ભારત દેશ એક એવો વિશ્વની એક નંબરની લોકશાહી ધરાવતો દેશ છે. બીજા બધા દેશોને બાદ કરતાં ભારત જ એક એવો દેશ છે કે, આ દેશમાં સર્વ જ્ઞાતિ ના લોકો ભાઇચારાથી એકબીજાની જ્ઞાતિના તહેવારોની ઉજવણી કરતાં હોય છે. તેમાં પણ અંગ્રેજી માસ જો ગણીએ તો લગભગ જુલાઇ થી નવેમ્બર અને ગુજરાતી માસ જો ગણીએ તો શ્રાવણ માસથી લઇને કારતક માસ સુધીના મહીના એટલે અનેક ઉત્સવોના મેળાવડા કહીએ તો પણ ચાલે. આ દરમિયાન ગુજરાત માં તો તહેવારોની રમઝટ ચાલતી હોય અને તેમાં પણ ગુજરાતીઓ તો પાછા આમેય ઉત્સવ પ્રિય એટલે તે મન ભરીને તહેવારોને માણે એમાં કોઇ બેમત ના હોય. ગુજરાતમાં તો વાત ઠીક છે ચાલો માણે. પરંતુ આ ગુજરાતી પ્રજા અને દદક્ષિણ ભારતની પ્રજા કે એવી છે કે જોજન દૂર પોતાના માદરે વતનથી ભલે દૂર હોય પરંતુ ત્યાં એટલે વિદેશમાં પણ આ લોકો પોતાના તહેવારોની ઉજવણી એવી રંગેચંગે કરે કે ભારતમાં વસનારા તેમના સગાં સંબંધીઓ ઉજવણી જોઇ મોંઢામાં આંગળી નાંખી દેતા હોય કે શું જલસા કરે છે, વિદેશમાં વસીને પણ.
આવાજ તહેવારોની મોસમના પવિત્ર માસ એવા કારતક માસની વાત કરીએ તો આ માસમાં દિવાળીનો મોટામાં મોટો તહેવાર અને આ તહેવાર એવો ખેલ માતા-પિતા રૂપિયાની અછત હોય તો પણ પોતાના બાળકોની માંગણીઓ હોંશથી પુરી કરવામાં કોઇ કચાશ ન રાખે. આ દિવાળીનો તહેવાર એટલે લાંબો ચાલે અને આ જ તહેવાર એવો છે કે બધા એકબીજાને ત્યાં જઇને ખુશીઓની જયાફત માણતા હોય છે. આવા સમયે બાળકો પણ પોતાના મિમિત્રવર્તુળમાં એકબીને મળવા જતો હોય છે. આજે દીવાળીનો દિવસ હતો રૂચીતા સવારે વહેલાં ઉઠીને તેની રીતે પરવાળીને તેના મિત્રવૃંદમાં ચાલી ગઇ હતી. ઘરના બાકીના સભ્યો પણ સૌ પોતપોતાની રીતે બહાર ગયેલ હતા. આજનો દિવસ તહેવારનો હતો પરંતુ ઘરમાં ફક્ત હું અને અમારી સૌની લાડકવાયી ચાર્લી અમે બંને જ રહ્યા હતાં. અને બધાએ નકકી પણ કરેલ હતું કે અમે બંને ઘરે રહીશું. આપને જણાવવાની ચેષ્ટા કરી લઉં કે અમારી લાડકવાયી ચાર્લી એટલે શ્વાનનું શરીર ધારણ કરીને છેલ્લા બે-ત્રણ વર્ષથી અમારી સાથે રહેતી એ વૈશ્વિક ચેતના, જે અમને આધ્યાત્મ અને આત્મ-સાક્ષાત્કાર જેવા અઘરા પ્રકરણો ભણાવે છે. પરંતુ બધુ માનવી નકકી કરે એમ થતું હોવું નથી. એ જ વાત અમારે પણ થઇ. અચાનક સંજોગો એવા બદલાઇ ગયા કે મારે પણ ઘરની બહાર નીકળવું પડે તેમ હતું અને નીકળ્યા વગર કોઇ સંજોગોમાં ચાલે તેમ પણ ન હતું. વાત જો આમ ફક્ત પાંચ-સાતકલાક પૂરતી જ હતી, જો કે આટલો લાંબો સમય ચાર્લી આરામથી ઘરમાં એકલી રહી શકે. મારી જેમ એ પણ એકાંતપ્રેમી, પણ ‘મને એકાંત ગમે છે’ એવું કહેવા માટે પણ જીવનમાં કોઈની હાજરી અનિવાર્ય હોય છે.
