મારી પ્રથમ લઘુ કથા ' મિશન રખવાલા ' અને દ્વિતીય લઘુ કથા ' શબ્દોનું સરનામુ ' ને તમારા અમૂલ્ય અભિપ્રાય અને સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર... 🙏
આજે હું તમારી સમક્ષ મારી બીજી એક કૃતિ રજૂ કરવા જઈ રહી છું. આશા છે તમને આ કથા પણ જરૂર ગમશે. પ્રસ્તુત કથા પ્રેમ તથા રહસ્યની છે. તો ચાલો, દર્શાવેલ પાત્રો સાથે એક રોમાંચક સફર પર નીકળવાની શરૂઆત કરીએ.......🚅
સ્વજનોની શોધમાં ( Part - 1 )
વન વિભાગ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. કુદરતના ખોળે રહેવાનો , આનંદ માણવાનો અનોખો અવસર હતો. લગભગ બસો જેટલા લોકોએ જુદા જુદા સ્થળેથી આ કેમ્પમાં નામ નોંધાવ્યું હતું.
***
નાનકડું ખડ... ખડ... વહેતું ઝરણું , ફૂલોની શોધમાં ઉડા... ઉડ... કરતા પતંગિયા અને પક્ષીઓને આશ્રય આપતા વૃક્ષોનું સૌન્દર્ય હતું.
એક ઝાડના થડ પર માથું ઢાળી નેનસી પોતાની નાનકડી નોટમાં કંઇક લખતી હતી. ત્રીસ વર્ષની નેનસી હજુ પણ જાણે પચ્ચીસની દેખાય તેવી નાજુક કાયા , આત્મવિશ્વાસથી ભરપૂર મારકણી આંખો અને તેના હોઠો પરની મુસ્કાન કોઈને પણ ઘાયલ કરવા પૂરતી હતી.
બેઠા બેઠા તેના ચેહરા પર કયારેક એવા ભાવ આવી જતા હતા જાણે તેના મન અને હ્રદય વચ્ચે કોઈ મોટું દ્વંદ્વ યુદ્ધ થયું હોય.
નેનસી પોતે એક કમ્પ્યુટર ઇજનેર હતી. જિંદગી ના થોડા વર્ષો એ તેણે ઘણું બધું શીખવાડ્યું હતું. જીવનમાં ક્યારેક એવા ક્ષણ પણ આવ્યા હતા જ્યારે તે એકદમ તૂટી ગઈ હતી. છતાં સમયે તેને પોતાને સમેટાવાનું શીખવી દીધું હતું. પરંતુ તૂટીને સમેટાતી નેનસી હવે થકી ગઈ હતી. એટલે તેને પોતાનું આખું જીવન આદિવાસી સમાજની સેવામાં કાઢવાનું નક્કી કર્યું હતું. તે સાથે સાથે એક લેખક પણ હતી. પરંતુ પોતાની પહેચાન છૂપાવવા માટે તે લેખકના નામે " પાપાની પરી " નામે જ લખતી.
નેનસીનો આ નિત્યક્રમ હતો. બપોરથી સાંજ સુધી ઝરણાંનાં કિનારે પ્રકૃતિના ખોળામાં બેસી પોતાનું લખાણ લખતી. નાનપણથી જ નેનસીની લેખક બનવાની હતી.
કંઇક યાદ આવતા તે જંગલ તરફ જવા લાગી અને સીધી ગામડાના છેવાડે એક ઘર સામે આવીને અટકી. એક - બે ટકોર પછી એક નાનકડી દસ વર્ષની બાળકીએ દરવાજો ખોલ્યો.
બાળકીને જોઈ નેનસીએ સ્મિત કર્યું પછી ઘૂંટણિયે બેસીને પૂછ્યું , " પરી બેટા , હવે દાદાજીને કેવું છે? કાલે તે દાદાજીને સમયસર આપી હતી ને? " નેનસીએ વ્હાલથી પૂછ્યું. " સારું છે. બાપુજીને કાલે દવા સમયસર આપી દીધી હતી. " તે છોકરી માસૂમિયત સાથે બોલી. " સારું બેટા ! દાદાજી હમણાં સૂતા છે ?" નેનસીએ ફરી પૂછ્યું. " હા થોડી વાર પહેલાં જ સૂઈ ગયા છે. " પરીએ કહ્યું. " સારું હું પછી મળવા આવીશ. " કહી નેનસી ત્યાંથી હતી રહી.
