જલપરી ની પ્રેમ કહાની - 17 Bhumika Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલપરી ની પ્રેમ કહાની - 17

બીજા દિવસે સવારે મુકુલે જોબ જોઈન કરી લીધી. એની ડ્યુટી દરિયા કિનારે ચોકી ઉપર હતી. દિવસો પસાર થતા ગયા, ધીરે ધીરે બધુંજ મુકુલને સમજાવા લાગ્યું. મુકુલ ત્યાંના લોકલ લોકોની ભાષા પણ સમજવા લાગ્યો. ત્યાંના માછીમારો કોસ્ટ ગાર્ડ માટે ખબરી નું કામ પણ કરતા.


પડોશ ના દેશ દ્વારા થતી ઘૂસણખોરી હોય કે દાણચોરી દરેક સફળ મિશન માં સૌથી મોટો હાથ ખબરી તરીકે લોકલ માછીમારો નો રહેતો. મુકુલ ને દરિયા અને એની લહેરો સાથે હવે ફાવી ગયું હતું. મુકુલ હવે ઘરમાં પણ ઉપરના રૂમમાં સિફ્ટ થઈ ગયો. તે રાત્રે મોડા સુધી બહાર અગાસીમાં બેસી ને રાત્રે મોજાને જોતો રહેતો.


પૂનમની અજવાળી રાત હોય ત્યારે લાગતું કે આ દરિયો જાણે સાક્ષાત ક્ષીર સાગર છે, અને દૂધ ના મોજાં ઊંચા ઊંચા ઉછાળી રહ્યા છે અને જ્યારે અમાસની અંધારી રાત હોય ત્યારે દરિયાના મોજાં એવા ચમકતાં જાણે કે એ સાથે અઢળક સાચા મોતીઓ ને ઘસડી લાવ્યા છે.


મુકુલ ને એવું લાગતું જાણે કે આ દરિયાના મોજા માં કંઇક જાદુ છે જે તેને પોતાની તરફ આકર્ષે છે.


સમય સાથે મુકુલે પણ નાના મોટા ઘણાં મિશન પાર પાડ્યા. આખા સ્ટાફ માં મુકુલ ને બધાજ ઓળખતાં. કમાન્ડર શ્રીધર તો મુકુલ થી ઘણા ખુશ છે, પણ કહેવાય છે ને કે સમય એક સરખો ક્યારેય નથી રહેતો અને નસીબ હંમેશા સાથ નથી આપતું. પરિવર્તન એ સૃષ્ટિ નો નિયમ છે.


એક દિવસ મુકુલ ની ચોકી ઉપર નાઈટ ડ્યુટી હતી. પ્રકાશ અને બીજા અન્ય બે ચાર જવાન પણ હતા. રાત્રે 3 એક વાગ્યાનો સમય થયો હતો ત્યાંજ વાયરલેસ પર એક કોલ આવ્યો. કોલ પ્રકાશે રિસીવ કર્યો તો સામે એક લોકલ ખબરી માછીમાર હતો તેને ખબર આપી કે પાડોશી દુશ્મન દેશ ની એક બોટ થોડા વ્યક્તિઓ સાથે આપણી સીમા માં દાખલ થઈ છે અને એ તમામ વ્યક્તિઓ પાસે હથિયાર છે. જગ્યા કહો, ઉત્તર પૂર્વમાં સાત કિલો મીટર અંદર.


તારી ઓળખ આપ, પ્રકાશે સામે વાળા વ્યક્તિ ની ચકાસણી કરવા પૂછ્યું તો જવાબ મળ્યો, હું નંદા સોનેરી પંખ. આટલું કહી સામે થી કોલ કટ થઈ ગયો. પ્રકાશે તરત જ બધાને ભેગા કરી ખબર આપી. મુકુલે તરત જઈ રડાર ચેક કરી તો રડારમાં કોઈજ પણ બાહરી બોટ ના ભારતીય સીમા માં ઘૂસણખોરી ના કોઈ સંકેત નોતાં.


મુકુલ અહી તો કોઈજ સંકેત નથી તો સામે વાળા ખબરી ની વાત ને સાચી માનવી કે નહિ. કદાચ આ કોઈ કાવતરું પણ હોઈ શકે છે. નહિ પ્રકાશ નંદુ મારો ખબરી છે એ ક્યારેય ખોટું ના બોલે. જરૂર ખતરો મોટો છે. દુશ્મનો પાસે નક્કી અતિ આધુનિક તકનિકી વાળી બોટ હશે. જલદી કર હેડકવોટર પર જાણ કર અને મદદ માંગ, હું સર સાથે વાત કરું છું.


મુકુલે કમાન્ડર શ્રીધર ને કોલ કરી પરિસ્થિતિ થી અવગત કર્યા અને ત્યાં જવા માટે પરમિશન માંગી. સર આ લોકો ને સમુદ્ર કિનારા થી દુર જ પકડવા જોઈએ અગર જો એ કિનારા પર આવી જશે તો આમ પબ્લિક વચ્ચે આપડું કામ મુશ્કેલ થઈ જશે.


તારી વાત સાચી મુકુલ પણ અત્યારે ઘણું અંધારું છે અને એ જે લોકેશન માં છે એ બહુ ખતરનાક પોઇન્ટ છે. અસંખ્ય પથ્થરો અને નાના મોટા પહાડો છે ત્યાં અંધારામાં કંઇક ઊંચ નીચ થઈ જશે તો એ લોકો સુધી પહોંચતા પહેલાં જ અકસ્માત થઈ જશે. નઈ મુકુલ હું આ રિશ્ક લેવા માટે તૈયાર નથી.


મુકુલ અને કમાન્ડર વાત કરી રહ્યા હતા ત્યાંજ પ્રકાશ આવ્યો. મુકુલ નંદુ નો કોલ આવ્યો છે એ લોકોએ એમની બોટની દિશા બદલી છે, એ લોકો આ તરફ કિનારે આવવાના બદલે બાજુના ટાપુ તરફ જઈ રહ્યા છે. આ વાત સાંભળતા જ મુકુલને આખી સ્થિતિ ની ગંભીરતા સમજાઈ ગઈ.


સર એ લોકો આ તરફ નથી આવી રહ્યા બાજુના ટાપુ પર જઈ રહ્યા છે એ લોકો ત્યાં પહોંચે એ પહેલાં આપણે એમને રોકવા જ પડશે. અગર એ ત્યાં પહોંચી ગયા તો મિશન અઘરું થઈ જશે હું અત્યારે જ મારા સાથીઓ સાથે નીકળી છું તમે હેડકોવટર થી અમને જલદી બેકઅપ આપજો. ઓકે મુકુલ ગુડ લક.


મુકુલ ને હવે મિશન શરૂ કરવાની પરવાનગી મળી ગઈ હતી એ પ્રકાશ અને બીજા સાથીઓ સાથે બોટ પર પોતાના હથિયારો સાથે સવાર થયો અને રવાના થયો. મુકુલ સતત નંદુ ના કોન્ટેક માં છે અને એ ઘૂસણખોરો ની ગતિવિધિઓ પર ધ્યાન રાખી ને તે દિશામાં આગળ વધી રહ્યો છે.


જોત જોતામાં એ લોકો બિલકુલ દુશ્મન બોટ ની નજીક આવી ગયા. દુશ્મન બહું હોશિયાર છે એની રડારે મુકુલ ની બોટ ને પકડી લીધી અને મુકુલ અને એના સાથીઓ કંઈ વિચારે કે કંઇક કરે એ પહેલાં જ સામે થી ફાયરિંગ ચાલુ થઈ ગયું. ઘોર અંધારું છે અને અંધાધૂંધ ફાયરિંગ. મુકુલ નો નાવિક બહું હોશિયાર હતો એણે જોત જોતામાં બોટ ને દુશ્મનો ની બૉટની નજીક લાવી દીધી.


સામેથી થતી અંધાધૂંધ ફાયરિંગ વચ્ચે મુકુલ અને એના સાથીઓ સામેની બોટ પર પહોંચી ગયા. અહી અંધારું કમજોરી હતું અને મદદગાર પણ. એક પછી એક ગોળી ઓ ચાલતી રહી, મુકુલ અને એની ટીમે દુશ્મનો ના ઘણાં સાથીઓ ના ઢીમ ઢાળી દીધા. મૂતભેડ માં પ્રકાશ ના હાથ ઉપર પણ ગોળી વાગી.લગભગ તમામ દુશ્મનો ને મોતને ઘાટ ઉતારી દીધા.


સવારના પાંચ વાગી ગયા. ભાભરું અજવાળું થયું છે. મુકુલ અને અન્ય સાથીઓ દુશ્મન બોટ ની તલાશી લઈ રહ્યા છે. અઢળક હથિયારો ભરેલા છે બોટમાં. મુકુલે કોલ કરી હેડકવોટર પર મિશન સફળ થવાના અને પ્રકાશનાં ઘાયલ થવાના સમાચાર આપ્યા.


હજી મુકુલ વાત કરી રહ્યો હતો ત્યાંજ સામે થી ધડ ધડ કરતી મશીન ગન ચાલી અને જોત જોતામાં પાંચ છ ગોળીઓ એ મુકુલનું શરીર વીંધી નાખ્યું. મુકુલ કે અન્ય કોઈ પણ કંઈ સમજે એ પહેલાં જ મુકુલ ઉછળી ને બોટ માંથી નીચે પાણી માં પડી ગયો. મુકુલ.....પ્રકાશે કારમી ચીસ પાડી, બધાનો જીવ તાળવે ચોંટી ગયો.


બોટ માં સંતાઈ રહેલા નાવિકે દગાથી ફાયરિંગ કર્યું હતું. મુકુલ ના સાથીઓ એ પણ દુશ્મન ઉપર એટલી ગોળીઓ ચલાવી કે એનું શરીર ચારણી થઈ ગયું. દુશ્મન ના શરીરમાં સૌથી વધારે ગોળીઓ ઘાયલ પ્રકાશે મારી.


ક્રમશ..............