મને હજુય યાદ છે તે દિવસ જે દિવસે હું બાપૂજી(પપ્પા) માટે ચા લઈને ગયો હતો અને બાપુજીએ દુકાનમાં ચા પીતાં-પીતાં કહ્યું કે હતું, “બેટા સાતમું તો પૂરું હવે આઠમાં માટે હોસ્ટેલમાં જવું કે? મેં તરત જ હળવેથી માથું હલાવ્યું. બાપુજીને પણ ખબર હતી કે હું નાં નહિ પાડું, કારણ કે જવાનો નિર્ણય પહેલા થી મારો જ હતો. શાળાનાં એક શિક્ષક દ્વારા બાપુજીને આની જાણ થયેલી.
તો પછી જા, પણ એક વાત યાદ રાખજે કે હોસ્ટેલનાં નિયમ પ્રમાણે કામ કરવું પડશે, અહીં ની જેમ ત્યાં નહિ ચાલે હો!' બાપુજીએ કહ્યું'.
'હા કરીશ એમાં શું?' મેં કહ્યું.
બાપુજીએ વ્યવસ્થા કરી આપી અને હું સુરત ભણવા આવતો રહ્યો. જતા સમયે વિચાર્યું હતું કે રજા માં તો ઘરે આવવાનું છે ને!
પરંતુ કદાચ આ મારો ખોટો વિચાર હતો. ગામનાં મોટા ભાગના લોકો પાસે પોતાના વાહનો આવી ગયા હતા, જેથી મોટા ભાગની ખરીદી તેઓ બાજુના શહેર માંથી કરી આવતા આથી બાપૂજીની દુકાન બંધ થઈ જવાને આરે હતી. આ ઉપરાંત વરસાદ આછો પડવાના લીધે પીવાનાં પાણીની પણ મુશ્કેલી વેઠવી પડતી, ખેતી કરવાની વાત જ દૂર રહી. આમ ઘરના બધાં સભ્યોએ નિર્ણય લીધો કે હવે શહેરમાં જઈ કંઈક નવું કામ શરૂ કરીએ. આમ અમે સુરતમાં સ્થાયી થયા. હવે તો કુટુંબનાં અને અન્ય નાનાં-મોટાં કામ બાપુજી એકલાં ગામડે જઈને પતાવી દેતાં. આમ ગામડેથી મારો સંપર્ક તૂટ્યો.
આઠ વર્ષો વીત્યાં. મારું ગ્રેજ્યુશન પૂરું થયું. ઉચ્ચ અભ્યાસ માટે મારે કેટલાંક સરકારી દસ્તાવેજોની જરૂર પડી હોવાથી મારે ગામડે જવાનું નક્કી થયું. મનમાં આનંદ પણ હતો કે ચાલો ઘણા વર્ષે પણ ગામડે જવાનું થયું તો ખરું!
બાપુજીને પણ ગામડે થોડું કામ હોવાથી મારી સાથે આવવાનું નક્કી થાય છે. રાત્રે નવ વાગ્યે બસ ઉપાડતાની સાથે જ મારાં મનમાં ગામનાં કેટલાક સ્મરણો તાજા થયા. વહેલી સવારે બસ મારાં ગામથી પાંચ-સાત કિલોમીટર દૂર અમને ઉતારે છે.
'કાકા લેવાં આવવાનાં કે?' મેં કહ્યું. ' હા મેં કાકાને ટ્રૅક્ટર લઈને આવવાનું કહ્યું હતું, મને ખબર જ હતી કે બસ વેહલા પહોંચી જશે.' બાપૂજીએ કહ્યું.
'મને એમ કે દૂધનો ટેમ્પો આવતો હશે તેમાં બેસું જઈશું, સારું છે કાકા લેવાં આવેશે તો!' મેં કહ્યું. કાકા લેવાં માટે આવી ગયાં. અમે સામાન ટ્રેક્ટરમાં ચડાવ્યો અને અમે ગામ તરફ ચાલી નીકળ્યા.
