ભાગ- 3.
બીજાં દિવસે સવારે એણે ધર્મેશને એ નોવેલ વિશે પૂછ્યું તો એને જાણવા મળ્યું કે ધર્મેશની ઓફિસમાં બધાં 'અનામિકા' નામની નવોદિત લેખિકા લખેલી આ નોવેલ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં. એ લોકોની વાત સાંભળી ધર્મેશને પણ એ નોવેલ વાંચવાનું મન થયું ને એટલે પોતે આ નોવેલ વાંચવા માટે લઈ આવ્યો છે. હજી થોડાંક જ પાનાં વાંચ્યા છે ને એને ઘણો રસ પડ્યો છે પૂરી વંચાઈ જશે પછી પોતે રેવાને પણ એ નોવેલ વાંચવા માટે આપશે. એની વાત સાંભળીને રેવાને જરાક હસવું આવી ગયું.
"કેમ મનમાં ને મનમાં હસી રહી છે..?"
"કાંઈ નહિ, બસ એમ જ."
"તને એમ થતું હશે ને આખો દિવસ મોબાઈલ અને લેપટોપ પર બીઝી રહેનારને અચાનક આ વાંચવાનો રસ જાગ્યો."
"હા...હા...હા…"
"અરે બહુ જ સરસ નોવેલ છે. મારાં આખા સ્ટાફમાં એની જ ચર્ચા છે. આ નોવેલની લેખિકા છે 'અનામિકા.' નવી લેખિકા છે પણ બહુ જ સરસ નોવેલ લખી છે. એકવાર હાથમાં પકડ્યા પછી અંત સુધી વાંચવાનું મન થયા જ કરે."
"શું નામ છે, લેખિકાનું?'
"કહ્યું તો ખરું તને 'અનામિકા' , તેં સાંભળ્યું નહિ?!"
"આ નામ તો પહેલીવાર વાર સાંભળ્યું."
"નવી લેખિકા છે ને આ એની પહેલી જ નોવેલ છે. હું એવું પણ બોલ્યો હતો. સાંભળ્યું નહોતું તેં…?!"
"ઓહ…! અચ્છા.. ..અચ્છા.. ..એમ.."
ધર્મેશને સમજમાં નહોતું આવતું કે રેવા કેમ આવી રીતે વર્તી રહી હતી. એ ઓફિસ જવા માટે નીકળી ગયો. એ સાંજે પરત ફર્યો ત્યારે એનાં મમ્મી - પપ્પા શીરડીથી આવી ગયાં હતાં.
એક દિવસ ઘરમાં એમેઝોનથી બે પાર્સલ આવ્યાં. એક રેવાની સાસુજીનાં નામનું અને બીજું સસરાજીનાં નામનું. રેવાએ સાઈન કરી પાર્સલ લઈ લીધાં. ઘરમાં બેમાંથી એકેય નહોતું એટલે ટેબલ પર મૂકી પોતાનું કામ કરવા લાગી ગઈ. કલાક પછી સાસુજી મંડળની મીટિંગમાંથી પરત ફર્યા. ટેબલ પર મૂકેલું પોતાનાં નામનું પાર્સલ જોયું. સોફા પર બેસી એમણે એ પાર્સલ ખોલ્યું ને રેવાને બોલાવી,
"રેવા… "
"હા… , મમ્મીજી…." રેવા કિચનમાંથી બહાર આવી.
"આ પાર્સલ ક્યારે આવ્યું?"
"કલાક પહેલાં."
"તને ખબર છે, મેં એક નોવેલ મંગાવી છે. એની લેખિકા 'અનામિકા' છે. નવોદિત લેખિકા છે. આ એની પહેલી જ નોવેલ છે, પણ ખૂબ જ સારું અને રસપ્રદ લખ્યું છે."
"મમ્મીજી…., તમને કોણે વાત કરી આ નોવેલ વિશે..?"
"અમારાં મંડળમાં બધાં એનાં જ વિશે વાતો કર્યે રાખે, મને થયું કે લાવ હું પણ મંગાવીને વાંચી જોઉં. એટલે મંગાવી. હું વાંચી લઈશ ને એટલે પછી તને પણ વાંચવા આપીશ હોં..."
"સારું...મમ્મીજી. .."
"જમવાનું થાય એટલે મને બોલાવ, હું અંદર મારાં રૂમમાં છું." એમ કહી સાસુજી નોવેલ લઈ અંદર પોતાનાં રૂમમાં જતાં રહ્યાં.
