અણવર અને માંડવિયેણ 1
રાજસ્થાનના કુંવર યુગ રુદ્ર પ્રતાપ સિંહના લગ્ન હતાં. ખાલી જયપુરથી જ નહીં પણ દેશ વિદેશથી લોકો આવ્યાં હતા. માણસોની સંખ્યા વધારે ન હતી પણ જે લોકો આવ્યા હતા તે દરેક કોઈને કોઈ ક્ષેત્રમાં આગવી પદવી ધરાવતાં હતાં. કારણકે રુદ્ર પ્રતાપ સિંહ જાણીતાં અને નામચીન હીરાનાં વેપારીઓમાંથી એક હતાં. તેમનાં હીરા દેશ વિદેશમાં પહોંચતા હતાં. યુગ પણ પિતા સાથે એમનાં હીરાનાં વ્યાપારમાં સાથે જોડાયેલો હતો. પણ રુદ્ર પ્રતાપનો નાનો દીકરો શિવ કંઇક બીજી જ દુનિયામાં હતો.
સામે છોકરી પક્ષે પણ પાર્ટી જોરદાર હતી. રુદ્ર પ્રતાપના હીરાનાં વેપારી મિત્ર શેઠ ખુશાલચંદ રાણાના મોટાં દીકરી યાશવી રાણા. ખુશાલચંદની નાની દીકરી ફિલ્મસ્ટાર બનવા માંગતી હતી તેથી મુંબઈની એક પ્રખ્યાત એક્ટિંગ સ્કૂલમાં ટ્રેનિંગ લેતી હતી. બોલિવૂડમાં તેણે એક બે નાના મોટા રોલ કરીને થોડો ઘણો પગ પેસારો કર્યો પણ હતો. ખુશાલચંદની બિલકુલ ઈચ્છા ના હતી કે શ્રી ફિલ્મસ્ટાર બને પણ આખરે દીકરીની જીદ આગળ બાપ હારી ગયો અને શ્રીને જવા માટે પરવાનગી આપી. તે પરિવારથી દૂર મુંબઈ એકલી રહેતી હતી. બહેનનાં લગ્ન માટે શ્રી બે દિવસની રજા લઈને રાજસ્થાન આવી હતી. યુગ સિવાય એનાં ઘરના એક પણ સદસ્યને શ્રી એ જોયાં ન હતા. કારણકે યાશવીનું નક્કી થયું ત્યારે શ્રી મુંબઈ હતી અને નક્કી કર્યાનાં એક જ મહિનામાં લગ્ન લઈ લીધા એ વચ્ચે શ્રી મુંબઈથી ઘરે એક પણ વાર આવી જ ન હતી.
લગ્ન રાતનાં સમયનાં હતાં. યુગ પ્રતાપ સિંહ અને યાશવી રાણાના લગ્ન એક ડેસ્ટીનેશન વેડિંગ હતાં જે અમરગઢમાં (કાલ્પનિક) રાખ્યાં હતાં. અમરગઢ વેન્યું નામથી એક ખૂબ વિશાળ જગ્યા હતી જેમાં અમરગઢ બેન્કવેટ હોલ, અમરગઢ રિસોર્ટ, અમરગઢ પેલેસ, અને અમરગઢ મહેલ આટલાં અલગ અલગ એટ્રેકશન હતાં.
