જલપરી ની પ્રેમ કહાની - 19 Bhumika Gadhvi अद्रिका દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલપરી ની પ્રેમ કહાની - 19

દિવસો વીતી રહ્યા છે. ધીરે ધીરે બધા બનેલી ઘટના ને ભૂલવા લાગ્યા છે પણ મુકુલ ના માં બાપ, મિત્ર પ્રકાશ અને કમાન્ડર શ્રીધર ના હૃદયના ખૂણે હજી ક્યાંક આશા જીવંત છે કે ક્યારેક, કોઈક તો મુકુલ ના સમાચાર લઈને આવશે.


ઘટના ને લગભગ પંદર એક દિવસ જેવું થવા આવ્યું હશે ત્યાંજ એક ચમત્કાર થયો. મુકુલે આંખ ફફડાવી, દિવસો થી શિથિલ પડેલા એના શરીરમાં ચેતનાનો સંચાર થયો. એણે આંખ ખોલી તો એ કોઈ અજીબ રંગ બિરંગી દુનિયામાં હતો. એને લાગ્યું એ કોઈ મોટા પાણી ના પરપોટાની અંદર કેદ છે. હજું એને આંખે બધું ઝાંખું દેખાઈ રહ્યું છે.


મુકુલ જે પરપોટામાં કેદ હતો એની બહારની સપાટી પર જાણે અનેક જુદા જુદા રંગની માછલીઓ તરી રહી હતી, આસ પાસ નાની નાની લીલી વનસ્પતિ હોય એવું લાગતું હતું.મુકુલ ને આભાસ થઈ ગયો કે એ નક્કી સ્વર્ગલોક માં પહોંચી ગયો છે.


એણે ઊભા થવાની કોશિશ કરી પણ શરીર પર વાગેલી ગોળીઓ ના ઘા માંથી તીવ્ર પીડા થઈ અને એ હલી ના શક્યો, એનું માથું પટકાય એ પહેલાં જ પાછળ થી કોઈએ આવી ને એને પોતાના હાથનો સહારો આપ્યો. જરા સાંભળી ને માનવ.


મુકુલ ના કાનમાં કોઈ સ્ત્રી નો અવાજ પડ્યો. એણે સહેજ નજર ફેરવી તો એક સુંદર, નાજુક, નમણી અને રાજકુમારી જેવી કોઈ છોકરી ના હાથ માં એનું માથું હતું. એના મોઢા પર અજબ નું ગુલાબી તેજ હતું, એણે માથા પર એક ચમકદાર સાચા મોતીઓ નો રગબેરંગી તાજ પહેર્યો હતો, એનું ઉપવસ્ત્ર જાણે હજારો આગિયાઓ ને ગુંથી ને બનાવેલું હોય તેવું પ્રકાશિત હતું, અને એના હોઠ પર નું હાસ્ય તો માયાવી હતું.


મુકુલ પલક ઝપકાવ્યા વગર રાજકુમારી જેવી દેખાતી એ છોકરી ને જોઈ રહ્યો. એણે એના જીવનમાં આટલી સુંદર છોકરી પણ હોઈ શકે એવી કલ્પના માત્ર પણ નોતી કરી. મુકુલ ને લાગ્યું એ ચોક્કસ કોઈ સ્વપ્ન લોકમાં વિહાર કરી રહ્યો છે મુકુલ ના મનમાં લાલસા જાગી કે આ સ્વપ્ન ક્યારેય ના તૂટે અને તે આમજ અનિમેષ નજરે એ રાજકુમારી ને જોઈ રહે.


અચાનક મુકુલની નજર એ રાજકુમારી ના હાથ થી નીચે ગઈ અને એ એકદમ ગભરાઈ ગયો. એની આંખો ફાટી ગઈ, એનું હૃદય જોર જોર થી ધબકવા લાગ્યું. થોડી ક્ષણો પહેલાં જ જે સુંદર સ્વપ્ન ક્યારેય ન ટૂટે એવી એની ઈચ્છા હતી એના બદલે હકીકત જોઈને એ આખો ઝક્ઝોળાઈ ગયો. મુકુલ નું આખું શરીર ધ્રુજવા લાગ્યું. આ શું, આતે કેવી સ્ત્રી છે? આ સ્ત્રી ય છે કે પછી? મુકુલ ને શું કરવું તેની સમજણ નથી પડી રહી. અચાનક એના શ્વાસ તેજ થઈ ગયા અને શરીર માં પડેલા ઘા માંથી તીવ્ર પીડા ઉપડી.


