સ્નેહ નીતરતી સાંજ - 2 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહ નીતરતી સાંજ - 2

માધવ: ઓકે બાબા,તારે પોલીસ સ્ટેશને ન જવું હોય તો મને વાંધો નથી પણ અત્યારે તો તું મારી સાથે મારા ઘરે જ ચાલ અહીંયા રસ્તામાં તને એમ થોડી ઉતારી દેવાય!

માધવના પપ્પાની તબિયત બગડતાં તે મૃત્યુ પામ્યા હતાં માધવને તેનાથી મોટી એક બહેન પણ હતી જેના લગ્ન થઈ ગયા હતા અને તે પોતાના પતિ સાથે ઓસ્ટ્રેલિયામાં સેટલ હતી.

માધવ પોતાની મમ્મી સાથે અહીં અમદાવાદમાં આદિત્ય ગ્રીન્સ બંગલોમાં એકલો જ રહેતો હતો. માધવની બહેન નિધિ પ્રેગ્નન્ટ હતી એટલે મમ્મી અત્યારે ઓસ્ટ્રેલિયા ગયા હતા એટલે અત્યારે તો આ વિશાળ બંગલોમાં બંદા એકલા જ રહેતા હતા.

મમ્મી માધવને વારંવાર ટોક્યા કરતી હતી કે કોઈ સારી છોકરી શોધીને લગ્ન કરી લે પણ માધવને તેની મનગમતી રાધા મળતી જ ન હતી અથવા તેને શોધવી જ ન હતી અને તે મમ્મીને હંમેશા કહ્યા કરતો હતો કે, "ક્યારે તારી વહુને ઘરમાં લાવીને બેસાડી દઈશ કોઈને ખબર પણ નહીં પડે !"

અને મમ્મી સુલોચના બેન હસીને કહેતા કે, "પણ લાવીને બેસાડી દે ને તને ક્યાં કોઈએ રોક્યો છે?"
અને માધવ પણ હસી પડતો અને કહેતો કે, "હજી વાર છે મમ્મા. લાઈફ જરા એન્જોય કરી લેવા દે."

સુલોચના બેન: હે ભગવાન આનો જલ્દી મેળ ‌પાડી દે તો હું શાંતિથી ઓસ્ટ્રેલિયા નિધિના ઘરે રહેવા માટે જઈ શકું અને થયું પણ એવું જ માધવનો તો મેળ ન પડ્યો પરંતુ સુલોચના બેનને ઓસ્ટ્રેલિયા જવું પડ્યું.

માધવ પંજરી વિશે વિચારી રહ્યો હતો કે, "આ છોકરી સાચું તો બોલતી હશેને અને કોઈ ફ્રોડ તો નહીં હોય ને?" આમ વિચારોની વણઝાર માધવના મનમાં ચાલી રહી હતી અને એટલામાં તેનો આદિત્ય બંગલો આવી ગયો એટલે તેણે હોર્ન વગાડ્યું અને રામુકાકાએ ઝાંપો ખોલ્યો.

ગાડી પાર્ક કરીને બંને અંદર ઘરમાં પ્રવેશ્યા એટલે માધવ પંજરીને કહેવા લાગ્યો કે,"આવો મેડમ, પધારો"

પંજરી માધવનું ઘર ધ્યાનથી જોઈ રહી હતી અને તેની નજર કોઈ બીજી વ્યક્તિને શોધી રહી હતી.તેના નજરનો ભાવ પારખી ગયેલો માધવ તરત જ બોલ્યો કે,"અહીંયા આ બંગલામાં આપણાં બે સિવાય ત્રીજું કોઈ નથી.‌હા રામુ કાકા છે પણ એ પાછળ ઓરડીમાં સૂઈ જાય છે. તને ડર તો નહીં લાગે ને"

અને પંજરી પણ વિચારી રહી હતી કે,"મારે આજે તો અહીં રોકાયા વગર છૂટકો જ નથી. આવતીકાલની વાત આવતીકાલે" અને એક ઉંડો નિસાસો નાખીને સોફા ઉપર બેસી ગઈ.

