Shraddha - 3 books and stories free download online pdf in Gujarati

શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ - (ભાગ ૩)



જેમ આગળ જોયું તેમ શ્રધ્ધાનું ઇન્ટરવ્યૂ મિસ ચંદ્રિકા લેવાના હતા, એટલે શ્રધ્ધા તેમના કેબિનમાં તેમને મળવા માટે જાય છે. શ્રધ્ધા ત્યાં બેસીને મિસ ચંદ્રિકા સાથે બેસીને વાત કરે છે. રવિ એટલામાં ચા અને નાસ્તો લઈને આવે છે. ચંદ્રિકાના ફોનમાં કોઈકનો ફોન આવે છે એટલે તે ફોન પર વાત કરવા લાગે છે. ત્યારે જ શ્રધ્ધા ચંદ્રિકાની આંખોમાં દેખાતા પોતાના અતીતના પડછાયામાં ખોવાઈ જાય છે. તે ૧૨માં ધોરણમાં સારા પરિણામ સાથે પાસ થાય છે, તેની ખુશીમાં પરિવાર સાથે સાપુતારા ફરવા જવાનું નક્કી કરે છે. ત્યાં જ તેની મુલાકાત સમર શર્મા સાથે થાય છે.


સમર શર્મા એટલે આમિર બાપની એકમાત્ર બગડેલી ઔલાદ, દેખાવે એકદમ ફોરેનર જેવો, એકદમ ગોરો રંગ અને ભૂરી આંખો. તેના પિતા એટલે અમદાવાદના જાણીતા બિઝનેસમેન વિનોદભાઈ શર્મા એટલે, ખાવા-પીવામાં, બ્રાન્ડેડ કપડામાં અને બીજી કોઈ પણ ફેસીલિટીમાં સમરને કોઈ પણ જાતની કમી ન હતી. સમરને ફરવાનો ખુબ જ શોખ હતો, એટલે એ ૧૨માં પાસ થયો એ ખુશીમાં તેના મિત્રો (નિખિલ, દિપક અને સંજય) સાથે ફરવા માટે સાપુતારા જવાનું નક્કી કરે છે. સમર પણ તેના મિત્રો સાથે એ જ રિસોર્ટમાં બુકિંગ કરાવે છે કે જ્યાં શ્રધ્ધાના પિતાએ બુકિંગ કરાવ્યું હોય છે.

૩ દિવસ બાદ શ્રધ્ધા અને તેનો પરિવાર ગાંધીનગરથી રાતે બસમાં બેસીને જાય છે અને વહેલી સવારે સાપુતારા પહોંચી જાય છે. તે લોકો રિસોર્ટમાં જઈને ૧૦ વાગ્યા સુધી તૈયાર થાય છે અને પછી ત્યાંથી ચાલતા ચાલતા સાપુતારામાં ફરવા માટે નીકળી જાય છે. જ્યારે સમર અને એના ફ્રેન્ડ બધા કાર લઈને વહેલી સવારે અમદાવાદથી નીકળે છે, એટલે તે લોકો ૧૧ વાગતા સુધી રિસોર્ટ પહોંચે છે. તે બધા પણ ૧૨ વાગ્યા સુધીમાં તૈયાર થઇ જાય છે અને સાપુતારામાં ફરવા માટે નીકળે છે.

સમર અને તેના ફ્રેન્ડ કાર લઈને નીકળે છે. તે લોકો ત્યાંથી મસ્તી કરતા કરતા ગીરા ધોધ જાય છે. તે લોકો ગીરા ધોધ પહોંચે છે, પણ ત્યાં ગીરા ધોધમાં નાહવા જવાની મનાઈ હોય છે; એટલે તે લોકો ત્યાં ખાલી ફોટા પડાવે છે અને ત્યાંથી પાછા સાપુતારા આવી જાય છે. સાંજ પડતા સુધી તે લોકો સનસેટ પોઇન્ટ પર કાર લઈને પહોંચે છે.

શ્રધ્ધા અને તેનો પરિવાર પણ આખો દિવસ સાપુતારામાં ચાલતા ચાલતા ફરીને સાંજ સુધી સનસેટ પોઇન્ટ પહોંચી જાય છે. સમર અને તેના ફ્રેન્ડ બધા જ ત્યાં સનસેટ પોઇન્ટ ફોટા પડાવતા હોય છે. એટલામાં જ તે બધાની નજર શ્રધ્ધા પર પડે છે અને તે બધા જ શ્રધ્ધાને જોઈને એકદમ સ્તબ્ધ થઇ જાય છે. શ્રધ્ધા એ બાજુ જોયા વગર તેના મમ્મીપપ્પા સાથે આગળ જાય છે.

સમર અને તેના ફ્રેન્ડ બસ શ્રધ્ધાને જોઈ જ રહે છે અને અંદર અંદર વાત કરવા લાગે છે.
સંજય: "યાર, આ છોકરી મને મળી જાયને, તો મારી લાઈફ તો એકદમ સેટ છે." તે થોડો ઉત્સુક થઇ જાય છે.
નિખિલ: "તું જા, પહેલા મોઢું ધોઈને આવ. તારું ડાચું જો અને પેલીનો ચહેરો જો. ક્યાં તું કાળો કાગડો અને પેલી સફેદ હંસ જેવી છે. તારો અને એનો રસ્તો ક્યારેય એક નહીં થાય." તે એકદમ કટાક્ષમાં કહે છે અને બધા સાંભળીને હસવા લાગે છે.
દિપક: "વાત તો એકદમ સાચી કીધી તે નિખિલ. આ છોકરીની જોડી તો મારી જોડે જ જામશે, બીજા કોઈ જોડે નહીં." તે પણ થોડો ઉત્સાહ બતાવે છે.
સમર: "તમે ત્રણે છે ને ચડ્ડીમાં રહો. આ છોકરીને તો હું જ પટાવીશ." તેના અવાજમાં થોડો ઘમંડ આવે છે.
દિપક: "રહેવા દે, રહેવા દે. બાજુમાં હિટલર જેવો એનો બાપ ના જોયો તે? જો જે આઘોપાછો ફરકતો પણ નહીં, નહીંતર તારો વારો પડી જશે." તે એકદમ કટાક્ષમાં સમારને સાવચેત કરે છે.
સમર: "દિપક, તને ખબર છે ને હું કોણ છું." તે હજુ પોતાના ઘમંડમાં જ હોય છે.
નિખિલ: "વિનોદભાઈ શર્માની એકદમ નાલાયક ઔલાદ." આટલું સાંભળીને બધા ખુબ જ હસવા લાગે છે.
સમર: "તમે લોકો મને ચેલેન્જ આપો છો?" તે થોડો ગુસ્સામાં આવી જાય છે.
સંજય: "હા, તને જ ચેલેન્જ આપીએ છીએ. જા. તું જઈને એ છોકરીને પટાવી બતાવ તો અમે ત્રણેય ભેગા થઈને તને પાર્ટી આપીશું." તે પણ વાતને થોડું ગંભીરતાથી કહે છે.
નિખિલ અને દિપક પણ ઉત્સાહમાં આવીને હા કહે છે.
સમર: "ઓકે, તો ચેલેન્જ એક્સેપ્ટેડ. આ છોકરીને હું ગમે તેમ કરીને પટાવીને જ રહીશ." અને તે વાતને સ્વીકાર કરે છે.

સમર અને તેના ત્રણેય ફ્રેન્ડ શ્રધ્ધાની પાછળ પાછળ જાય છે. શ્રધ્ધા અને તેના મમ્મીપપ્પા સનસેટ પોઇન્ટ પર પહોંચે છે. તેના મમ્મીપપ્પા થોડા થાકી જાય છે, એટલે તે લોકો ત્યાં જ એક બાંકડા પર જઈને બેસી જાય છે. શ્રધ્ધા થોડી આગળ જઈને એકાંતમાં બેસે છે અને સૂરજને આથમતો જોવાની મજા માણે છે.

સમર અને તેના ફ્રેન્ડ પણ થોડા દૂર ઉભા રહીને જુએ છે. સમર એકલો ત્યાંથી આગળ જઈને શ્રધ્ધા પાસે જાય છે અને તે શ્રધ્ધા સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે.
સમર: "એકસકયુસ મી, તમે જો ફ્રી હોવ તો અમારી થોડીક હેલ્પ કરશો." તે ખુબ જ ધીરજ સાથે પોતાની વાત રજૂ કરે છે.
શ્રધ્ધા: "હા, કેમ નહીં." તે આમ જલ્દી કોઈ છોકરા સાથે વાત ન કરે, પણ આજે તે સાપુતારાની ખુશનુમા હવામાં આવીને ખુબ જ ખુશ હતી, એટલે તે સમરને ના ન પાડી શકી.
સમર: "થેંક્યુ, હું અને મારા મિત્રો અહીં ફરવા માટે આવ્યા છીએ. એટલે અમારે થોડા ગ્રુપ ફોટો પાડવા છે, એટલે તમે અમારા ફોટા પાડી આપશો? જો તમને તકલીફ ના હોય તો." તે ફરીથી શ્રધ્ધાને ધીરજપૂર્વક આગ્રહ કરે છે.
શ્રધ્ધા: "હા, કેમ નહીં. સ્યોર." તે આગ્રહનો સ્વીકાર કરે છે અને ઉભી થાય છે.

શ્રધ્ધા ત્યાંથી ઉભી થઈને સમર સાથે જાય છે. સમર તેને પોતાનો ફોન આપે છે અને પછી બધા સરખી રીતે પોઝ આપવા લાગે છે. શ્રધ્ધા એક પછી એક થોડા ઘણા ફોટા પાડી આપે છે. સમર અને તેના ફ્રેન્ડ સાથે તેને થોડું સારું ફીલ થાય છે. પરંતુ સૂર્ય આથમવાનો અંતિમ સમય થવા આવ્યો હતો અને શ્રધ્ધા એ ક્ષણને ચૂકવા નહતી માંગતી, એટલે શ્રધ્ધા ઈશારો કરીને સમરને પાસે બોલાવે છે.
શ્રધ્ધા: "આઈ થિન્ક, તમારા માટે આટલા ફોટો બહુ થઇ ગયા. હવે મારે જવું છે." તે ખુબ જ સહજતા સાથે ત્યાંથી જવા માટે કહે છે અને તે સમરને તેનો ફોન પાછો આપે છે.
સમર: "સારું, તે અમારી મદદ કરી એ માટે થેંક્યુ સો મચ." તે શ્રદ્ધાનો આભાર વ્યક્ત કરતા તેનો હાથ મિલાવે છે.
શ્રધ્ધા: "ઓકે, બાય." તે ત્યાંથી જતી રહે છે.

સમરના ફ્રેન્ડ હવે સમરની સાથે મસ્તી કરવા લાગે છે.
દિપક: "શું થયું? બહુ ભાવ ના આપ્યો?" તે સમરને હેરાન કરવા માટે જાણી જોઈને કટાક્ષમાં આવા સવાલ કરે છે.
નિખિલ: "અરે એમ થોડો કઈ ભાવ આપે આને, બે-ત્રણ લાફા જ પડવાના છે, લખી રાખો તમે લોકો" તે સમરની મજાક ઉડાવે છે અને બધા હસવા લાગે છે.
સમર: "હસી લો, અત્યારે તમારે લોકોને જેટલું હસવું હોય એટલું. આ છોકરીને તો હું મારી ગર્લફ્રેન્ડ બનાવી ને જ રહીશ." તે ગુસ્સામાં આવીને ત્યાંથી જવા લાગે છે.
સંજય થોડું મોટેથી બૂમ પાડીને કહે છે: "જા, જા, ભાગી જા. હવે આવે તો, એને જોડે લઈને જ આવજે અને જો એ ના મળેને તો, પાર્ટી આપવા માટે તૈયારી રાખજે." તે બધા ફરી ખુબ જોરજોરથી હસવા લાગે છે.

સમર ત્યાંથી થોડો ગુસ્સામાં આવીને એકલો જતો રહે છે અને તેના બાકી ફ્રેન્ડ ત્યાં જ મસ્તી કરતા કરતા સનસેટની મજા માણે છે. શ્રધ્ધા પણ એકલી જ ડૂબતા સૂરજને જોઈને તેના ભવિષ્યના સપનામાં ખોવાઈ જાય છે.


સમર શું કરશે હવે શ્રધ્ધાને પોતાના જાળમાં ફસાવવા માટે? શું શ્રધ્ધા અને સમર એકબીજાના દોસ્ત બની શકશે? સાપુતારાનો આ પ્રવાસ તે બન્નેને ક્યાં સુધી લઇ જશે? શું થશે આગળ શ્રધ્ધાના જીવનમાં? તો શ્રધ્ધાના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ અને મુશ્કેલીઓનો સામનો કરવાની આ સાહસભરી વાર્તાને જાણવા માટે જોડાયેલા રહો મારી આ સ્ટોરી "શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ" સાથે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED