હર્ષ- હર્ષિતા ની તન્વી - 1 સંદિપ જોષી સહજ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હર્ષ- હર્ષિતા ની તન્વી - 1

ભાગ -1

રોજની જેમ ઓફિસમાં હર્ષ અને તેના મિત્રો સાથે જમવા બેઠા એટલે તરત જ વારાફરતી બધા હર્ષનું ટીફીન લઈ થોડું થોડું ખાવા લાગ્યા. હર્ષનું ટીફીન એના ગ્રુપમાં બધાને બહું ગમતું રોજનો ક્રમ ખાતા જવાનું અને ટીફીનમાં આવેલી વાનગીઓ વખાણતાં જવાનું કેમ કે હર્ષિતા એટલે કે હર્ષની પ્રેમાળ પત્ની એકદમ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી હર્ષ માટે.

રોજ બધા થોડું થોડું ચાખે એટલે હર્ષ ના ભાગે તો પા ભાગનું જ ટીફીન બચતુ, પણ આજે કઈંક અલગ જ થયું. ટિફિન હર્ષ સુધી પાછું આવ્યું ત્યાં સુધીમાં પા ભાગ પણ ખાલી નહતું થયું એને એમ કે આજે બધાને ભૂખ નહિ હોય પણ પહેલો કોળિયો મોં માં મુકતા જ હર્ષ સમજી ગયો આજે બધી જ વાનગી અતિશય ખારી હતી. રોજ પ્રમાણે તો ખાઈ પણ ન શકાય પણ હર્ષિતા એ મહેનત અને પ્રેમ થી બનાવ્યું છે એટલે હર્ષે ટીફીન પૂરું કર્યું.

સાંજે ઘરે આવતી વખતે હર્ષ હર્ષિતાના વિચારોમાં ખોવાયેલો હતો. કોઈપણ બીજું હોય તો એને ન ગમે અથવા ગુસ્સે થઈ જાય આવું ખારું જમવાનું ખાવું ઓડે તો, પણ હર્ષ અલગ હતો. તે એ વિચારોમાં ખોવાયેલો હતો કે કોઈ દિવસ નહીં ને આજે આવું કેમ થયું. હર્ષિએ ભૂલથી આટલું બધું ખારું બનાવી દીધું હશે કે કોઈ વાતનો ગુસ્સો કાઢે છે. આ બેમાંથી કોઈ વાત સાચી હોવાની શકયતા હતી જ નહીં કેમ કે આટલા વર્ષોથી હર્ષે ટિફિન બનાવે છે આવી ભૂલ થાય જ નહીં હર્ષિથી અને ગુસ્સો આવે એવી કોઈ વાત જ થઈ નથી. હવે હર્ષ ચિંતિત હતો કેમ કે એને લાગવા લાગ્યું કે નક્કી હર્ષિ કોઈ ચિંતામાં છે અથવા એની તબિયત ખરાબ છે.

સાંજે ઘરે આવતાં જ હર્ષ રોજની જેમ હર્ષિતાનો હાથ પકડી પાસે બેસાડી વ્હાલ કરી રહ્યો હતો ત્યારે જ સમજી ગયો કે હર્ષિતા કઈંક વાત થી અપસેટ છે.

હર્ષ: શું વાત છે આજે હર્ષિ આજે મૂડમાં નથી, કઈં થયું છે?

હર્ષિતા હર્ષને વળગી પડી અને રોવા માંડી જાણે બિલકુલ પડી ભાંગી હોય તેમ. હર્ષ તેની પીઠ પર વ્હાલથી હાથ ફેરવતો રહ્યો અને બે મિનિટ એને હળવી થવા દીધી પછી ધીરેથી એની આંખો લૂછી પ્રેમપૂર્વક શાંત પાડી અને પાણી આપતા કહ્યું હર્ષિ મનમાં રાખ્યા વગર જે વાત હોય એ કહી દે શું થયું છે? મનમાં રાખીશ તો નાહકની ચિંતા કરે રાખીશ.