ગામનો તો આખો નકશો બદલાય ગયો હતો. ગામની શરુઆત આવેલા પહેલાનાં જૂના ઘરો મોટા ભાગે ધ્વસ્ત થઈ ગયા હતાં અને થોડા ઘણાં ધ્વસ્ત થવાની હાલતમાં હતા. ટ્રૅક્ટર થોડે દૂર ચાલ્યું ત્યાં એક મેદાન આવ્યું જેમાં ગામનાં રેઢિયાર પશુ બેઠાં હતાં.
મેં તરત જ કાકાને પૂછ્યું,' આ મેદાન કેમ ખાલી પડ્યું છે? ગામનાં છોકરાંઓ એ રમવા નવું મેદાન બનાવ્યું કે?
'નાં રે નાં બેટા! હવે ક્યાં કોઈને રમવાની નવરાઈ છે.' કાકાએ કહ્યું.
'છોકરાઓને વળી શું કામ હોય?' મેં કહ્યું.
'અરે બેટા મોબાઈલ આવ્યાં પછી કોઈને ક્યાં નવરાઈ મળે છે, આખો દિવસ પણ ટૂંકો પડે છે. મોબાઈલમાં તો વળી એવું શું આવતું હશે? એ જ નથી સમજાતું.' કાકાએ કહ્યું.
'પણ ગામમાં તો નક્કી થયું હતું ને કે બધાં છોકરાઓને ૪:૦૦ વાગ્યેથી ૭:૦૦ વાગ્યા સુધી ફરજિયાત રમવું?' મેં કહ્યું.
'એ તમે નાના હતાં ત્યારે ચાલ્યું હવે રહ્યું નથી. નિયમ બન્યા પછી ૩-૪ વર્ષો સુધી ચાલ્યું હવે તો નિયમ બનાવવાં વાળો ગવો પોતે ૧૦-૧૨ કલાક મોબાઇલમાં મથ્યા કરે છે'. કાકાએ કહ્યું.
ગવો મારો નાનપણનો પાક્કો મિત્ર, પરંતુ ગામમાંથી સ્થળાતરિત થયાં બાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. એકાદ વાર સોશિયલ મીડિયા પર સંપર્ક થયો પરંતુ તેમાં કંઈ ખાસી વાત ન થઈ.
વર્ષો વીત્યાં બાદ માણસો પણ કેવા બદલાય જાય છે એક સમયે રમવા માટે ગાંડો કેહવાતો છોકરો આજે ૧૦-૧૨ કલાક મોબાઇલમાં મથ્યા કરે છે, કેવી નવાઈની વાત કહેવાય!
ગામમાં જ્યારે જ્યારે રમવાની વાત થાય ત્યારે ભાગ્યે જ એવું થતું કે ગવાની 'ટીવી નો છેડો' વાળી વાત ન થાય. વાત કંઈક એવી છે કે,
"ગીરના જંગલોની હરિયાળી ધરતી પર મારું ગામ આવેલું છે. વર્ષ ૨૦૦૯-૧૦ ની વાત આ સમયે ગામના મોટાભાગના લોકો પાસે ટીવી આવી ગયેલા. બાળકો મોટાભાગે ટી.વી.માં વ્યસ્ત રહેતા હતા, સિવાય ગામનો એક છોકરો એટલે કે ગવો.
ગવાને ટીવી જોવા કરતા તો રમવાનો રસ વધારે. ગવાનું ઘર ગામની શેરી શરૂ થતી ત્યાં જ આવતું અને હાલમાં પણ તે ત્યાં જ રહે છે.
આ સમયે સેટઅપ બોક્સ ની વ્યવસ્થા ન હતી. સેટઅપ બોક્સની જગ્યાએ બધાનું કનેક્શન એક જ તારમાંથી આપવામાં આવતો હતું. આ તારનાં કનેકશનને અમે ટી.વી.નાં છેડા તરીકે ઓળખતાં અને તેના માધ્યમથી ટીવીમાં વિવિધ કાર્યક્રમો પ્રસારિત થતા હતા.
