મુકુલ અને પ્રકાશ બંને કમાન્ડર નવીન શ્રીધર ની ઓફિસ માંથી હસતાં હસતાં બહાર નીકળ્યા. મુકુલ ના મનમાં સહેજ ગડમથલ ચાલવા લાગી, સરે મને સાંજે એમના કવોટર પર કેમ બોલાવ્યો હશે. પ્રકાશે પણ કીધેલું કે સર તને એમના કવોટર પર બોલાવશે. આખરે વાત શું હશે?
મુકુલ ના મનમાં કંઇક ચાલી રહ્યું છે એ વાતની ખબર પડતાં પ્રકાશ ને વાર ના લાગી. પ્રકાશે ઓફિસની છેક બહાર રસ્તા પર આવતા જ મુકુલ ને પૂછી લીધું, શું થયું કવોટર ની વાત થતાં ઘર યાદ આવી ગયું કે શું કેપ્ટન?
નાના એવું કઈ નથી. મુકુલે પ્રકાશ સામે જોઈ ફિક્કા હાસ્ય સાથે કહ્યું. તો પછી ચહેરાની રંગત અચાનક કેમ ઉડી ગઈ દોસ્ત. બસ મનમાં થોડી મુઝવણ છે. કઈ વાતની મુઝવણ? યોગ્ય લાગે તો શેર કર કદાચ હું કઈ મદદ કરી શકું.
આપણે જમવા ગયા ત્યારે તે કેંન્ટીગ માં કીધું હતું કે સર તારા વિશે જાણશે અને યોગ્ય લાગશે તો તને સાંજે એમના કવોટર પર બોલાવશે, અને એમજ થયું. તો સરે મને એમના કવોટર પર કેમ બોલાવ્યો હશે? તેં જ્યારે જોઈન કર્યું ત્યારે તને પણ સરે એમના કવોટર પર બોલાવ્યો હતો?
હાં. પણ કેમ? ચિંતા ના કર સર જ્યારે પણ કોઈ કેપ્ટન, નાવિક કે અન્ય વ્યક્તિ નવું જોઈનિંગ કરે તો યોગ્ય વ્યક્તિ ને પોતાના ઘરે ડિનર પર બોલાવે છે, જેથી સામે વળી નવી વ્યક્તિ થોડી ફેમિલિયર થાય અને એ એમના અનુભવો અને એમની વાતો થી સામે વાળી વ્યક્તિમાં એક નવો જોશ અને દેશભક્તિ ની ભાવના જાગૃત કરે છે. સર ઈચ્છે છે કે એમના કેમ્પમાં આવનાર દરેક વ્યક્તિ માત્ર પૈસા માટે જ નોકરી ના કરે પણ દેશપ્રેમ ની ભાવના સાથે અને દેશ માટે સંપૂર્ણ વફાદાર રહે. તે હંમેશા દરેક જવાનને એક બેસ્ટ સૈનિક બનાવવા માંગે છે.
સરનું જીવન દેશ માટે ન્યોછાવર છે. તને ખબર છે, એમણે લગ્ન પણ નથી કર્યા ફક્ત એટલા માટે કે ફેમિલી હોય તો વ્યક્તિ નું ધ્યાન આપો આપ ડીવાઈડ થઈ જાય છે. એમના માટે ફક્ત અને ફક્ત ભારત દેશની રક્ષા, સુરક્ષા જ એક માત્ર ધ્યેય છે. બહું મહાન છે સર. અહીં કેમ્પમાં રહેતા હર એક યુવાન ને એ પોતાના ભાઈ અને દીકરાની જેમ રાખે છે, અને કેર પણ એવીજ રીતે કરે છે.
સાચે જ પ્રકાશ સર નવીન શ્રીધર તો બહું મહાન વ્યક્તિ છે. હાં પણ જેટલું સરળ એમનું વ્યક્તિત્વ છે એટલા જ કડક કમાન્ડર છે. જેટલી સંભાળ રાખે છે એટલી જ ભૂલ ઉપર સજા પણ કરે છે. માટે ફક્ત એમના સરળ વ્યક્તિત્વ ઉપર જ ના જતો. અગર ક્યારેક કોઈ ભૂલ કરીશ તો સજા પણ એવીજ જોરદાર આપશે. પ્રકાશે હસતાં હસતાં મુકુલને કમાન્ડર નવીન શ્રીધરના સ્વભાવની બીજી સાઈડ પણ બતાવી.
મુકુલ અને પ્રકાશ વાત વાતમાં બંને ક્યારે એટલા નજીક આવી ગયા કે તમે ના સંબોધન પરથી તું પર ક્યારે આવી ગયા ખબર જ ના પડી. બંને હવે એક બીજાથી પરિચિત થઈ ગયા છે.
ઓકે તો ચાલો કેપ્ટન મુકુલ તમને આપના આશિયાના સુધી પહોંચાડી દઉં. પ્રકાશે હસતાં હસતાં મુકુલના ખભા ઉપર હાથ મૂકી કહ્યું. તો ચાલો રાહ કોની જુઓ છો કેપ્ટન પ્રકાશ, મારા નવા માર્ગ ને પ્રકાશિત કરો. મુકુલે પણ હસતાં હસતા કહ્યું.
ઓફિસની બહાર એક બેન્ચ પર મૂકુલની બે બેગ પડી હતી, મુકુલે એક બેગ હાથ માં ઉપાડી ત્યાંજ બીજી બેગ પ્રકાશે લઈ લીધી. બંનેએ એક બીજાની આંખો માં જોયું અને મુખ પર હાસ્ય આવ્યું. જાણે કે બંને એ આંખ આંખ માં વાત કરી લીધી કે ચાલો હવે તો આપણે બંને એક જ માર્ગના પ્રવાસી છીએ અને એક મેક ના મિત્ર, સાથી અને હમસફર પણ. બંને જણ કવોટર તરફ જવા નીકળ્યા.
ક્રમશઃ...........