Retirement: Your ugly face? books and stories free download online pdf in Gujarati

નિવૃત્તિ: તમારો બદસૂરત ચહેરો?


Retirement Is it your ugly face?

પ્રવૃત્તિ વિરોધી શબ્દ છે! આળસ અને નિવૃત્તિ એ પ્રવૃત્તિ પછીની દ્વિતીય સ્થિતિ છે! આપણા પારિવારિક, સામાજિક પરિવેશમાં નિવૃત્તિ વિશે હજી સ્પષ્ટતા આવી નથી!

સરકારમાં ૫૮ વર્ષ અને ખાનગીમાં ૬૦ વર્ષે નિવૃત્તિ અથવા રિટાયરમેન્ટ આવે છે!

પણ જો હવાઈ જહાજમાં અડધી ટિકિટમાં સફર કરવી હોય, કે ઈન્કમ ટૅક્સમાં રિયાયત લેવી હોય, તો ૬0વર્ષ પૂરાં થવા જોઈએ!

તમને ‘સિનિયર સિટિઝન’(Senior citizen) અથવા વયસ્ક નાગરિક(Elderly citizen)ની ઉપાધિ મળે છે. ટ્રેનમાં સિનિયર સિટિઝનને માત્ર દ્વિતીય વર્ગમાં જ રિયાયત મળે છે!

પણ બુનિયાદી પ્રશ્ર્ન ઉંમરનો નથી, નિવૃત્તિનો છે. એ ભારતીય વિચારધારા નથી!

મોટો જજ, કે મોટો જનરલ મેનેજર, કે મોટો પોલિસ અફસર, કે મોટો એક્ઝિક્યુટિવ નિવૃત્ત થાય છે, અને ઘણી વાર શા માટે તરત ગુજરી જાય છે?

‘યસ સર’ જીવનભર સાંભળ્યું છે, પછી સામાન્ય નાગરિક થઈ શકાતું નથી.

જીવનભર ટેબલ પરની બેલ દબાવીને સેવાઓ લીધી છે, પછી પોસ્ટ ઓફિસમાં ટિકિટ કે મની ઓર્ડરની કતારમાં ઊભા રહેવાતું નથી!

મોટા માણસને નાના થતાં આવડતું નથી!

૩૦૦-૩૫૦ ચોરસ ફિટની કૅબિનમાંથી બહાર નીકળીને, જો ફૂટપાથ ઉપર આવીને એક રૂપિયાની મગફળી ખરીદીને ફાકતાં ફાકતાં ચાલી શકો, તો તમારે આ દુનિયામાં કોઈથી ડરવાનું નથી, પણ એ લગભગ અશક્ય છે!

શૉફરે ચલાવેલી મોટરકાર મૂકીને, બસમાં ફૂટબોર્ડ પર દબાઈને અંદર ઘૂસી જવાની શરમ ન હોય, તો તમે દુનિયા જીતી લીધી છે!

નિવૃત્તિ પણ આવું જ સિન્ડોમ છે!

તમે મોટામાંથી નાના બની જાઓ છો, પછી એકલા બનતા જાઓ છો!

એ રસ્તાઓ જે કારના ચડાવેલા કાચમાંથી જોયા હતા, એ હવે પાસેથી વધારે અપરિચિત લાગે છે!

પહેલાં લોકો પાસે આવતાં ડરતા હતા, હવે લોકો દૂર જઈને હસી રહ્યા છે. તમે સ્વેચ્છાએ એકલા પડી ગયા નથી, દુનિયાએ તમને એકલા કરી મૂક્યા છે. નિવૃત્તિ પૂર્ણત: એકલતાનો પ્રથમ અહેસાસ છે!

કઈ ઉંમર હોય છે, નિવૃત્તિની? નક્કી નથી!

પણ જો તમે ૫૬ના છો, તો હવે ૫૪ના થવાના નથી! તમે ૬૩ના છો, તો હવે ૬૧મું વર્ષ બહુ પાછળ ચાલ્યું ગયું છે! હવે ૬૧નો નહીં, ૬૧ની ગતકાલીન કસકનો નહીં, ૬૫ની અનાગતકાલીન ચિંતાનો વિચાર કરો!

