ઘર, જે રૂમ - રસોડું અને ઓસરી હોવાથી નથી બનતું પણ ઘરના, પરિવારના સભ્યો હોવાથી એ ઘર બને છે. અહીંયા તો ઘર હું પણ નથી કહી શકતો કેમ કે પરિવાર જોડેં નથી. કોઈને કહી પણ ના શકું કે હું ઘરમાં રહ્યુ છું કેમ કે એના માટે પણ રસોડું ઓસરી હોવું જોઈએ. તો વિચારી લ્યો હું ક્યાં રહ્યો હોઈશ. સાચી વાત, હું એક ચાર દીવાલની અંદર રહ્યુ છું. જેને આપણે રૂમ કહીએ છીએ.જેમ ફ્લેટમાં ચાર દીવાલોની બહારનું આપણા હકમાં નથી એમ જ મારા રૂમની બહારનું મારા હકમાં નથી.
બસ દેખાય છે ચારે બાજુ તો એક જ કલરની દીવાલ.મારા રૂમની વાત કરું તો એમાં ઉગમણો દરવાજો છે. જે સવારમાં ઉગતા સૂરજના દર્શન આપે છે. દરવાજાની બસ બાજુમાં જ ૩ બારીઓ છે. જે મને શનિ - રવિવાર એ સૂરજની ઝાંખી નીકળતી કિરણોથી મને જગાડી દે છે. મનમાં સવાલ પણ હશે તમને કે કેમ શનિવાર એને રવિવાર, બાકીના દિવસે કેમ નહિ. તો એનો પણ જવાબ મળી જશે. બસ આગળ વાંચતા રહો. રૂમમાં જતા જ જમણી બાજુ ટેબલ છે. જેમાં મારી દરરોજની વસ્તુ પડેલી હોય છે. સૂકા નાસ્તાથી લઈને દરવાજે મારવાનું લોક, નોકરીએ થી આવીને મુકેલી ઘડિયાળ, રૂમાલ, ચાર્જર, "ઇટ એન્ડ્સ વિથ ઉસ" પુસ્તક, ટોપી, કાંસકો, સ્કુટરની ચાવી. બધું ત્યા જ રહેલી હોય છે.
ટેબલના બાજુમાં જ દીવાલની અંદર કબાટ છે. જેમાં દરવાજા નથી પણ ખાના રહેલા છે. ત્યાં મારી તૈયાર થવાની વસ્તુ છે. બીજા ખાનામાં મારા કુળદેવી છે. જેની અસીમ કૃપાથી હું અત્યારે લખું છું. એમની પૂજા આરતી કરી છું. ક્યારેય મને નિરાશ નથી કર્યો અને કરશે પણ નહિ. ટેબલના સામે જ મારો ખાટલો છે. જેમાં પથારી અઠવાડિયે ૩ વાર સરખી થાય છે. બાજુમાં મારી તરસ તૃપ્ત કરવા માટલું ભર્યું છે. બારીની સામે જ મારો ટેબલ પખો છે. જેમાં ચોમાસાની હલકી ગરમી પણ નાં ભગાડી શકે એટલો એની પવન છે.
બસ આટલું જ છે મારાં રૂમમાં. વધીને શું હોય એક માણસ પાસે જે ભાડાના ઘરમાં રહેતો હોય. અરે સોરી ઘર ક્યાં એક રૂમમાં. અરે એ તો ભૂલી જ ગયો કે ટેબલના નીચે દરરોજ નાહવાની ડોલ જેમાં બ્રશ, ટ્યુબ, ઉલિયું, સાબુ, રહેલું છે. જે લઈને દરરોજ નાહવા જવાનું. બાજુમાં જ સેન્ડલ, ચપલ પડેલી રહે છે.
નોકરીએથી રૂમમાં આવીને એવું લાગે જાણે મુસીબત છોડીને આવ્યો હોય. પણ બીજી મુસીબત રાહ જોઈને જ બેઠી હોય. ક્યાંય મન નાં લાગે, સુનું સુનુ લાગે, જાણે દુનિયાથી સંબંધ છોડીને હું એકલો જ મારી રૂમની દુનિયામાં રહેતો હોય. નથી ગમતું મને પણ આ રૂમમાં પણ મજબૂરી છે જીવનમાં. જે બધું જ કામ કરે છે. માણસ ને ના ગમતું પણ કરવું પડે છે. આંસુ પડવા છતાં પણ હસતું રહેવું પડે છે.
મારા દિવસની વાત કરું તો એની શરૂઆત બધાના દિવસ કરતાં વહેલી થઈ જાય છે. તમને લાગતું હશે કે ૫ વાગ્યે વધીને તો વહેલા કેટલું હોય. પણ મારા દિવસની શરૂઆત સવારે ૨:૪૦ ના એક એલાર્મ પર જ થઈ જાય છે. હા, એક જ એલાર્મ, જ્યારે જવાબદારી ઊંઘથી વધારે ભારે હોય ત્યારે એક એલાર્મ જ બહુ છે તમને જગાડવા માટે. ઉઠતાની સાથે જે ડોલ લઈને એ બાથરૂમમાં નાહવા જેમાં મને સહેજ પણ નથી ગમતું. પણ નસીબ એવા છે કે પછી મજબૂરી ખબર નથી મને. પણ કરવું પડે છે ક્યારેક. નાહીને તૈયાર થઈને કુળદેવીને યાદ કરી, પૂજા કરીને ૩:૧૦ નાં હું નોકરી પર નીકળી જાવ છું.
નોકરી પતાવીને હું બપોરે ૧ વાગ્યે આવું. આવતા સાથે જ ટિફિન પણ જોડે લેતો આવું. કેમ કે બનવાનું મને આવડતું નથી અને એટલો સમય પણ નથી મારી પાસે કે બનાવી લઉં. ટિફિન તો છે. ૪ ડબ્બાનું પણ ભરેલા માત્ર ૨ ડબ્બા જ હોય છે. કેમ તો બસ મોંઘવારી. એટલો પગાર પણ નથી કે હું ૪ ડબ્બા જમી શકું. અને ભૂખ પણ નથી કે એને પૂરા કરી શકું. શું કરું પેટને જૂઠું બોલવું પડે છે. સમય અને સંજોગ બધાના સરખા ક્યાં હોય છે. એ તો ફકીરને અમીર તો ક્યારેક અમીર ને ગરીબ પણ કરી દે છે.
બસ હજી તો બપોર પણ પૂરી નથી થઈ મારી. અને મારા અનુભવ અને મારી લાગણી પણ બાકી છે કહેવાની પણ શું કરું સમય ઓછો પડે છે. કહેવું ઘણું છે આ દિલને પણ લાગે છે જાણે સમય ઓછો પડે છે. આંખોમાં ઊંઘ લઈને બેઠો હું. લાગે છે હવે સપના મોંઘા પડે છે. પૈસા પણ વિચર્યા વગર વાપરતો હું. હવે પાવલી પણ મોંઘી પડે છે.
આગળ આવશે આનો બીજો ભાગ. બસ નીચે જણાવજો તમારો અભિપ્રાય અને બીજો ભાગ તમને જોઈએ તો પણ જણાવજો. બધાના સાથ અને સંબંધથી જ હું લખું છું. બસ આશા રાખું છું કે આ ભાગ ગમશે અને બીજા ભાગ માટે રાહ જોઈ રહ્યા હશો.
ક્રમશ.