***
ઘણી મોડી રાત થઈ ગઈ હતી. મોટા શહેરના રસ્તા વાહનોથી ગીચોગીચ ભરેલા હતા. ઔધોગિક વિસ્તારથી દુર એક મોટો બંગલો હતો. જ્યાં બંગલાના ટેરેસ પર એક વ્યક્તિ બેઠો બેઠો વિચાર કરતો હતો અને સાથે સાથે ચંદ્રને નિહાળી કોઈકના વિચારોમાં ડૂબીને ક્યારેક બડબડાટ કરતો હતો.
" ભગવાન , તે મારી સાથે આવું કેમ કર્યું? જીવનમાં જેની પાસે હું મુસ્કુરાતા શીખ્યો , જેની પાસે જીવન માણતા શીખ્યો , તે મને છોડી કેમ ગઈ ? રોજે જ મારા આ પ્રશ્નનો ઉત્તર તારી પાસે માંગુ છું પણ તું જવાબ કેમ નથી આપતો ? વર્ષોના વહાણો વહી ગયા પણ છતાં યાદ કરું તો હજી કાલની વાત છે એવું લાગે છે. એમ તો આખી દુનિયા મને લાડલી કંપનીના માલિક તરીકે ઓળખે છે આજે મારી પાસે બધું જ છે... છતાં... હસવા માટે સમય નથી , બાજુમાં બેસવા માટે તે મારી સાથે નથી , કેમ ભગવાન કેમ ? " કહેતા તેની આંખોમાંથી આંસુ સરી પડ્યું. તેટલામાં જ વીજળીના કડાકા - ભડાકા સંભળાયા. લાગતું હતું કે વરસાદ હમણાં જ તૂટી પડશે. છતાં તે વ્યક્તિ હજી ચંદ્રને નિહાળીને આંસુ સારી રહ્યો હતો.
ત્યાંજ કોઈ ટેરેસમાં પ્રવેશ્યું અને તેઓ બોલ્યા , " પરમ બેટા ! ચાલ જમવા. જમવાનું તૈયાર થઈ ગયું છે. અને જો ભગવાન સાથે વાત કરીને જ પેટ ભરવું હોય તો વાંધો નથી. " તેઓ મસ્તી કરતા બોલ્યા. " તમારી સુરક્ષા માટે અમારે આ કરવું પડ્યું છે, અમને માફ કરી દેજે. " તેઓ મનમાં જ બબડ્યા. " આવું છું લલિતામાસી. " તેણે કોઈ પણ જાતના ઉત્સાહ વગર જ કહ્યું.
હા , આ એ જ પરમ હતો જે લાડલી કંપનીનો માલિક હતો. ત્રીસ વર્ષનો પરમ આખો દિવસ ચેહરા પર કડકાઈ લઈને ફક્ત જીવવા પૂરતું જીવતો હતો. જીવનમાં ના કોઈ ખુશી કે કોઈ પણ જાતનો ઉત્સાહ ના હતો. જીવન પણ ફક્ત લલિતામાસી અને પોતાના ભાઈ જેવા દોસ્ત માટે જીવતો હતો. જેની સામે તે પોતાની હર એક વાત કહી શકતો હતો , અને ખુલીને હસી , રડી શકતો હતો.
મોટા મહેલ જેવા બંગલામાં પરમ અને લલિતામાસી એકલા જ રહેતા હતા. લલિતમાસી તેની પરિસ્થિતિ સમજી ગયા હતા એટલે બોલ્યા , " બેટા , પેલો ભગવાન છે ને ? તે બધાનું ધ્યાન રાખતા હોય છે. દુઃખ જીવનભર નથી રહેવાનું. ક્યારેક આ જ નિરાશાના અંધકારમાં પેલો ચાંદ છે ને ? તેમ આશાની કિરણ જલ્દી જ ખીલશે. બેટા ! મે તને કેટલી વખત કહ્યું કે જીવનને માણતા શીખ. જે ગયું તેને જવા દે. પરંતુ હવે જે આવે છે તેને માણતો થઈ જા. નહી તો કોઈ દિવસ એવો આવશે કે તને એમ થશે કે આખું જીવન જીવવામાં ખર્ચાઈ ગયું અને જીવનને માણવાનું તો રહી જ ગયું. એક રીતે સારું જ છે તું ફોરેસ્ટ કેમ્પ માં જઈશ તો તને ત્યાં સારું લાગશે અને પ્રકૃતીના ખોળે રહીને તારા મનને પણ શાંતિ મળશે." લલીતામાસીએ પરમને સમજાવતા અને વાત ફેરવતા કહ્યું.
