MIRAZ books and stories free download online pdf in Gujarati

મૃગજળ

મૃગજળ.... વાર્તા.. દિનેશ પરમાર' નજર '

***********************************
પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાંનુ જળ હતું
પ્રેમ પત્રો આખરે તો અક્ષરોનુ છળ હતું
કોઈ પણ ફૂલો ઉપર સાંજે નિસાની ના રહી.
આમ તો વહેલી સવારે કેટલું ઝાકળ હતું
-ધૂની માંડલિયા

***********************************
નયના રેલ્વેના વારીગૃહની પાછળની તરફ ક્યાંય સુધી રાહ જોતી રહી.....
મનમાં મુક્તેશ પર બરાબરની ખીજ ચઢી. સાથે થોડી અકળામણ અને બીક પણ શરૂ થઈ.
"આ મુક્તેશીયો આમતો સમયનો જબરો આગ્રહી છે. તો આજે કેમ પંદર મિનિટ ઉપર થઈ છતાં ટળ્યો નંઈ?"
કંઈ ખરાખોટા વિચારોથી મન વિવશ થઈ ઉઠ્યું. "કંઈ ગરબડ થઈ હશે? કે ઘરવાળા જાણી ગયા હશે?"
આવા ઉચાટ વચ્ચે તેની સાથે કોલેજમાં ભણતી તેની ફ્રેન્ડ મેઘના ત્યાં આવી પહોંચી.
તે નયના પાસે ગઈ અને બોલી," નયના મારે ઉતાવળ છે પણ આવ્યા વગર ચાલે તેમ નહોતું એટલે આવવું પડયું છે."
પછી પર્સમાંથી એક ચિઠ્ઠી કાઢી આપતા બોલી," આ મુક્તેશે મોકલાવી છે. અને શાંતિથી વાંચવા જણાવ્યું છે." કહેતા મેઘનાએ રીક્ષા પકડી.
ચિઠ્ઠી ખોલી નયના વાંચવા લાગી....

********

છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદની આશ્રમ રોડ ઉપર આવેલ પ્રખ્યાત કોલેજમાં અભ્યાસ કરતા મુક્તેશ અને નયના પ્રથમ વર્ષથી જ એકમેકના પ્રેમમાં પાગલ થઈ ચૂક્યા હતા.
મુક્તેશ જ્યારે પ્રથમ દિવસે જ પોતાના બાઇક પર કોલેજમાં પ્રવેશયો ત્યારે કોલેજના પાર્કિંગ પાસે નવા નવા સ્ટુડન્ટ્સ એકમેકનો પરિચય મેળવી રહ્યા હતા. ના જાણ ના પિછાન તોયે હાથે કરીને એકદમ નયનાને અડીને બાઇક લઈ જઈ મુક્તેશ બોલ્યો, "એય મેડમ જરા રોકેલો રસ્તો છૂટો કરો, મારે બાઇક પાર્ક કરવી છે."
નયના જેનું મૂળ નામ મૃગનયના હતું તેને આ અસહજ લાગ્યું કારણકે ખાસ્સી જગ્યા અંદર જવા હોવા છતાં આ કેમ આમ કરતો હશે! એટલે તે બોલી પડી, " અરે મહાશય આંધળા છો? આ મોટી ગાડી જાય તેટલી જગ્યા છે તે નથી દેખાતી? "
ખુબ હેન્ડસમ અને પ્રથમ દૃષ્ટિએ હીરો જેવો દેખાતો મુક્તેશ ખબર નઈ કેમ પણ નયના તરફ જોતા બોલ્યો, " તુમ જીધર દેખ રહે હો સબ ઉધર દેખ રહે હૈ, હમ તો બસ આપકી આંખો મેં દેખ રહે હૈ."
અને તેણે હસતાં હસતાં બાઇકનું સ્ટિયરિંગ ફેરવી બાજુ પર લઈ પાર્કિંગમાં મારી મુકી.
મેઘના નામની છોકરી સાથે ઉભેલી નયનાએ તે તરફ ક્યાંય સુધી ગુસ્સાથી જોયા કર્યું. પણ પહેલો દિવસ કોણ મગજમારી કરે? એવા વિચાર સાથે તેઓ પોતાના વર્ગ ખંડ તરફ ચાલી નીકળ્યા .
પછી તો પેલો મુક્તેશ રોજ બાઇક લઈને આવે ત્યારે જાણે કાંઈ બન્યું જ નથી તે રીતે નયનાની નોંધ પણ લીધા વગર બાઇક મૂકી વર્ગ ખંડમાં ચાલ્યો જાય.
અઠવાડિયાથી તેની તરફ જોઈ તેની વર્તણૂંકની નોંધ લેતી નયના હવે અકળાઈ ગઈ. પણ તે મનમાં ને મનમાં ગુસ્સો કરવા લાગી. "મોટો ના જોયો હોય તો હીરો! એની જાતને સમજે છે શું? પહેલાં દિવસે તો જાણે મોટો કવિ હોય તેમ શાયરી ઠપકારેલી અને હવે કેમ મીંદડી બની ગયો છે?"
"હશે મારે કેટલા ટકા? ના માનસિક સંતોષ નો આભાસી આનંદ લેતી નયનાનો આ આનંદ લાંબો સમય ટકી ના શક્યો."
થોડા દિવસ પછી કોલેજની એક છોકરી સાથે તેને કેન્ટીનમાં જોયો. તે છોકરી બીજી કોઈ નહી પણ કોલેજમાં પ્રવેશના પ્રથમ દિવસથી તેની બહેનપણી બનેલી મેઘના હતી. તેને પેલા છોકરા સાથે જોઈ તેને નવાઈ એટલા માટે લાગી કે મેઘના તો સતત તેની સાથે રહેતી અને આજ દિન સુધી સતત તે છોકરા મુક્તેશની ખરાબ વાતો જ કરતી હતી.
છેવટે તે ગુસ્સામાં અકળાઈને ખૂણામાંના ટેબલ પાસે જઈ પીઠ ફેરવી બેસી ગઇ. ત્યાં તો પાછળથી મેઘના આવીને, બે હાથથી નયનાની આંખો ઢાંકી દીધી.
" હાથ હટાવ મારે તારી સાથે વાત કરવી નથી." એમ ગુસ્સામાં બોલી ઝાટકો મારીને જોયું તો પાછળ મુક્તેશ અને મેઘના ઉભા ઉભા હસતા હતા. તે કંઈ આગળ બોલે તે પહેલાં મેઘના બોલી, " મઝા આવી ને...?"
નયના ની સામે ખુરશી પર મેઘના અને મુક્તેશ બેસતા જ મેઘના બોલી, "હું તો ક્યારની જાણી ગઈ હતી કે તુ મનોમન મુક્તેશને ચાહવા લાગી છે, મુક્તેશ પણ તને પહેલી વાર જોઈને તારા પ્રેમમાં પડી ગયો હતો અને એટલે જ તો પ્રથમ દિવસે તને છંછેડેલી.
મને આ વાત તેના અઠવાડિયા પછી ઉભી રાખી મુક્તેશે કરેલી."
એટલામાં ચા અને મસ્કાબન આવતા ચાનો ઘૂંટ લેતા મેઘના આગળ બોલી," હું તારી રાય સમજવા અને જાણવા તારી આગળ તેની બદબોઈ કરી તારા હાવભાવ નિહાળતી. મને ખાત્રી થતા તને ચિડવવા મુક્તેશ સાથે આ પ્લાન બનાવ્યો. " આટલું બોલી મુક્તેશ અને મેઘના હસવા લાગ્યા.
નયના ખરેખર મુક્તેશને ખુબ જ ચાહવા લાગી હતી એટલે આ સાંભળી શરમાઈ ગઈ અને ટેબલમાં મુખ છુપાવી દીધુ.