હર્ષનાં વ્હાલ અને સમજદારી ના લીધે હવે હર્ષિતા સ્વસ્થ લાગી રહી હતી અને હર્ષને ધીમા અવાજે કહી રહી....

હર્ષ આપણાં પ્રેમમાં શું ઉણપ રહી ગઈ હશે નથી સમજાતું, બાળકના સારા ઉછેર માટે જે કરવું જોઈએ એ બધું આપણે કર્યું અને કરી રહ્યા છીએ તે પણ ખૂબ ઉત્સાહ અને જવાબદારી પૂર્વક. મોબાઈલ ના ફાલતુ વિડિયો અને બકવાસ ફિલ્મોના નકલી રોમાન્સ જોઈને આ છોકરાઓ કેવું કેવું શીખી જાય છે.

હર્ષિતા બોલી રહી હતી અને એની આંખો વહી રહી હતી. હર્ષ આજે સવારે મારે કંઈ કામ હતું એટલે તન્વીનો ફોન લઈ અને ગૂગલ સર્ચ કરી રહી હતી તેમાં સર્ચ હિસ્ટરી પર ધ્યાન ગયું તો બહુ બધા સર્ચ પ્રેમની શાયરીઓ અને લવ સ્ટીકર્સ હતા. એની ચેટ જોઈતો એજ રોમેન્ટિક શાયરીઓ અને કવિતાઓ. અમુક ફોટા પણ હતા કોઈ છોકરાના જે એવો કંઈ ખાસ દેખાવે પણ નહતો સારો. સાવ મવાલી જેવી હિન્દી ભાષામાં લખેલી ચેટ હતી. હું તો એકદમ ડઘાઈ ગઈ. તન્વીને પૂછયું તો પહેલા તો કંઈ ન કીધું પણ પછી ભારપૂર્વક પૂછ્યું એણે વાત કરી કે એ થોડા સમયથી કોઈ છોકરાના પ્રેમમાં છે આ એ એ છોકરાને પણ તન્વી ગમે છે. તન્વી એ કહ્યું કે એ બને એટલી જલ્દી લગ્ન કરવા માંગે છે એ છોકરા સાથે. મેં બહુ ધ્યાનથી તો નહતો જોયો પણ દેખાવ પરથી ત્રીસ વર્ષ ઉપર એની ઉંમર હોય એમ લાગ્યું.

હર્ષ હજી ઓગણીસ વર્ષ માંડ પુરા છે ત્યાં ભણવાની નહીં લગ્નની વાતો કરે છે શું મગજમાં ઘુસી ગયુ છે એના એની મને કંઈ ખબર નથી લડી રહી, હર્ષ કંઈ સમજાતું નથી.

હર્ષ: તે કંઈ કહ્યું તન્વી ને પછી?

હર્ષિતા: હા, બહુ બધું એક કલાક ભાષણ આપ્યું ને સમજાવી પણ એની પર કોઈ અસર જ નથી. એ જાણે આપણને ભૂલી ગઈ છે ને ગાંડા ની જેમ એકજ હઠ પકડી બેઠી છે. જીવન, કારકિર્દી, સગા વ્હાલા બધાને જાણે ભૂલી ગઈ હોય એમ બસ પેલા છોકરાની જ વાતો કરે છે. ખબર નહીં આજકાલના છોકરાઓ શું વિચારે છે કંઈજ ખબર નથી પડતી, આપણે કઈંપણ કહીએ એટલે સામો જવાબ આપી દે.

હર્ષ શું કરવું? મને કઈં નથી સમજાઈ રહ્યું મારુ તો શરીર પાણી પાણી થઈ રહ્યું છે સવારથી. તું જ કઇંક કર એને સમજાવ કાં તો પેલા છોકરાના માં-બાપને મળીને એને સમજાવ.

