"મારા માટે....??"
"હા...બેટા.... મરેલાનું.... આવા પાપીનું કે જે આવતા જ મોત લઈને આવ્યો... એનું મોં જોઈને તારું જીવન શું કામ બગાડવું...!!"
" માં...... આવી ક્રૂરતા....? કેવો કઠોર વિચાર છે તારો...??"
કિરીટભાઈ પોતાના આંસુ લૂછી નાખે છે....
"બાપુ... હું ખેતરે જાઉં છું.... હું આવી ક્રૂરતા નહીં જોઈ શકું...."
"પણ.... દિકરા આ ટા'ણે...."
કિરીટભાઈ પોતાની પીડાનું પોટલું લઈ ત્યાંથી નીકળી જાય છે... મગનભાઈ પણ જતાં રહે છે... અને જમનાબેન પણ આંગણાની બહાર ડેલીની બાજુના ઓટલા પર બેસવા જતા રહે છે, પણ એમના ચહેરા પર દુઃખની કોઈ રેખા દેખાતી જ નહીં....
"દિકરા..... દુઃખી નહીં થઈશ... ભગવાન તને સૂર્યના તેજ જેવો દિકરો આપશે...."
"બાપુ... મારી સાથે જ આવું કેમ થયું...??"
શંકરલાલ કમળાબેનના માથા પર હાથ મૂકે છે...
"કમુ.... બેટા..... ભગવાન એની જ કસોટી લેતા હોય છે... જેના પર ભગવાનને પણ વિશ્વાસ હોય છે કે તે સફળ થશે.... અને દિકરા આ તારી ખરી કસોટી છે... મને પણ વિશ્વાસ છે કે તું એમાં પાર ઉતરીશ...."
"પણ.... બાપુ... અહીંયા મારાથી મે'ણાં - ટો'ણાં સહન નથી થતા...."
"દિકરા..... હવે આ જ તારું ઘર છે.... અને દિકરા મને વિશ્વાસ છે.... તું મારી પાઘડી ને સંસ્કારની આબરું રાખીશ..."
"બાપુ.... એ બાબતે ક્યારેક કોઈ ફરિયાદ નહી આવે..... બતાવી દઈશ કે હું શંકરલાલ પંડ્યાની દિકરી છુ....ક્યારેય પણ હારી નહી જઉં....."
"ભલે દિકરા.... હું રજા લઉં..."
"પણ બાપુ.... જમવાનું..?"
"દિકરા.... મારાથી દિકરીના ઘરનું ના જમાય.... મારા પર ઋણ ચડી જશે..."
"ભલે... બાપુ પણ ધ્યાનથી જજો..."
"બાપ-દિકરીની પંચાયત પૂરી થઈ ગઈ હોય તો રાંધણના આંધણ મૂકી દેજો....!!"
"ભલે... માં..."
"દિકરા.... તારું ધ્યાન રાખજે..."
"બાપુ.... તમે પણ ધ્યાનથી જજો...."
કમળાબેનની ડાબી આંખમાંથી મોતી જેવું એક આંસુ સરી પડે છે..... પણ એને સંભાળીને તે ફરીથી ઘરકામમાં વ્યસ્ત થઈ જાય છે....
શંકરલાલ પંડ્યાની એકની એક લાડકી દિકરી જેમને ક્યારેક નાના મોટા ઘરકામ સિવાય પિતાએ કંઈક કરવા જ નહોતું દીધું.... એ કમળાબેન આજે પોતાના આખા ઘરની જવાબદારી ઉપાડે છે..... જેમણે જિંદગીમાં ક્યારેય ખેતર નહોતું જોયું.... એ આજે ખેતરમાં કામ કરે છે.... જેમણે ક્યારેય વજન નથી ઉપાડ્યો એ આજે જંગલમાંથી લાકડાના ભારા લાવે છે.....
સાસુ માતાના ત્રાસના લીધે એમને શીખવાના સ્થાને કામ કરવું જ પડતું.... ક્યારેક ખેતરમાં કામ કરતાં કરતાં હાથમાં દાતરડું વાગી જાય..... તો ક્યારેક માથા પર લાકડાં લેતા લેતા માથાના વાળ વિખેરાઇને તૂટી જતા.... તો ક્યારેક રસોઈ બનાવતા બનાવતા હાથ પણ દાઝી જતાં... છતાં પણ ક્યારેક રસોઈ બનાવ્યા પછી એવું સાંભળવા મળતું કે, "તે ઝેર તો નથી નાખ્યુંને...??" ક્યારેક પોતે જમવા બેસે તો સાસુ માતા થાળી પણ ફેંકી દેતા... છતાં પણ એ મર્યાદા અને પોતાના સંસ્કારોને વળગી રહી... માત્રને માત્ર એમના પિતા માટે..... પણ આ સમયમાં માત્ર પોતાના પતિના સાથ પર જ કમળાબેનના શ્વાસ ચાલી રહ્યા હતા...
આ બધું જ હોવા છતાં પણ નિયતિ એમની કસોટી વધુને વધુ કઠોર બનાવી રહી હતી...
1979નું વર્ષ હતું કિરીટ ભાઈને ત્યાં દીકરીનો જન્મ થાય છે.... કમળાબેન અને કિરીટભાઈ ખુશ હતા પણ સાસુ માતાને દીકરો જોઈએ.... ફરીથી એમની ક્રૂરતાને કમળાબેન સહન કરવા લાગ્યા.... સમય જતાં 1982માં કિરીટભાઈને ત્યાં ફરીથી એક દીકરીનો જન્મ થયો.... અને સાથે સાથે સાસુનો ત્રાસ વધી ગયો.....
મગનભાઈ પોતે તલાટી હતા પણ ઘરનો માહોલ એમનાથી સહન થતો ન હતો... નજીકના ગામમાં કોઈ પ્રસંગથી આવતા ગામની નદી એટલે કે ભાદર નદી કાંઠે જ તેમને હાર્ટ અટેક આવ્યો.... ને એ જીવ શિવમાં ભળી ગયો... અને એના થોડા સમય પછી જમનાબેન ખાટલાવશ થયા ને કમળાબેન એમની સેવા પણ કરતા... પણ કમળાબેનના દિયર અને નણંદનો ત્રાસ વધવા લાગ્યો... તેઓ કમળાબેન પર અત્યાચાર કરતા હતા અને કિરીટભાઈ ભોળા વ્યક્તિ.... ભગવાનના વ્યક્તિ એટલે એ માવતર આગળ લાચાર હતા....
આવી વિકટ પરિસ્થિતિમાં ફરી 1984માં કિરીટભાઈને ત્યાં પારણું બંધાયું ને આ વખતે પણ..... દીકરીનો જન્મ થયો, પરંતુ કિરીટભાઈ અને કમળાબેને હરખથી જ દીકરી ને આવકારી હતી... બરાબર એ સમયે દેરાણીના ભાઈઓનો ખોટો આક્ષેપ કે કમળાબેનના લીધે તેમની બહેનને સાસરે માન નથી મળતું એટલે... કમળાબેનને ઘરમાંથી કાઢી મૂક્યાં.... તેઓના વાસણ અને સામાન પણ ફેંકી દીધા... કારણકે સાસુમાને નાનો દીકરો વધારે વ્હાલો હતો... પોતાની ત્રણેય ફૂલ જેવી દીકરીઓ માટે લાવેલી વસ્તુઓ પણ જમનાબેન તેમની દીકરીઓને આપી દેતા... તેઓને દુકાનમાં અને ધંધામાંથી પણ કાઢી મૂક્યા....અને ત્રણ ભેસ અને એક બળદ આપી દીધા...
તેઓ ઘરની બાજુની જગ્યામાં સાડી અને પડદો બાંધીને રહેવા લાગ્યા..... સમય જતાં બાબુભાઈ અને રામુભાઈ જેવા ભાગીદારોની મદદથી માટીથી લીંપીને ઘર બનાવ્યુ... ને ત્યાં જ ક્રમશઃ 1986માં અને 1988માં બે દીકરીઓનો જન્મ થયો...
હા.... કિરીટભાઈને પાંચ દિકરીઓ છે જે હિરા સમાન છે. જેમના નામ ક્રમશઃ શાલિની, વિદિશા, સંધ્યા, હેત્વી અને પરિધી...
એ સમયે કિરીટભાઇ 30 કિલોમીટર દૂર એક વાણિયા સાથે રસોડાનું કામ કરવા જતાં..વાણિયો પોતાના ઘોડા પર સવાર થતો ને કિરીટભાઈ એ ઘોડાની લગામ પકડીને ચાલીને જતાં...એ પણ માત્ર ત્રણ રૂપિયા માટે...પરિધીના જન્મના ત્રણ-ચાર મહિના પછીની વાત છે....હેત્વી અને સંધ્યા બંને બહેનો પરિધીને હિંચકામાં રમાડતા હતા...શાલિની અને વિદિશા બંને બહેનો બહાર રમતી હતી...એ સમયે કમળાબેન ઉકરડામાં ગાય-ભેસનું છાણ નાખતા હતા..બરાબર ચોમાસાંનો સમય હતો ને પવન પણ પૂરા અભિમાન સાથે ફૂંકાતો હતો....જાણે એના અસ્તિત્વના ગુમાનમાં પોતાનું જોર બતાવી રહ્યો હોય..!!સરકારી ખાતાઓ પણ વાવાઝોડાની શક્યતાથી સાવચેત હતા...પણ આ નાનકડી દુનિયા એનાથી અજાણ હતી....કોણ જાણે આ ક્રૂર નિયતિએ શું ધાર્યું છે...!!
જોતજોતામાં કાચી માટીની કાયામાંથી એક હાથ ખડી જાય એમ એ કાચા મકાનની એક બાજુની દીવાલ અંદરની તરફ ઢળી પડી....ઉકરડામાં કામ કરી રહેલા કમળાબેન આ ભયંકર અવાજ સાંભળી ધ્રુજી ઊઠે છે...અને પાછળ તરફ દીવાલ પડેલી જોઈ એમનાથી રાડ ફાટી નીકળે છે....