આખી જગ્યા જ બન્ને પરિવારે બુક કરી લીધી હતી. અમરગઢ વેન્યુમાં ગેટ પાસે ૪ ચોકીદાર હતાં. અંદર પ્રવેશ કરતાં જ એક વિશાળ ગાર્ડન હતું. ગાર્ડનમાં રંગબેરંગી ફૂલો અને નાના બાળકોનાં રમવા માટે હીંચકા, લપસણી, મંકી જંપ, સી સો અને મેરી ગો રાઉન્ડ હતા. ત્યાં વોકિંગ ટ્રેક પણ હતો જ્યાં ત્યાં રોકાયેલાં ગેસ્ટ ચાલી શકે. એ પછી વિશાળ બેન્કવેટ હોલ હતો જે ચાર માળનો હતો. એની બાજુમાં જીમ એરિયા હતો. એનાથી આગળ અમરગઢ પેલેસ હતું જ્યાં રજવાડી, મારવાડી અને રાજસ્થાની એમ અલગ અલગ ભાતનું નકશીકામ અને ચિત્રો દોરેલાં હતા. તે પેલેસ બે માળનો હતો. તેમાં એક માળ પર વ્યુંઈગ ગેલેરી હતી જેમાં પૂર્વજોની અને અમૂક ૧૮૦૦ ૧૯૦૦ સદીના ચલણી નોટો અને સિક્કાની ગોઠવણ કરેલી હતી. તદ ઉપરાંત તેમાં જૂનાં જમાનાના પોષાક, તલવાર, ચપ્પુ, કાંસકો, વાસણો અને એવી ઘણી બધી એન્ટિક વસ્તુઓ શણગારેલી હતી.
એની બાજુમાં એક બાજુ નાનું ગાર્ડન હતું અને બીજી બાજું એક નાના બાળકોનો અને એક મોટાં લોકો માટે એમ બે સ્વિમિંગ પુલ હતા. એનાથી આગળ અમરગઢ રિસોર્ટ હતો અને રિસોર્ટની એક બાજુ નાનકડી કૃત્રિમ નદી જેમાં ચાર પાંચ હોડી પણ હતી અને એક બાજુ સ્પોર્ટ્સ ક્લબ હતો. જેમાં ક્રિકેટ, બેડમિન્ટન, ફૂટબોલ ઉપરાંત ઇન્ડોર ગેમ જેમકે, ચેસ, લુડો, સાપસીડી વગેરે રમવા માટે પણ અલગ અલગ ટેબલ પર ગોઠવણ કરેલી હતી. એનાથી આગળ અમરગઢ મહેલની ફરતે ચારે બાજું અન્ટિક બાંકડા નાના નાના ગોઠવેલાં હતા. અને મહેલ પણ પાંચ માળનો મોટો હતો.
અમરગઢ મહેલ ખૂબ મોટો પૌરાણિક મહેલ જેવો દેખાતો હતો જેને ખૂબ સુંદર રીતે સાચા ફૂલોથી સજાયો હતો. દરવાજા પર ઓર્કિડ તો મહેલનાં વિશાળ ગેટ પર ગુલાબ.
ચોરીમાં કમલ તો દીવાલો પર લીલી, જાસૂદ, મોગરા, એમ અલગ અલગ ફૂલોથી આખો મહેલ સજાવ્યો હતો. ઉપરાંત આખા મહેલમાં નાના લેમ્પ મૂક્યાં હતાં જેથી અલગ જ રોશની દેખાતી હતી. ચોરીની ફરતે એલઇડી લાઈટિંગ કરી હતી જેનું તેજ આખા મહેલની ફરતે દેખાતું હતું. જમણવાર મહેલનાં સૌથી ઉપરનાં દીવાનખંડમાં રાખેલો હતો. આંખો મહેલ સાચા ફૂલોથી શોભતો હતો અને સુંગંધિત થઈ ગયો હતો.
યુગ અને યાશવી માટે મહેલનાં ત્રીજા માળ પર બે અલગ રૂમ હતાં. અને જાનૈયાઓને ઉતારો આપવા માટે રેસોર્ટમાં ૨૦-૨૫ અને પેલેસમાં પાંચ રૂમ લીધેલા હતાં. યાશવીનાં ઘરવાળા બીજા માળ પર અને યુગનાં ઘરવાળા ચોથા માળ પર હતાં. પાંચમાં માળ પર રસોડું અને કામ કરવાવાળાઓને ઉતારો આપ્યો હતો. લગ્નનો બધોજ ખર્ચો અડધો થવાનો હતો. કારણકે અમરગઢ વેન્યુ બે દિવસ માટે લીધો હતો જેમાં એક દિવસ લગ્ન અને બીજા દિવસે રિસેપ્શન હતું. અમરગઢ ખૂબ જ વિશાળ જગ્યામાં બનાવેલું હતું તેથી ત્યાં હવા ઉજાસ બહુ જ હતો. અને આખો દિવસ પવનની લહેરખીઓ ચાલતી હતી. જે વાતાવરણને એકદમ આલ્હાદક બનાવતી હતી.
યાશવીએ મારવાડી પોશાક પહેર્યો હતો. ક્રીમ કલરની મારવાડી સાડીમાં નાના નાના ડાયમંડ જડેલા હતા. એનાં આભૂષણો અત્યંત કિંમતી અને વિદેશથી મંગાવેલા હતાં. એનાં ગળામાં મોટો કાશ્મીરી હાર હતો જેમાં જડતરનું નકશી કામ કરેલું હતું. એનાં લાંબા વાળમાં ચોટલો ગૂંથેલો હતો જેમાં થોડાં થોડાં અંતરે એકદમ જીણા મોતી લગાવ્યા હતાં. નાકમાં મોટી મારવાડી નથ. કાનમાં વિધાવેલા ત્રણ કાણાં એમાં એકમાં મોટી હારને મેચિંગ બુટ્ટી. અને ઉપરનાં બે કાણામાં નાની લોક વાળી રીંગ. હાથમાં છુંદાયેલું પુષ્તેની ટેટૂ જેમાં મહાદેવ લખેલું હતું. કોણી સુધીની મ્હેંદી. બન્ને હાથની ચાર ચાર આંગળીમાં વીંટી. હાથમાં સોનાનાં હીરાથી જડિત પાટલા અને ખભાથી સેજ નીચે એક બાજુ બાજુબંધ અને બીજી બાજુ સોનાનું એક બલૈયું. અને હાથમાં બાંધેલું મીંઢળ. યાશવી પોતે ખૂબ સુંદર હતી એમાં પણ આ ડાયમંડ વાળી સાડીમાં પોતે એક રાજકુમારી જેવી લાગતી હતી.
યુગે મારવાડી રાજાનો પોષાક પહેર્યો હતો. ક્રીમ શેરવાની, માથે પાઘડીમાં એક નાનું સફેદ મોરપંખ. ડાબા હાથમાં બે નંગની વીંટી અને ધડિયાળ. અને જમણાં હાથમાં એક વીંટી અને હનુમાનજીનો કાળો દોરો. ગળામાં મોતીની ત્રણ સેર વાળી માળા. યુગ ઊંચો અને પાતળા બાંધાનો હતો. ઘઉંવર્ણો પણ પહેલી નજરમાં ગમી જાય તેવો.
જાન નજીકમાંથી મહેલ સુધી આવવાની હતી કારણકે બધાં મહેલમાં જ હતાં. રિવાજ અને રસમ પૂરતું જાનૈયાના સ્વાગત માટે અને રિવાજ સાચવવા માટે આ કરવાનું હતું. યુગ અને બીજા જાનૈયા મહેલથી નીકળી ગયાં હતાં જેથી જાન વાજતે ગાજતે મહેલમાં આવે. યુગનાં મનમાં હજી પણ સવાલ હતો કે શિવ ક્યાં હશે? શિવે વચન આપ્યું હતું કે એ લગ્નમાં પહોંચી જશે પણ ક્યારે અને કેવી રીતે એની કોઈને ખબર ન હતી. કારણકે શિવ મિસ્ટર વિયર્ડ હતો. અને અનોખી વાત એમ હતી કે શિવ યુગનો અણવર પણ હતો.
