Missing relationship ... books and stories free download online pdf in Gujarati

છૂટેલો સંબંધ...

છૂટેલો સંબંધ..

શહેરના મધ્યમાં આવેલા એક પ્રખ્યાત બગીચાની લાફીંગ કલબમાં આજે વાતવાતમાં જ એક એવો વિષય નીકળ્યો કે જેણે એક જ ઝાટકે તમને પચાસ વર્ષ પાછળ ધકેલી દીધા નિમેષ.

રોજની જેમ જ તમે આજે પરોઢિયે સાડા પાંચના ટકોરે તમારા ઘરની નજીક આવેલા પરિમલ ગાર્ડનમાં પહોંચી ગયા હતા નિમેષ. નવેમ્બર મહિનાની આહ્લાદક સવાર હતી. પ્રમાણમાં આજે રોજ કરતા થોડી વધુ ઠંડી હતી, તોય.. તન મનમાં આવેલી આળસ ખંખેરીને જોગિંગ સુટની અંદર થર્મલ ચઢાવીને સમયના આગ્રહી એવા તમે બરાબર સાડા પાંચના ટકોરે ગાર્ડનના એ ખૂણામાં તમારી યોગા મેટ પાથરતા હતા જ્યાં રોજ સવારે તમારા જેવા જ શરીરથી વૃદ્ધ પણ મનથી સદા જુવાન એવા સ્ત્રી-પુરુષો ભેગા થઈને 'ફોર એવર યંગ ક્લબ'ના નામે વિવિધ પ્રવૃત્તિ કરતા જે તમને બધાને નિવૃત્તિના સમયમાં પણ એનર્જેટિક રાખતી અથવા કહો કે એક અલગ જીવંતતા બક્ષતી.

પરિમલ ગાર્ડનનો આ ખૂણો તમને હંમેશાથી જ પ્રિય રહ્યો છે નિમેષ અને એટલે જ જ્યારે તમારી જેમ રેગ્યુલર આવતા બીજા તમારા જેવા જ યુવાનો વચ્ચે લાફીંગ ક્લબ શરૂ કરવાનો વિચાર વહેતો થયો ત્યારે થોડી ઉગ્ર દલીલો કરીને પણ તમે ગાર્ડનની મધ્યમાં ક્લબની પ્રવૃત્તિ કરવાના બદલે બધાને આ ખૂણા માટે મનાવી લીધા હતા. અહીં હારબંધ આવેલી બોગનવેલ, એના ગુલાબી ફૂલો અને એના કાંટા, હંમેશાથી તમને તમારા જીવનના કિસ્સા જ લાગ્યા છે અને એટલે જ તમારા જીવનના પાછલા પડાવમાં પણ તમે એને પોતાના જીવનનો હિસ્સો બનાવીને રાખ્યો છે નિમેષ. જોકે આની જાણ એક તમારા ધર્મપત્ની નીલા સિવાય કોઈને નથી અને ક્યારેય થશે પણ નહીં કારણ કે તમારા જીવનના આ રહસ્યને પોતાની ગૃહસ્થીમાં જરાય આડખીલી બનાવ્યા સિવાય એક પ્રસન્ન દામ્પત્ય આપીને બે વર્ષ પહેલા જ નીલા અનંતની યાત્રાએ તમને છોડીને ચાલી ગયા છે ને પોતાની ગૃહસ્થીમાં અતિવ્યસ્ત તમારા બે દીકરાઓને તમારી વાતો જાણવામાં કોઈ જ રસ નથી. હંમેશાથી નવા-જૂના મિત્રો વચ્ચે ઘેરાયેલા રહેતા તમે વર્ષો પહેલા આપેલા વચનથી બંધાયેલા હતા એટલે જ ક્યારેક મનના કે ક્યારેક હોઠના ખૂણામાં આવીને રહી જતી આ યાદને તમે શબ્દોનું રૂપ આપીને ઉચ્ચારી નથી જે બતાવે છે એ વચનનું તમારા માટે કેટલું મહત્વ રહ્યું છે નિમેષ.!