હર્ષ: વાત તો સંગીન છે. આજે તું થાકી ગઈ લાગે છે, મોડું પણ થઈ ગયું છે તો જમી ને સુઈ જઈએ.

હર્ષિતા: સુઈ જઈએ? અહીં મને એક સેકન્ડ રેવાતું નથી ને તું કહે છે જમીને સુઈ જઈએ.

હર્ષ: હા. શાંતિ જમી લઈએ અને પછી સુઈ જઈએ કેમકે અત્યારે કઈંપણ વાત કે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી, કાલે વાત કરીશું. અત્યારે તારે આરામની જરૂર છે, જમવાનું જમી લઈએ ચાલ થોડું થોડું પછી સુઈ જવાનું છે.

હર્ષિતા ને થોડી નવાઈ લાગી પણ એને થયું કદાચ જમતા જમતા હર્ષ તન્વી સાથે કંઈ વાત કરશે પણ હર્ષ જમતા જમતા કંઈજ ન ખાસ ન બોલ્યો ઉલ્ટાનું તન્વીની જોડે રોજની જેમ સામાન્ય વાતો કરી ને પાછો ઓફિસમાંથી કોઈ મફતિયું વાઉચર આયુ છે એ યુઝ કરવા આવતીકાલે બહાર જમવાનો પ્લાન બનાવી લીધો. તન્વીતો બહાર જમવાની શોખીન હતી એટલે એને કઈં વાંધો ન હતો. જમીને બધા ઉભા થયા ને રોજની જેમ થોડીવાર ટીવી અને મોબાઈલ જોઈ ઊંઘ આવવા લાગી એટલે બધા સુવા ગયા.

હર્ષ બેડરૂમમાં આવી ફ્રેશ થઈ બેડમાં આડપડ્યા ભેગો સુઈ ગયો પણ હર્ષિતા વિચારોમાં સરી ગઈ, શું હર્ષ અમારી દીકરી પ્રત્યે આટલો બેદરકાર છે કે પછી જવાબદારી નું કંઈ ભાન જ નથી, કે પછી એ પણ તન્વી ની સાથે પહેલેથી મળી ગયેલો છે કે પછી હર્ષ પણ કોઈ બીજી ના ચક્કરમાં છે? હર્ષ શું વિચારે છે કંઈજ ખબર નથી પડી રહી.

આબાજુ તન્વી પણ વિચારમાં હતી કે આજે તો ડેડ કાંઈ નથી બોલ્યા, પણ મોમ વાત કરી જ દેશે એમને એટલે કાલે પાક્કું મને વઢશે અથવા મારશે. જાણે પોતાને હિંમત આપતી હોય એમ વિચારી રહી કોઈપણ ગમે તેવી વેદના સહન કરવી પડે તો કરી લઈશ પણ મારા પ્રેમને નીચો નહીં પડવા દવ. તન્વી જાણે સ્વાભિમાન ઉપર વાત આવી ગઈ હોય તેમ હાઇપર વિચારતાં વિચારતાં ક્યારે સુઈ ગઈ એનું એને ખ્યાલ ન રહ્યો.

હર્ષિતા ચિંતામાં ને ચિંતામાં કેવુ કેવું વિચારવા લાગી એને પોતાને પણ ભાન ન રહ્યું.

હર્ષનું આવું બેદરકારી ભર્યું વર્તન યોગ્ય તો ન જ હતું, પણ શું કરે? હર્ષિતા પાસે હાલ તો લડવાની શક્તિ ન હતી એટલે સુઈ ગઈ.

મિત્રો તમને શું લાગે છે, હર્ષનું આવું વર્તન યોગ્ય છે?

એક પિતા તરીકે જવાબદાર બનવામાં હર્ષ અસફળ રહેશે કે શું?

આપણે પણ બહુ ન વિચારીને વાર્તા ના બીજા ભાગ ની રાહ જોઈએ.

ક્રમશઃ

પ્રસ્તુતિ: સંદિપ જોષી ( સહજ)

.....................