થોડીવાર રહીને સસરાજી ઘરે આવ્યાં. એમણે પણ પોતાનાં નામનું એમેઝોનથી આવેલું પાર્સલ જોયું. પાર્સલ લઈને એ સોફા પર બેઠા. એમણે પાર્સલ ખોલ્યું. પછી એમણે રેવાને બોલાવી,
"રેવા…"
"જી. …, પપ્પાજી.. ?"
"બહાર આવ તો જરા…"
"આવી... પપ્પાજી.."
"તને ખબર છે, મેં એમેઝોનથી એક નોવેલ મંગાવી છે, જેની લેખિકાનું નામ 'અનામિકા' છે. નવી લેખિકા છે. આ એની પહેલી જ નોવેલ છે, પણ બહુ સારું અને રસપ્રદ લખ્યું છે."
"તમને આ નોવેલ વિશે કોણે કહ્યું, પપ્પાજી..?""
"અમારાં મિત્ર લોકોનાં ગ્રુપમાં આ નોવેલ વિશે જ ચર્ચા થયાં કરે એટલે મને થયું કે હું પણ મંગાવીને વાંચી જોઉં, ને એટલે મેં આ નોવેલ વાંચવા માટે મંગાવી છે. હું વાંચી લઈશ પછી તને પણ વાંચવા આપીશ. "
"સારું પપ્પાજી."
"જમવાનું બની જાય એટલે મને બોલાવજે, હું મારાં રૂમમાં બેઠો છું."
"પપ્પાજી, જમવાનું બની ગયું છે."
"તો ટેબલ પર મૂકાઈ જાય એટલે મને બોલાવ." એમ કહી નોવેલ લઈને પોતાનાં રૂમમાં જતાં રહ્યાં.
પહેલી જ નોવેલમાં 'અનામિકા' લોકપ્રિય લેખિકા બની ગઈ હતી. પછી તો એની બીજી, ત્રીજી, ચોથી, પાંચમી નોવેલ બહાર પડી. આ બધી નોવેલ્સ પણ લોકોને વાંચવી ખૂબ જ ગમે એવી હતી. બાકીની બધી જ નોવેલ્સનું પણ એની લખેલી પહેલી નોવેલની જેમ જ જોરદાર વેચાણ થઈ રહ્યું હતું. 'અનામિકા' ને એનાં સુંદર અને રસપ્રદ લખાણ બદલ ઘણાં સાહિત્ય ને બીજાં અનેક એવોર્ડસ પણ મળ્યા. ટૂંક જ સમયમાં લેખન ક્ષેત્રે 'અનામિકા' એ પોતાનું સારું સ્થાન જમાવી દીધું હતું.
એક રવિવારે ધર્મેશ રૂમમાં બેસી લેપટોપ પર પોતાનું કામ કરી રહ્યો હતો. એને એક બહુ જૂની ફાઈલની જરૂર પડી. હવે એ ફાઈલ ક્યાં મૂકી હશે એ રેવાને જ ખબર, એટલે એણે રેવાને બોલાવી,
"રેવા…."
"શું..છે…?"
"મારી બધી જુની ફાઈલ્સ ક્યાં રાખી છે…?"
"કેમ…"
"કેમ..શું..!!, મને જોઈએ છે.."
"બેડની નીચે જે ખાનાં છે એમાં રાખી છે.."
"એ..ભલે.."
ધર્મેશે બેડની નીચેનાં ખાનાં બહાર ખેંચ્યા ને પોતાની ફાઈલ શોધવા લાગ્યો. એને જોઈતી હતી એ ફાઈલ એને મળી ગઈ. ફાઈલ બહાર કાઢી એ ખાનાં અંદર ધકેલી રહ્યો હતો ત્યારે એની નજર એક પત્ર પર ગઈ, જેનાં પર 'અનામિકા' નું નામ લખ્યું હતું, એણે ખાનાં ફરી બહાર ખેંચ્યા. અંદર કંઈક શોધવા લાગ્યો. એણે એક ફોલ્ડર બહાર કાઢ્યું જેમાં ઘણાં બધાં પત્રો મૂકેલાં હતાં અને ઘણાં બધાં સર્ટિફિકેટ્સ પણ મૂકેલાં હતાં. આ વખતે એણે રેવાને નહિ બોલાવી પણ ફોલ્ડર લઈ પોતે રૂમની બહાર આવ્યો. રેવા સોફા પર બેસી સલાડ કટ કરી રહી હતી. ધર્મેશનાં મમ્મી - પપ્પા પણ એની જોડે સોફા પર બેઠાં હતાં.