એક પછી એક તમારા 'ફોર એવર યંગ' ગ્રુપના સભ્યો આવતા ગયા અને તમારી રોજિંદી પ્રવૃત્તિ ચાલતી ગઈ. રવિવાર હોવાથી આમ તો આજે ચા-નાસ્તાનો પ્રોગ્રામ હોય જ અને વળી પ્રણવની બર્થ ડે નો પણ ખાસ અવસર હતો એટલે અમદાવાદીઓને અતિ પ્રિય એવા ફાફડા ચટણી સાથે જલેબીની પણ મિજબાની હતી. "ડાયાબિટીસ જાય ભાડમાં.." મનમાં બોલીને બધાએ ફાફડા-જલેબીની જ્યાફત ઉડાવી અને ઘરે જવાની ખાસ ઉતાવળ ના હોવાથી ચર્ચના ચગડોળે ચઢ્યા.

"હું કૉલેજમાં હતો ત્યારે એકી બેઠકે દસ ગુલાબજાંબુ તો ખાઈ જ જતો." ભાસ્કરે ગુલાબજાંબુની ચાસણી ચગળતો હોય એમ કહ્યું.

"ત્યારે થોડો કન્ટ્રોલ રાખ્યો હોતને તો આજે આટલો કન્ટ્રોલ ના રાખવો પડત." દરેક વાતને ગંભીર સ્વરૂપ આપવા માટે જાણીતા દીના પાઠક તરત જ બોલી ઉઠ્યા.

"બસ હવે દીનું.. એ દિવસોની વાત જ અનેરી હોય, ના જીભ પર કન્ટ્રોલ હોય ના દિલ પર.!" દીનાનો હાથ દબાવતા સહેજ રોમેન્ટિક અદામાં એમના ખુશમિજાજી પતિ યોગેશ બોલ્યા.

એમનો કહેવાનો મર્મ સમજી ગયા હોય એમ દીના થોડા શરમાઈ ગયા અને આ ઉંમરે પણ એમના કરચલી વાળા ચહેરા પર ગુલાબી ઝાંય ઉપસી આવી. આ જોઈને ગ્રુપના સૌથી હસમુખા એવા મીનળ પટેલ બોલ્યા, "આજે તો આ લવ બર્ડ્સની લવ સ્ટોરી સાંભળવી જ પડશે. તમારા બેમાંથી કોણ કહેશે એ તમે જાતે જ નક્કી કરી લો." અને ત્યાં બેઠેલા સૌએ તાળી પાડીને વાતને વધાવી લીધી.

પછી તો યોગેશે એમની પહેલી મુલાકાતથી માંડીને એમના લગ્નજીવનમાં આવેલી રુકાવટો વિશે રોચક વાત કરીને એક માહોલ બનાવી દીધો અને ડાયાબિટીસ જેવા ગંભીર મુદ્દા પર શરૂ થયેલી ચર્ચા પ્રેમ નામના બોગનવેલ જેવા ગુલાબી વિષય પર આવી ગઈ.

આ સાંભળીને નિમેષ તમારી નજર અનાયાસે જ બોગનવેલના ગુલાબી ફૂલો પર ગઈ અને તમારું મન ટાઈમ ટ્રાવેલ કરીને પહોંચી ગયું એ સમયમાં જ્યારે લતાને તમે આવા જ એક ગાર્ડનમાં બોગનવેલ નીચે બેસીને, નીચે પડેલું એનું ગુલાબી ફૂલ હાથમાં લઈને આપતા કહ્યું હતું કે, "લતા.. આ ભલે ગુલાબનું ફૂલ નથી પણ આનો રંગ એના જેવો જ ગુલાબી છે જે આ ફૂલના સુગંધિત ના હોવા છતાં પણ એટલો જ આકર્ષિત બનાવે છે અને કદાચ આ ક્ષણે મારા માટે એકદમ ખાસ પણ.. કારણ કે મારી સામે ગુલાબથી પણ વધુ ગુલાબી લતાને પ્રેમનો પ્રસ્તાવ આપવા આ ક્ષણે આજ એક માત્ર વિકલ્પ છે અને સારા વિકલ્પની રાહમાં કિંમતી પળો વેડફવી મને ક્યારેય યોગ્ય નથી લાગ્યું એ તું જાણે છે ને.!"