ઘરે પરત આવતાં સાંજ પડી જાય તેમ તો હતું અને આટલો લાંબો સમય હું ચાર્લીને ઘરમાં એકલી ન રાખી શકું. મારું અંગત એમ માનવું હતું કે, જે સજીવો માત્ર પ્રેમના આદાનપ્રદાન પર જ જીવતા હોય, તેમના માટે પ્રિયજનની લાંબી ગેરહાજરી અસહ્ય અને આઘાતજનક હોય છે. ચાર્લી ને સાથે લઈ જઈ શકું, પરંતુ એ પણ શક્ય નહોતું. તો, ચાર્લીને ક્યાં રાખવી ? સામાન્યરીતે તો આવો સવાલ ઉભો થતો ન હતો કારણ અમે બહારગામ જઈએ ત્યારે ચાર્લી ને અમારી સાથે લેતા જઈએ. તેણીની અટક ‘જાડેજા‘ નહોતી તો શું ? એ પણ અમારા ઘરની એક સન્માનીય સભ્ય જ હતી. છે. ચાર્લી એ જ અમને શીખવ્યું હતું કે વહાલા બનવા માટે કોઇ સગપણ હોવું જરૂરી નથી. મુંબઇની ખ્યાતનામ એક હોટેલમાં મારી સાથે ચાર્લી ને રહેવા દેવા માટે, મેં મેનેજમેન્ટને પણ કન્વીન્સ કરી દીધેલા. પણ આ સમય એવો હતો કે આ વખતે હું તેને સાથે લઈ જવું એ શક્ય નહોતું.
સામાન્યરીતે આવા સંજોગોમાં અમે ચાર્લી ને એક નકકી કરેલ ‘ડૉગ હોસ્ટેલ’માં મૂકી આવતા હોઈએ છીએ. ત્યાંના વાતાવરણ અને વ્યક્તિઓથી તેણી પરિચિત છે. પણ આ વખતે તો એ હોસ્ટેલ પણ બંધ હતી. હવે શું કરવું ? અચાનક મને અમારી હોસ્પિટલ સ્ટાફ હેમાની યાદ આવી. એ પ્રખર પ્રાણીપ્રેમી છે. માત્ર હેમા જ નહીં, જેના ઘરના મોટાભાગના સભ્યો હોસ્પિટલના સભ્યો ‘પ્રાણીપ્રિય‘ છે. અને એટલે જ કદાચ, તેઓ મારી સાથે છે. જેમને મૂંગા પ્રાણીઓ પ્રત્યે સંવેદના નથી, એમને પીડિત મનુષ્યો માટે કઈ રીતે હોઈ શકે ?
મેં હેમાને ફોન કર્યો. ચાર્લી ની સમસ્યા બાબતે…સોરી, કહી મારી સમસ્યા રજૂ કરી. હેમા એ કહ્યું, ‘હું ઘરે જ છું. એને મૂકી જાઓ સર’. હાશ ! હવે ચાર્લી ની ચિંતા નહીં કરવી પડે, એવા વિચાર સાથે મેં રાહત અનુભવી. આનંદમાં આવીને હું ખુશીમાં ને ખુશીમાં ગીતો ગાવા લાગ્યો પણ બીજી જ ક્ષણે મને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે ‘આ કામચલાઉ વ્યવસ્થાની જાણ ચાર્લી ને તો નથી ! એને કઈ રીતે સમજાવીશ કે સવારથી સાંજ સુધી, કોઈ સાવ અજાણી જગ્યાએ તેણીને એકલા જવાનું છે ?’. મેં કારની ચાવી હાથમાં લીધી. ચાર્લી ને બેલ્ટ પહેરાવ્યો. ચાર્લી ને કે એમ જ લાગ્યું કે હું એને બહાર ફરવા લઈ જાઉં છું. એ તો ગેલમાં આવીને, મારી સાથે મસ્તી કરવા લાગી. ફરવા લઈ જવા બદલ મારો આભાર વ્યક્ત કરતી હોય, એમ મને મનોમન વહાલ કરવા લાગી. અને મારી અંતરની સમસ્યાઓ વધવા લાગી. કારમાં મારી બાજુની સીટ પર બેસીને હરખાતાં હરખાતાં જ્યારે એ બારીની બહાર જોઈ રહી હતી, ત્યારે મારા મનમાં એક જ વિચાર ઘુમરાયા કરતો હતો, ‘હું આની સાથે વિશ્વાસઘાત કરવા જઈ રહ્યો છું’.
