મુંગો જીવ
પડખા માં આજે ખૂબ દુઃખાવો થતો હતો. લગ્ન કરીને આવે લગભગ દસ વર્ષ થઈ ગયા. પણ એ નર્કની સફરથી ઓછા ન હતા.આજે ફરી જીવણ દારૂ પીને આવ્યો હતો.પછી એ જ રોજ ની યાતના અને મારઝુડ. કાંતા એ ડબલા માં જોયું , પણ કોઈ દુઃખાવા ની ગોળી ન હતી. જીવણ નસકોરા બોલાવતો ઘસઘસાટ સૂતો હતો. એને તો ઊંઘ આવે જ ને ? એનું તો રોજ નું કામ હતું. દારૂ પી ને આવવા નું , ખાવાનું અને નબળો નર બૈરી પર શુરો. પછી બૈરી ને ક્યાં વાગે છે એ એનો વિષય જ ન હતો. પ્રેમ ? એ શું હોય છે એ કાંતા આજ સુધી સમજી શકી ન હતી. પ્રેમ ના તમામ ખ્યાલો , સ્વપ્નાંઓ લગ્નની પહેલી રાત્રે જ પડી ભાંગ્યા હતા , જ્યારે જીવણ છેક રાત્રે બે વાગે નશામાં ચૂર થઈ ઘરે આવ્યો હતો અને કોઈ શિકારી શિકાર પર તૂટી પડે એમ તૂટી પડ્યો હતો . કોણ જાણે કેમ પણ જીવણ ને કાંતા ને મારવામાં કોઈ અજબ આનન્દ આવતો હતો . પોતાનું પુરુષાતન સ્થાપિત થતું હતું . અને આ પુરુષાતન સ્થાપિત કરવાનો કોઈ મોકો એ ચૂકતો ન હતો . અને વિરોધ ? એ શું હોય છે. ગરીબ અને વિધવા મા ની અભણ છોકરી વિરોધ કરી ને કરે પણ કેવી રીતે ? સાસુને મન તો વધુ એટલે ઘર ની કામવાળી. એને શું દુઃખ છે , એમનો છોકરો શું કરે છે એનાથી એમને કોઈ લેવાદેવા ન હતી . એ તો બસ આખો દિવસ હાથ માં માળા લઈ , વહુ ઉપર ધ્યાન રાખતા સુપરવાઈઝર હતા. એ પણ ચોકીદાર નહિ પણ શિકારી જેવા. પણ એ સુપરવિઝન માં ક્યાંય ન્યાયની ભાવના જેવું ન હતું. કાંતા હવે એવા કોઈ ન્યાય ની આશા પણ રાખતી ન હતી. મોત ની રાહ જોતા કોઈ કેદી ની જેમ એ દિવસો ખેંચતી હતી. ક્યારેક તો મોત આવશે ,પોતાનું અથવા બીજા કોઈનું , અને આ નર્ક માંથી છુટકારો મળશે.
બહાર ભુરી ક્યારનીય ભાંભરતી હતી. ક્યારેય રાત્રે એ આટલી ભાંભરતી ન હતી. કોઈક તો કારણ હશે જ , નહિ તો એ એમ ભાંભરે નહિ. પણ કાંતા માં ઉભા થઈ બહાર જવા ની તાકાત જ ન હતી. ત્યાં તો બહારથી એક રણકાભેર અવાજ આવ્યો .
" વહુરાણી , આ ભુરી ભાંભરે છે , કાન માં પુમડાં ખોસ્યા છે? જરા ઉભા થઇ ને બહાર આવો. "
સાસુ નો રણકાભેર અવાજ આવ્યો. અને કાંતા કમને પરાણે ઉભી થઇ. જો ઉભી ન થાય તો સવારનો માર નક્કી હતો , અને ક્યાંક કાંતા ના મનમાં ભૂરી પ્રત્યેનો પ્રેમ પણ હતો. કાંતા એ ફાનસ ની જ્યોત સ્હેજ મોટી કરી. જીવણ તરફ એક નજર કરી. મનમાં એક કડવાશ ઉભરાઈ. ભાંભરતી ભેંસ ની આ ઘરમાં જેટલી કિંમત હતી એટલી કદાચ જીવતી ગૃહલક્ષમી ની ન હતી .
" આ મુંગા જીવ પ્રત્યે થોડી લાગણી જેવું રાખો મહારાણી. "
કાંતા ફાનસ લઈ ને બહાર ગઈ. ભુરી ની નજીક એક સાપ ફરતો હતો. ભુરી એ લાકડી આગળ કરી , લાકડી થોડી ખખડાવી. સાપ ત્વરીતતા થી ભાગી ગયો. કમર નું દર્દ વધતું જતું હતું. કાંતાએ ભુરી ને થાબડી. ભુરીને શાંત કરી કાંતા ઘર માં પાછી ગઈ. ખાટલા માં આડી પડેલી કાંતા સાસુ ના શબ્દો વાગોળતી હતી. મુંગો જીવ.. મુંગો જીવ તો પોતે હતી. કોને દયા હતી એને માટે ?
12 માર્ચ 2021