શું કહું આ પ્રેમને? - 2 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું કહું આ પ્રેમને? - 2

પ્રકરણ - ૨

અક્ષત અડધે રસ્તે ગયો ત્યાં જ વાતાવરણ થોડું બદલાયું. વરસાદ પણ સાવ ઓછો થઈ ગયો. એણે એક જગ્યાએ સાઈડમાં બાઈક ઉભું રાખીને એ છોકરીના નંબર પર ફોન કર્યો અને પોતાની ઓળખ આપી.

એ છોકરી બોલી,"તમે કેમ ફોન કર્યો છે હવે? હવે શું થાય? તમારી રાહ જોઈ પણ તમે ન આવ્યાં, છોકરાવાળા હોય એટલે મનમરજી આવે એવું કરવાનું? સોરી, પણ અત્યારે આવું કરો તો લગ્ન પછી તો શું કરો? એટલે હું આ સંબંધ આગળ વધે એ માટે મળવા પણ હવે તૈયાર નથી."

"સોરી મિતાલીજી,પણ તમે મને મોડું થવાનું કારણ કહેવાનો મોકો તો આપો?" પણ અક્ષત આગળ બોલે એ પહેલાં જ એણે ફોન કાપી દીધો. એ પછી બે વાર ફોન કર્યો પણ એણે ફોન કાપી દીધો એટલે અક્ષત પછી સીધો ઘરે આવી ગયો.

ઘરે આવતાં જ બધાં શું થયું એ માટે એની સામે હાજર થઈ ગયાં. અક્ષતને હવે શું જવાબ આપવો? નાછુટકે એણે કહ્યું," વરસાદને કારણે બાઈક પંક્ચર થઈ ગયું અને પહોંચવામાં મોડું થઈ ગયું અને એ છોકરી જોબ પર જતી રહી કહીને એણે બાકીની સાચી હકીકત કહી દીધી.

એનાં દાદી તો માથે હાથ દઈને બોલ્યાં,"દીકરા તારું નસીબ જ ખરાબ છે કે શું? એક તો આ નાનકડું આપણું ઘર, બહું વધારે મૂડી નથી અને આ તારાં મમ્મી પપ્પાની નરમ ગરમ તબિયતને કારણે એકમાત્ર ઘરમાં તું કમાનાર હોવાને કારણે હજુ સુધી વીસથી વધારે જગ્યાએ જોયું પણ કોઈને કોઈ રીતે અટકી જાય છે, ખબર નહીં આ છોકરીવાળાઓને શું જોઈતું હશે? લગ્ન તારી જોડે કરવા છે કે આ બધાં જોડે? તું તો એકદમ પરફેક્ટ છે, ભણેલાગણેલો, વ્યવસ્થિત અને હવે તો કમાય પણ છે, પણ હવે લાખોનાં પગાર એમ જ તરત થોડા થતાં હશે? મને તારી ચિંતા થતી હતી કે આમ જ પચ્ચીસ પૂરા થઈ ગયાં એટલે જ ખાસ બહું જાણીતાં જ્યોતિષ પાસે તપાસ કરીને આજનું એ છોકરીને મળવાનું મુહુર્ત કરાવેલું જેથી આ વખતે કંઈ ફરીવાર ના ન પડે. પણ આટલાં પૈસા ખર્ચીને જોવડાવીને શું કરવાનું? પૈસા માથે પડ્યા ને? વળી મેં તો નક્કી થવાનું જ છે એમ વિચારીને આ ત્રણ જોડી કપડાં ય તને લઈને મોકલેલો."

અક્ષત બોલ્યો,"દાદી હવે ચિંતા ન કરો. જે થવાનું હશે એ થશે. નસીબમાં હોય તો જ થાય. આમ પણ કદાચ સમય પર પહોંચીને આવી સમયને કાટે જ ચાલનારી છોકરીને વહુ બનાવીને લાવત તો એ આ ઘરને ઘર નહીં પણ ટાઈમ મશીન બનાવી દેત!" કહીને હસવા લાગ્યો.