હવે બનતું એવું કે બધાં છોકરાં શાળાએથી આવી સીધા ટીવી સામે ગોઠવાય જતાં. જેમની ઘરે ટીવી ન હતા તેઓ પણ પોતાનાં આડોશ-પડોશનાં મિત્રોનાં ઘરે ટીવી જોવા બેસી જતાં. મારાં ઘરે પણ ટીવી આવી ગયું હતું તેથી હું પોતે પણ મારી બહેન સાથે ટીવી સામે ગોઠવાય જતો.
આમ ટીવીમાં બધાં છોકરાં વ્યસ્ત હોવાથી ગવાને સાથે રમવા વાળું કઈ ન મળતું, આમ છતાં પણ ગવો તો એકલો એકલો રમ્યા કરતો પરંતું એકલા-એકલા તો કંટાળો આવતો. ક્યારેક ક્યારેક મને અને બીજાં છોકરાઓને ગવો પરાણે રમવા લઈ જતો.
એક દિવસ ગવાએ જોયું કે ટીવી ના કેબલ રિપેર કરવાવાળા કાકા તેમના ઘરે આવ્યા હતા. તે તેમના ઘરના છત ઉપર આવેલા છેડાઓ સાથે કંઈક મથામણ કરી રહ્યા હતા.
ગવાએ તે કાકાને ત્યાં જઈને પૂછ્યું, ' તમે આ શું કરી રહ્યાં છો.'
કેબલવાળા કાકા નો થોડો વતુડિયો સ્વભાવ આથી તેમને ગવાને સમગ્ર બાબત વિસ્તારથી જણાવી
'જો હું આ કેબલ કાઢી લઉં તો શું થાય?' ગવાએ તરત જ કેબલવાળા કાકાને સવાલ કર્યો. ગવાની આ નિર્દોષ વાત સાંભળીને કેબલવાળા કાકાએ કહ્યું 'અરે બેટા! આ કઢાય નહિ, અહીંયાથી જ તમારા શેરીનાં બધાનું કનેક્શન આપેલું છે. જો તું એ ખેંચી લે તો બધાની ટીવીમાં એક પણ કાર્યક્રમ પ્રસારિત થશે નહિ.'
ગવાએ તો હવે મનમાં એક ગાંઠ બાંધી લીધી કે જો બધાને રમવા લઈ જવા હોય તો આ છેડો ખેંચી લેવાનો જેથી બધાની ટીવીમાં એક પણ કાર્યક્રમ પ્રસારિત ન થાય અને બધાં નવરા પડે તેથી મારી સાથે રમવા માટે આવે.
ગવાને ને તો જાણે રામબાણ મળી ગયું. તે દરરોજ શાળાએથી બધાથી વહેલો ઘરે આવી સીધો છત પર ચડી કેબલનો છેડો કાઢી લે અને સાત વાગે ઘરે આવી ફરી કેબલનો છેડો નાખી દે. ગામનાં બધાં છોકરાં પણ નવરા પડતાં હોવાથી જાણે-પરાણે ગવા સાથે રમવા જતાં.
આવું હવે સતત ચાલવા માંડ્યું. ગવાને તો મજા પડવા મંડી કારણ કે હવે તો તેના બધા મિત્રો તેની સાથે રમવા આવતા હતા. આમ છોકરો દરરોજ ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી કેબલ કાઢી લેતો.
પરતું કહે છે ને કે સત્ય ક્યારે છુપું રહેતું નથી એમ એક દિવસ લોકોને થયું કે દરરોજ આવું કેમ થતું હશે? તેઓએ કેબલ વાળાને ફરિયાદ કરી કે દરરોજ સાંજે ચાર વાગ્યાથી સાતના સમયમાં જ કેમ પ્રસારણ થતું નથી.
કેબલવાળા કાકાએ બધાં કેબલના તાર તપાસ્યા પરંતુ તેને કંઈ ખામી જણાઈ નહિ. તેને થયું કે કદાચ આ કોઈની મસ્તી હશે. તેને યાદ આવ્યું કે આપણા બધા કનેક્શન ગવાના ઘર પરથી છે અને ગવાએ એકવાર તેની સાથે આ બાબતે ચર્ચા પણ કરી હતી.
