સાચી ભેટ - (ભાગ -૧) Komal Deriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચી ભેટ - (ભાગ -૧)

"અરે જાનકી તારો આ કકળાટ બંધ કર, હું હાલ કંઈ સાંભળવાના મૂડમાં નથી."આમ ગુસ્સા સાથે શ્વેતા ઘરમાં પ્રવેશી. "અરે શું થયું? કેમ સવાર સવારમાં આટલી ગુસ્સામાં છે, બહાર કોઈ સાથે ઝઘડો કરીને આવી છે કે શું? " જાનકીએ પૂછ્યું.
શ્વેતાએ થોડી શાંત થઇને કહ્યું,"અરે યાર, હું ગાર્ડનમાં ગઈ હતી અને ત્યાં થોડો ખાટો અનુભવ થયો. જાનકી તું મને એમ કહે કે છોકરીઓ માટે બધી જ જગ્યાએ પાબંદી હોવી જ જોઈએ અલબત્ત બગીચાઓ જેવા ખુલીને જીવવા માટે બનાવેલા સુંદર સ્થળોએ પણ! તમે જે પણ કરો એ બીજા લોકો દ્વારા અણગમાની નજરે જોવામાં આવે અને એ પણ ફ્કત એટલા માટે કે તમે સ્ત્રી છો તો કેવું અજુગતું લાગે ને?, અરે હા, છોડ આ બધું તું કંઈક કહેતી હતી મને! "
જાનકી જરીક ધીમેથી બોલી, "આજે મેદાનમાં વુમન્સ ડે નિમિત્તે ભવ્ય કાર્યક્રમ છે તો મારે ત્યાં જવું છે, તો આપણે સાથે જઈએ? "
"વુમન્સ ડે! સવારમાં જ ઉજવાય ગયો મારો તો" એમ મશ્કરી કરતાં શ્વેતાએ જવા માટે હકારમાં ઉત્તર વાળ્યો.
બંને તૈયાર થઇને કાર્યક્રમના સ્થળે પહોચી ગઈ. સંજોગવશાત્ બંનેને આગળની હરોળમાં સ્થાન મળ્યું. મંચથી એકદમ નજીક બંને કાર્યક્રમ ધ્યાનથી નિહાળી રહી હતી અને અચાનક જ જાનકી ઊભી થઇ ને ત્યાંથી પડદાની પાછળ ચાલી ગઇ, શ્વેતા કંઈ સમજે કે કરે એ પહેલાં તો મંચ પર આવવા માટે જાનકીનું નામ જાહેર થયું. શ્વેતાને જરાક અચરજ થયું કે જાનકીને કેમ મંચ પર બોલાવી છે! અને એને તરત જ જવાબ પણ મળ્યો કે જાનકી દ્વારા લખાયેલ 'સ્ત્રી એક પંખી' નિબંધ શ્રેષ્ઠ નિબંધમાં પસંદગી પામ્યો હતો અને એના માટે તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે.
જાનકી ખુબ ખુશ હતી કે એની સૌથી યાદગાર પળોમાં શ્વેતા એની સાથે હતી પરંતુ શ્વેતા તો કંઈક જુદી જ દુનિયાના વિચારોમાં ખોવાયેલી હતી. "આજે મારું સપનું સાકાર થયું અને એ માત્ર તારા કારણે શ્વેતા." જાનકીએ ખૂબ ઉત્સાહથી આભાર વ્યક્ત કરતા કહ્યું.
આ વાત સાંભળી શ્વેતા જરાક સ્વસ્થ થઈ અને જાનકીને કુતૂહલપૂર્વક પૂછ્યું, "મારા કારણે કંઈ રીતે? "
ત્યારે જાનકીએ કહ્યું, "મારા નિબંધમાં મે એ જ વાતો અને વિચારો વ્યક્ત કર્યાં છે જે તું મારી સાથે વહેંચે છે, બસ મેં એ વિચાર અને વાતને એક અલગ રૂપરંગથી રજુ કર્યા છે, પણ મારી પ્રેરણા તું છે, આજની આ સફળતા માત્ર તારી છે અને એટલે જ હું તને આજે મારી સાથે અહીં લઇ આવી છું."