"હા પણ એમણે તો કહેલું કે આજે ચોક્કસ તારું નક્કી થઈ જશે છોકરીને મળીશ તો." દાદીમા અસમંજસ વચ્ચે બોલ્યાં.

"અરે એ તો જ્યોતિષો તો કહે બધું સાચું થોડું હોય? એમને પણ ઘર ચલાવવાના હોય ને?" કહીને અક્ષત એ થેલો લઈને રૂમમાં જતો રહ્યો.

**********

બે દિવસ થઈ ગયાં એ વરસાદની વાતને. અક્ષત તો એ વાતને પણ ભૂલી ગયો કે એણે એક છોકરીને મદદ કરેલી. વરસાદ પણ આજે તો બંધ થઈ ગયો છે વાતાવરણમાં થોડું તડકા જેવું છે.

અક્ષત સાજે ઓફિસથી પાછો આવ્યો. જમી પરવારીને એ બેઠો છે ત્યાં જ એનાં નંબર પર એક અજાણ્યા નંબર પરથી એક ફોન આવ્યો. એણે સહજતાથી ફોન ઉપાડ્યો તો સામેથી એક છોકરીનો અવાજ સંભળાયો,"હેલ્લો અક્ષત બોલો છો? હું અદિતિ બોલું છું."

અક્ષત વિચારવા લાગ્યો કે આ કોણ અદિતી હશે? એનાં ઓળખાણમાં તો કોઈ અદિતી નામની છોકરી જ નથી. એને થયું કદાચ મેરેજ બ્યૂરો અને મેટ્રીમોનીમા પણ હમણાં એનો બાયોડેટા આપ્યો છે તો કદાચ ત્યાંથી હશે એમ વિચારીને એણે કહ્યું,"હા અક્ષત જ બોલું છું પણ આપ કોણ? મેં તમને ઓળખ્યાં નહીં."

"અરે સોરી,હું પણ ભૂલી જ ગઈ કે મેં તમને મારું નામ તો કહ્યું જ નહોતું તો તમને ક્યાંથી ખબર હોય? આપણે બે દિવસ પહેલાં વરસાદમાં મળેલાં અને તમે મને મદદ કરેલી બસ એ જ અજનબી છોકરી અદિતી." સામેથી અવાજ આવ્યો.

કોણ જાણે કેમ અજાણતાં જ અક્ષતના ચહેરા પર સ્મિત આવી ગયું. એ હોલમાંથી ઉઠીને એક મિનિટ ફોન ચાલુ રાખવાનું કહીને ધાબા પર ગયો.

અક્ષત કંઈ બોલે એ પહેલાં જ અદિતી બોલી,"થેન્કયુ સો મચ ફોર યોર હેલ્પ. મને એ કંપનીમાં મારી એક્સપેક્ટેશન મુજબ સારી પોસ્ટ અને પેકેજ સાથે જોબ મળી ગઈ. સોરી ફોન કરવામાં લેટ થયું કારણ કે મને કાલે ફરીવાર અમૂક પ્રોસેસ માટે બોલાવેલી અને કાલે જ મારું ફાઈનલી સિલેક્શન કર્યું."

"હમમમ. કોન્ગ્રેચ્યુલેશન. મને તો કંઈ એવું હતું જ નહીં જ કે તમે મને ફોન કરશો." અક્ષત બોલ્યો.

"કેમ ન કરું? તમને કદાચ અંદાજો પણ નહીં હોય કે આ જોબ મારાં માટે કેટલી મહત્વની હતી જો મને ન મળી હોત તો ખબર નહીં હું શું કરત?" અદિતી બોલી.

"કેમ? તમારી પાસે તો ગાડી છે, તમને તો કોઈ પૈસાની જરૂર હોય એવું ન લાગ્યું મને?" અક્ષત બોલ્યો.

"એ છે પણ જેવું બહારથી દેખાય એવું બધું ન હોય પણ એક વાત કહું તમે ક્યાં રહો છો? આઈ મીન એરિયા? આપણે મળી શકીએ?" અદિતીએ ધીમેથી કહ્યું.

