બાળપણ ની વાતો - 1 Jaimini Brahmbhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળપણ ની વાતો - 1


(માનવ અને પશુ વચ્ચેના અદ્દભુત પ્રેમનુ નિરુપણ)

આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો, પોતાના દેખાવથી આવતાંજતાંનું લક્ષ ખેંચી રહેતાં.
જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી.
ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા.
પતરાનાં, પાટિયાનાં અને ગૂણિયાંનાં, એમ અનેકરંગી થીગડાં મારેલી ખડકી ખુલ્લી રહેતી.
અંદર એક ફાટેલતૂટેલ સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય.

જુમાએ સોના-રુપાનાં વાસણથી માંડીને ઠીંકરાની ફૂટેલી હાંડલી સુધી બધી તડકાછાંયા જોઇ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત માબાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો.

હજી એને સાંભરતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા- વેણુ અને જુમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું. પણ જ્યારે પૈસાની છોળ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા; તેમાંથી કોઇક સાહિત્યરસિક હિંદુ મિત્રે પાડાને આવું કુમળું – વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યું.

જુમો લક્ષાધિપતિ હતો; ભિખારી બની ગયો. વળી ચડયો, પાછો પડયો અને આજે છેવટે આ ત્રણ તૂટેલાં ઝૂંપડાંમાં એનો બધો સામાન સચવાઇ રહેતો.
એકમાં વેણુ બંધાતો; વચ્ચે બારણું હતું તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એક-બીજાની સામે જોઇને બેસી રહેતા; અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું.

અનેક મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટક્યા – માત્ર જુમો અને વેણુ, બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા.
આજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટીમોટી મસક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય તે પાછળ જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય.
બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બન્ને પાછા વળતા. જુમાએ એક પૈસાનાં ગાજર કે બહુ તો ટમેટાં કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ – જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય – પાડા માટે લીધાં હોય. #અમર_કથાઓ

બસ, આ હમેશની ખરીદી. આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહિ, કોઇ વધુ કામ, આપે તો લેવું નહિ, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહિ. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો; અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ, પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊભો હોય કે જાગતો સૂતો હોય. શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા !

છેક સાંજે બન્ને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઇ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા.
એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બન્ને ફરવા નીકળ્યા. જુમાને વિચાર હતો કે પાડો થોડુંઘણું ચરે તો સારું; પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઇનાં લક્ષણ નહિ ! એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ‘ના, નહિ ખાઉં’ એમ સ્પષ્ટ સંભળાવી દે !’

અને જુમો થાક્યો : ‘ચાલ ત્યારે, ઘેર જઇને ખાજે. તને પણ લાડ કરવાની ટેવ પડી છે !’

વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, પોતાના પૂંછડાને બરડા પર પછાડયું ને જુમાની સામે જોઇ કાન ફફડાવીને ‘રણક’ કરતોક તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડયો.

‘જો ! જો ! હવે પાછો વાળું કે ? દોડવાનું છે ?’ જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી, પણ તે પહેલાં વેણુ તોે રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતાં, પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યોે, પણ ફોગટ. ધબ દઇને નીચે બેસી ગયો, ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો. તે શ્વાસભેર દોડયો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઇ આમતેમ મચડયો. પણ બધું વ્યર્થ !
આછું અંધારું ને આછો ઉજાશ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડયો : ગાડી આવશે તો !

તે એકદમ રસ્તા તરફ દોડયો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમના એકેક હાથમાં નેતરની સોટીઓ ઊછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઇ લીધી હતી. ગાંડો દોડે તેમ જુમો દોડયો.

‘એ ભાઇસા’બ ! મારો વે…… મારો પાડો. અબઘડી કપાઇ જશે. જુઓ, પણે જુઓ – પાટામાં સપડાયો છે !’

બન્ને જણાએ જુમાએ દેખાડયું ત્યા જોયું. કાંઇક કાળુંકાળું તરફડતું લાગ્યું.

‘શું છે ?’

‘મારો વેણુ-પાડો !’

‘ઓહો !… જા, જા, ફાટકવાળા પાસે દોડ…’

‘તમે માબાપ, ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે.’

‘અમે ? તું દોડ-દોડ- ફાટકવાળાને કહે !’ એમ કહીને એ બન્ને જણા તો ચાલતા થઇ ગયા ! જુમો ફાટકવાળા તરફ દોડયો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઇ માણસ ફરકતું લાગ્યું નહિ. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઇ. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી. પણ માણસનું કોઇ છૈયું સરખું યે જણાયું નહિ. ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડયો. સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહિ ! તેણે જોરથી બારણામાં પાટું માર્યું.

‘એ કોણ ?’

‘એ ચાલો ! ભાઇ-બહેન ! સિગ્નલ ફેરવો, મારું જાનવર કપાઇ જશે.’

‘ઘેર કોઇ ભાઇમાણસ નથી !’ – બસ. આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા મંડી.

હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. ‘દોડો ! દોડો !… મારું જનાવર કપાય છે !’ જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી; પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી !

જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. – અમરકથાઓ-

‘યા પરવરદિગાર !’ તેણે મોટેથી બૂમ પાડી.
એટલું બોલીને જુમો એકદમ દોડયો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડયો હતો. તેની ગોદમાં તે ભરાઇ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું.
‘દોસ્ત ! ભાઇ ! વેણુ ! આપણે બન્ને સાથે છીએ હો !’ અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે પડયો.
દર પળે ટ્રેનના ધબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઇ. જોસબંધ ફરતાં પૈડાં સંભળાયાં. જુમો વેણુને ભેટી પડયો. પણ જેવી ગાડી છેક નજીક આવી કે તરત જ, પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊચક્યું, અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો.

વેણુ પર થઇને આખી ટ્રેન ચાલી ગઇ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયુ ભીંજાઇ ગયું. તેને કળ વળી ને બેઠો થયો, ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઇ પણ નામનિશાન રહ્યું ન હતું !
*
હજી પણ હંમેશાં જુમો સવારમાં જ એકલો, અશાંત, એ રસ્તે ફૂલ લઇને આવતો દેખાય છે, અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ !.. વેણુ !.. વેણુ !’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે !
(મિત્રો આ વાર્તા વિશે આપનુ મંતવ્ય જરુર આપશો. આપની ફરમાઇશ અમને કોમેન્ટમાં મોકલો)

✍ ધૂમકેતુ