ગુપ્ત: એક ભ્રમ - 1 Dhruti Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુપ્ત: એક ભ્રમ - 1

ભાગ:૧


ગામડાનું વાતાવરણ એકદમ સ્તબ્ધ બની ગયું હતું. શિયાળાની કડકડતી ઠંડી અને સાંજનો સમય. ગામની પાદર માં આવેલ એક નળિયાબંધ મકાન. મકાનનાં ઊંડા અંધારા ઓરડામાંથી આવતો કિચૂડ... કિચૂડ... કિચુડ... નો ઘોડિયાનો અવાજ. કોઈની આંખો એ ઘોડિયા નાં હલનચલન ની સાથે રમી રહી હતી. ઘરની સાજ શણગાર ને જોઈને એવું લાગતું હતું કે, “કોઈ ઉત્સવની ઉજવણી ની જોરદાર તૈયારીઓ ચાલી રહી હતી.” પરંતુ કોઈ આઘાત નાં કારણે બધી જ તૈયારીઓ અને ઉજવણી વિખેરાઈ ગઈ હતી. ઘરનાં એક ખૂણા માં બેઠેલા સુગંધા બહેન. તેમના મુખ પર કોઈ જ હાવ ભાવ નહી. બસ સ્તબ્ધ થઈ બેઠાં હતાં અને કોઈ વાતનો માતમ મનાવી રહ્યા હતા.

“અરે! સુગંધા, તું ચિંતા નઈ કર, ઈશ્વરને જે ગમ્યું તે ખરું. આપણે આપણી બેય દિકરિયું ને દિકરાની જેમ જ ઉછેરશું.” અનિકેત શર્માએ રડતાં રડતાં સુગંધા ને આશ્વાસન આપતાં કહ્યું.
હકીકતમાં તેઓએ ત્યાં એક દિકરીના જન્મ પછી ચાર વર્ષે પારણું બંધાયું, અને જન્મી દિકરી.

“અ.... હ્.... આ... હ્.... અનિકેત.... હવે આપણે શું કરશું? અ.. હ્.. અ... હ્... ડોકટરે પણ હવે નાં પાડી દીધી કે હવે દિકરાની આશા નઈ રાખતાં.” સુગંધા એ રડતાં રડતાં અનિકેતને કહ્યું.

“અરે! સુગંધા દિકરી હોય તો શું થયું? આપણે તેને ભણાવી ગણાવીને ઊંચી પોસ્ટ પર મોકલશું, અને એમ પણ દિકરીઓ ખુબ ડાહી અને હોશિયાર હોય છે.” અનિકેત ભાઈએ સુગંધા નાં ખભે હાથ મૂક્યો અને તેને આશ્વાસન આપ્યું.

સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ તેઓ દિકરીઓને અપનાવતા ગયાં. તોય અનિકેત અને સુગંધાને દિકરીઓ થી સંતોષ ન હતો. તેઓને દિકરાની આશા તો હતી, પરંતુ એકબીજા થી છાનામાના રડ્યા રહેતાં. તેઓની મોટી દિકરીનું નામ મેઘા અને નાની દિકરીનું નામ શ્વેતા હતું. તેઓ બંને પોતાની દિકરીઓને હાથની હથેળીમાં રાખતાં.

“ઓહ્.. પપ્પા.... અરે! ઓ પપ્પા... ક્યાં છો? જુઓ આજે મારી સ્કૂલમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો.” મેઘા એ આખા ઘરમાં તેનાં પપ્પાને શોધતા શોધતા કહ્યું.

“મેઘું, આ શું ગાંડાની જેમ બૂમો પાડે છે? શું થયું? જો તારા પપ્પા કદાચ દુકાનમાં હશે.” સુગંધા બહેને રસોડામાંથી બૂમ પાડી.

“અરે! મમ્મી આ તો જો, આજે મારો આખી સ્કૂલમાં પહેલો નંબર આવ્યો છે, અને હવે થી ભણવાનો ખર્ચ પણ માફ.” મેઘાએ તેનાં મમ્મીને ફુદરડી ફેરવતાં ફેરવતાં કહ્યું.

“અરે! મારી મેઘૂડી..... શું વાત કરે છે! આજે તો તારે જે જોઈએ તે માંગ. સાચું, આજે તે બહું મોટી ખુશખબરી આપી છે હો!” સુગંધા ની આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં.

“ક્યાં ગઈ પેલી? જો સાંભળ શ્વેતા, આ તારી મોટી બહેન કેટલી હોશિયાર છે? અને તું? ભણવું ન હોય તો કઈક બીજું કર.” સુગંધાએ શ્વેતાને હળવેથી કટાક્ષ કર્યો.

અનિકેત ભાઈની દુકાન તેઓના ઘરની બાજુમાં જ હતી. તેઓ કરિયાણાનો નાનો એવો ધંધો કરતા હતા. જો કે દુકાન ઘરની નજીક હોવાના તેમને ફાયદા ઘણાં હતાં. ઘરે કોઈ મહેમાન આવે એટલે તરત જ પહેલાં અનિકેત ભાઈને ખબર પડી જતી. એટલે અનિકેત ભાઈ તરત દુકાન બંધ કરીને ઘરે પહોંચી જતાં, અને જો કોઈ ઘરાક આવે તો તરત દુકાને. અનિકેત ભાઈ ચા નાં ખુબ બંધાણી હતાં. એટલે તેમના માટે ઘરેથી ચા સતત ચાલુ જ રહેતી. તે એક મધ્યમ વર્ગનો પરિવાર ખુબ ઈમાનદારી થી જીવતો. એમાંય મેઘાની ફી માફ થઈ ગઈ એ તેમનાં માટે મોટામાં મોટી રાહત હતી.

