ચોઈસ jigar bundela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોઈસ

આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક છે કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી ને જો આવું જણાય તો તે માત્ર એક સંયોગ હશે.
આ વાર્તાના તમામ હક લેખકને આધીન છે . કોઈપણ Audio - Visual માધ્યમ માટે ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી લેવી જરૂરી છે.
SWA Membership No : 32928

દિશા અને જ્વલંત જ્યારે નવી આવનાર ફિલ્મના ટીઝર લોન્ચમાં પહોંચ્યા ત્યારે હોટલનો બેન્કવેટ હોલ પત્રકારો અને મહેમાનોથી ભરેલો હતો. દસ વર્ષની મહેનત અને ઓડિશન ઉપર ઓડિશન આપી આપીને થાકેલા જ્વલંતને ફિલ્મમાં રોલ મળ્યાની જ્વલંત સફળતા મળી હતી. ફિલ્મને જ્વલંત સફળતા મળે એ માટે દિશાએ ખૂબ પ્રાર્થના ને જ્વલંત માટે માનતા પણ માની હતી.

દિશા અને જ્વલંત બંને ટેબલ પર બેઠા હતા ત્યાં એન્કર રેડિયો જોકી મૃણાલ મંકી કિંગે એનાઉન્સ કર્યું " Pls. Welcome new Rising star Jwalant " એને જ્વલંત સફળતા મળે એનાં માટે આપ સૌની શુભેચ્છાની ખુબ જરૂર છે કારણકે આ એની પહેલી ફિલ્મ છે. જ્વલંત સ્ટેજ પર ગયો. મૃણાલે જ્વલંતને સવાલ કર્યો કે તમને આ રોલ કેવી રીતે મળ્યો? જ્વલંતે બોલવાની શરૂઆત કરી અને કહ્યું કે ઓડિશન પર ઓડિશન આપી કંટાળી ગયો હતો અને ત્યાં જ "- નિપુણસર આવી ગયા છે તમારી કહાની પછી સાંભળીશું એ પહેલા Pls. Welcome The Producer of the Film Mr. Nipun " એમ કહી રેડિયો જોકી મૃણાલ મંકી કિંગે જ્વલંતની વાતને અટકાવી દીધી ને ફિલ્મના પ્રોડ્યુસરને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું.

ફિલ્મ પ્રોડ્યુસર મી. નિપુણ સ્ટેજ પર આવ્યા અને દિશા એને જોઈને સ્તબ્ધ થઈ ગઈ , એને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી, એને ક્યાંક જોયા હોય એવું લાગ્યું અને ત્યાં જ દિશાના ખભા પર પાછળથી એક હાથ આવ્યો અને એ હાથ મુકનારે કહ્યું " ઓળખવાનો પ્રયત્ન ન કર એ જ છે જેને તે રિજેક્ટ ને મેં સિલેક્ટ કર્યો હતો" . દિશાએ ટર્ન થઈને જોયું તો એની દોસ્ત પ્રતીક્ષા હતી. ત્યાં એન્કર મૃણાલે એનાઉન્સ કર્યું "Pls. Welcome Mrs. Pratiksha Nipun.....તાળીઓના ગડગડાટ વચ્ચે અટક સંભળાઈ નહીં ને પ્રતીક્ષા સ્ટેજ પર પહોંચી.

ટીઝર લોન્ચ થયું બધાએ ખૂબ વખાણ્યુ. આવેલા મહેમાનો અને પત્રકારો જે દરેક ટીઝર લોન્ચ વખતે થતું હોય છે એ રીતે નાસ્તાના ટેબલ તરફ આગળ વધ્યા.

ફંકશન પત્યા પછી પ્રતીક્ષા અને દિશા એક તરફ ઊભા હતા અને પ્રતીક્ષાએ દિશાને કહ્યું " જ્વલંતની આ સફળતા પાછળ નિપુણનો હાથ છે. તને યાદ છે કોલેજના એ દિવસો યુથ ફેસ્ટિવલના એ દિવસો જ્યારે મેં તને કોલ કર્યો હતો ને દિશા ફ્લેશબેકમાં પહોંચી ગઈ.