"આ.બધું શું છે રેવા..??!!"
"શું..?"
"આ પત્રો અને આ સર્ટિફિકેટ્સ.."
ધર્મેશનાં હાથમાં પોતાનું ફોલ્ડર જોઈ રેવા સોફા પરથી ઉભી થઈ ગઈ. ગળામાંથી થૂંક નીચે ઉતારી એ બોલી,
"મારી ઓળખ…"
"શું છે આ બધું ધર્મેશ..?" મમ્મીએ પૂછ્યું.
" 'અનામિકા' ને લખેલાં પત્રો અને એનાં નામનાં
સર્ટિફિકેટ્સ. "
" 'અનામિકા' ને લખેલાં પત્રો અને સર્ટિફિકેટ્સ આપણાં ઘરમાં કેવી રીતે આવ્યાં.?" પપ્પાએ પૂછ્યું.
"કારણ કે હું જ 'અનામિકા' છું પપ્પાજી " રેવાએ જવાબ આપ્યો.
"શું….!!!" મમ્મીજી ચોંકીને બોલ્યા.
"હા…, હું જ લોકપ્રિય લેખિકા ને તમારાં બધાંની માનીતી લેખિકા 'અનામિકા' છું. ને આ પત્રો 'અનામિકા' ને એનાં ચાહકોએ લખેલાં પત્રો છે. આ સર્ટિફિકેટ્સ 'અનામિકા' નાં એટલે કે મને મળેલ પુરસ્કાર છે."
"તું જ લોકપ્રિય લેખિકા 'અનામિકા' છે!!" ધર્મેશ આશ્ચર્યથી બોલ્યો.
"હું નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી. ભણી - ગણી, નોકરી કરીને મારે મારી ઓળખ બનાવવી હતી, મારી પોતાની ઓળખ. મારે માત્ર કોઈની પુત્રી તરીકે, કોઈની પત્ની તરીકે, કોઈની પુત્રવધુ તરીકે કે કોઈની માતા તરીકેની ઓળખ નહોતી જોઈતી પણ તમને કોઈ મારાં પતિ તરીકે, મમ્મીજી - પપ્પાજીને મારાં સાસુ - સસરા તરીકે, રીધમને મારાં પુત્ર તરીકે ને મારાં માતા - પિતા મારાં નામને લીધે ઓળખે એવી ઓળખ જોઈતી હતી, મારી સ્વતંત્ર ઓળખ."
"વાહ..! બેટા..વાહ! ને તેં આજે એ ઓળખ મેળવી લીધી છે. હું મારાં બધાં મિત્રોને ગર્વથી કહીશ કે 'અનામિકા એ મારી પુત્રવધુ રેવા છે. " સસરાજી બોલ્યા.
"હા..હા.., હું પણ મારાં મંડળમાં બધાંને છાતી ફુલાવીને કહીશ કે 'અનામિકા' એ મારી પુત્રવધુ રેવા છે.
"ને હું પણ મારી ઓફિસમાં બધાંને અભિમાનથી કહીશ કે ''અનામિકા' એ મારી પત્ની રેવા છે.
રેવાને એમ હતું કે હકીકત જાણ્યા પછી ધર્મેશ એની પર ગુસ્સો કરશે, સાસુ - સસરા ગમે તેમ બોલશે પણ પાસો પલટાઈ ગયો હતો. ત્રણેયનાં મોઢેથી પોતાની પ્રશંસા સાંભળી એક બાજુ એની આંખમાં અશ્રુની ભીનાશ હતી અને બીજી બાજુ એનાં મુખ પર ખુશીની રતાશ હતી.
"રેવા..તારી ડાયરીમાં લખેલો હિસાબ મેં વાંચી લીધો છે. તેં કમાયેલા પૈસાનો હું ભાગીદાર છું, હંકે...." ધર્મેશ હસતાં - હસતાં બોલ્યો.
"શું.., તમે..પણ…" રેવા જરા શરમાઈને બોલી.
ને બધાં ખડખડાટ હસવા લાગ્યાં. રીધમને કંઈ સમજ ન પડી હોવા છતાં બધાંને હસતાં જોઈને એ પણ ખડખડાટ હસવા લાગ્યો.
(સમાપ્ત)