આ બાજુ યાશવી પણ ચિંતામાં હતી કારણકે શ્રી મહેલમાં બોલાવેલા મેકઅપ આર્ટિસ્ટ સાથે નહીં પણ બાહર કોઈ મોટાં પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી. જાન આગમનની તૈયારી હતી અને શ્રી ગાયબ હતી. વાત એમ હતી કે શ્રી, યાશવીની માંડવિયેણ હતી. બન્ને બેહનો નાનપણથી એકબીજા વગર ખાય પણ નહીં એટલો પ્રેમ હતો એકબીજા માટે. છ મહિનાથી શ્રી મુંબઈ ગઈ અને બન્ને વચ્ચે રાજ્યોએ અંતર બનાવી દીધું. પણ એ અંતર દિલો વચ્ચે ન હતું. દિલથી બન્ને બહેનો હજી પણ કનેક્ટેડ જ હતી.
લાલ રંગના ફૂલ વેડિંગ ગાઉનમાં એક છોકરી મહારાજા પેલેસ નજીક ઊભી હતી. એની આસપાસ ફૂલોની સુંગધથી મહેક મહેક ફેલાઈ ગઈ હતી. અંધારામાં એવું જ લાગતું હતું કે એ સુગંધ એનાં પરફ્યુમની હશે પણ એવું ન હતું. પણ એ છોકરી જ્યાં ઊભી હતી ત્યાં એટલું અંધારું હતું કે એનો ચહેરો જોવો પણ અશક્ય હતો. એ વારે ઘડીએ પોતાનાં ફોનમાં જોતી હતી અને પછી રસ્તા પર કોઈ વાહન પસાર થાય એની રાહમાં હતી. ત્યાં બહું જ અંધારું હતું અને એ રસ્તે ખાસ વાહનોની અવરજવર પણ ન હતી કારણકે મહારાજા પેલેસ અને તેની આગળ આવેલા બીજા પેલેસ એ શહેરથી દૂર હાઇવે કનેકટેડ હતાં. લગભગ ૧૦ મિનિટથી ત્યાં ઊભેલી એ છોકરીને માત્ર ચાર પાંચ ટ્રક એ રસ્તા પર નજર પડી અને એકલ દુક્કલ ટુ વ્હીલર વાહનો પણ કોઈ ભરોસા પાત્ર ના લાગ્યું. એક ટ્રક ડ્રાઈવરે તો સામેથી ટ્રક રોકી પણ હતી પણ એ છોકરીએ મારા હસ્બંડ મને લેવાં આવે છે એમ કહીને હેલ્પ માટે ના પાડી દીધી. છોકરી હતી ઘણી હિંમતવાળી નહિતર આમ રાતે હાઇવે પર એકલી રિસ્ક કેમ કરતાં લેતી?
સતત આવતાં મોબાઇલમાં કોઈના ફોનને એ છોકરી વારે ઘડીયે કાપીને રસ્તા તરફ મીટ માંડીને જોવા લાગતી, " જાણે એને કોઈ અજાણતાં ચેહરમાં જાણીતાં વ્યક્તિની તલાશ હોય. " અને આખરે એણે એક ગાડીને દૂરથી આવતી જોઈ. એને હાથ બતાવીને ગાડી રોકવા ઈશારો કર્યો. ગાડીમાં બેઠેલાં વ્યક્તિએ એની તરફ ગણકાર્યા વિના ગાડી ભગાવી દીધી. ગાડી લગભગ ૧૨૦થી પણ વધારે સ્પીડ પર જઈ રહી હતી જાણે ગાડીમાં બેઠેલ વ્યક્તિ કોઈ ખૂબ જ ખાસ કાર્ય માટે જઈ રહ્યો હોય કાંતો પછી આમ ચલાવું એની આદતનો એક ભાગ હોય. કોને ખબર!
