એ એક રાજા હતો. વીર. બહાદુર.અને વિકરાળ. જોતાજ ભય પમાડે એવો.જો એ બે પગે ઉભો થઇ જાય. તો લગભગ દોઢેક માથેડો ઊંચો થાય.અને શું એની ગર્જનાની તે વાત કરવી. એક જ ગર્જના થી ભલભલાના હાજા ગડગડાવી નાખે. અને નામ હતું. સિંહરાજ. અને શું એની કેશવાળી? અરે એની આ કેશવાળી ના લીધે એ ઓર ખોફનાક લાગતો. જાણે સિંહ જોઈ લ્યો. જોઈ લ્યો શુ.એ ખરેખર સિંહ જ હતો.અને એને એક રાણી. અને ત્રણ કુંવર હતા. આજથી બરાબર એક મહિના પહેલા. સિંહરાણી એ દસ થી બાર મિનિટના અંતરે આ રાજકુમારોને જન્મ આપ્યો હતો.અને જંગલના કાનૂન પ્રમાણે એ ત્રણે યુવરાજોનો આજે જન્મદિવસ હતો.રીંકુ. પિંકુ અને ટીંકુ.આ યુવરાજોના નામ હતા.રીંકુ સહુથી મોટો હતો.કારણકે એનો જન્મ. ત્રણે યુવરાજોમાં સૌથી પહેલા થયો હતો. એના જન્મના દસ મિનિટ બાદ પિંકુનો અને એના દસ મિનિટ બાદ.ટીંકુનો જન્મ થયો હતો.ટીંકુ સવથી નાનો હોવાના કારણે.વધારે લાડકો હતો.અને એટલે જ સિંહરાજે રીંકુ પિંકુ ને નહીં પણ ટીંકું ને પૂછ્યું.
"મારો લાડકો ટીંકુ. આજ બર્થ ડે માં શુ ખાવાનો બોલતો દિક્કા." ટીંકુ સિંહરાજને ગેલ કરતા બોલ્યો.
*હમમ. તો આજ હું જે ફરમાઈશ કરીશ એજ તમે શિકાર લાવશો?"
"જરુર દિક્કા. બોલ હરણું મારીને લાવું. મારાં કુંવર માટે."
"ના હો પપ્પા." ડોકુ ધુણાવતા ટીંકુ બોલ્યો. "કેમ દિક્કા. હરણું નથી ભાવતું.?" "ભાવે તો છે. પણ બવ કુણું કુણું હોય છે ને.? આજે તો કડક ગોસ્ત ખાવાનું મન છે." ટીંકુની વાત સાંભળીને સિંહરાજ હસી પડ્યા. "ઓ ઓ ઓ.તો એમ વાત છે. તારે ભેંસ ખાવી છે એમને.?"
"આજના દિવસે કાળુ જાનવર ન મારતા. મહારાજ" સિંહરાણી એ ટાપસી પુરી.
"મમ્મા એ ભેંસ ની ના પાડી. હવે ટીંકુ શુ ખાશે.?" રીંકું ને પિંકુ એકી સાથે બોલી ઉઠ્યા.
"આમ બી મારે આજે ભેંસ ખાવી નોતી.આજે સફેદ રંગનું જાડુ પાડુ ડુક્કર લઈ આવો ને પપ્પા."
"સાવ એવું ના હોય હો ટીંકુ?." સિંહરાણી ટીંકુ ને સમજાવતા બોલ્યા.
"ડુક્કરો ઝુંન્ડમાં હોય છે. ખબર છે તને?એમાંથી સફેદ જ ડુક્કરનો શિકાર કરવો સંભવ ના પણ બને. એટલે તારે પપ્પાને એમ કહેવાનું હોય કે. કાળા રંગનું છોડીને કોઈ પણ રંગનું ચાલશે. ચાલ આમ કેતો પપ્પાને." ખુશખુશાલ સ્વરે ટીંકુ બોલ્યો.
"પપ્પા સાંભળ્યુને?મમ્મીએ કીધું તેમ.કાળા રંગ સિવાય કોઈ પણ રંગ હશે તે ચાલશે. પણ લંચ ટાઈમે આવી જજો."
"ચોક્કસ વાલુડા.લંચમાં આપણે મળીયે ત્યારે." કહીને સિંહરાજ શિકાર કરવા નીકળ્યા.ત્રણે યુવરાજો અને સિંહરાણીએ મહારાજને બેસ્ટ ઓફ લક કહીને શુભેચ્છાઓ આપી.
સિંહરાજ છાતી ફુલાવતા. પૂછડાનો ઝંડો હવામાં ઉલાળતાં.શિકારની શોધમાં મસ્તી ભરી ચાલે નીકળી પડ્યા. ચાલતા ચાલતા સિંહરાજ ક્યારેક ગર્જના પણ કરી લેતા હતા. એ પોતાની મસ્તી માં ચાલ્યા જતા હતા. અને એક તરફથી હરણાનું ટોળું દોડ્યું આવતું હતું. એમાં અચાનક સૌથી આગળ દોડતા હરણાની નજર સિંહરાજ ઉપર પડી. અને એણે એવી તે પોતાના પગને બ્રેક મારી કે એની પાછળ પાછળ દોડ્યા આવતા હરણાઓ એક બીજા સાથે આવીને ભટકાણા. બધા હરણાં નો જીવ તાળવે ચોંટી ગ્યો. ખલાસ.માર્યા ઠાર.ગયા કામથી. બધા હરણાં પોતાનો જીવ બચાવવા ક્યાં છુપાવું ની મૂંઝવણમાં હતા. ગભરાહટ ના કારણે બધા ગમે તેમ કંઈ ને કઈ ગણગણાટ કરી રહ્યા હતા. અને એમની એ મૂંઝવણ સિંહરાજે ભાંપી લીધી.એમણે ઘણા જ ધીમા અવાજે ત્રાડ પાડી.
"અલ્યા. એય હરણાઓ.આ તમારો દેકારો બંધ કરો ને મારી વાત ધ્યાનથી સાંભળો. આજનો દિવસ તમારા માટે શુભ છે. આજે અમારા ત્રણે યુવરાજો એક મહિનાના થઈ ગયા છે. ને આજે એમના જન્મ દિવસ ના કારણે આજનો દિવસ તમારા માટે અમારા પરિવાર તરફથી અભયદાન છે.આજના દિવસે તમારું માંસ અમારા માટે વર્જ્ય છે. જાવ આજે એશ કરો." સિંહરાજ તરફથી મળેલા આજ ના દિવસ માટેના અભયદાન થી હરણાઓ હર્ષોલ્લાસ માં આવી ગયા. અને બધાએ ભેગા મળીને.સિંહરાજને જયઘોષ થી વધાવી લીધા.
"સિંહરાજ ની જય.સિંહરાજ ની જય."
અને આ જય ઘોષ ની વચ્ચે હરણાનું એક બચ્ચુ સિંહરાજ ની લગોલગ આવી ગયું. અને એની કેશવાળી માં પોતાનું માથું ઘસીને ગેલ કરવા લાગ્યું. બચ્ચાની માનું.જેવું એની ઉપર ઘ્યાન ગયું. એણે ઝડપથી. પોતાનાં મોં વડે. એની પુછડી પકડીને બચ્ચાને પોતાની તરફ ખેંચી લીધુ. અને ગભરાયેલા સ્વરે ઠપકો આપતા બોલી.
*ગાંડો થઈ ગ્યો છે? હમણા તને કંઇક થઈ જાત તો મારૂ શુ થાત.?*
"માં. કેમ તુ ડરી ગઈ હે.! હમણા જ સિંહરાજે અભય દાન આપ્યું ને.?"
"અરે મારાં લાલ. આતો રાજા કેહવાય. બોલે કંઈ ને કરે કંઈ. એનાથી આઘા જ રેવાય. એનો પંજો જોયો દીકરા. પ્રેમથી પણ જો આપણા માથે મુકી દે ને. તોય આપણા તો રામ રમી જાય."હરણાંની માએ ચિંતા તુર સ્વરે કહ્યું. પણ એ બચ્ચાને પોતાનાં સિંહરાજ ઉપર અસીમ વિશ્વાસ હતો.
"માં. કેટલું ડરે છે તુ.? આતો આપણા ચાર પગે ચાલનારા રાજા છે. ઍક વાર બોલે પછી ફરે નહી. હા.શહેરના બે પગાળા રાજા હોત ને તો તો ચોક્ક્સ ઘ્યાન રાખવું પડત." કહીને એ "સિંહરાજની જય" ના નારા લગાવવા માંડ્યો.
સિંહરાજ હરણાઓ નુ અભિવાદન ઝીલીને આગળ ચાલ્યો. એજ છટા. એજ રુવાબથી મસ્તીમાં એ જઈ રહ્યો હતો. કયારેક કયારેક વચ્ચે નાની એવી ગર્જના પણ કરી લેતો હતો. ઍક વૃક્ષ નીચે ઘણી બધી ભેંસો. આરામ કરી રહી હતી. અચાનક એમનું ઘ્યાન. પોતાનાં તરફ ચાલી આવતા સિંહરાજ ઉપર દોરાયું. અને ખળભળાટ મચી ગયો. બીક ના કારણે કેટલીકના તો ગોબર પણ છુટી ગયા. કંઈક વિચિત્ર પ્રકારના અવાજો એમના ગળામાંથી નિકળવા મંડ્યા. ત્યારે સિંહરાજે ત્રાડ પાડતા કહ્યુ.
"ખામોશ. ચૂપ થઈ જાવ બધા. અને મારી વાત ઘ્યાન થી સાંભળો." બધી ભેંસો એ રાજાની વાત સાંભળવા કાન સરવા કર્યા. એ સિવાય બીજા છુટકો પણ ક્યાં હતો. સિંહરાજે ફરમાવ્યું.
"મારાં જંગલની કાળી કાળી અને પ્યારી ભેંસો. આજે અમારા ત્રણે યુવરાજો નો જન્મદિવસ છે. માટે આજના દિવસે. અમે ભેંસો નુ ગોસ વર્જ્ય ગણ્યું છે. એટલે આજે સિંહ પરિવાર તરફથી તમને જરાય ખતરો નથી એની નોંધ લેશો." સિંહરાજના આ શબ્દો સાંભળતાં જ ખુશી ની લહેરખી જાણે ભેંસો ની વચ્ચે ફરી વળી. બધી ભેંસો એકી અવાજે જય ઘોષ કરવા લાગી."સિંહરાજ ઝિંદાબાદ સિંહરાજ અમર રહો." અને આ નારા ની વચ્ચે ઍક ઘરડી ભેંસ તો સિંહરાજની અડોઅડ પોહચી ગઈ. અને પોતાનાં અડધા બટકેલા શિંગડા વડે સિંહરાજને ગલી પચી કરી ને પાછી ટોળા માં વઇ ગઇ. તો એની જુવાન દીકરી ભેંસે કીધું.
"માડી. તમારું ચસકી ગ્યું છે? સિંહને તે કંઇ આમ ગલી પચી કરાતી હશે? એકાદો પંજો મારી દીધો હોતતો?"
"હું તો બટ્ટા. ખર્યું પાન ગણાવ. મોત કાલે ય આવવાનું તો છે જ ને? આ બાને મે એની વાત મા કેટલો દમ છે એનો ક્યાસ કાઢી લીધો. મારો રાજા ખોટો તો નથી જ હો." અને સિંહરાજા ભેંસોનું અભિવાદન ઝીલતા આગળ ચાલ્યા.
સિંહરાજા. પોતાની ગુફાએથી શિકાર કરવા નિકળ્યા એને લગભગ બે કલાક જેવું થઈ ગયું હતું. એમાં બે જગ્યાએ પોતાની પ્રજા સાથે એમને વાર્તાલાપ પણ કરવો પડ્યો હતો. જેના કારણે હવે એમને તરસ લાગી હતી. ગળું શોષાઈ રહ્યું હતું. પોતાની તરસ છીપાવવા. એ તળાવ તરફ આગળ વધ્યા. એ તળાવમાં થોડાક ગેંડાઓ મસ્તી કરી રહ્યા હતા. નાતા નાતા રમતા હતા. અને રમતા રમતા નાતા હતાં.એમાં અચાનક એમનું ઘ્યાન તળાવ તરફ પાણી પીવા આવી રહેલા સિંહરાજ ઉપર પડ્યું. અને ભાગમભાગી શરૂ થઈ. કેટલાક ગેંડા તો આ કિનારે નાતા હતાં. પણ સિંહરાજને જોતા જ એવી ડૂબકી મારી કે સીધા સામે કિનારે નિકળ્યા. જાડા પાડા શરીર ના અને ગભરાટના કારણે કેટલાક ગેન્ડાઓ થી દોડતું ય નોતું. તોય જીવ બચાવવા દડ દડ કરતા દોડવા લાગ્યા હતા. અહીં પણ સિંહરાજે ત્રાડ નાખતા કહ્યુ.
"સબૂર. ઉભા રહો છાનામાના .કોઈએ ગભરાવાની જરૂર નથી."સિંહરાજની એક જ ત્રાડથી બધા ગેંડા સિધાદોર થઈને ચુપચાપ ઉભા રહ્યા.
"આજે. અમારા યુવરાજો નો જન્મદિવસ છે. અને એટલે આજના દિવસે અમારા પરિવારે ગેંડાઓ નુ માંસ ન ખાવાનો નિર્ણય લીધો છે. ફકત આજનો દિવસ હો. તો આંજે તમો બેફિકર રહો અને મોજ કરો."સિંહરાજના શબ્દો સાંભળતાં જ ગેંડા ઓ. ખુશ થઈ ગયા અને જય ઘોષ કરવા લાગ્યા.
"સિંહ રાજ ઝિંદાબાદ સિંહ રાજ ઝિંદાબાદ."એક ગેંડા એ તો પોતાનું શિંગડું સિંહ રાજ ની ગરદન ઉપર જઈને ઘસ્યું. એના દબાણથી સિંહ રાજે બે ડગલાં પાછળ ખસવું પડ્યું. પણ પોતાનુ સમતોલ પણું જાળવી રાખ્યું. અને પછી ખુદ સિંહ રાજ જાણે જન્મો ના પોતાનાં પાપ ધોતા હોય એમ પેહલા હાથ જોડીને તળાવમાં ડૂબકી લગાવી ને પછી ધરાઈને પાણી પીધું.
પાણી પીયને સિંહ રાજ ટિંકુની ફરમાઈશ પ્રમાણે ડુક્કરની તલાશમાં આગળ ચાલ્યા. થોડીક દુર ચાલ્યા હશે ત્યા એમની નજર એક સફેદ રંગના ડુક્કર ઉપર પડી. જે એમના થી ફકત સો ફૂટ ની દુરી પર ઊભું હતું અને ઉભા ઉભા કંઇક આરોગી રહ્યું હતું. સિંહ રાજ સાવધ થઈ ગયો. જેવા ડુક્કર ની ઈચ્છા એમના લાડલા કુંવરે કરી હતી. એવુ જ આ ડુક્કર હતું. સફેદ અને અલમસ્ત. આને કોઈ પણ હિસાબે છટકવા ન દેવાય. એમ વિચારી. સિંહ રાજ અત્યંત સાવધાની પૂર્વક ડુક્કર તરફ આગળ વધ્યા. નેવું ફૂટ. એસી ફૂટ. સિંતેર ફૂટનુ અંતર રહ્યું. ત્યારે એક પત્થર પાસે એ થોડી વાર માટે બેઠા. ડુક્કર પોતાને જોય ન જાય એનુ ઘ્યાન રાખતા. પોતાનાં આગલા બન્ને પંજા ઓ ને એમણે પત્થર ઉપર ઘસ્યા. ફરી એકવાર એમણે વીસેક ફૂટનું અંતર બિલ્લી પગે કાપ્યું. અને પછી સિંહ રાજે દોટ મૂકી. અને ડુક્કરનું ઘ્યાન હવે સિંહ રાજ ઉપર પડ્યું. અને એણે ભાગવાનો પ્રયાસ કર્યો. પણ એના પાછલા બન્ને પગ મજબૂતી થી બંધાયેલા હતા. એટલે એ જરાયે દોડી ના શક્યું. એના મો માંથી મરણતોલ ચિચયારી ઓ નીકળી રહી હતી. પંદરેક ફૂટનું અંતર બાકી રહ્યું ત્યારે સિંહ રાજે છલાંગ લગાવી. અને પંજાનો એકજ વાર ડુક્કર ની ગરદન ઉપર કર્યો. અને ડુક્કર બે પાંચ મિનીટ તરફડીને શાંત થઈ ગયું. પણ સિંહ રાજ જેવી છલાંગ લગાવી ને ડુક્કર ઉપર પડ્યો. ત્યારે એક ખટ્ટાક કરતો આવાજ આવ્યો. અને સિંહ રાજ એક વિશાળ પાંજરામાં કેદ થઈ ગયો. કોઈ સર્કસ વાળાઓએ સિંહને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું. અને એને લલચાવવા એમાં ડુક્કર ને બાંધી ને રાખ્યું હતું.જેમાં સિંહ રાજ આબાદ સપડાયો હતો.
અને પછીતો એ સિંહ રાજ ને રીંગ માસ્ટર ના હવાલે કરી દેવાયો. અને રીંગ માસ્ટરે એને ટોર્ચર કરી કરીને. એને જાત જાતની ટ્રેનીગો આપીને જંગલના રાજા માંથી એને સર્કસનો સિંહ બનાવી દીધો.
સમાપ્ત