આ સાંભળીને લતાના ગુલાબી ગાલ શરમથી વધુ ગુલાબી થઈ ગયા અને એણે બોગનવેલનું એ ફૂલ હાથમાં લેતાં નજર ઢાળીને જ હા પાડી દીધી. પ્રેમમાં પડેલા બે ભોળા પારેવાને એ વખતે ક્યાં ખબર હતી કે બોગનવેલમાં આવેલા કાંટાની જેમ જ આર્થિક અસમાનતા અને ઊંચ-નીચ જેવા કાંટાઓ બાય ડિફોલ્ટ જ એમની જિંદગીમાં પ્રવેશી જશે.

અને એક સાંજે ફરી એજ જગ્યાએ બોગનવેલની નીચે રડતાં રડતાં લતાએ ઘસ્ફોટ કર્યો કે એના વગદાર પપ્પા ત્રણ દિવસ પહેલા સવારે એ બંનેને ત્યાં ગાર્ડનમાં જોઈ ગયા હતા અને એમણે બધી વાત સાંભળી લીધી હતી. એ ઘરે ગઈ ત્યાં સુધી તો એકદમ સાધારણ કુટુંબના એવા નિમેષ તમારી આખી જનમ કુંડળી એમની પાસે પહોંચી ગઈ હતી અને સાંજ સુધીમાં એમના જેવા જ વગદાર વ્યક્તિના પુત્ર જોડે લતાના ગોળધાણા પણ પતાવી દેવામાં આવ્યા હતા. ત્યારે અત્યારના જમાનાની જેમ એવી કોઈ ફોનની સગવડ પણ ક્યાં હતી કે લતા તમને કોલ કરીને તરત જ આ બધાથી માહિતગાર કરી શકે.!

બે દિવસ લતાને ઘરમાં જ નજર કેદ રાખવામાં આવી અને આજે એની નાની બહેન સાથે મંદિરે દર્શન કરવાના બહાને એ તમને ફરી બોગનવેલ નીચે મળવા આવી ત્યારે બે દિવસ રાહ જોઈને થાકેલી તમારી આંખોમાં જે ખુશીની ચમક આવી નિમેષ એની આવરદા બહુ ટૂંકી નીકળી. એક પ્રતિભાશાળી યુવક હોવા છતાં પણ આર્થિક અસમાનતા અને સમાજની રીત રસમ અપનાવીને તમે એ પળે જ લતાને હંમેશ માટે મુક્ત કરી દીધી હતી નિમેષ, પણ શું તમે મુક્ત થઈ શક્યા હતા.? ભલે લતાને વચન આપી દીધું કે, તમે આ વાત હંમેશ માટે મનમાં દબાવી દેશો પણ વાર તહેવારે લતા તમારા મન પર છવાઈ જ જતી હતી.

