં નવાઈ સાથે મનિષાએ સામો પ્રશ્ન કર્યો. અને અંદર આવવા આગ્રહ કર્યો.
"હોવે ભાભી... મું જ સું... કોંમ જ એઉં હતું તે વેલ્લાં આબ્બું પડ્યું..." કિશને ઘરમાં આવતાં કહ્યું, "તાણ અરવિંદ ચ્યોં જ્યો..?"
"એ ઊંઘ્યા..." કહીને મનિષા પાણીનો ગ્લાસ ભરી લાવી.
"ઝટ જગાડજો ઈંને.. મારે આ ના આ જ પગે પાસા જઉં પડે ઈંમ સે ભાભી..!" પાણી પીને ગ્લાસ મનિષાના હાથમાં આપતાં કિશને કહ્યું.
એની ઉતાવળ જોતાં મનિષાએ વધારે કંઈ પૂછ્યું નહિં. અને "એવું તે શું કામ હશે..?" એમ મનમાં વિચારતી તે પતિને જગાડવા અંદરના રૂમમાં ગઈ.
"સાંભળો છો ગુડ્ડીના પપ્પા..! આ કિશનભાઈ...-"
"હોંભળ્યું ભઈ..!" મનિષાની વાતને વચ્ચેથી જ કાપતાં અરવિંદ બોલ્યો, "ઉઠું છું.. થોડી શાંતિ રાખને ભઈ...!"
પથારીમાં જાગતા પડેલા અરવિંદે બહારનો સંવાદ સાંભળી લીધો હતો. કિશનનું નામ સાંભળતાં જ તેને ચિડ ચડી હતી. એટલે "હવારહવારમાં ક્યાંથી ટપકી પડ્યો શીખબર..?" એમ હળવેથી બબડતો તે પરાણે પથારીમાંથી બેઠો થયો.
"કંઈક જરૂરી કામ હશે.. એટલે જ તો આટલા વેલ્લાં આયા હશે ને..!" મનિષા હળવેથી બોલી.
"ખબર જ છે, એનું કામ.. પૈસા લેવા જ આયો હશે ભઈ..! એક તો આ લોકડાઉનમાં મોંડ પૂરું થાય છે.. અને ઉપરથી આવા ને આવા હેંડ્યા આવે... જીવી રયા હવે તો..!" કહીને મોં બગાડતો તે બાથરૂમમાં ગયો.
મનિષા બેઠકખંડમાં આવી. અને કિશનને "એ બ્રશ કરીને આવે હોં.. તમે થોડીવાર બેસો ભઈ... ત્યાં સુધી હું ચા-નાસ્તો બનાવી દઉં.." એટલું કહીને ઝડપથી રસોડામાં ચાલી ગઈ.
"હે ભગવોન.. આ તે ચ્યેવી આફત મોકલી સે તેં..! કોંમધંધા બધુંયે બંદ થઈ જ્યું સે.. પૈસા વગર મોંણહને જીબ્બુ જ ચ્યેવી રીતે ભગવોન..? હવે તો ખમૈયા કર મારા વાલા..!" એમ મનમાં બબડતો કિશન સોફામાં બેસીને અરવિંદની રાહ જોવા લાગ્યો.
* * * * *
કિશન અને અરવિંદ બાળપણથી જ મિત્રો હતા. ગામડાની સ્કુલમાં દસ ધોરણ સુધી સાથે ભણ્યા પછી કિશન શહેરમાં ભણવા ગયો. ગ્રેજ્યુએટ થયા પછી આગળ ભણવાનું શક્ય ન બનતાં તેણે એક ફેક્ટરીમાં નોકરી મેળવી લીધી. કિશને ગામડામાં પોતાની ખેતી સંભાળી લીધી.
વખત જતાં વાર ન લાગી. બન્નેનાં લગ્ન થઈ ગયાં. બન્નેના ઘરે પારણાં પણ બંધાઈ ગયાં. અરવિંદ પોતાની ધગશ અને કામથી સારા પગારનો હક્કદાર તો બની ગયો, પરંતુ હૈયાની ઉદારતા ગૂમાવતો ગયો. તેણે શહેરમાં પોતાનો ફ્લેટ પણ લીધો. માતાપિતા તો વહેલાં જ સ્વર્ગવાસી થઈ ગયાં હતાં. પરિવારમાં બે માણસ પોતે અને નાનાં બે બાળકો સાથે ખૂબ સુખેથી જીવન વિતવા લાગ્યું.
બીજી બાજુ ગામડામાં કિશન પણ પત્ની, બે બાળકો અને માતાપિતા સાથે શાંતિથી જીવાય તેટલું ખેતીમાંથી કમાઈ લેતો હતો.
એકવાર કિશનના પિતાજીને ભયંકર દવાખાનું આવ્યું. દવાઓ અને સારવારમાં ઘણો ખર્ચ થઈ ગયો. અરવિંદે આર્થિક મદદ પણ કરેલી. પરંતુ ટૂકડે ટૂકડે પાંચ વર્ષે માંડ એ રકમ પરત મળતાં તેનો જીવ કચવાયો હતો. તેથી જ્યારે પણ કિશન તેના ઘરે આવતો ત્યારે અરવિંદના હૈયે ફાળ પડતી. જો કે કિશને અઢળક મજૂરી કરીને પોતાની સ્થિતિ સુધારી લીધી હતી. તેથી ફરીથી હાથ લંબાવવાનો વારો આવ્યો જ નહોતો.