આમ છતાં પણ તેઓએ ગવાને સીધું કંઈ કહ્યું નહીં. તે આ બધું ગાવો જ કરે છે તે જોવા માટે રોકાયા. સાંજે ચાર વાગતા જ ગવો શાળાએથી આવીને સીધો જ ટીવી નો છેડો કાઢવા જાય છે.
કેબલવાળા કાકા તેને આમ કરતાં પકડી લે છે અને કહે છે,' તો તુ જ દરરોજ આવું કરે છે એમ ને!'
' હા કરવું જ પડે ને, જો હું આવું નાં કરું તો મારી સાથે કોઈ રમવા જ નથી આવતું' ગવાએ તો એકદમ નિખાલાસ પણે કહ્યું.
કેવલવાળા કાકા ગવાની આ રમત પ્રત્યેની લગનથી ખરેખર પ્રભાવિત થઈ ગયા, આથી કેબલ વાળા ભાઈએ ગામના સરપંચને આ વાત કરી.
સરપંચ પણ ગવાની ની ખેલ પ્રત્યેની આ ભાવનાને જાણી ખુશ થઈ ગયા. તેમણે તરત જ તેમનાં એક દીકરાને બોલાવી કહ્યું કે 'આજે સાંજે ગામનાં દરેક વ્યક્તિ માટે મેં એક સભા બોલાવી છે તો દરેકને તેમાં આવવાનું આમંત્રણ આપી આવ.'
સાંજે ગામનાં દરેક લોકો ભેગાં થાય છે. સરપંચે દરેકને ગાવાની આ સમગ્ર ઘટના અંગે વાત સંભળાવી અને કહ્યું કે ' જાણે અજાણે આ બાળકે આપણી આંખ ખોલી છે. રમવું તો દરેક બાળકનો અધિકાર છે અને જો બાળકો રમશે નહીં તો તેમનો શારીરિક અને માનસિક વિકાસ નહીં થાય. ટીવી આવ્યાં બાદ આપણા બાળકો તો જાણે રમવાનું ભૂલી જ ગયા છે. આપણે પણ આ વાત ધ્યાનમાં લેવી જોઇએ, નહિતર બાળકો ચાર દિવાલ વચ્ચે બેઠાં રહેશે. તેમનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય જશે. આથી આપણે એક નિયમ બનાવીએ કે હવે દરેક બાળકોએ સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી ફરજિયાત પ્રમાણે રમવાનું. રમવા માટેના સાધનોની વ્યવસ્થા પણ હું કરી આપીશ અને ગામનાં જે મેદાનમાં બાળકો રમે છે તેને કાયમ માટે બાળકોનાં રમતનાં મેદાન માટે જ ઉપયોગ કરવામાં આવશે.'
આમ સરપંચની વાત ગામના સૌ લોકો માને છે અને સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી ગામનાં દરેક છોકરાંઓને ફરજિયાત રમવા જવાનું એમ નક્કી થાય છે. આ ઉપરાંત રોજ આ સમયે કેબલ કનેક્શન પણ કાપી લેવામાં આવતું જેથી કોઈ ટીવી સામે બેઠાં નાં રહે."
ખરેખર આજે પણ આ નિયમ પ્રચલિત હોત તો કેવું સારું હતું, પરંતું મોબાઇલમાં મથી રહેલા આજનાં બાળકો ને શું ખબર હશે કે બહાર જઈને કેટલી રમતો રમી શકાય અને આ રમતોનું જીવનમાં કેટલું મહત્વ છે? માતા-પિતાઓને પણ આ બાબતે વિચારવા જેવું રહ્યું હતું. કદાચ આજે પણ ટી.વી.નાં છેડા જેવો મોબાઈલનો કોઈ છેડો આવતો હોત, અને તેને ખેંચી કોઈ બીજો ગવો ઊભો થઈ બાળકોને રમવા ખેંચી જાત. આ વિચાર સાથે હું મારાં જુનાં ઘરે પહોંચ્યો.