સામે ઉભેલી છોકરી બધું સમજી ગઈ એણે તરતજ મુકુલ ની આંખો ઉપર હાથ મૂક્યો અને મુકુલ ની આંખ મીંચાઈ ગઈ, તે ઘોર નિંદ્રામાં સરી પડ્યો.


ફરી થી થોડો સમય વીત્યો અને મુકુલ ને હોશ આવવા લાગ્યો. રાજકુમારી આ માનવ તો ફરીથી મૂર્છા માંથી બહાર આવી રહ્યો છે. આપણે ક્યાં સુધી એને આમ નિંદ્રામાં રાખી શકીશું. મુકુલ ના કાને અવાજ પડ્યો. આ વખતે મુકુલ પહેલાં કરતા સ્વસ્થ હતો એણે જાણી જોઈને નિંદ્રામાં રહેવાનું નાટક કર્યું.


તારી વાત તો સાચી છે પણ જ્યાં સુધી આ માનવ એટલો સ્વસ્થ ના થઈ જાય કે તે પોતાની દુનિયામાં પાછો ફરી શકે ત્યાં સુધી તો આપડે એને આ રીતે રાખવો જ પડશે.


આ લોકો મને માનવ કહી ને કેમ સંબોધી રહ્યા છે? અને મારી દુનિયા અલગ છે તો આ કઈ દુનિયા છે? મુકુલ ના મનમાં કેટલાય પ્રશ્નો હતા પણ તે આંખો બંધ કરીને બેસુધ અવસ્થામાં હોય તેમ પડી રહ્યો.


જ્યારે તમારા પિતા મહારાજ ને ખબર પડશે કે તમે એમના થી છુપાઈ ને એક માનવ નો જીવ બચાવવા માટે એને અહીં મત્સ્યલોક માં આશરો આપ્યો છે તો શું થશે એ વિચારી ને પણ મારું હૃદય કંપી ઉઠે છે રાજકુમારી.


મત્સ્યલોક? તો શું હું મત્સ્યલોક માં આવી ગયો છું? નઈ નઈ આ જરૂર મારું કોઈ સ્વપ્ન છે. મુકુલ થી આંખ ખુલી ગઈ અને એ સફાળે બેઠો થઈ ગયો. ફરી થી સામે એજ રાજકુમારી જેવી દેખાતી સુંદર છોકરી. મુકુલે પોતાની આંખો ચોળી ને જોયુ તો પણ પેલી સુંદર છોકરી એની સામે જ હતી.


મુકુલ ને સમજાઈ ગયું કે આ કોઈ સ્વપ્ન નથી પણ હકીકત છે. એણે એ સુંદર છોકરી ના શરીર પર નજર કરી તો તે ઉપર થી કોઈ સુંદર પરિસ્તાન ની રાજકુમારી જેવી લાગતી હતી પણ એનું અડધું નીચે નું શરીર એકદમ સોનેરી માછલી જેવું હતું.


મુકુલ જોઈ ને ચોંકી ગયો. નાનપણ માં પરીઓ ની અને જલપરી ની વાર્તાઓ સંભળેલી. ત્યારે તો જલપરી નું નામ સાંભળી ને મજા આવી જતી પણ આજે તો સાક્ષાત જલપરી એની સામે ઉભી છે ત્યારે એના રોમે રોમમાં એક અજાણ્યો ડર જાણે કે પ્રસરી ગયો છે. એનું શરીર, મન, આંખ, કાન કશું જ કામ નથી કરી રહ્યું. એ સાવ સુન્ન થઈ ગયો છે.


ક્રમશઃ................