જલપરી ની પ્રેમ કહાની - 29 Bhumika Gadhvi अद्रिका દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલપરી ની પ્રેમ કહાની - 29

મુકુલ એક તરફ પોતાના મમ્મી પપ્પા ની ચિંતા માં વ્યાકુળ છે તો બીજી તરફ થોડી જ ક્ષણો પહેલાં મીનાક્ષી સાથે અજાણતા તેનાથી જે કંઈ વર્તન થયું તેના થી એ શરમિંદા છે. એક અજીબ કશ્મકશ માં મુકાઈ ગયો છે મુકુલ.


મીનાક્ષી કુતૂહલતા થી મુકુલને નિહાળી રહી છે. આખરે મુકુલે મૌન ને ભેદયું, થોડા સમય પહેલા આપના પિતા મહારાજ ને આપના ભાઈ ને હંમેશ માટે ખોવા ની પીડા માં જોઈ ને મને યાદ આવ્યું કે મારા મમ્મી પપ્પા પણ મારી યાદ માં આમજ તડપતા હશે, એ લોકો ને તો એમજ લાગતું હશે ને કે હું.... હું હવે જીવિત નથી.


શું વીત્યું હશે એમની ઉપર આ સમાચાર સાંભળ્યા પછી. મને એમની બહું ચિંતા થાય છે, મારી મમ્મી....મારી મમ્મી તો મને આ દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરે છે, મને ચિંતા થાય છે એ ઠીક તો હશે ને? ફરીથી મુકુલની આંખમાં આંસું આવી ગયા, એ પોતાની જાત ને રોકી ના શક્યો.


મારા ગળા માં એક સોનાની ચેન હતી જે મારા મમ્મી એ મને મારા જન્મ દિવસ ઉપર ભેટમાં આપેલી ખબર નહિ એ પણ ક્યાં..... મુકુલ થી આગળ બોલાયું નહિ, એનું ગળું ભરાઈ ગયું, એણે મોં નીચે કરી લીધું. એની આંખ માંથી આંસુ ટપકવા લાગ્યા. મુકુલ મીનાક્ષી થી પોતાની દશા ને છુપાવવા માંગતો હતો પણ એ શક્ય ન હતું. મુકુલ નું મન, આંખો અને એની લાગણીઓ કશું જ હવે મુકુલ ના વશમાં ન હતાં.


મીનાક્ષી મુકુલ ની નજીક આવી, એણે શૈયા પર બેઠેલા મુકુલ ના ખભા ઉપર એક હાથ મૂક્યો અને બીજો હાથ એની આંખો સામે ધર્યો. મીનાક્ષી ની ગુલાબી, અને કમળની પાંખડીઓ જેવી કોમળ હથેળી માં કંઇક હતું. જે કંઈ હતું એ જોઈ મુકુલના પ્રાણ હીન શરીરમાં જાણે અચાનક ચેતનાનો સંચાર થયો.


મુકુલે ઉતાવળે મીનાક્ષી ના હાથ માંથી પોતાની સોનાની ચેન લીધી અને એને પોતાની મુઠ્ઠી માં ભીંસી પોતાના હૃદયે લગાડી લીધી. મુકુલને જોઈ એવું લાગે કે જાણે ઘણાં દિવસથી કોઈ બાળક પોતાના મનગમતા રમકડાં માટે જીદ કરી રહ્યું હોય અને અચાનક એને એ મળી જાય.


મુકુલ પોતાની મુઠ્ઠી ને ખોલી પોતાની હથેળી માં રહેલી સોનાની ચેન ને વ્હાલથી ચૂમવા લાગ્યો. એ ચેન માં એક નાનકડું દિલ આકારનું પેન્ડન હતું, મુકુલે તેને જલદી થી ખોલ્યું. એમાં એક તરફ એના મમ્મી નો અને બીજી તરફ મુકુલ નો પોતાનો ફોટો હતો.


મુકુલે તેના મમ્મી ના ફોટા ને પણ વ્હાલથી ઘણાં ચુંબન કર્યા. મીનાક્ષી બહું અચરજ ભરી નજરે આ બધું જોઈ રહી હતી. મુકુલ મીનાક્ષી ની હાજરી ને ભૂલી ગયો હતો. મમ્મી ના નાનકડા ફોટાને જોઈ મુકુલ ને એટલું જ સારું લાગ્યું જેટલું સારું કોઈ રણમાં ભટકી ગયેલા તરસ્યા મુસાફર ને પાણી મળવાથી લાગે.


મુકુલની આંખ માંથી પહેલાં કરતાં બમણાં આંસુ વહી રહ્યા હતા. મીનાક્ષી ને નવાઈ લાગી આ દૃશ્ય જોઈને, તે વિચારમાં પડી ગઈ કે થોડી ક્ષણો પહેલાં આ માનવ પોતાની વસ્તુ ખોવાઈ જવાના દુઃખમાં આંસુ સારી રહ્યો હતો અને હવે જ્યારે એ વસ્તુ એના હાથમાં છે, એની સામે છે તો પણ એની આંખમાં પહેલાં કરતાં વધારે આંશુ છે?.


થોડી વાર પછી મુકુલ ને મીનાક્ષી ની હાજરી નો અહેસાસ થયો. તમારો કયા શબ્દો માં આભાર વ્યક્ત કરું સમજાતું નથી, તમે મારો જીવ બચાવી ને મારી ઉપર ઉપકાર કર્યો છે, પણ આ ચેન પણ સંભાળી ને રાખવા બદલ હું આ જીવન આપનો ઋણી થઈ ગયો છું રાજકુમારી મીનાક્ષી.


મુકુલ આગળ કંઈ પણ બોલે તે પહેલાં જ મીનાક્ષી એ માથું હલાવી આંખના ઇશારાથી કહી દીધું, આ શિષ્ટાચાર ની કોઈ જ જરૂર નથી. મુકુલ પણ આગળ કંઈ બોલી ના શક્યો. આ નાનકડી ડબ્બી માં શું છે? મીનાક્ષી એ પેન્ડન તરફ ઈશારો કરતા પૂછ્યું.


મુકુલે દિલ આકારના પેન્ડન ને મીનાક્ષી સામે ખુલ્લું કરી બતાવ્યું.મીનાક્ષી ને અચરજ લાગ્યું, અમાં તો આ માનવ નું પ્રતિબિંબ છે, પણ, આ બીજું કોનું પ્રતિબિંબ છે? અને આ પ્રતિબિંબ ને આમ કેવી રીતે સાચવીને રાખ્યું હશે. મીનાક્ષી ને લાગ્યું આ કોઈ મોટું જાદુ છે. એના મનમાં અનેકો પ્રશ્ન ફરવા લાગ્યા. આ માનવ કોઈ માયાવી લાગે છે નક્કી એની પાસે કોઈ મોટી માયા વિદ્યા છે. મીનાક્ષી ના મનમાં મુકુલ માટે પહેલી વાર ભય ઉત્પન્ન થયો.


ક્રમશઃ...............