" માસી , એ તો તમે જીદ્દ કરી એટલે તૈયાર થયો. બાકી ઓફિસમાં કેટલું બધું કામ છે. " પરમે થોડી નારાજગી સાથે કહ્યું.
" હં... પણ હવે જવું તો પડશે. તારી આ રોજની કડકાઈ થી હવે હું કંટાળી ગઈ છું. હું ચાહું છું કે તું પાછો પહેલા જેવો પરમ બને , ફરી પછી જીવનને માણતો બને , ફરી પાછો ખુલ્લા દિલે હસતો થાય અને એટલે જ તને જીદ્દ કરીને મોકલું છું. કહેવાય છેકે પ્રકૃતિ ને ખોળે બધો જ થાક ઉતરી જાય છે , અને જીવન જીવવાની નવી સ્ફૂર્ત મળે છે." કહી લલિતામાસી દાદર ઉતરી ગયા. તેમની પાછળ પરમ પણ દાદર ઉતરી ગયો.
***
સાંજ નો સમય હતો. આકાશ માં રંગબેરંગી વાદળો છવાયેલા હતા. સૂર્ય પોતાના પ્રકાશના કિરણો સ્વરૂપે આશીર્વાદ ની વર્ષા કરી રહ્યા હતા. સમય થતાં સૂર્ય પણ પેલે પાર ઢળી પડ્યો. છતાં નેનસીને ઘરે જવાની ઈચ્છા ન હતી. બસ તેને પ્રકૃતિની વચ્ચે પડી રહી સુંદર દૃશ્ય ને પોતાની આંખમાં ભરતા રહેવું હતું.
સાંજ પડી સૂર્યાસ્ત થઈ ગયો હતો. છતાં સાંજે શાંત પડેલ ઝરણાં ના શીતળ પાણી માં પગ બોળીને નેનસી હજી ત્યાંજ બેઠી હતી. ત્યાં તો આકાશ માંથી ખડભડાટની સાથે વરસાદ તુટી પડયો. નેનસી ભીંજાવાથી બચવા માટે ઘટાદાર વૃક્ષ નીચે આવી ઊભી રહી. નેનસીને પહેલા ખુબ જ નવાઈ લાગી કારણ કે પાંચ - દસ મિનિટ માં જ વરસાદ થંભી ગયો. નેનસી એ વિચાર્યું વર્ષાઋતુ છે તો વરસાદ જ થવાનો ને. વિચારી પોતાના માટે ટપલી મારી. એને વિચારોને શણગારતા તે પોતાના ઘર તરફ જવા લાગી.
***
" માસી, તમારા જીવનમાં તો કેટલા બધા ઉતાર ચઢાવ આવ્યા. માસાજીનું જવાનું અને મારી જવાબદારી છતાં તમારો ભગવાન પર થી ભરોસો થોડો પણ ડગમગ્યો નહી . તેનું શું કારણ ? " જમીને લલિતામાસીના ખોળામાં માથું મૂકીને પરમે પુછ્યુ.
" બેટા ! ભગવાને આપણને બનાવ્યા છે .અને સુખ તથા દુઃખ બધું ભગવાન જ તો આપે છે. બેટા ! એટલું યાદ રાખજે કે જેમ સૂર્યાસ્ત પછી અંધકાર અને અંધકાર પછી સુંદર સવાર થાય છે. તેવી જ રીતે જીવન માં પણ સુખ રૂપી સૂર્ય અસ્ત પામે પછી જો દુઃખ રૂપી અંધકાર આવે તો આ અંધકાર બાદ સુખ રૂપી સોનેરી સવાર પણ જરૂર થશે જ. ઉતાર ચઢાવ સંસાર અને જીવનનો નિયમ છે. ભગવાન જયારે આપણને દુઃખ આપે છે ને ત્યારે તે દુઃખો આપના હિત માટે જ હોય છે. જે પણ થઈ છે તે ભગવાનની ઈચ્છાથી થઈ છે. જેમ સૂર્ય પૂર્વમાંથી જ ઉદય પામે છે અને પશ્ચિમમાં અસ્ત પામે છે. તે પણ ભગવાન ની ઈચ્છા થી જ થઈ છે. બેટા ! જીવનમાં એક વાતને પકડી રાખવાથી ક્યારેય આગળ વધી શકાતું નથી. પરંતુ જો ભૂતકાળને ભૂતકાળ બનાવી દઈશ તો વર્તમાનને માણી શકીશ. " લલિતામાસીએ પરમને સમજાવતા કહ્યુ.
