બુરા ના માનો હોળી હૈં वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બુરા ના માનો હોળી હૈં

હોળી આવે એટલે આપણા ગામ ગામડે પંદર વીસ દિવસ અગાઉ નાનાં નાનાં ભૂલકાંઓ પોતપોતાની રીતે તગારું,સુંડલો કે ડોલ જેવું કોઈ પણ પાત્ર લઈને ગોઠિયાઓ સાથે ગામને પાદર,શેરી,મહોલ્લે કે ઘરમાં આવેલ ગભાણમાંથી છાણ પોદડા અને વગડે વાડ કાંટો ભેગા કરી બૅન કે મમ્મી પાસે હોળીનાં હારોળીયાં બનાવી વચ્ચે એક દોરી પરોવાય તેટલું કાણું પડાવી અને દેખરેખ તળે કોઈ ઢોર કે બાળક ભાગી ન નાંખે તેવી સુરક્ષિત જગ્યાએ આ હારોડીયા સૂકવતા..હોળી નિમિત્તે દાહ આપવા જાડાં પાતળા કાષ્ઠ પણ આપણે જ્યાંત્યાં ખાખાખોળા કરીને એકત્ર કરતાં.
સાથે સાથે જુના જમાનામાં જે સ્વરક્ષણનાં હથિયાર જેમ કે કાતરી,ભાલો,તલવાર,ગુપ્તિ,બે નાળ વાળી દેશી બંદૂક વગેરે જેવી પ્રતિકૃતિ લાકડાની બનાવી ગાંડા બાવળની છાલ વિટાડીને અગ્નિમાં દાહ આપી અલગ અલગ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી તૈયારી કરતા તે મારી ઉંમરના ઘણા મિત્રોને યાદ હશે.
હોળીના દિવસે શાળામાં રજા હોય એટલે હોળી પ્રગટાવવાના દિવસે સાંજે કે રાત્રે નક્કી કરેલી જગ્યા ઉપર સખત પરિશ્રમ કરી બધું કાષ્ઠ કે છાણાં એકઠું કરી ફળિયામાં કે ગામમાં બધાંને કહી આવીએ કે આજે હોળી પ્રગટાવવાની છે.અને નકામી સામગ્રી ભેગી કરી બાળકો મોટેરાઓ થકી તમામ સરખી ઉંમરના બાળક ઘેર ઘેર ફરીને હરોળીયા સુકાઈ ગયાં હોય તેને ખાટલાની નકામી સડી ગયેલી દાભડાની દોરીમાં હારબંધ પરોવી હારડો તૈયાર કરી.એક મજબૂત સીધા લાકડી જેવા લાકડામાં પરોવી ઘેર ઘેર ઉઘરાણી કરીને હોળીને શણગારવામાં આવે.વીતી ગયેલા ઉત્સવમાં ફાટી ગયેલા પતંગ,લગ્નોમાં વધેલા રંગબેરંગી કાગળો ભેગા કરી મોટેરાઓ સાથે એક કે કોઈ બે ઠેકાણે હોળીનાં બે ઢગ બનાવે અને તેને ચારે બાજુ વ્યવસ્થિત ગોઠવી ઉપર સીધા લાકડાનો પરોણો હોય તેમાં ધજા બનાવી ટોચ ઉપર વ્યવસ્થિત ગોઠવણી કરે.અને આ રીતે હોળીને જાહેર ચોકમાં તૈયાર કરે.
તમામ ઘરમાં આ દિવસે અવનવા પકવાન પણ બંને.કોઈ ઉપવાસ રાખે અને જમી પરવારી બધાં હોળી ચોકમાં એકઠા થાય.
નવદંપત્તિ કે જેને ઘરમાં બાળક જન્મ્યું હોય તેને પણ નવાં કપડાં પહેરાવીને હોળી દર્શન માટે લાવવામાં આવે.આ બધી પૂર્વ તૈયારી પૂર્ણ થયાં પછી દર્શને આવનાર તમામ લોકો હોળી પ્રગટાવ્યા પહેલાં પૂજા વિધિ કરી કોઈ વ્યક્તિને નક્કી કર્યાં પછી તે હોળીને દીવો કરી પૂજા કરી અગ્નિ આપે અને હોળીનાં પ્રકાશમાં સાત ફેરા ફરે,હાથમાં ત્રાબા પિત્તલનો લોટામાં જળ ભરી ગોળ ગોળ ફરીને અભિષેક કરે.તમામ બાળકો પોતાની મહેનતથી બનાવેલી લાકડાની વસ્તુઓને અગ્નિમાં અણી બાળી પવિત્ર કરે. અને સાત સાત ફેરા ફરે.ત્યારબાદ હોળીમાં લોકો જવ તલ,જુવાર,બાજરી,ધાણી,નાળિયેર,ખજૂર હોમે અને અગ્નિની જ્વાળા વધે અને ઉપર ગોઠવેલી ધજા કઈ દિશામાં પડે છે,તે મુજબ આગળનું વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરે.
દરેક ઘરમાંથી આવેલ નાળિયેર,ખજૂરને એક પાત્રમાં ભેગું કરી હોળી દર્શન કરતાં તમામને પ્રસાદ આપે.
હોળીનાં ફટાણા ગવાય,નિર્દોષ મસ્તી થાય અને હોળી સંપૂર્ણ હોલવાઈ શાંત થાય ત્યારે અંગરાની પથારી કરી તેના ઉપર ઘણા સાહસવીરોની ચાલવાની પ્રથા હતી જે હવે લુપ્ત થઇ ગઈ છે.તે અંગારામાં તાજા શક્કરિયા બટેટાને શેકીને ખાવાની એક અનોખી મજા હવે દેખાતી નથી.દરેક લોકો તે અગ્નિના કોલસા પોતાના ધાન ભરેલા કોઠામાં નાખીને આખું વર્ષ અનાજ સડે નહિ તેવી દુઆ કરતા.જે આજે ઘણા ઓછાં લોકોમાં જોવા મળે છે.
રાત્રે પોતપોતાની મસ્તીમાં હોળીનાં ગીતો ગાય,રાસ રમે અને ઘેર જઈ એકટાણા કરી આરામ કરે.અને બીજા દિવસે ધુળેટીનો તહેવાર આવે એટલે સૌ પોત પોતાનાં પ્રિયજનો ઉપર અબીલ ગુલાલ કે હળદર કંકુથી છાંટણાં કરે.ઘણે ઠેકાણે દિયર ભાભી વચ્ચે કાદવની પણ હોળી ખેલાય.મતલબ કે આ બે દિવસ ખુબ રંગે ચંગે હોળીનો પર્વ ઉજવાય.આ સમયે લગભગ ઠંડીની વિદાય અને ગરમીની શરૂઆત થાય છે.ત્યારે વનવગડે કેશુડો ખીલ્યો હોય છે તો તેના ફુલનો રંગ બનાવી પિચકારી વડે રંગવાની પણ પ્રથા છે.ટૂંકમાં કહું તો ભારતીય ઉત્સવો આપણને સમયે સમયે રંગ ભરવાનું કે ઉત્સાહમાં રહેવાનું સૂચવે છે. માટે..... હોલી હૈ.....!
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )