માસીબા ચાંદની પાસે પહોંચે એ પહેલા ચાંદની ઊભી થઈ આગળ વધી.. તે મસિબાની નજીક જતા બોલી..
" માંસીબા તમે અહીં..? તમને કેમ ખબર પડી કે હું અહીં આવી છું..?"
વાતનો દોર બદલતા માસિબા બોલ્યા..
"દીકરી ક્યાં હોય.. તે માંને ખબર ના હોય તો કોને ખબર હશે..?"
" બાકીની વાતો પછી ..તું સવારની ઘરેથી નીકળી હતી એટલે મને તારી ખૂબ ચિંતા થતી હતી.. હવે ચાલ જલ્દી.. આપણે એક જગ્યાએ પહોંચવાનું છે.."
" પણ ક્યાં..? માસીબા..!"
"ચાલ તો ખરી .તારી ગાડી અહીં રહેવા દે.. હમણાં એક માણસ આવી લઈ જશે.."
મસિબાએ ચાંદની ગાડીની ચાવી આશ્રમના એક વ્યક્તિને આપી.. અને આવનાર વ્યક્તિને ચાવી આપવાનું કહ્યું .
માસીબા અને ચાંદની એક જ કારમાં આશ્રમમાંથી હોટેલ બ્લુ જવા નીકળ્યા.. જેની ચાંદનીને જાણ ન હતી..
આખા રસ્તે ચાંદીના મનમાં અસંખ્ય સવાલો હતા.. પણ તેણે ત્યારે પૂછવાનું યોગ્ય ન લાગતાં તે ચૂપ રહી.. માસીબા પણ ચાંદીના મનોભાવને કળી જતાં , તેને પ્રફુલિત કરવા માટે ગાડીમાં તેને ગમતી ગીતની સીડી લગાવી..
થોડીવારમાં ગાડી હોટલ બ્લુની બહાર આવીને ઊભી રહી.. ગાડીમાંથી નીચે ઉતરતા ચાંદની બોલી..
"આપણે અહીં કેમ આવ્યા.. તમારે કોઈ મીટીંગ છે..?"
"એવું જ સમજ.. તું ચાલ મારી સાથે.."
ત્યાં તો હોટેલની આસપાસના કેટલાક લોકો ચાંદનીના ઓટોગ્રાફ માટે તેને ઘેરી વળ્યા..
ચાંદની તો લંડનથી આવ્યા બાદ તેનું સ્ટારડમ ભૂલી જ ગઈ હતી.. ઘણા સમયથી તેણે કોઈ સોંગ પણ કમ્પોઝ નહોતું કર્યું.. તેના ચાહકોએ અચાનક ચાંદનીને પોતાની સંગીતની દુનિયામાં લાવી દીધી..
માસીબા ચાંદની પ્રસિદ્ધિ જોઈ ખુબ ખુશ હતા.. અને એ બંને બધા ચાહકોનું અભિવાદન ઝીલી ઓટોગ્રાફ આપી હોટેલમાં પ્રવેશ્યા..
હોટેલનું ભવ્ય રિસેપ્શન એરિયા અને કલાત્મક ડિઝાઈનથી સજાવેલ અવનવા પોસ્ટર અને ડેકોરેશન હોટલની સુંદરતાને ચાર ચાંદ લગાવતા હતા ..આ હોટેલ નું એક આખું કોટેજ રાજે ચાંદની માટે ડેકોરેટ કરાવ્યું હતું જેની જાણ ફક્ત માસીબાને હતી..
તે ચાંદનીને લઈને તે કોટેજો તરફ ગયા અને બોલ્યા..
' તું અંદર જઈ બેસ હું એક કોલ પતાવીને આવુ.."
ચાંદનીને અંદર મોકલી તે બહારથી જ જતા રહ્યા..
ચાંદની તો કોટેજમાં દાખલ થતાં આવાચક રહી ગઈ.. આખા કોટેજને રંગબેરંગી ગુલાબથી સજાવવામાં આવ્યો હતો .. રેડ કલરના હાર્ટ શેપના બલૂનથી વેલકમ ચાંદની એવું ડેકોરેટ કર્યું હતું.. આખા કોટેજમાં અવનવી આકર્ષક અને મનમોહક કેન્ડલ કોટેજને વધુ રોમેન્ટિક બનાવી રહી હતી.. કોટેજમાં ચાંદનીને ગમતી ગઝલ વાગી રહી હતી..
તમે વ્હાલનો દરિયો.
અમે તરસ્યા વાલીડા..