" માસી હજી એક વાત પૂછું? " પરમે લલિતામાસી સામે જોઈને પૂછ્યું. લલિતામાસી હકારમાં માથુ હલાવ્યું. " માસી, આજે આકાશનો ચંદ્ર મને કંઇક કહેતો હતો એવું લાગ્યું. પણ મને કંઈ સમજ નઈ પડી. તેનો શું અર્થ? " પરમે પ્રશ્નાર્થ નજરે લલિતામાસી તરફ જોઈને પુછ્યુ.
"હમમ.... એટલે હવે લાગે છે કે પરમ સાહેબના જીવનમાં સોનેરી સવાર થવાની છે. " લલિતામાસી રહસ્યમય રીતે બોલ્યા.
" એટલે? " પરમે ફરી પૂછ્યું. " એટલે કંઇ નહી. સૂઈ જા. કાલે તારો ખુબ જ મહત્વપૂર્ણ દિવસ છે ને ? કાલથી થોડા દિવસ મારે એકલાં કાઢવા પડશે. " લલિતામાસી વાત ફેરવતા બોલ્યા.
" એકલા ? એકલા કેમ? હું અહીં જ હોઈશ ને? " પરમે આશ્ચર્ય સાથે પૂછ્યું પછી વિચારવા લાગ્યો. " હે પ્રભુ! આ છોકરાનું શું થશે? ઇસવીસન પહેલા આપણી ફોરેસ્ટ કેમ્પ બાબતે વાત થઈ હતી. " લલિતામાસી માથું કુટતા બોલ્યા. પરમે હકારમાં માથું હલાવ્યું. " હા , કાલે તારે કેમ્પ માટે નીકળવાનો દિવસ છે." લલિતામાસીએ પરમનો કાન ખેંચતા કહ્યું.
" આહ.. હા.. યાદ આવ્યું. પણ માસી મારો કાન તો છોડો. કાલે હું સમયસર આવી જઈશ. " પરમે પોતાનો કાન છોડાવતા કહ્યું.
"હા.. તો ઠીક છે. જો લેટ થયું તો બરાબર કાન ખેંચીશ. " લલિતામાસીએ ચેતવણી આપતાં કહ્યું. ત્યાર બાદ બંને હસી પડ્યા. " શુભ રાત્રી માસી. " કહી પરમે લલિતામાસીને વ્યવસ્થિત સુવડાવી ચારસો ઓઢવ્યો. " શુભ રાત્રી બેટા. હવે તું પણ સૂઈ જજે મોડે સુધી જાગે તેવું ના કરતો. " પરમના ગાલે વહાલથી હાથ મૂકી લલિતામાસી બોલ્યા.
હા કહી પરમ ત્યાંથી નીકળી પોતાના રૂમમાં આવ્યો અને થાકના કારણે બેડ પર લંબાવ્યું. થોડીવારમાં તો તે ઘસઘસાટ ઊંઘી ગયો.
***
સુમસાન રસ્તા પરથી એક ગાડી જઈ રહી હતી. વચ્ચે નાનકડી હોટેલ આવતા કાર થંભી. એક તરફથી એક સુંદર સ્ત્રી અને ૭-૮ વર્ષનું એક બાળક નીચે ઉતર્યા. બીજી બાજુ થી એક પુરુષ નીચે ઉતારવા જતો હતો ત્યાં તો એક ટ્રક તે કાર તરફ ધસી આવી અને કાર સાથે અથડાય ગઈ. આ જોઈ તે સ્ત્રી એ રાડ પાડી , "આદિ......"
નોંધ:
પ્રસ્તુત કથા પૂર્ણતઃ કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યક્તિ કે સ્થળ સાથે સંબંધ નથી. આ ઉપરાંત દર્શાવેલ પાત્રો પણ કાલ્પનિક છે. લેખનમાં કોઈ ભૂલચૂક હોય તો તે બદલ માફ કરજો.