હજાર નૂર કપડાં.. SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હજાર નૂર કપડાં..

હજાર નૂર કપડાં..

આજે એક સમારંભમાં મારી નજીકની ઉંમરના કે મોટા, 60 થી 75 ની વયના વરિષ્ઠ નાગરિકો એકઠા થયેલા. તેમના પહેરવેશને જોઈ વિચાર આવ્યો કે આપણે ગમે તે ઉંમરના પડાવ પર હોઈએ, વ્યવસ્થિત દેખાવાથી આપણો પોતાનો આત્મવિશ્વાસ વધે છે. મને કેટલીક ત્રુટીઓ તેમના પહેરવેશમાં દેખાઈ તેથી સહુ પ્રત્યે આદર સાથે આ ટુંકો લેખ લખું છું.

પેન્ટની લંબાઈ. રેડીમેઇડ પેન્ટની સિલાઈ સારી દેખાય છે અને આકર્ષક હોય છે પણ કોણ જાણે કેમ, ઠીંગણા માણસને તો બગલ સુધી આવી જાય એવી લાંબી બેય બાંય રેડીમેડમાં હોય છે! પેન્ટ કમર અનુસાર મળતાં હોય છે જેમ કે 42 ઇંચ, 95 સેમી વગેરે. પણ લંબાઈ આપણે એડજસ્ટ કરવી જ પડે છે. કેટલાકનાં પેન્ટ છેક ડુંટીની ઉપર પેટ ઢાંકતાં હોય એટલાં લાંબાં હતાં. એ તરત દેખાઈ આવે. એમાં પણ ચેક્સ કે ડિઝાઇન વાળું શર્ટ અને ડાર્ક કલરનું પ્લેઇન પેન્ટ હોય તો આ વિકૃતિ ઉડીને આંખે વળગે. એ લોકો એટલા સદભાગી કે ફાંદ નથી એટલે પટ્ટો છેક ઉદરપટલ નીચેથી પહેર્યો હોય.

સાચું એ છે કે તમારા પગની લંબાઈ સે.મી. અને ઇંચ માં માપી રાખો અને જ્યાં થી લો ત્યારે ત્યાં જ માપ પ્રમાણે ટુંકી બાંય કરાવી નાખો. મોટે ભાગે મોલ વાળા એક્ઝેટ નથી જ કરતા, ઘર પાસેના કોઈ દરજી પાસે ફરીથી કરાવી લેવી.

પેન્ટ સિવરાવીએ ત્યારે પણ અમુક ચોક્કસ આકારમાં હોય, કહો કે મીની શંકુ. સાવ સીધા પોંયચા ભૂંગળાં જેવા લાગે છે અને બહુ લુઝ સિવ્યા હોય તો કલરીંગ લેંઘો પહેર્યો હોય એવું લાગે. એકદમ ફીટ મોરી જોઈ ચોરણો કે લેગીન્સ યાદ આવે. એ બન્ને દેખાવ નિવારવા કોશિશ કરવી.

ફાંદ હોવી આ ઉંમરે સામાન્ય બાબત છે પણ પટ્ટો એ રીતે પહેરો કે એ લબડી પડેલો ન દેખાય. તે જગ્યાએ શર્ટનું બટન નીચે જતું રહ્યું હોઈ ડુંટી કે નજીકનું પેટ ડોકીયાં કરતું હોય એ સામાને ઠીક નથી લાગતું.

શર્ટ કે ટી શર્ટ જે પહેરો તે, ખભાના બાવડાંના મસલ થી એકાદ સેમી. નીચે સિલાઈની પટ્ટી આવવી જોઈએ. જો બાંય ટુંકી હોય, ખભો પૂરો કવર ન થતો હોય કે બાંય બિનજરૂરી પહોળી હોય (જે સારાં બ્રાન્ડેડ ટી શર્ટ સિવાય અવશ્ય હોય છે), તેમાં બેય ટુંકી બાંય એરોપ્લેનની પાંખ જેવી સાઈડમાં ત્રિકોણ આકારે લબડતી દેખાય છે. ટીશર્ટ મધ્યમ બાંધો અને સાધારણ ભરેલાં બાવડાં હોય એને સારો લાગે એમ મારું માનવું છે. સાવ સીધા સોટા જેવા હાથો પર કદાચ નહીં.

શર્ટ કે ટીશર્ટનું ગળું કોલર પાસેથી ઢીલું હોય કે આગળથી ખૂબ ખુલ્લું હોય તો માણસ ન હોય ત્યાંથી દુબળો અને માંદો લાગે છે.

આમ તો પોતપોતાની પસંદ પણ બને તો પેન્ટમાં શર્ટ તેમ જ ટીશર્ટ ઈન કરવાનું અને પટ્ટો બાંધવાનું રાખવું, સિવાય કે ઘર નજીક શાક લેવા કે એવાં કામે નીકળ્યા હો.