રિટાયરના ગર્ભમાં ટાયર્ડ (થાકવું) ધબકી રહ્યું છે!

હું એકલો નહીં જમી શકું, હું એકલો નહીં સૂઈ શકું. તમારે જ તમારી પથારી કરવાની છે, તમારે જ તમારો ચાનો કપ અને ચાની તપેલી ધોઈ નાખવાની છે!

શરીર કમજોર પડતું જાય છે, બીજા પર અવલંબન (dependence) વધતું જાય છે, સમયભાન ઘટી જાય છે!

તમારી પ્રોફેશનલ આઈડેન્ટિટી સિવાય, પ્રતિષ્ઠા કે શાખ સિવાય તમારી પાસે શું હતું?

હવે ચાબુક તમારા હાથમાં નથી. હવે તમે જે ચાબુક વાપરતા હતા એમાંથી જ લગામ બનાવીને તમને જ દાંતમાં પહેરાવી દીધી છે (જો દાંત રહી ગયા હોય તો!)

હવે તમારી પ્રતિષ્ઠા મહત્ત્વની નથી, તમારી ઉપયોગિતા મહત્ત્વની છે!

કહેવાય છે કે નિવૃત્ત માણસ માટે ઘર પણ મનપસંદ રહેતું નથી!

એક મિત્રે કહ્યું હતું, એક સંસ્કૃત શ્ર્લોક ઉદ્ધૃત કરીને, કે વૃદ્ધ માણસે ઘરમાં અતિથિની જેમ રહેવું...! તો આદર રહે છે, સ્વીકાર થાય છે. માણસ સહજ થઈ જાય છે!

નિવૃત્ત માણસે ગંભીરતાથી પ્રથમ વિચાર કરવો પડે છે, હવે કેટલાં વર્ષોની જિંદગી બાકી રહી? ૧૦ વર્ષ બાકી રહ્યાં? તો એને ૧૫ વર્ષ કરવાં પડશે!

બીજી વાત, બાકીની વધેલી જિંદગી ( left overlife)નું શું કરવું છે? ટી.વી. જોવું છે, પૌત્ર-પૌત્રીઓ સાથે રમવું છે. જે દુનિયા જોવાની ઈચ્છા હતી, પણ જોેઈ શકાઈ નથી, કારણ કે સમય કે સગવડ ન હતાં, એ દુનિયા જોવી છે!

સિગરેટ, શરાબ, શોખ બધું જ ધીરે ધીરે છોડવું પડશે, નહીં તો પ્રકૃતિ એવો ફટકો મારશે કે આપોઆપ છૂટી જશે!

સંતાનો માટે કેટલા રૂપિયા મૂકી જવા છે, એ દરેક સફળ નિવૃત્તિકારે વિચારવું જ પડે છે. પૈસા સંભાળવા, સાચવવા, સંવૃદ્ધિ કરવી એ એક એક ઉપર ઉત્તર નિર્ભર કરે છે!

ઊછળતી જવાની ને અઢળક પૈસા, એ એક વિનાશક સ્ફોટક ફૉર્મ્યુલા છે! તમારા મૃત્યુ પછી સંતાનોની ગાળો ખાતા રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે!

નિવૃત્તિ પછી હિન્દુસ્તાનમાં ડિવૉર્સ થતા નથી, પણ બન્નેમાંથી એકનો દેહાંત થઈ શકે છે!ગુજરાતી કહેવત છે કે ભીંત અને કરો સાથે ન પડે! મોટી દીવાલ ભીંત છે, નાની દીવાલ કરો છે, અને બન્ને એકબીજાને સહારે ઊભા છે. બન્ને સાથે પડવાના નથી, એક પડશે અને બીજાએ એકલા જ ઊભા રહેવાનું છે. લગ્નજીવન પણ આજ છે. પતિ-પત્ની સાથે મરતાં નથી, એક મરી જાય છે, બીજાએ જીવતા રહેવાનું છે અને નિવૃત્તિ પછીનો, પત્ની વિનાનો પુરુષ જીવનની અસહ્યતાને બરાબર અનુભવીને સમજે છે. નિવૃત્તિ પુરુષનું ‘વૈધન્ય’ બની જાય છે!