પરંતુ સમય ફર્યો. વિશ્વ આખું કોરોના મહામારીના ભરડામાં સપડાઈ ગયું. તેમાંયે લોકડાઉને તો લોકોના જીવનને દોજખ જેવું બનાવી દીધું. નોકરીધંધા છૂટવા લાગ્યા. અરવિંદની ફેક્ટરીમાંથી અડધા ઉપરનો સ્ટાફ છૂટો કરી દેવામાં આવ્યો. જે બાકી રહ્યા તેમના પગારમાં પણ કાપ મૂકવામાં આવ્યો. જેમાં અરવિંદ પણ હતો.
આવક ઘટી ગઈ. મોજથી જીવવા ટેવાયેલો અરવિંદનો પરિવાર મુશ્કેલીમાં મૂકાયો. લોકડાઉન ખતમ થવાનાં કોઈ એંધાણ નહોતાં દેખાતાં. ચિંતાઓમાં ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી. પરિણામે અરવિંદ ખૂબ જ ચિડચિડિયો બની ગયો હતો.
ઓછામાં પૂરતું આજે કિશન આવી ચડ્યો. વહેલી સવારે તેનું આવવું એ અરવિંદ માટે ચિંતામાં વધારો કરનારું હતું. આ કોરોનાકાળમાં પોતાનું જ પરાણે પૂરું થતું હતું, ત્યાં કિશન પૈસા માંગવા આવ્યો હશે તો, એવું વિચારતો તે મોંઢું બગાડીને પથારીમાંથી માંડ ઊભો થઈને બ્રશ કરવા ગયો.
* * * * *
"ઓહો.. કિશન..! કેમ ભઈ, મજામોં ને..?" બ્રશ કરીને બેઠકખંડમાં આવતાં અરવિંદે કૃત્રિમ હરખ દેખાડતાં કહ્યું.
"હઓઓ.. મજામોં સું હોં અરવિન.. તું ચ્યમ સે એ કે' દોસ્ત..?" સોફામાંથી ઊભા થઈને ઉમળકાભેર હાથ મિલાવતાં કિશને કહ્યું.
"ચાલ્યે જાય છે ગાડું... આ કોરોનાએ તો હાલત બગાડી નોંખી હોં ભઈ... શે'રમોં તો કાઠું કામ છે યાર..." અરવિદે પાણી પહેલાં પાળ બાંધવા માંડી હતી.
"હાચી વાત સે હોં ઈયાર..! ગોંમડામોંયે પથારી ફેરવઈ જ જઈ સે..." કિશને ચિંતા વ્યક્ત કરી.
બન્ને જણાએ થોડી વાતો કરી ત્યાં તો મનિષા ચા-નાસ્તો લઈને આવી. અને બધું ટીપોઈ પર મૂકીને કપમાં ચા કાઢવા લાગી.
"બસ બસ બસ ભાભી.." મનિષાને મનાઈ કરતાં કિશન બોલી પડ્યો, "મને તો થોડી જ ચા આલજો હોં..! અન આ નાસ્તો ને ફાસ્તો ચ્યોં લાબ્બાનો હતો ભાભી..? મારે નેકળવું પડસે ઝટ... પસીં મોડા પોલીસ જવા નહીં દેતી ન પાસી..!"
"એંમ થોડું જવાતું હશે ભાઈ..? બપોરે જમીને પછી શાંતિથી જજો..." મનિષાએ આગ્રહ કર્યો.
"તાણ હેં કિશન.. આમ ચડ્યા ઘોડે તે અવાતું હશે ભઈ..?" અરવિંદ પરાણે બોલ્યો, "પેલોં એ તો કહે કે આટલો વ્હેલ્લો ક્યાંથી ભૂલો પડ્યો..?"
"ભૂલો તો કોંય નહીં પડ્યો ઈયાર.. પણ આબ્બૂ પડે ઈંમ હતું, એટલ આયો સું ભઈ..." રકાબીમાંથી ચા નો છેલ્લો ઘૂંટડો ખાલી કરતાં કિશને કહ્યું. રકાબી ટીપોઈ પર મૂકી. પછી ગજવામાંથી રૂપિયાનું બંડલ કાઢીને અરવિંદના હાથમાં મૂકતાં હળવેથી કહ્યું, "લે દોસ્ત.. આ કપરા કાળમોં તારે બઉ કોંમ લાગસે... અન હોંભળ, બે દા'ડા પસીં દૂદના ટેંકરવાળા હંગાથે ઘઉંની બે બોરીઓ મોકલી દયો. બીજી કોંય જરૂર હોય તો શરમાતો નઈં પાસો..!"
કિશનની આ હરકતથી અરવિંદ તો અવાક્ જ થઈ ગયો. પોતે એના વિશે કેવું વિચારીને બેઠો હતો..! એને સરખો આવકાર પણ ન આપ્યો. રાજીપાનો ખોટો દેખાડો કરતો રહ્યો. જ્યારે કિશન તો સાવ જુદી જ માટીનો નિકળ્યો.
તે કંઈ બોલે ત્યાં તો નીચે બાઈકનો હૉર્ન વાગ્યો.
"લે તાણ, મું જઉં હવે.. પેલો જુગલ રોજ શે'રમોં દૂદ આલવા આવ સ ન.. ઈંના હંગાથ મોંડ મેળ પાડ્યો'તો આબ્બાનો.. એ જતો રે'સે તો મું પાસો ઓંયકણીયોં હલવઈ જ્યોય... લે તાણ, હાચવજે હોં... આવજે ભઈ...!" એટલું કહીને કિશન નીકળી ગયો.
બહાર હજુપણ અંધારું હતું. મનિષા ફ્લેટનો દરવાજો બંધ કરી આવી. અને અરવિંદ આંખમાં ધસી આવેલાં પશ્ચાતાપનાં આંસુભરી નજરે, પોતાના હાથમાં રહેલા રૂપિયાના બંડલને તાકી રહ્યો હતો.
**************
- "નિસર્ગ" 🍁🍁🍁