"હા પણ અત્યારે મળવાનું? કેમ કોઈ પ્રોબ્લેમ છે?"અક્ષત બોલ્યો.

"ના ના બસ એમ જ મળવું હતું. કોઈ અરજન્સી નથી અને કોઈ ફોર્સ પણ નથી, જો તમને ઠીક લાગે તો જ." અદિતી બોલી.

"ઓકે તો કાલે મળીએ તો ચાલે? મારે હાફ ડે છે તો ચાર વાગ્યે ફ્રી થઈ જાઉં પણ તમને ફાવશે?" અક્ષતે કહ્યું.

"હા શ્યોર. ક્યાં મળવાનું ફાવશે?" અદિતી બોલી.

"તમે કહો મને કોઈ પ્રોબ્લેમ નથી. મેસેજ કરી દેજો હું આવી જઈશ." ને ફોન મૂકાઈ ગયો. કાલે અદિતીને મળવાનું વિચારતો વિચારતો અક્ષત સૂઈ ગયો.


************

જોબ પરથી છુટતા જ અક્ષત ફટાફટ અદિતીએ કહ્યાં મુજબ એક કાફેમાં પહોંચી ગયો. એ ગયો એ પહેલાં તો અદિતી ત્યાં આવીને બેસી ગઈ હતી. આજે એણે અદિતીને જોઈ તો એકદમ અલગ લુકમાં અને એકદમ વધારે બ્યુટીફૂલ લાગી રહી છે. અક્ષત તો બે મિનિટ એને જોઈ જ રહ્યો પછી અદિતીની પાસે આવીને ઉભો રહ્યો પણ કદાચ અદિતીની ધ્યાન તો બીજે દરવાજો મંડાયેલુ છે.

અક્ષત બોલ્યો,"હાય અદિતી"

અક્ષતને જોતાં જ અદિતી એની સામે જ જોઈ રહી અને બોલી,"સોરી તમે અક્ષત જ છો ને?"

"હા કેમ શું થયું? કેમ બીજાં કોઈની રાહ જોતાં હતાં કે શું?" અક્ષત નવાઈથી બોલ્યો.

"ના તમારી જ પણ એ દિવસે મેં તમને હેલ્મેટ અને વરસાદમાં રેઈનકોટ એ બધું પહેરીને જોયેલા અને આજે તમે જીન્સ ટીશર્ટમા જોયાં તો ઓળખવામાં અલગ લાગ્યાં." અદિતી ધીમેથી બોલી.

"હમમમ. તો આ સારો લાગ્યો કે એ?" અક્ષત હસીને બોલ્યો.

"અફકોર્સ માણસ નોર્મલ લુકમાં જ સારો લાગે ને? બાકી સાચું કહું તો એ દિવસે તો મને કંઈ એવું ખાસ ધ્યાન જ નહોતું બહું જ ટેન્શનમાં હતી પણ તમે બેસોને,ઉભા કેમ છો?" અદિતી બોલી.

"મને એમ કે હવે તમને બેસવાની હા પાડશો કે નહીં એટલે ઉભો રહ્યો આજકાલ તો છોકરીઓનો જમાનો છે એટલે કંઈ પણ કરતાં પહેલાં વિચારવું પડે." અક્ષત હસીને બોલ્યો.

"અરે બેસો. પહેલાં કંઈ ઓર્ડર કરીએ અને પછી વાત કરીએ." કહીને બંનેએ ઓર્ડર કર્યો પછી અક્ષત બોલ્યો,"એક વાત પૂછું? તમે કાલે એમ કેમ કહેલું કે જેવું દેખાય એવું બધું હોતું નથી?"

"હા, આમ તો હું આ મારી પર્સનલ જિંદગીની વસ્તુ છે કોઈને કહી ન શકું પણ કોઈ જ ઓળખાણ તો શું મારું નામ કે નંબર પણ પૂછ્યા વિના નિ:સ્વાર્થ રીતે મદદ કરી એ પરથી તમે મને એક સારાં માણસ લાગ્યાં મને તમારી સાથે મનની વ્યથા વહેંચવાનું મન થયું.