અમે હેમાના ઘરે પહોંચ્યા. આ પહેલાં ક્યારેય પણ ચાર્લી, હેમાના ઘરે નહોતી ગયેલી. ક્યારેક હોસ્પિટલ આવે ત્યારે થોડીવાર માટે મળી હોય, પણ બાકી તો ચાર્લી હેમાને પૂરીરીતે ઓળખતી પણ નહોતી. એ તો મારા ભરોસે હેમાના ઘરે આવેલી. ચાર્લી નો બેલ્ટ મેં ધીમેથી હેમા હાથમાં સોંપી દીધી. ચાર્લી જ્યારે હેમાના ઘરનું રાચરચીલું સુંઘવામાં વ્યસ્ત હતી, ત્યારે ઈશારો કરીને હેમાએ મને કહ્યું, ‘તમે નીકળી જાવ’. હું પણ મારી ગરજને મનમાં રાખીને ધ્યાન છટકાવીને હું છાના પગલે મકાનના નાના દરવાજા તરફ ચાલવા લાગ્યો.
એક મુંગા પ્રાણી સાથે અફસોસ અને અપરાધ ભાવના વજનથી મારા પગ ભારે થઈ ગયેલા. અવાજ ન આવે એ રીતે મેં હળવેથી દરવાજોખોલ્યો. હું બહાર નીકળી ગયો. દરવાજો બંધ કરતી વખતે થયેલા ધીમા અને તીણા અવાજથી ચાર્લી ના કાન ચમક્યા. તેણે પાછું વળીને જોયું. મને જતો જોઈને, તે મારા તરફ દોડી. હેમાના હાથમાંથી પટ્ટો છોડાવીને, તે દરવાજા સુધી પહોંચી ગઈ.
દરવાજાની બીજી તરફ ઉભા રહીને, હું એને જોતો રહ્યો. અને દરવાજાની પેલી તરફ ઉભેલી ચાર્લી મને જોતી રહી. એની એ નયનરમ્ય આંખો હું ક્યારેય ભૂલી નહીં શકું. એ આંખોમાં ફરિયાદ નહોતી, આઘાત હતો. છેતરપિંડીના ભોગ બન્યાનું તેને દુઃખ હતું. દરવાજાની તિરાડમાંથી મને જોઈ રહેલી એ છેક સુધી શાંત ઉભી રહી. પણ એના મુખેથી ન નીકળેલો અવાજ મને સ્પષ્ટ સંભળાયો, ‘ભાવિન, તું પણ ? તેં મારી સાથે વિશ્વાસઘાત કર્યો ?’. હૃદય પર પથ્થર મૂકીને હું ગાડીમાં બેઠો. ડ્રાઈવિંગ સીટ પર બેસીને, મેં ફરી એક નજર દરવાજા તરફ કરી. જો ચાર્લી હજુ પણ ત્યાં જ ઉભેલી હતી. મને જતાં જોઈ રહી હતી. મેં મનમાં કહ્યું, ‘બેટા, પ્રોમિસ ! સાંજે ચોક્કસ લઈ જઈશ તને.’ અને મેં વચન પાળ્યું. મોડી સાંજે જ્યારે હું ચાર્લી ને મળ્યો, ત્યારે દોડીને એ મને વળગી પડી. હેમા પાસેથી જાણવા મળ્યું કે તમે ગયા પછી આખો દિવસ દવાજા તરફ મોઢું કરીને જ બેસી રહેલી, જાણે મારી રાહ જોતી હોય એમ !
ચાર્લી ને લઈને કારમાં બેઠો ત્યારે મને વાસતવિકતાનું ભાન થયું. ‘એ અભ્યાસ માટે હોય કે અનુકુલન માટે, ઘરની બહાર નીકળેલી દરેક દીકરીને સાંજ પડે ઘરે પાછા ફરવાનો વિકલ્પ મળવો જોઈએ.’ એ અપરિચિત ઘર ગમી જાય, તો ઉત્તમ. પણ ધારો કે ન ગમે, તો એ કહેવાની જવાબદારી દરેક પિતાની છે કે ‘બેટા, પ્રોમિસ ! સાંજે લઈ જઈશ તને.’
---------------------------------------------------------*********************------------------------------------------
Dipakchitnis
Dchitnis3@gmail.com