વ્હેલેરા તમે આવજો ..
મારા વાલમ વાલીડા...
આખું કોટેજ જાણે રાજના ચાંદની પ્રત્યેના પ્રેમના સુર રેલાવી રહ્યુ હતુ.. ચાંદની તો મંત્રમુગ્ધ બની બધું નિહાળતી ઊભી હતી..
ત્યાં અચાનક તેના પર સુંદર મઘમઘતા ગુલાબના પુષ્પની વર્ષા થઇ ..અને પોતે જ્યાં ઊભી હતી ત્યાં એક સુંદર બ્લુ રંગની લાઇટ તેને ફોકસ કરવા લાગી.. ચાંદીના કદમો જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તે લાઈટ તેને ફોકસ કરતી રહી અને તેની રાહમાં અસંખ્ય ફૂલોની ચાદર પથરાઈ ગઈ...
તો આ બધું જોઈ ચાંદની એટલી ખુશ અને ભાવવિભોર બની ગઈ હતી કે તે વિચારતી હતી આ સ્વપ્ન છે કે હકીકત..?
ત્યાં જ કોટેજના બીજા ખૂણા પર એક ફોકસ લાઈટ પડી.. જ્યાં તેને રાજ હાથમાં લાલ ગુલાબ લઇ તેની તરફ આવતો દેખાયો..રાજ ચાંદનીની નજીક આવ્યો.. અને તેને લાલ ગુલાબ આપતા બોલ્યો.
ચાંદની હું તને અનહદ ચાહું છું.. તારા વગર હું મારી જિંદગીની કલ્પના પણ નથી કરી શકતો.. આ પાંચ વર્ષના આપણા મૈત્રીના સંબંધમાં પ્રેમનું ઝરણું મારા દિલમાં ક્યારે વહેવા લાગ્યુ તે મને પણ ખબર ન પડી ..
હું તો બસ એ ઝરણા સંગ તારા પ્રેમમાં વહેતો ચાલ્યો.. પણ હવે એ ઝરણાના ખળખળાટમાં મારે તારી ઊર્મિઓના સ્પંદનોનો રણકાર સાંભળવો છે..
છેલ્લા કેટલા સમયથી મારા દિલની આ લાગણીઓને દિલના એક ખૂણામાં અકબંધ રાખીને મિત્રતા નિભાવી રહ્યો હતો.. તને કહેવાની મારી હિંમત જ થતી નહોતી.. ક્યારેક કહેવાનું વિચારતો તો મન અંદરથી હચમચી ઉઠતું .તારો પ્રેમ પામવાની ઝંખનામાં તારી મિત્રતા ના ગુમાવી બેસુ..! અને આ ડર હંમેશ સંવેદનાની ભીનાશને કોરી કટ કરવા મથતું..!
પણ હવે આ લાગણીઓનો મને ભાર લાગે છે.. મારી જિંદગીનું પરમસત્ય મારા પરમ મિત્રથી કયાં સુધી છુપાવું..?
તું મને અને મારી લાગણીઓને સમજી શકે છે ..એ વિશ્વાસે આજે હિંમત એકઠી કરી મનના તારા પ્રત્યેના તમામ ભાવ મેં બેપરદા કર્યા છે..
તારો જવાબ જાણતા પહેલા એક વાત કહેવા માગું છું.. તારો જવાબ ના હોય તોપણ હું તારો મિત્ર હતો.. અને હંમેશ રહીશ .મિત્રતામાં હું મારી સંવેદનાને ક્યારેય વચ્ચે નહીં આવવા દઉં..
ભલે તારું અતીત પૂરેપૂરું નથી જાણતો.. પણ તે જે કંઈ પણ હોય હું તેની સાથે તને પૂર્ણપણે સ્વીકારૂ છું..
મેં તો મારા દિલની તસલ્લી માટે મારી ઉર્મિઓને તારી સમક્ષ વ્યક્ત કરી છે.. તું તારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે..
મને તારા જવાબની કોઈ ઉતાવળ નથી.. હું તો આજ તો શું..? મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તારી રાહ જોવા તૈયાર છું..! બસ તુ આ મિત્રતામાં કોઈ ખોટ ના સમજતી..
આટલું સાંભળતા ચાંદનીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.. તેને સમજ નહોતી પડતી કે રાજ ને શું જવાબ આપો.. તેની નજર સમક્ષ અનુરાગનો પ્રેમ ભર્યો ચહેરો તરવરવા લાગ્યો...
ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"