અવનિશા - ભાગ -1 Hetal Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવનિશા - ભાગ -1

અવનિશા ભાગ - 1
અવનિશા જ્યારે જ્યારે પોતાનો ચહેરો અરીસામાં જોતી જાતે જ છળી ઉઠતી, તે રાતની ભયાનકતા અને દર્દ આંસુ સ્વરૂપે બહાર આવી જતા.
પોતાની જાતને કોસતી તે પોતાની રૂમમાં જ ભરાઇ રહેતી, લોકો તો ઠીક પણ મમ્મી-પપ્પા, ભાઇ બધા જ તેનો જ વાંક કાઢતા અને તે હતાશ થઇ જતી.
એકમાત્ર તેની બેસ્ટ ફ્રેન્ડ જીયા જ તેના દર્દને સમજતી અને તેને જીવવા માટેની પ્રેરણા પણ પૂરી પાડતી, એક જ સોસાયટીમાં રહેતા એટલે રોજ સવારે કોલેજ જતાં પહેલાં તેને મળવા તે અચૂક આવતી. અવનિશાને ફરી કોલેજ આવવા સમજાવતી, અવનિશા રોજ ના પાડી દેતી છતાં તે રોજ આવતી અને રોજ તેને સમજાવતી.
અવનિશા તેની લાગણી સમજતી પણ આવો ચહેરો લઇ દુનિયાનો સામનો કરવાની હિંમત તેનામાં ન હતી.
અવનિશા એકદમ ખૂબસુરત પણ શાંત અને ઓછાબોલી, જ્યારે જીયા ખૂબસુરત તો ખરી પણ બિન્દાસ અને નિડર.
તેમની જ કોલેજમાં ભણતો રાહિલ અવનિશા ને ખૂબ પસંદ કરતો અને તેને પામવાના સપના જોતો પણ અવનિશા તેને જરાય દાદ ન આપતી, તેને માત્ર ભણવામાં જ ધ્યાન આપવું હતુ. ભણીગણીને પગભર થવુ હતું.
તે દિવસે પણ તેઓ જીયા સાથે કોલેજ પહોંચ્યા અને રોજની જેમ રાહિલ દરવાજા આગળ જ દોસ્તો સાથે રાહ જોતો ઉભો હતો, રોજની જેમ જ અવનિશા આવતા જ 'હાય, જાનેમન ' બોલી દોસ્તોને તાળી આપી હસવા લાગ્યો. અવનિશા તેની સામે પણ જોયા વિના આગળ વધી ગઇ.
પણ જીયાથી ન રહેવાયું તે રાહિલ સામે જઇને ઉભી રહી અને બધા વચ્ચે તેને એક થપ્પડ મારી દીધી. રાહિલ પણ સામે તેને મારવા ઉભો થયો પણ બધા એકઠા થઇ જતાં પછી જોઇ લેવાની ધમકી આપી ચાલ્યો ગયો.
અવનિશા આ બધું જોઇને ખૂબ ડરી ગઈ, તેણે જીયાને પણ ઠપકો આપ્યો પણ જીયાએ તેને હિમંત આપી કે આ મજનુને પાઠ ભણાવવો જરૂરી હતો હવે તને હેરાન નહીં કરે.
આ વાતને થોડા દિવસો વીતી ગયા રાહિલ નજરે પણ ન પડ્યો એટલે બંને ને હાશ થઇ.
એવામાં નવરાત્રિ આવી બંને સહેલીઓને ગરબા રમવાનો ખૂબ શોખ હતો તેથી તેઓ દરરોજ ગરબા રમવા માટે જતી, તેવામાં એક દિવસ સાંજે કોલેજમાં ગરબા ફંકશન રાખવામાં આવ્યું, બંને આજે સરસ તૈયાર થઇને કોલેજ પહોચી.
મોડી રાત સુધી ગરબા રમીને તેઓ ઘરે પરત આવવા નિકળ્યા, રોજ જીયા જ સ્કુટી ચલાવતી પણ આજે તે ખુબ થાકી ગઈ હતી એટલે અવનિશા સ્કુટી ચલાવી રહી હતી અને જીયા તેના ખભે માથું મૂકી આંખો બંધ કરી પાછળ બેઠી હતી.
અવનિશા ધીરે ધીરે સ્કુટી હાંકી રહી હતી કે અચાનક જ એક બાઇક તેમની લગોલગ આવી અને તેના પર સવાર યુવાનોએ અવનિશાના મો પર એસીડ ફેંક્યું. અવનિશા દદૅથી ચિલ્લાઇ ઉઠી. સ્કુટી નીચે પડી ગઈ. અવનિશા અને જીયા પણ પડી ગયા. જીયાએ ઉભા થઇ તરત જ એસિડ એટેક કરનાર બાજુ જોયુ હેલ્મેટ પહેરીને આવ્યા હોવાથી મોં તો નહીં જોઇ શકી, પણ બાઇક નંબર તરત યાદ કરી લીધો.
તે ફટાફટ અવનિશા નજીક પહોંચી 108 ને ફોન કરીને બોલાવી, અને ઝડપથી તેને હોસ્પિટલમાં દાખલ કરી.જીયાની ગરદન અને પીઠ પર પણ થોડા છાંટા ઉડ્યા હતા પણ તેના કરતા વધુ દર્દ તેને અવનિશા માટે થતુ હતુ, તેનો તો આખો ચહેરો જ બળી ગયો હતો.
( શું થશે અવનિશાનું? તે અવનિશા અને જીયા આગળ શું કરશે? તે જાણવા આગળનો ભાગ વાંચવા ન ચુકશો. અને રચના વિશે આપનો કિમતી અભિપ્રાય જરૂર આપશો. )