તમારી વાત એકદમ સાચી છે હું એક અમીર પરિવારની દીકરી છું, કમ્પ્યુટર એન્જિનિયરિંગનુ ભણી છું બે વર્ષ પહેલાં ભણવાનું પૂરું કર્યુ. શરૂઆતમાં છ મહિના જોબ કરી પણ પછી ઘરેથી જોબ માટે ના કહી દીધી અને ઘરે જ રહેવાનું કહ્યું.

પૈસાથી અમીર છે પણ વિચારોથી નહીં. ઘરની મોટી બે ફેક્ટરીઓ છે, પણ એ લોકો બસ એવું જ વિચારે છે કે ઘરની વહુ દીકરીઓને બહાર જોબ કરવા ન મોકલવાની. આટલાં રૂપિયા છે તો નોકરીની શું જરૂર છે. એ લોકો નોકરી એટલે પૈસા અને જરૂરિયાતો સંતોષવા માટે જ કરતાં હોય એવું માને છે પણ હું મારાં માટે કંઈ કરવા ઈચ્છું છું, મારે કોઈનાં પર ડિપેન્ડન્ટ નથી બનવું, મારે મારી પોતાની માટે જોબ કરવી છે પણ એ લોકો માનવા તૈયાર જ નથી. મમ્મી પપ્પાની સાથે મારાં બે ભાઈઓ પણ એવું જ વિચારે છે, મારી બે ગ્રેજ્યુએટ થયેલી ભાભીઓ આજે ઘરમાં જ છે, પણ હું એવી રીતે જીવવા નથી ઈચ્છતી એટલે મેં એ લોકોની વિરૂદ્ધમાં જઈને ઈન્ટર્વ્યુ આપવા નીકળી હતી પણ વચ્ચે જ ગાડી બંધ થઈ ગઈ.

ઘરે જો હેલ્પફુલ હોત કે કોઈની પાસે મદદની આશા હોત તો ઘરે જ ફોન કરી દેત ને? પણ હું તો એમને આ વાત કરત તો ખુશ થાત એટલે જ મેં જાતે જ મારી રીતે પહોચવાનું વિચાર્યુ. મને આજે કહેતાં શરમ આવે છે કે એ લોકોએ જ હું સમયસર ન પહોચી શકું એ માટે એમણે જ ગાડીમાં કંઈ ગડમથલ કરી દીધી હતી એ મને કાલે જ અજાણતાં જ ખબર પડી. મને બહું જ દુઃખ થયું કે એક અજાણ્યા માણસે કોઈ જ ઓળખાણ કે વિના આવી વરસાદનો સ્થિતિમાં મદદ કરી કે જેના કારણે મને આ જોબ મળી શકી જ્યારે મારાં પોતીકાઓ જે હું ઈન્ટર્વ્યૂ માટે પહોંચી ન શકું અને જોબ ન મળે એ માટે ષડયંત્ર રચી રહ્યાં હતાં." કહેતાં અદિતી રડમસ બની ગઈ.

"અરે આવું ન વિચારો. બહું મગજ પર ન લો. પાંચેય આંગળીઓ સરખી ન હોય એમ બધાં સરખા ન હોય. હવે તો તમને જોબ મળી ગઈ એટલે ખુશ ને?" અક્ષત બોલ્યો.

"જોઈએ હવે એ ખુશી કેટલી ટકે છે કારણ કે એ લોકો એક વર્ષથી મારાં માટે દર થોડાં દિવસે નવા નવા છોકરાઓ લાવીને બેસાડે છે, એ બધાં કા તો રૂપિયાવાળા ઘરનાં નબીરા હોય અથવા તો ભણેલા ગણેલા અભણ હોય છે, અને હવે તો એ કામ બહું ઝડપથી થશે જેથી મારી જોબ ઝડપથી બંધ થઈ શકે." અદિતી દુઃખી સ્વરે બોલી.