માધવ: મેડમ, તમારે કપડા બદલવા હોય તો મારા આપું તમને અને પછી રામુકાકાએ ગરમાગરમ રસોઈ બનાવીને રાખી છે તો આપણે જમી લઈએ."

પંજરી માધવની ટી-શર્ટ અને ટ્રેકમાં અતિસુંદર લાગી રહી હતી.

રામુકાકા પંજરીને જોઈને વિચારમાં પડે છે કારણ કે, લગભગ બે દાયકાથી તે આ ઘરમાં કામ કરે છે કદી આ રીતે કોઈ તેમનાથી અપરિચિત વ્યક્તિ આ ઘરમાં પ્રવેશી ન હતી.

માધવ રામુકાકાને પંજરીની ઓળખાણ આપે છે કે, "રામુકાકા આ મારી ફ્રેન્ડ છે અને તે વરસાદમાં ફસાઈ ગઈ હતી એટલે તેમને હું અહીં આપણાં ઘરે લઈ આવ્યો છું. (પંજરી ફ્રેન્ડ શબ્દ સાંભળતા જ એકિટસે માધવની સામે જોઈ રહી હતી.) અને આજની રાત તે અહીં આપણી સાથે જ રહેવાના છે એટલે ગેસ્ટ રૂમમાં તેમની વ્યવસ્થા કરી દેજો અને ફટાફટ ગરમ કરીને જમવાનું પીરસો મને બહુ ભૂખ લાગી છે."

રામુકાકા ફટાફટ જમવાનું પીરસે છે. એટલે માધવ અને પંજરી બંને હાથ મોં ધોઈને જમવા બેસે છે.

જમવાનું પીરસાયું એટલે પંજરી ઉંચુ જોયા વગર ફટાફટ જમવા લાગી જાણે ઘણાં દિવસોથી તે બરાબર જમી જ ન હતી અને પછી ઓડકાર ખાઈને બિંદાસ ઉભી થઈ.

રામુકાકા પંજરીને તેનો રૂમ બતાવે અને પંજરી તેના રૂમમાં જાય તે પહેલાં તો તે ડ્રોઈંગ રૂમમાં જ સોફા ઉપર બેઠી અને સખત થાકી ગયેલી તેણે ત્યાં ને ત્યાં જ લાંબી તાણી અને બે મિનિટમાં તો નસકોરા બોલાવવા લાગી.

રામુકાકા પંજરીને ઉઠાડવા જતા હતા પણ માધવે જ ના પાડી અને તેને ત્યાં જ રહેવા દેવા માટે સમજાવ્યું.

પંજરીની આ હાલત જોઈને માધવ તેની તેના ઘરમાં શું પરિસ્થિતિ હશે તે સમજી ગયો હતો.

માધવને આમ ચૂપચાપ સૂઈ રહેલી પંજરી એકદમ માસૂમ અને ભોળી લાગી રહી હતી અને તેને તેની દયા પણ આવતી હતી.

પંજરી વિશે વિચારતાં વિચારતાં માધવને ક્યારે ઉંઘ આવી ગઈ અને ક્યારે તેની આંખ મીંચાઈ ગઈ તેની તેને પણ ખબર ન પડી અને સીધી સવારે તેની આંખ ખુલી કે તરત જ તે ડ્રોઈંગ રૂમમાં દોડીને પંજરીને જોવા આવ્યો પણ પંજરી તો ત્યાં ન હતી !

તે ખૂબજ એક્સાઈટેડ થઈને "રામુકાકા, રામુકાકા" બૂમો પાડતાં પાડતાં આખા બંગલામાં પંજરીને શોધવા માટે ફરી વળ્યો પણ પંજરી તો ક્યાંય ન હતી.

રામુકાકા માધવની બૂમો સાંભળીને રસોડામાંથી નાસ્તો બનાવતાં બનાવતાં બહાર આવ્યા અને માધવને પૂછવા લાગ્યા કે, "શું થયું બાબા સાહેબ, કેમ બૂમો પાડી રહ્યા છો?"