જો અર્ધી બાંયનું શર્ટ કે ટી શર્ટ હોય તો અડવા હાથ કરતાં હાથે રિસ્ટવોચ સારી લાગે છે. જો આખી બાંયનું શર્ટ હોય તો બેય બાંયનાં બટન બંધ કરો. ટાઇમ જોતા રહેવો હોય તો ડાબી બાંય રિસ્ટ્વોચ બહાર દેખાય એટલી જ ચડાવો અને વ્યવસ્થિત ફોલ્ડ કરો.

જીન્સ પહેર્યું હોય તો એ પણ બહુ લુઝ, ચોળાયેલું, કોથળા જેવું ન દેખાય તે જુઓ. સારી જગ્યાએ જતા હો તો જીન્સ પણ ઈસ્ત્રી કરેલું હોય તો સારું એમ હું માનું છું.

જીન્સ નીચે સ્પોર્ટ્સ શૂઝ, ટી શર્ટ હોય અને સારાં ટી શર્ટ સાથે સારું લાગે તેવું પેન્ટ હોય તો પણ નીચે સ્પોર્ટ્સ શૂઝ સારા લાગે પણ ચપ્પલ કે ફ્લોટર નહીં. ચપ્પલ કે ફલોટર ઝબ્બા નીચે ઠીક લાગે. ફોર્મલ શૂઝ, શર્ટ પેન્ટ ફોર્મલ જેવાં હોય તો તેની નીચે પહેરવા. પોલિશ હોય તો સારું પણ ધૂળ ચોક્કસ લૂછીને નીકળવું.

સ્પોર્ટ્સ શૂઝની અવેજીમાં કેનવાસના બુટ સારી મીટીંગો કે સમારંભમાં પહેરવા યોગ્ય નથી.

મૂછ હોવી ન હોવી તે અંગત પસંદ છે પણ જો મૂછ રાખી હોય તો ટ્રિમ જરૂર કરવી. સફેદ કે કાળા સફેદ વાળ નીચે હોઠમાં અનેક સૂક્ષ્મ હુક ભરાતાં હોય એવા ન લાગવા જોઈએ. ક્યાંક વાંચેલું 'પૂળા જેવી મૂછ' એવું શહેરી શિક્ષિત પુરુષનું ન લાગવું જોઈએ.

આજકાલ ઝબ્બો અને સુરવાલ જેવો પજામો ફેશન છે પણ ઝબ્બાની લંબાઈ ન પેન્ટનો પટ્ટો બાંધીએ ત્યાં સુધીની ટુંકી કે ન ગોઠણ નીચે અર્ધી પીંડી ઢંકાઈ જાય એટલી લાંબી હોવી જોઈએ. ગોઠણ નજીકની યોગ્ય કહેવાય. હવે ઝબ્બા પણ આગળ ઝીપ વાળા આવે છે તે સુવિધાપૂર્ણ રહે છે. સાલું થિયેટર કે સમારંભમાં વોશ રૂમ જવું હોય તો નાડા વાળો થોડો ઓડ પડે! ખિસ્સાં સાઈડમાં હોય તે પાકીટ કે એવું સમાય એટલાં ઊંડાં હોવાં જોઈએ.

તાલ પડી હોય તો પણ, પાછળ તો વાળ હોવાના જ. એ અસ્તવ્યસ્ત દેખાવા વયસ્કો માટે સામાન્ય વાત બની ગઈ છે. સહુથી પહેલા વાળ બાળકને બોચી ઉપર ટપલી મારીએ ત્યાં ઊગે છે અને મરીએ ત્યાં સુધી ત્યાંથી તો જતા નથી. એ પાછલા વાળ અને સાઈડના કાન થી ઉપર હોય તે વાળ પર દાંતિયો જરૂર ફેરવીએ. સમારંભમાં ખુરશીઓ પર બેસતા પહેલાં એક હાથ કાંસકાનો મારી લઈએ.

વ્યવસ્થિત દેખાવું એ બીજાને તો ગમે છે, આપણને પોતાને આપણે ઓછા ઘરડા લાગીએ છીએ. એ કોને ન ગમે?

આજે તો કોઈના ફોર્મલ પેન્ટ ઉપર ટુંકુ ટીશર્ટ, કોઈએ લેંઘા જેવાં પેન્ટ નીચે રિબોક ની સાઈન વાળા પણ ચાલુ બુટ પહેરેલા, કોઈએ ઈન કર્યા વગરનાં ઢીલાં, પટ્ટો બાંધ્યા વગરનાં ફોર્મલ પેન્ટ ઉપર ફૂલની ડિઝાઇન વાળો શર્ટ પહેરી નીચે સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા (કેનવાસના, એકદમ સાદા). તેઓ ક્યારેક નોકરીમાં 'મોટી તોપ' હતા.

ઉંમર તો વધે. એ એનો સ્વભાવ છે. આપણે વ્યવસ્થિત દેખાવું આપણો સ્વભાવ બનાવીએ.

તમને રામ ચોળાએલા, માંડ ગાંઠ બાંધેલાં ધોતિયાં માં કે કૃષ્ણ અનક્લીન વધેલી દાઢી સાથે દેખાય છે? તપસ્વી શિવજી પણ જટા સાથે presentable લાગે છે ને! તો એના ભક્તો કેમ વ્યવસ્થિત નહીં ?