થોડી આગળ જઇને ગાડી ઊભી રહી. રસ્તામાં ઊભેલી છોકરીનું ધ્યાન જ ન હતું તેથી ગાડીમાં બેઠેલ વ્યક્તિએ જોરથી સળંગ પાંચ છ વાર હોર્ન માર્યા અને એ છોકરીનું ધ્યાન એ ગાડી તરફ ગયું. એ સમજી ગઈ કે થોડી ક્ષણો પહેલાં તેણે ઈશારામાં જે ગાડી રોકવા માંગી હતી એ જ ગાડી વાળો હોર્ન મારે છે.એ છોકરીએ ઈશારામાં ગાડી પાછી લાવવા કીધું પણ ગાડી વાળો હોર્ન મારે જ ગયો અને ધીરે ધીરે ગાડી આગળ લઈ જવા લાગ્યો એટલે છોકરી પોતાના જેટલાં વજન વાળા ગાઉનને બે હાથથી પકડીને દોડવા લાગી. ગાઉન ખૂબ વજનદાર હતું એટલે બહું જલ્દીથી દોડી ના શકાયું પણ ધીરે ધીરે કરતાં એ ગાડી સુધી પહોંચી જ ગઈ. એણે ગાડીનો ફ્રન્ટ સીટનો દરવાજો ખોલ્યો અને જલ્દીથી અંદર ગાડીમાં ગોઠવાઈ ગઈ. સીટ બેલ્ટ પહેરે એ પહેલાં તો છોકરાએ ગાડી ભગાવી મૂકી અને છોકરીનું માથું બાજુમાં બેઠેલાં છોકરાને અથડાયું.
"આ શું કરો છો? સીટ બેલ્ટ પહેરું એટલી તો રાહ જોવો. મારું આખું માથું ફેંદી નાખ્યું. ઇડિયટ." છોકરીએ ખૂબજ ગુસ્સામાં કીધું. એનો અવાજ ખૂબ જ મીઠો અને માદક હતો.
"તકલીફ હોય તો ઉતરી જા. હાઇવે પર એકલી છોકરી જોઈ તો દયા આવી ગઈ એટલે લિફ્ટ આપી છે સમજી? બહું ચરબી હોય તો જઈ શકે છે તું. હો."
છોકરાની વાત સાંભળીને એક મિનિટ માટે તો એ છોકરીને લાફો મારી દેવાનું મન થયું પણ તેણે એવું ના કર્યું કારણકે એને જલ્દીમાં ક્યાંક પહોચવું હતું અને એને માંડ એક અજાણ્યો વિશ્વાસુ બકરો મળ્યો હતો. તેણે થોડી વાર ચૂપ રહીને પછી શાંતિથી કહ્યું.
"મારે અમરગઢ તરફ જવું હતું. અમરગઢ મહેલ. નામ તો સાંભળ્યું હશે ને? અહીંયા બસ થોડુંક જ આગળ છે." એ છોકરીએ કહ્યું.
બાજુમાં બેઠેલા છોકરાનું ધ્યાન ગાડી ચલાવવામાં જ હતું. એણે કોઈ પ્રતિક્રિયા ના આપી એટલે છોકરી ફરી બોલી.
"હેલો મિસ્ટર. હું તમને કહી રહી છું." એણે સહેજ મોટાં અવાજે કહ્યું.
"સંભળાય છે મને. પણ મને લાગે છે તને દેખાતું નથી કે હું કેટલો જલ્દીમાં છું. બસ બે મિનિટ મોઢું બંધ રાખીને બેસી રહે. તને અમરગઢ પહોંચાડી દઈશ." છોકરાએ જવાબ આપ્યો. એનો મર્દાની અવાજ સાંભળીને બાજુમાં બેઠેલી છોકરીને એનો ચહેરો જોવાની ઈચ્છા થઈ. પણ અંધારામાં માત્ર શરીરનો આકાર દેખાઈ રહ્યો હતો. એમાંય એણે મોઢાં પર રૂમાલ બંધેકોહતો એટલે એનું મોઢું દેખાતું ન હતું. એ છોકરાને એટલી જલ્દી હતી કે એણે ગાડીની સ્પીડ એકદમ જ વધારી દીધી. જેથી છોકરી પોતાને બેલેન્સ ના કરી શકી. અને છોકરાનાં ખભા સાથે અથડાઈ ગઈ.
"અરે અરે આ શું કરો છો તમે ફરી? આપણે અથડાઈ જઈશું. પ્લીઝ મારી પર રહેમ કરો અને થોડુંક ધીમે ચલાવો."
"વીલ યૂ પ્લીઝ જસ્ટ શટ અપ?" છોકરાએ જવાબ આપતાં કહ્યું.
છોકરી કંઇક બોલવા જતી હતી એટલામાં બન્નેનાં કાને બહાર જતી જાનમાં વાગતાં ગીતોનો અવાજ પડ્યો. બન્નેનાં ગુસ્સા પર એક મિનિટ માટે હાસ્યનું મોજું ફરી વળ્યું. છોકરાએ ગાડીનો કાચ ઉતારીને જોયું તો ખુશ થઈ ગયો. અને જગ્યા જોઈને ગાડી પાર્ક કરવા ગયો.
"અરે અરે, અમરગઢ તો હજી થોડુંક આગળ છે ને?" છોકરીએ પૂછ્યું.
"ના તો. ગણતરી કરતાં આવડે છે? એક કામ કર ગણતાં ગણતાં જા. ૧૦ આવે ત્યાં જમણી બાજુ વળી જજે. આવી જશે અમરગઢ. ૧૦ થી ૧૧મું ડગલું ના ભરતી હો. જાવો રમો."
છોકરાએ એક ખુલ્લાં મેદાન જેવી જગ્યાએ ગાડી પાર્કિગમાં ગોઠવતાં કીધું જે ખરેખર અમરગઢનું જ પાર્કિંગ હતું.
"૧૦ ડગલાં તો ગેટ સુધી. એની આગળ? અને હું અહીંયાથી ત્યાં ચાલતી જઉં? હું આટલું બધું આ ગાઉનમાં કેવી રીતે ચાલીશ?" છોકરીએ ગુસ્સામાં પણ ઉદાસ થતાં પૂછ્યું.
"હા. વાત તો સાચી છે. ૧૦ તો ગેટ સુધી. પછી ગેટથી આગળ બીજા ૩૦ ડગલાં અને એ પછી અંદર બીજા ૧૦એક ડગલા. આટલું બધું તું કેમની ચાલીશ? એક કામ કર. તારાં આ મોંઘા ફોનમાંથી ફોન કરીને તારા પપ્પાને કહીને તારા માટે એક હેલિકોપ્ટર બુક કરાવી લે જે પછી એ હેલિકોપ્ટર તને વોશરૂમ સુધી પણ ચાલવાની તસ્દી નહીં લેવા દે હો ને? પણ જો મારી મંઝિલ તો આજ છે." છોકરાએ સામે જતી જાન તરફ ઈશારો કરતાં કહ્યું.
છોકરી ધુઆપુઆ થઈ ગઈ અને કંઈ બોલે એ પહેલાં છોકરાએ એને હાથથી બહાર જવા ઈશારો કર્યો.
"મારી મંઝિલ અહીંયા જ છે તો હું ડ્રાઇવર બનીને આગળ નહીં આવી શકું. માફ કરજો." એ છોકરાએ ગાડીનો દરવાજો ખોલતી છોકરીને કહ્યું.
ભર ગુસ્સામાં, કાપો તો લોહી પણ ના નીકળે એવી હાલતમાં એ છોકરી ફરી પોતાનું ગાઉન બે હાથમાં સંભાળતી ધીરે ધીરે આગળ અમરગઢ મહેલ તરફ જવા લાગી. એક તો હાઈ હિલ્સ એમાં પણ ભારે ગાઉન. ગુસ્સામાં પરસેવે રેબઝેબ. મગજ એવું ગરમ હતું કે એ છોકરો સામે આવે તો લાફો મારી દે. પણ અંધારામાં તેણે માત્ર એ છોકરાનાં કપડાં જોયાં હતાં. મોઢાં પર તો રૂમાલ હતો. તેણે બ્લેક શોલ કોલર બ્લેઝર પહેર્યું હતું. અને પેન્ટ પણ ફોર્મલ બ્લેક કલરનું હતું. હા, તેને એટલું યાદ હતું કે જ્યારે એ ફાસ્ટ ગાડી ચલાવતો હતો ત્યારે બન્ને અથડાયા હતાં ત્યારે એને એટલું યાદ હતું કે એણે કાનમાં બુટ્ટી પહેરેલી હતી. પણ એતો કેટલાંય પહેરતાં ના હોય! હા પણ એનાં પરફયુમમાં અલગ જ સુંગંધ હતી. એ તો ખાસ હતી જ. અને બધાથી અલગ પણ. ઉપરાંત એનો મર્દાની અવાજ. એતો કોઈ એકવાર સાંભળે તો જીંદગીભર ના જ ભૂલે. છોડીશ નહીં એને ક્યાંય મળ્યો તો. આવા કેટલાય વિચારો કરતી કરતી એ છોકરી અમરગઢ વેન્યૂમાં એન્ટર થઈ અને ચાલતી ચાલતી આગળ જઈ રહી હતી. ત્યાં જ એનું ધ્યાન એક ઇલેક્ટ્રિક મીની બસ પર પડ્યું જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન તેમજ ઉંમરલાયક તેમજ જેને અમરગઢ વેનયું ચાલીને એક્સપ્લોર કરવાની ઈચ્છા ન હોય તે લોકોને લઈને જતી હતી. એ ગાર્ડન પાસે જ ઊભી હતી અને તેમાં હજી અમુક લોકો માટે જગ્યા ખાલી હતી. એ છોકરી દોડતી એ મીની બસમાં જઈને બેસી ગઈ અને એનાં ડ્રાઇવરને ચલાવવાનો ઈશારો કર્યો. એણે ડ્રાઈવરને સૌથી છેલ્લે જે અમરગઢ મહેલ છે ત્યાં લઈ જવા માટે કીધું અને પોતે ઓપન બસની બાહરનો નજારો માણવા લાગી. થોડીકજ વારમાં મીની ઇલેક્ટ્રિક બસ મહેલની બહાર ઊભી હતી. એ છોકરી હજી મીની ઇલેક્ટ્રિક બસની બહાર ઉતરી પણ ના હતી અને એને ચાર પાંચ જણ ઘેરી વળ્યા.
"તારામાં અક્કલનો છાંટો છે કે નહીં? જાન આગમનની તૈયારી છે. જાનૈયાઓનું સ્વાગત કરવાનું છે. તને આટલું સમજાવી હતી છતાંય તું ગાયબ. અને ફોન કેમ ન હતી ઉપાડતી? ગાંડી થઈ ગઈ છું?"
એ છોકરીનાં કાનમાં જે શબ્દો પડતાં હતાં એ કોઈ એકનાં નહીં પણ એ ઘેરી વળેલાં ચાર પાંચ લોકોનાં હતાં. જે કોઈ વાક્યુદ્ધમાં જીતવાની પૂરી તૈયારીમાં હોય એમ લાગતું હતું. પણ સામે વાળી પાર્ટી આસાનીથી હારે તેમ પણ ક્યાં હતું.
*
"અણવર અને માંડવિયેણ" મારી પહેલી વાર્તા સાથે એક નવા સફરની શરૂઆત કરું છું. આશા છે તમને બધાને આ વાર્તા ગમશે.
આગળની વાર્તા આગળનાં ભાગમાં પ્રકાશિત થશે. પણ જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો અભિપ્રાય જરૂર આપજો.