ગંવારી - 1 Rita Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગંવારી - 1

ગંવારી

વસુધા એસ.ટી. બસમાં ચઢવા કરતાં, કોઈએ ધક્કે ચઢાવીને આગળ ધકેલી દીધી હોય, તેમ ધકેલાતી બસમાં આગળ વધી. બસમાં આસપાસનું નિરીક્ષણ કર્યું, કોઈ જગ્યા મળી જાય, જ્યાં પોતે બેસી શકે પણ એને કયાય ખાલી જગ્યા દેખાય નહીં. આખરે છેલ્લી હરોળમાં એક જગ્યા ખાલી જોતાં, તે તે તરફ આગળ વધી. ત્યાં બેસોલો પુરુષ તેની તરફ જોઈ ખંધું હસ્યો. એના ગુટખાથી રંગાયેલા દાંત બહાર ઉપસી આવ્યા. તે જોઈ વસુધાને ચીતરી ચઢી આવી, પણ તેની પાસે કોઈ બીજો રસ્તો નહોતો. માંડવી પહોંચતા દોઢ થી બે કલાક થાય તેમ હતું. સુરત સ્ટેશનની ભીડથી છૂટવા બસમાં ચઢી તો ગઈ, પરંતુ ત્યાં પણ એજ ભીડ તેને સતાવતી હતી. ખેર, હવે થાય પણ શું? બસ સ્ટેશન છોડીને સહારા દરવાજા પહોંચી ગઈ હતી. ત્યાંથી ઉતરી જવું તેને ઠીક ન લાગ્યું.

બસ ઘરડી ઠઈને થાકી ગઈ હોય, તેમ ધક્કે ચઢીને ચાલતી હતી. ડ્રાઈવરની બાજુમાં આવેલા કેબીનેટમાંથી ડીઝલ મિશ્રિત ધુમાડો વસુધા સુધી પહોંચી રહ્યો હતો. આ ધુમાડાની ગંધ તેને ઉબકાઓ લાવતી હતી. પેલો ગંધાતો ગોબરો માણસ વધુ ખુશ દેખાતો હતો. જાણે બાજુમાં એશ્વર્યા બેસી ન ગઈ હોય? બારીમાંથી જોવાના બહાને વસુધાને નીરખી રહ્યો હતો. વસુધાને ગુસ્સો આવ્યો એટેલે તે પેલા માણસ તરફ ક્રોધથી તાકી રહી. જેથી તેણે પોતાની નજર ફેરવી લીધી. પોતાનો સ્માર્ટ ફોન કાઢીને, હેડફોન લગાવી, યુટ્યુબ જોવા લાગ્યો. ત્યારે વસુધાને જરા હાશ થઈ.

ધીમે ધીમે બસ આગળ વધતા તે જાણે વિચારોની દુનિયામાં સરી પડી. હવે શહેર છોડી ખુલ્લા ખેતરો દેખાવા લાગ્યા હતા. દૂર દેખાતા વૃક્ષો જાણે બસની સાથે ચાલી રહ્યા હોય, તેવો ભાસ તેને ખૂબ આનંદ આપતો હતો. થોડીવારમાં બસ ઊભી રહી, કોક સ્ટેશન આવ્યું હતું. માણસો જાનવરો કરતાં પણ વધારે બસમાં ભરાઈ બેઠા હોય તેવું લાગતું હતું. માંડવી આવવાને હજુ ઘણી વાર હતી. તેને તેના સાહેબ ઉપર ગુસ્સો આવતો હતો. આખી ઓફિસમાં તેજ મળી ગામડામાં મેથી મરાવવા માટે? હજી તો ગઈ કાલે જ સાહેબે તેને જણાવ્યું હતું કે,

“વસુધા, તારે રતવા કરીને માંડવી તાલુકામાં એક ગામ છે. ત્યાં આવતી કાલે જવાનું છે. એક મહિનો ત્યાં રહીને ત્યાંની સ્ત્રીઓની તકલીફો જાણીને રિપોર્ટ રજૂ કરવાનો છે. હું માંડવીમાં યોજાયેલ સરપંચની મિટિંગમાં રતવા ગામના સરપંચ બેનને મળ્યો હતો. તેમણે તેમના ગામમાં, ‘એક વર્ષમાં ચાર ચાર છોકરીઓએ આત્માહત્યા કરી લીધી હતી, તેમ જણાવ્યું હતું.’ તારે ત્યાંની સ્ત્રીઓની પરિસ્થતિનો અહેવાલ રજૂ કરવાનો છે. તથા બની શકે તો તેમને સ્ત્રી જાગૃતિ વિશે જ્ઞાન આપવાનું છે.”

વસુધા આ સાંભળી આભી થઈ ગઈ હતી. તેણે પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. પણ સાહેબ એક ના બે ન થયા.

“સાહેબ, હું જ કેમ? આપણી ઓફિસમાં સત્તર જણ કામ કરે છે. એમાંથી કોકને મોકલોને!”

ત્યારે સાહેબે તેને સળસળતો જવાબ આપીને તેનું મોઢું બંધ કરી દીધું હતું.

“બધાને પરિવાર છે. તમારે ક્યાં આવી બધી તકલીફો છે? તમે એક વર્ષ પણ ત્યાં રહો તો કોઈને કશો ફરક પડવાનો છે? “

ત્યારે વસુધાને કહેવાનું મન થઈ આવ્યું હતું.

‘લગ્ન ન કર્યા એટલે શું મારે જ બલીનો બકરો બનવાનું? એવા અંતરિયાળ ગામડામાં એક સ્ત્રીની સુરક્ષાનું શું?’

સાહેબ પણ જાણે તેના મનની વાત જાણી ગયા હોય, તેમ બોલ્યા,

“તું ફિકર ના કર એ ગામના સરપંચ પણ એક સ્ત્રી જ છે. તેમણે પૂરી જવાબદારી લીધી છે, કે તને કોઈ આંચ પણ ના આવવા દે. તારી રહેવાની વ્યવસ્થા પણ કોક વિધવા શિક્ષિકા બેન છે. તેમની જોડે કરી છે. એટલે તને વાંધો નહી આવે. તું તારે આવતી કાલે નીકળી જજે. અને હા, આ દસ હજાર રૂપિયા રોકડા લઈ જા. ત્યાં ગામડામાં તને એટીએમની સુવિધા નહીં મળે.”

હવે તો ના પાડવાનો કોઈ રસ્તો જ નહોતો. એટલે તેણે એ પૈસા લઈ લીધા હતા. બજારમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ આગલા દિવસે જ ખરીદી લીધી હતી. વિચારોમાં તેને આખી રાત ઊંઘ ના આવી. પોતાનો સામાન પેક કરતાં બાર વાગી ગયા અને ઊંઘ આવતા સવારના ચાર. એટલે છેક નવ વાગ્યે આંખ ખૂલી હતી. જેથી આજે તેની આંખો ઘેરાયેલી દેખાતી હતી. ‘જવાય છે હવે!’ એમ વિચારી તેણે ધીમેધીમે દિનચર્યા પતાવી હતી.

અચાનક લાગેલી બ્રેકના અવાજે તેને તંદ્રામાંથી જગાડી દીધી. તેણે આસપાસ જોયું તો મોટા મેદાનવાળું માંડવી સ્ટેશન હતું. બાજુમાં નંદન ટોકીઝનું બોર્ડ દેખાયું. તેને નવાઈ લાગી, ‘અહી સિનેમા ઘર પણ છે?’ બસ સ્ટેશનમાં સંભળાતા કેટલાયે આવજો સાથે તે બેસી રહી. અવાજોના લીધે તેનું માથું દુખવા લાગ્યું હતું. તેને થયું થોડી ચાહ પી લેવામાં આવે તો પોતે સ્વસ્થ થઈ શકે તેમ છે. આજુબાજુ ફાંફાં મારતા નજીક ચાહની લારી દેખાઈ. ઝડપથી ત્યાં પહોંચીને, “ભાઈ એક ચા આપો.”

કોઈ સ્ત્રી જાણે પહેલીવાર તેની દુકાને ચા પીવા આવી હોય, તેમ તેની તરફ ચા વાળો તાકી રહ્યો. વસુધા પણ તેને જોઈ રહી છે તેવું ભાન થતાં તે પોતે સ્વસ્થ થતા બોલ્યો.

“સ્પેશ્યલ!”

“હા, ખાંડ ઓછી, કડક અને મસાલાવાળી બનવજો. તમારી પાસે કાગળના કપ તો હશે જ ને?” વસુધા બીજા લોકોને કાચના કપમાં ચા પીતા જોઈ થોડી નારાજગી સાથે બોલી.

“હા બેન છે ને! તમે ફિકર ન કરો. તમને સ્પેશ્યલ જ બનાવી આપું છું. ક્યાંથી આવ્યા? સુરતથી કે? અહીના હોવ એવા લાગતાં નથી.”

ચા વાળાએ તેના વિશે જાણવા પ્રશ્નો પૂછવા માંડ્યા. છતાં વસુધા મૌન સેવી રહી એટલે ચા વાળાએ પૂછવાનું બંધ કર્યું. તેણે જતાં જતાં વીસ રૂપિયા આપ્યા. કઈક વિચારીને વસુધા પાછી ફરી, ચા વાળા તરફ જોતાં બોલી, “ આ રતવાની બસ કેટલા વાગ્યે છે?”

“રતવા તો કયા બસ જાય છે? પણ તમે પેલી લાલ બસ ઊભી છે તેમાં બેસી જાવ, તે તમને વણાંક કરીને સ્ટેશન આવશે ત્યાં ચાર રસ્તાએ ઉતારી દેશે. ત્યાંથી એક કિલોમીટર છે રતવા.”

“આ નવી મુસીબત!” કહેતા તે બસ તરફ દોડી. સારું કે બસમાં ખાલી જગ્યા હોવાથી તેને થોડી ટાઢક થઈ. સાંજના પાંચ થવા આવ્યા હતા. કોણ જાણે ક્યારે પહોંચાડશે એવી દહેશત સાથે તે બસની બાહર નીરખી રહી હતી. તેની લટો જાણે ઊભી રહીને હવાને કહી રહી હોય આવ હજુ મારે ઝૂલવું છે. તે જેટળી વાર વાળને પાછળ લઈ જવાનો પ્રયત્ન કરતી, ફરી તે આગળ આવીને તેને હેરાન કરી મૂકતી. જાણે કોઈ જિદ્દી બાળક ગમે તેટલું કહેવાય છતાં ન કરવાનું જ કામ કરે, તેમ તેની લટો વારેઘડીએ તેના મુખ ઉપર માઝા મૂકી રહી હતી. અંતે તેને સરખા કરવાના પ્રયત્ન મૂકીને વસુધાએ ફક્ત બારીની બહાર જ જોવું તેમ વિચાર્યું. કંડક્ટરને તેણે કહી રાખ્યું હતું કે, “વણાંક આવે એટલે તેને જાણ કરે.”

ગામની લીલોતરી જોઈ તેના પૂરા દિવસના લાગેલા થાકને જાણે ટાઢક વળી. કોણ જાણે આગળ શું થશે? તેની ભીતિ તેને સતાવી રહી હતી. છતા એ આજે વગર વિચાર્યે અહી આવી ચઢી હતી. જીવન જીવવા માટે કઈક તો કરવું પડે ને? તેમાંય પચાસ હજાર જેવો મસમોટો પગાર કોઈ બીજી સંસ્થા આપે તેમ નહોતી. વિચારોમાં મશગુલ હતી. ત્યાં કંડકટરનો અવાજ તેના કાને પડ્યો, ‘વણાંક.”

તેનું સ્ટેશન આવી ગયું હતું. બસમાંથી ઉતરતા કંડક્ટરનો તેણે આભાર માન્યો. જિંદગીમાં પહેલીવાર કોકે તેનો આભાર કહ્યું હોય તેમ તે વસુધાને ગર્વભેર તાકી રહ્યો. બસ ઘરરરર.. ના અવાજ સાથે ધૂમડા અને રજની ગોટીઓ ઉડાડતી આગળ વધી ગઈ. રહી ગઈ બસ વસુધા એકલી તેણે આસપાસ ફાંફાં માર્યા તો તેની સામે જ એક પુરુષ મેટાડોર લઈને ઊભો હતો. તેણે બસમાં બેઠા બેઠા જ સરપંચ બેનને ફોન કરી દીધો હતો. તેથી એ ભાઈ તેને લેવા આવ્યો હશે એ માની તેની તરફ પહોંચી,

“તમે રતવા ગામથી લેવા આવ્યા છો?”

“ હા, સરપંચ બેનએ મને મોકલ્યો છે. ચાલો બેસો.”

મેટાડોર પોતાની ગતિ પકડીને ગામ તરફ ભાગી. પાંચ મિનિટમાં તો ગામ આવી ગયું. રાત થવા આવી હતી. ચારે કોર અંધાકર ફેલાઈ ગયો હોવાથી વસુધા ગામ કેવું છે તે જોઈ ન શકી. મેટાડોર ગામની આશ્રમ શાળાની બહાર આવીને ઊભી રહી.

ક્રમશઃ