અક્ષતને દુઃખ સાથે હસવું આવી ગયું એ બોલ્યો,"ભણેલા ગણેલા અભણ એટલે?"

"તમને હસું આવે છે? મારી હાલત સોનાના પિંજરામાં પૂરાયેલા ચિડીયા જેવી છે. ભણેલાગણેલા અભણ એટલે ડીગ્રીઓવાળા હોય પણ વિચારસરણી અભણ લોકો કરતાંય નિમ્ન હોય એવાં, પોતાની પત્ની એમનું રમકડું કે કઠપૂતળી બનીને આવે, એ રૂપાળી પત્ની ફક્ત ઘરની ચાર દિવાલોમાં જ કેદ રહે, એમની ડીગ્રી બસ કોઈને કહેવા માટે જ હોય એનો ઉપયોગ કરવા માટે નહીં અને હું કોઈ એવાં સોનાનાં મહેલમાં જઈને કોઈનાં હાથની કઠપુતળી બનવા ઈચ્છતી નથી." અદિતી બહું મક્કમતાથી બોલી.

"તો તમે શું કરશો?" અક્ષત ધીમેથી બોલ્યો.

"એ તો ભગવાનને ખબર પણ એક વાત પૂછવી હતી કે તમે એ દિવસે મળેલાં ત્યારે તમે ક્યાંક જતાં હતાં અને તમારી પાસે લેડીઝના કપડાં પણ હતાં મતલબ તમારી વાઈફ માટે લઈ જતાં હતાં કે શું? એ તમારી સાથે ઝઘડ્યા નહીં કે એક કુર્તી ઓછી હતી તો?" અદિતી બોલી.

"અરે તમને હું એટલો મોટો લાગું છું? કે મારી પત્ની હોય? ખરેખર મારી ઉમર થઈ ગઈ લાગે છે?" અક્ષત નવાઈથી બોલ્યો.

"અરે મને ખબર નથી. હું તો કપડાં જોઈને બોલી મને ખબર નથી એટલે તો પૂછું છું? એમ ચહેરો જોઈને તો કંઈ ખબર ન પડે અને તમારે થોડું અમારી જેમ કોઈ લગ્નનું લાયસન્સ જેવું કંઈ હોય?" અદિતી હસીને બોલી.

"હું તો છોકરી જોવા જતો હતો એનાં માટે એ કપડાં હતાં ઘરેથી આપ્યાં હતાં કે ગમે એટલે આપી જ દેજે. મેં એનો ફોટો જોયેલો તો એ હાઈટબોડીમા થોડી તમારાં જેવી જ લાગેલી તો મને થયું કે કદાચ તમને આવી જાય તો કામ થઈ જાય. આમ પણ એને ક્યાં ખબર હતી કે હું આવું કંઈ લઈને જવાનો છું?" કહીને અક્ષતે પોતાની બધી વાતો કરી અને એ દિવસની પણ બધી જ વાત કરી.

અદિતી તો શોક થઈને એની સામે જોઈ જ રહી અને બોલી," તમે એક અજાણી છોકરી માટે પોતાની જિંદગી બનતાં અટકાવી દીધી? આવું કોણ કરી શકે? હવે તમે શું કરશો?"

"અરે શું કરશો મતલબ? મારું જીવન થોડું પૂરું થઈ ગયું છે? અને એ તો નસીબમાં હશે ત્યારે મળશે પણ બસ મારાં કારણે કોઈને ખુશી મળી એ વાતથી જ ખુશ છું. કદાચ નસીબમાં બીજું કોઈ હશે." અક્ષત એકદમ સહજતાથી બોલ્યો.

"પણ એ મને આપેલો રેઈનકોટ ક્યાંથી આવેલો?" અદિતી નવાઈથી બોલી.