2013 ની સાલ

દિશા યુથ ફેસ્ટીવલમાં સ્કીટના એની કોલેજના ટર્નની રાહ જોતી એની ટીમની સાથે બેઠી હતી અને ત્યાં જ પ્રતીક્ષાનો કોલ આવ્યો હતો. દિશાએ પ્રતીક્ષાનો કોલ ઉપાડ્યો હતો અને પ્રતીક્ષાએ સામેથી કહ્યું હતું કે આજે નીપુણનો બર્થ ડે છે અને એ તને કાંઈક કહેવા માંગે છે પણ કહેતા ડરે છે એટલે મને કહ્યું " નિપુણ તને પ્રેમ કરે છે કહેતા ડરે છે,"

ત્યારે દિશાએ કહ્યું હતું " પ્રતીક્ષા મારી પણ કોઈ ચોઇસ હોય કે નહીં " ત્યારે પ્રતીક્ષાએ દિશાને કહ્યું હતું કે " અરે પણ સારો છોકરો છે સીધોને સરળ છે અને એડિટિંગ પણ શીખી રહ્યો છે. " ત્યારે દિશાએ કહ્યું હતું કે " એક એક્ટર ને એડિટરમાં ફરક હોય છે. એક્ટર કેરેક્ટરને જીવે છે ને એડિટર કટકા કટકા ભેગા કરીને સાંધો મારે છે. મારે કટકે કટકે નથી જીવવું અને તે એનો દેખાવ જોયો છે કોઈકને પસંદ કરવા માટે લુક્સ પણ મેટર કરે છે" .

ત્યારે પ્રતીક્ષાએ કહ્યું હતું કે " લુક્સ કરતાં માણસનો સ્વભાવ પણ મહત્વનો હોય છે એ ખૂબ મેટર કરે છે. લુક્સ તો સમય સાથે ઝાંખો પડી જાય છે પણ સ્વભાવ સમય જતા અનુભવના પાણીથી ખીલે છે. " દિશા ને ત્યારે જ્વલંત ગમતો હતો. યુથ ફેસ્ટીવલમાં સ્ટેજ ગજવતો જ્વલંત.

2023 માં પાછા આવતાં

પ્રતીક્ષાએ કહ્યું " તે જ્યારે એવું કહ્યું હતું કે " મારી પણ કોઈ ચોઈસ હોય કે નહીં? તે એનો દેખાવ જોયો છે ? કોઈકને પસંદ કરવા માટે લુક્સ પણ મેટર કરે છે" . તું જ્યારે એ બધું બોલી હતી ત્યારે મારી સાથે સ્પીકર ફોન પર નીપુણ પણ હતો . એને જે સાંભળવું હતું એના સિવાય બધું જ એણે સાંભળ્યું હતું. એ તૂટી ગયો હતો. તરત જ દિશાએ કહ્યું " અને તે એનો ફાયદો ઉઠાવ્યો." પ્રતીક્ષાએ કહ્યું " ના હું નીપુણને પ્રેમ કરતી જ હતી પણ એને તું ગમતી હતી અને તમારા બંને વચ્ચે આવવા હું નહોતી માગતી પણ જ્યારે તારો ફોન પત્યો ત્યારે મને મારી સાચી દિશા મળી ગઈ. મારી પ્રતીક્ષાને દિશા મળી અને થોડા દિવસ પછી નીપુણને મેં પ્રપોઝ કર્યું,

ત્યારે નિપુણે કહ્યું કે " કોઈએ કહ્યું છે કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ એના કરતાં કોઈ આપણને પ્રેમ કરતું હોયને એને પસંદ કરવું જોઈએ એની સાથે જીવવું જોઈએ." અને એટલે જ મેં લગ્ન કરી લીધા.

એક ટુકડા જોઈન્ટ કરનારો ટુકડે ટુકડે મહેનત કરીને આજે એક કંપનીનો માલિક બની ગયો છે. એન. પી પ્રોડક્શન - નીપુણ પ્રતીક્ષા પ્રોડક્શન.

તું કોઈ એક્ટરને પસંદ કરે છે એટલી જ ખબર હતી નિપુણને. જ્વલંતને મેં રેકમેન્ડ કર્યો છે. એને નથી ખબર કે જ્વલંત તારો હબી છે. એક્ટર સારો છે નસીબ સારું નહોતું . ફિલ્મના આ ફિલ્ડમાં મહેનત 1 % અને નસીબ 99% ચાલે છે. નહીંતો જેને ડાયલોગ બોલતા પણ નથી આવડતું એવા ચક્રમ જેવા હીરો હીટ ફિલ્મો ના આપતા હોત.

કહેવાય છે કે

મહેનતની ચાવીથી નસીબના તાળા ખૂલે છે,
પણ હોય નસીબ તો જ મહેનતની ચાવી જડે છે.

આશા રાખું છું કે નીપુણે આપેલી ચાવીથી જ્વલંતના નસીબનું તાળું ખુલે. પ્રતીક્ષા સ્માઈલ કરતી નીકળી ગઈ અને દિશા નીપુણ તરફ આગળ વધી જ્વલંતની પત્ની તરીકે પોતાની ઓળખાણ આપવા.
-જીગર બુંદેલા