નિવૃત્તિ જીવનને રિ-સ્ટ્રક્ચર કરવાનું નામ છે. હવે ઈચ્છા પ્રમાણે પ્રાપ્તિ નથી, અને એ નથી માટે ઉત્તેજિત થઈને ઘર્ષણ કરવાનું નથી! ધન હોવા છતાં સેવા મળે જ એ આવશ્યક નથી. બન્ને મુઠ્ઠીઓ ખુલ્લી થતી જાય છે, પણ આ અસહાય અવસ્થા નથી!

મુંબઈના પોલીસ અધ્યક્ષ ગફુરે હમણાં એક ઈન્ટરવ્યુમાં સૂચક વાત કરી હતી: વિદેશોમાં વૃદ્ધો સશક્ત સમર્થ રહી શકે છે, સ્વસ્થ હોય છે, શરીર સરસ રાખી શકે છે, પણ આપણા વૃદ્ધો શા માટે લથડી જાય છે?

ગફુરનો તર્ક એવો હતો કે વિદેશી વૃદ્ધો પોતે જ પોતાનું કામ કરતાં રહે છે, એટલે એમના શરીરો ચુસ્ત રહે છે! જ્યારે આપણે ત્યાં સંયુક્ત પરિવારોને કારણે અને કૌટુંબિક પરંપરા પ્રમાણે પુત્ર, પુત્રવધૂ, પુત્રી, પૌત્રી, પૌત્ર દાદાજીને કોઈ કામ કરવા દેતા નથી, એટલે દાદાજી એક ‘કાઉચ પોટેટો’ (couch potato meaning
a lazy person who spends a lot of time sitting and watching television and not doing any other work;સોફા પર બેઠેલું બટાટું) બની જાય છે! બધા જ દાદાજીનું કામ કરવા તત્પર હોય છે અને દાદાજીએ કોઈ જ શારીરિક કામ કરવાનું હોતું નથી, માટે એમની તબિયત રુગ્ણ થતી જાય છે!

લેટેસ્ટ કપડાં પહેરવાં, કે એકલા બહારગામ પ્રવાસ કરવો, કે જિંદગીની મજાઓ કરવી, એ આપણા દેશી દાદાજીના કિસ્મતમાં નથી!

પશ્ર્ચિમમાં એકલતા અથવા ન્યુક્લિઅર ફૅમિલી (માત્ર પિતા-માતા-સંતાનોનો પરિવાર)ને લીધે વૃદ્ધોને શરીર સાચવવું જ પડે છે! નિવૃત્તિમાં સરસ સ્વાસ્થ્ય અત્યંત મહત્ત્વનો આધાર છે!

નિવૃત્તિ અને વૃદ્ધત્વ અવિભાજ્ય છે! તમે નિવૃત્તિ સ્વીકારો કે ન સ્વીકારો, નિવૃત્તિ તમારો, તમારા શરીરનો, તમારા સંંબંધોનો, તમારા પરિવેશનો કબજો લઈ લે છે! દિવસમાં ૮, ૧૦, ૧૪ કલાક જે લોકો સાથે કામ કર્યું છે, એ લોકોના નામો પણ યાદ કરવા પડે, એ દિવસો આવી ચૂક્યા છે, અને એ વૃદ્ધત્વનું પ્રથમ ચરણ છે!

હવે ડોરબેલ ઓછી વાગે છે, હવે ટેલિફોન ઓછા આવે છે, હવે જે મળે છે એ પ્રથમ તમારી તબિયત પૂછે છે!

હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી નિવૃત્તિની દિશા કઈ છે: સ્પિરિચ્યુઅલની (Spirituality અધ્યાત્મિક) કે મટિરિયાલિસ્ટિક ની (Materialistic ભૌતિકતા)? અને બંન્ને સાચી છે, કારણ કે ચહેરો તમારો છે!

લેખક -શ્રી ચંદ્રકાંત બક્ષી

શ્રી ચંદ્રકાંત બક્ષીનો આ આર્ટીકલ અવશ્ય વાંચજો.કદાચ નિવૃતીને આ રીતે શ્રી ચંદ્રકાંત બક્ષી જ મુલવી શકે!

બીજા રસપ્રદ વિકલ્પો