********

પછી તો નયના અને મુક્તેશ બંને વચ્ચેનો પ્રેમ એટલો ઉત્કટ બન્યો કે આખી કોલેજમાં લયલા મજનૂના કોડ નેમથી ઓળખાવા લાગ્યા.
નયનાતો મુક્તેશના પ્રચુર પ્રેમમાં એટલી પાગલ બની ગઈ કે તે મુક્તેશની આંખે જ જોવા લાગી. આમને આમ કોલેજ કાળના ત્રણ વર્ષ ક્યારે પુરા થઈ ગયા તે ખબર જ ના પડી! છેલ્લા વર્ષની એક્ઝામ પતી એટલે હવે મુક્તેશને સહજ રીતે મળવુ મુશ્કેલ જણાતા વ્યાકુળ નયનાએ, છેલ્લા ઘણાં સમયથી ગ્રેજ્યુએશન પતે એટલે લગ્ન કરી લેશુ નુ વચન આપી ચુકેલા મુક્તેશને લગ્ન કરવા જણાવ્યું.
નયનાના માબાપ આ લગ્ન બાબતે સહમતિ નહીં આપે તેથી બીજા શહેરમાં ભાગી જઇ લગ્ન કરી લેવા તેવો નિર્ણય કર્યો અને કપડાં લત્તા સાથે રેલ્વેના વારીગૃહની પાછળની તરફ મળવાનું નક્કી કર્યું.

********

મેઘના દ્વારા આપવામાં આવેલી ચિઠ્ઠી જેમ જેમ નયના વાંચતી ગઈ તેમ તેમ તેની આંખો ભરાતી ગઈ...
ચિઠ્ઠીમાં લખેલુ...
' મૃગનયના ઉર્ફે નયના....
કેમ છે... મઝામાં..?
તને કદાચ યાદ છે કે નહીં તે મને ખબર નથી પરંતુ મને બરાબર યાદ છે. હું ત્યારે દશમા ધોરણની બોર્ડની પરીક્ષા આપવાની તૈયારીમાં હતો. તુ પણ દશમામાં હોઈશ!
આ શહેરમાં એક ઘટના બનેલી, મારા દાદા દાદી પાસે ગામડે રહેતી મારી ફોઈ જે ભણવા મારા ઘરે આવેલાં. પપ્પા બેંકમાં નોકરી કરતા હતા. એટલે ભણવાના ખર્ચની કોઈ ચિંતા ન હતી. તે મારી ફોઈ અનસુયા કોલેજમાં હતા ત્યારે એક છોકરાના પ્રેમમાં પડ્યા.
કોલેજ પૂરી થઈ ગયા બાદ લગ્નનુ વચન આપી ફોસલાવી ભગાડી ગયો અને બીજા શહેરમાં તેને મુકી ભાગી છુટયો.
તે આજે આ શહેરમાં તેના સમાજની છોકરીને પરણી સુખી છે.
અને મારી ફોઈ.....?
તેમનો આજ દિન સુધી પત્તો લાગ્યો નથી.
આ આઘાતમાં દાદાને પેરાલીસીસ થઈ ગયો જે બે વર્ષ અગાઉ અવસાન પામ્યા .
મારા દાદીએ મારા બાપુજી સાથે કાયમ માટે સબંધ કાપી નાખ્યો છે.
આ આઘાતમાંથી બહાર આવ્યા બાદ મેં કોઈની બહેન દિકરી સાથે રમત રમતા તેના માબાપ, ભાઈ બહેન અને કુટુંબના સંલગ્ન લોકો પર શુ અસર થાય છે તેનો અનુભવ કરાવવા , મારી કઝીન દ્વારા એક નિર્ણય કર્યો અને તે મુજબ અમે અભિનય કરી બદલો લેવા માટે કારસો રચ્યો.
મારી બહેન જે મારી ઉંમરની જ હતી. બારમાં ધોરણ પછી એક જ કોલેજમાં અમે પ્રવેશ લઈ ખેલ પાડયો.
આ મારી બહેન એટલે તુ સમજી ગઈ હોઇશ? છતાં જણાવી દઉ.... તે... એટલે.. મેઘના
અને...
મારી ફોઈ અનસૂયાને છેતરી ભગાડી જનાર એટલે
તારા સગા કાકા....!

તારો ના થઈ શક્યો તે
મુક્તેશ '
ચિઠ્ઠી પુરી થતા... જ
લાગ્યુ કે છલોછલ ભરેલા પ્રેમ સરોવર સમજી તે જેની પાછળ દોડતી રહી તે મુક્તેશ તો આભાષી મૃગજળ હતું! '
આ વિચાર આવતા જ જળજળિયા ભરી આંખે તરસ્યા હ્રદયના તરફડાટમાં મૃગનયના ત્યાં જ ફસડાઈ પડી.

**********************************

બીજા રસપ્રદ વિકલ્પો