નીલાના તમારા જીવનમાં આવ્યા પછી નિમેષ તમને એક સમજદાર જીવનસાથી મળ્યાનો હંમેશા ગર્વ રહ્યો હોય પણ તોય કંઈક છૂટયાનો અફસોસ ક્યારેક ડોકાઈ જતો, જેને નીલા જેવી સમજુ સ્ત્રીની નજરમાં ચૂકાઈ જવું અશક્ય હતું. અને એટલે જ તમે આ વાતનો કોઈની આગળ ઉલ્લેખ નહીં કરો એ વચનનો ભંગ કરવા મજબૂર બન્યા હતા નિમેષ. જોકે નીલાએ આ વાતને લઈને ક્યારેય તમને કોઈ કડવા વેણ નહતા કહ્યા એ એની ખાનદાની જ હતી તો તમે પણ ક્યાં ક્યારેય તમારો પતિ ધર્મ ચૂક્યા હતા નિમેષ.? એક આદર્શ પતિ, આદર્શ પિતા બનીને તમે તમારી જાતને એક આદર્શ વ્યક્તિ સાબિત કરી જ હતી નિમેષ પણ તમારો આ ભ્રમ ત્યારે ભાંગી ગયો જ્યારે મરણપથારીએ પડેલી નીલાએ તમને એક આદર્શ પ્રેમીનું બિરુદ આપ્યું.! જોકે એના એ કથનમાં જરાય ફરિયાદ નહતી ડોકાઈ નિમેષ, પણ તમારા મનમાં નીલાને ક્યાંય અન્યાય કર્યાનો ડંખ તો કાયમ માટે રહી જ ગયો.

તમારા મનની જોડે જોડે બેકગ્રાઉન્ડમાં તમારા ગ્રુપના સભ્યોની બોગનવેલ જેવી ગુલાબી યાદો થોડી ઠઠ્ઠા-મશ્કરી સાથે, તો ક્યાંક કળી ના શકાય એવા થોડા અફસોસ સાથે તમારા કાનને અફળાઈ રહી હતી.

"આ ગુલાબી યાદો પણ કેવી મધુર હોય છે નહીં.! પછી ભલે એને આપણા જીવનમાં સ્થાન મળ્યું હોય કે એ એક છૂટી ગયેલો સંબંધ હોય.! જ્યારે પણ એને યાદ કરીએ ત્યારે મનના એક ખૂણાને એ હંમેશા ઝંઝોળી નાખે.!" કાન્તિ ભટ્ટના પહાડી અવાજે તમારા માનસપટને ચીરીને તમને એક ઝાટકે પાછા વર્તમાનમાં લાવી દીધા.

"જો એ ગુલાબી યાદો તમારા મનના એક ખૂણાને હજી પણ ઝંઝોળી નાખતી હોય તો શું તમે એને એક છૂટી ગયેલો સંબંધ કહી શકશો.!?" અત્યાર સુધી તમને એકદમ સ્થિતપ્રજ્ઞની જેમ બેઠેલા જોઈને મનમાં નવાઈ પામેલા ગ્રુપના દરેક મેમ્બર તમારા બધા વચ્ચે કોઈની ઈચ્છાની ઉપરવટ જઈને એની જિંદગીમાં માથું ના મારવાના વણલખેલા કરારને માન આપતા, મનમાં તમારા પૂછેલા આ યક્ષ પ્રશ્ન સાથે ઊભા થયા અને એ દિવસની તમારી લાફીંગ ક્લબની મિટિંગ ત્યાં જ પૂરી થઈ.

એમ ક્યાં કોઈ સંબંધ સાવ છૂટી જાય છે?
તૂટીને પણ ક્યાંક તો એ રહી જ જાય છે.!
હશે તમારી નિયતીમાં લખેલો જેટલો સાથ,
એ નિભાવીને આખરે આગળ વધી જાય છે.!

થોડી વાર બાંકડા પર એજ સ્થિતિમાં બેસી રહીને બોગનવેલના ગુલાબી ફૂલો સામે એક નજર નાખી મનોમન ક્યાંક વાંચેલી આ પંક્તિઓ યાદ કરતા નિમેષ આખરે તમે પણ ઘર તરફ પ્રયાણ કર્યું.


જય જિનેન્દ્ર
©શેફાલી શાહ

બીજા રસપ્રદ વિકલ્પો