“શું તમે લોકો કરો છો આ બધું? તમારો અવાજ છેક મારી દુકાનમાં સંભળાય છે. કોઈ સાંભળે તો કેવું લાગે? અને સુગંધા, આ તો હજી છોકરાવ છે, તને નથી ખબર પડતી?” અનિકેત ભાઈ દુકાનમાંથી આવ્યા અને પોતાનાં ભીના હાથ નેપકીન વડે લૂછતાં લૂછતાં બોલ્યાં.

“પણ અનિકેત, પહેલાં સાંભળો તો ખરાં! જુઓ તો આજે આપણી મેઘુ પહેલો નંબર લાવી.” સુગંધાએ અનિકેતને મેઘાનું રીઝલ્ટ બતાવતાં કહ્યું.

“અરે વાહ્! મારી દિકરી, બોલ શું જોઈએ છે તારે? આજે તે મારું નામ રોશન કરી દીધું. આ અનિકેત શર્મા ને લોકોએ પુત્ર ન હોવાનાં કારણે ખૂબ મેણાં મર્યા, હવે લોકોને પણ ખબર પડે કે દિકરી કંઈ મામૂલી ચીજ નથી... ” આટલું બોલતા જ અનિકેતની આંખોમાં પાણી આવી ગયું.

અનિકેત તે દિવસે ગળગળો થઈ ગયો. તેના હૃદયમાં એક અલગ જ ઉત્થળ પાથલ હતી. તે પોતાને ભાગ્યશાળી અનુભવી રહ્યો હતો. કદાચ તે જ ક્ષણ હતી, જ્યારે તેને પોતાની દીકરીઓમાં સંતોષ થયો. તેના મનમાં તેણે એક હાશકારો અનુભવ્યો. તેને દિકરીઓની સાથે પોતાના ભવિષ્યની પણ ચિંતા ઓછી થઈ, પરંતુ અનિકેત શર્માને પોતાની દીકરીઓને ખોવાનો ડર હંમેશા તેનાં મનમાં જ રહ્યા કરતો. એક રાત્રે મેઘા અને શ્વેતા પોતાનાં રૂમમાં સૂતાં હતાં. સુગંધા બહાર ઓસરીમાં એકલી બેઠી હતી, અને અનિકેત ની પણ ઊંઘ ઉડી ગઈ.

“અરે! સુગંધા પથારી માં નથી...અત્યારે અડધી રાત્રે ક્યાં ગઈ હશે?” અનિકેતે પોતાની આંખો ચોળતા ઘડીયાળ સામે જોઇને મનમાં ને મનમાં વિચાર્યું.
અનિકેત ઊઠીને બહાર ઓસરીમાં ગયો.

“કેમ! સુગંધા, ઊંઘ નથી આવતી? કેમ અત્યારે.....?” અનિકેતે અચકાતા અચકાતા કીધું.

“ખોટો દેખાવ ન કરો અનિકેત, ઊંઘ તો તમારી પણ હવે ઉડી જ ગઈ છે ને? તમને પણ ક્યાં ઊંઘ આવે છે?” સુગંધાએ હળવેથી કટાક્ષ કર્યો.

“હા, સુગંધા હવે તો ઊંઘ ક્યાંથી આવે? દિકરીનો બાપ છું ને. મેઘાને આપણે સારી કોલેજ માં એડમીશન તો અપાવી દીધું, અને હવે એ ભણવાનું પૂરું કરવા અમદાવાદ જતી રહેશે, અને શ્વેતા તેનાં ‘ફેશન ડિઝાઈનીંગ’ નાં કામ માટે સુરત...” અનિકેતે નિરાશ થઈ બારીમાંથી આકાશ તરફ જોઈને કહ્યું.

“આપણું ઘર એકદમ ખાલી થઈ જશે ને? પહેલી વાર આપણી છોકરીઓ આપણને મૂકીને એકલી બહાર જાય છે.” આટલું બોલતા તો સુગંધા ની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

“એમાં રડવાનું શું હોય ગાંડી? સારું કેવાયને એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય. અને......” અનિકેતે બંને આંખોના નેણને ઊંચા કરી સુગંધા ને ઈશારો કર્યો.

“શરમ કરો શરમ, હવે આ ઉંમર નથી કંઈ તમારી રોમાન્સ કરવાની. ઘરડાં થયાં ઘરડાં...” સુગંધાએ હસતાં હસતાં કહ્યું.

“ઓહો... મેડમ, ઘરડાં થયાં હોય તો એક કપ ગરમા ગરમ મસાલેદાર ચા મળશે?” અનિકેતે સુગંધના આંસુ લૂછ્યા અને તેના ગાલ ઉપર હળવેથી એક ટપલી મારી કહ્યું.

બંનેએ સાથે ચા પીધી, અને વાતો કરતા કરતા તેઓ ઓસરીમાં જે હિંચકાની ખાટ ઉપર બેઠાં હતાં, ત્યાં જ બેઠાં બેઠાં સૂઈ ગયા. મેઘા અને શ્વેતા સવારે પોતાનાં રૂમમાંથી બહાર નીકળી, અને જોયું કે મમ્મી પપ્પા તો અહીંયાં જ સૂઈ ગયા છે...

ક્રમશ....❤️🧡💛💚💙💜🤎🤍🖤


ધૃતિ જોષી_✍🏻