માધવ: પેલી છોકરી અહીંયા સૂઈ રહી હતી તે ક્યાં ગઈ?

રામુકાકા: જી, બાબા સાહેબ એ મેડમ તો ન્હાવા માટે ગયા છે અને મને કહીને ગયા છે.

અને અકળાઈ ગયેલા માધવનો શ્વાસ નીચે બેઠો અને તે પણ સોફા ઉપર બેસી ગયો. તેને બેઠેલો જોઈને રામુકાકા તરત જ બોલ્યા કે, "બાબા સાહેબ તમે પણ નાહી ધોઈને તૈયાર થઈ જાવ પછી હું તમારા અને મેડમ માટે ગરમાગરમ પૌંઆ અને દૂધ લાવું"

માધવ ઉભો થઈને ન્હાવા માટે પોતાના રૂમમાં તો ગયો પણ તેનું મન વિચારોમાં ખોવાયેલું હતું કે," આ છોકરીમાં એવું તે શું છે કે મને તેની ચિંતા થઈ અને તેને ન જોવાથી હું આમ નાસીપાસ થઈ ગયો આ પહેલા તો મને કદી કોઈ છોકરી માટે આવી લાગણી કે આટલું આકર્ષણ થયું નથી‌. " અને વિચારતાં વિચારતાં માધવ સાવર બાથ લઈ ઠંડો થઈ રહ્યો હતો.

પંજરી તો નાહી ધોઈને તૈયાર થઈને ભગવાનના રૂમમાં દીવો અગરબત્તી કરવા લાગી અને ધીમા મધુર સ્વરે ભજન ગાવા લાગી.

જેમ સુંદર સવાર ખીલી હતી અને આહલાદક લાગી રહી હતી તેમ પંજરી પણ આજે નિશ્ચિત મને ભગવાનની પૂજા કરતી મનમોહક અને કંઈક અલગ જ નાજુક નમણાં ગુલાબના ફૂલ સમી લાગી રહી હતી.
લાંબા કાળા વાળ, ગુલાબી ગાલ સપ્રમાણ શરીર અને ચહેરા ઉપર એક ગજબની લાલી. માધવના લાઈટ પીંક કલરના શર્ટમાં પંજરી ખૂબજ સુંદર લાગી રહી હતી. માધવ તો તેને જોતાં જ રહી ગયો હતો. તેનાં રાતભરના પ્રશ્નોનું વિરામ ચિહ્ન તેને મળી ગયું હતું. પંજરીની પર્સનાલિટી જોઈને માધવ એટલું તો સમજી ગયો હતો કે, "નક્કી આ કોઈ સારા ઘરાનાની સંસ્કારી છોકરી છે.
હવે શું કરું આ છોકરીનું, પોલીસને જાણ કરું કે ન કરું? એકવાર તેને પૂછી લઉં પછી નક્કી કરું." આ વિચાર સાથે તે ડાઇનિંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ કરવા માટે બેઠો અને રામુકાકાએ પંજરીને પણ બ્રેકફાસ્ટ કરવા માટે બોલાવી અને ગરમાગરમ પૌંઆ અને દૂધ પીરસ્યું.

માધવ પંજરીની સામે જોઈ રહ્યો હતો અને બ્રેકફાસ્ટ કરતાં કરતાં ધીમેથી તેણે પંજરીને પૂછ્યું કે," પંજરી આપણે પોલીસમાં કમ્પલેઈન નોંધાવી દેવી છે કે, કાલુભા આ રીતે તને હેરાન કરે છે, એક રૂમમાં પૂરી રાખે છે અને તેમનો ઈરાદો ખરાબ છે."

પંજરી માધવના પ્રશ્નનો શું જવાબ આપે છે અને માધવ શું નિર્ણય લે છે. જાણવા માટે વાંચતા રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
26/9/2021