"એ તો બસ તમે ચેન્જ કરવા ગયાં ત્યાં સુધીમાં સામે દુકાન પર નજર પડી હતી કે રેઈનકોટ મળે છે બાઈક પાર્ક કરતાં એટલે લઈ આવેલો. ઉતાવળમાં મટિરિયલ કે કલર એવું કંઈ જોયું નહોતું. મારો પણ આપી દેત પણ ઓલરેડી ભીનો થઈ ગયો અને કદાચ તમને ના પણ ગમે કોઈનો પહેરેલો એમ પહેરવાનો એટલે નવો જ લઈ આવ્યો." અક્ષત બોલ્યો.

"હમમમ. તમારો કયાં શબ્દોમાં આભાર માનું એ સમજાતું નથી મને તો પણ હું એ કુર્તી અને રેઈનકોટ બધું લઈને આવી છું કહીને એણે થેલી આપી એટલે અક્ષત બોલ્યો,"તમને જો પસંદ હોય અને વાંધો ન હોય તો તમે જ લઈ લો. મને ગમશે."

"પણ હું કેવી રીતે લઈ શકું? એ તો તમે કોઈ બીજાં માટે લાવ્યાં છો ને? તમારી જીવનસાથી માટે? એ તો એ સમયે પરિસ્થિતિ એવી હતી એટલે હું બહુ પૂછી પણ ન શકી અને પહેરવા પડ્યાં." અદિતી બોલી.

"કેમ ન લેવાય? એક દોસ્ત હોવાને નાતે. જો તમને કદાચ સસ્તો લાગ્યો હોય અને ન ગમ્યો હોય તો વાંધો નહીં હું તમને ફોર્સ નહીં કરું."અક્ષત બોલ્યો.

"અરે બહું સરસ છે અને એક વાત કહું? મારાં માતાપિતા અમીર છે હું નહીં અને મને પૈસાનો કોઈ એવો મોહ જ નથી હવે, આ પૈસા હવે બંધન લાગે છે મારાં ઘરમાં. ઠીક છે હું રાખી લઉં છું બસ, હવે ખુશ?" અદિતી બોલી.

"હમમમ. ગુડ ગર્લ ચાલો હવે ખાઈ લઈએ. બહું ભુખ લાગી છે પણ એકવાત પૂછું? તમને આમ બહાર નીકળવા નથી દેતા તો બહાર કેવી રીતે આવ્યાં મને મળવા?" અક્ષત બોલ્યો.

"બસ કંપનીમાં ફાઈનલ ઓફર લેટર લેવા માટે કહીને આવી છું જે ગઈ કાલે જ આવી ગયો છે પણ કોઈને આવ્યો કે નહીં એ જોવાની કોઈ પડી જ નથી. ખોટું બોલવું મને પણ નથી ગમતું પણ શું કરું માણસો આવાં હોય એટલે હળવું કરવા આવું બહાનું બનાવવું પડે." અદિતી મનમાં ગુનાની લાગણી અનુભવતી હોય એમ બોલી.

"ચાલો હવે મન હળવું થઈ ગયું ને? કંઈ પણ એવું મનમાં લાગે તો મને મેસેજ કરી દેજો બસ? દોસ્તી કરી છે નિભાવવી તો પડશે જ ને? પણ ચાલો હવે ઘરે જાઓ ફટાફટ. પરિવારજનોના વિચારો અલગ હોય પણ એમની ચિંતા કે લાગણી ક્યારેય ઓછી ન હોય." કહીને અક્ષતે અદિતીને પ્રેમથી ઘરે જવા માટે કહેતા અદિતી અને અક્ષત બંને થોડીવારમાં પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગયાં.

અદિતી અને અક્ષત વચ્ચે હવે કોઈ સંબંધ રચાશે? કે દોસ્તી વર આવીને અટકી જશે? નસીબના અટવાયેલા અક્ષતના જીવનમાં હવે બીજી કોઈ સારી છોકરી આવશે ખરાં? અદિતી પોતાની લાઈફમાં હવે શું કરશે? જાણવા માટે વાંચો પ્રકરણ - ૩