શ્વેતાને ખુબ અચરજ થયું અને એ ખુશ થઇ ગઇ કે સ્ત્રીઓને પણ સન્માન મળે છે એમના વિચારોને રાહ મળે છે અને જાનકી જેવા લેખકો ખુલીને લખી શકે છે.
શ્વેતાના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યાં હતાં. બંને એકસાથે ઘરે પરત ફરી રસ્તામાં શ્વેતાએ જાનકીને કુતૂહલપૂર્વક પૂછ્યું, "આજે જે મુખ્ય મહેમાન આવ્યા હતા એ કોણ છે? શું તું એમને ઓળખે છે? "
જાનકીએ કહ્યું, "હા, હું એમને ઓળખું છું, એમના વિશે અવારનવાર સાંભળવા અને સમાચારોમાં વાંચવા મળ્યું છે કે એ એક સશક્ત નારી છે, એ એક શક્તિ છે, વધુમાં તેમણે સમાજની બીજી સ્ત્રીઓને પણ માર્ગ ચિંધ્યો છે. સાથે સાથ તેણી ખુબ પ્રતિભાશાળી ચિત્રકાર પણ છે. પરંતુ એમની સાથે વાત કરવી અને એમને મળવું ખુબ મુશ્કેલ છે કેમકે તેઓ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહે છે અને આવા કાર્યક્રમોમાં ખુબ ઓછા જોવા મળે છે. તને ખબર છે શ્વેતા મારું સપનું છે કે હું એમના જેવી બનું, ખુબ નામના કમાઉં અને એમની જેમ સમાજસેવાના કામ પણ કરું, અને જીવનમાં એક વાર આ અદ્ભૂત સ્ત્રીને મળું. "
આખી વાટ શ્વેતા એ મુખ્ય મહેમાનના વિશે સાંભળતી રહી. સાજે જમવાનું જમ્યા પછી શ્વેતા છત પર બેસવાનું પસંદ કરતી અને કોઈક વખત બહાર ચાલવા જવાનું પણ! આજે તદ્દન અલગ, એ ડાયરી અને પેન લઇને કંઇક લખવા બેસી ગઈ. આ દ્રશ્ય જોઈને તો બધાને નવાઈ લાગી કેમકે શ્વેતાના વર્તનમાં કંઇક બદલાવ આવ્યો હતો, એની મમ્મી એ તો એની તબિયત પણ પૂછી લીધી. શ્વેતા સ્વસ્થ હતી શારિરીક રીતે પણ એ માનસિક રીતે ખુબ ઊંડા વિચારોમાં ગરકાવ થયેલી હતી. એના ચહેરા પર અલગ પ્રકારના ભાવ હતાં, એ આતુરતા ના હોય એવું જણાતું હતું, તેણી જાણવા માટે ઉત્સુક હતી કે આજે કાર્યક્રમમાં જેમ સ્ત્રી સન્માનની વાત થઈ હતી એવું સન્માન આ સમાજમાં સ્ત્રીઓને મળે છે કે કેમ? એ સવારે એની સાથે બનેલી ઘટના અને ત્યાં મેદાનમાં બધાં મહાનુભાવોએ આપેલા મંતવ્યો વચ્ચેના તથ્યો તારવી એને સ્વીકારી નહતી શકતી. બધી મુંઝવણો તારવવા એણે ડાયરીમાં લખવાનું શરૂ કર્યું કે,
"Women's day Gift
ઘણા દિવસોથી ચાલતા પ્રયત્નો બાદ આજે સવારે વહેલું જાગવામાં સફળતા સાંપડી. એક વિચાર આવ્યો કે જીવનમાં કસરત અને યોગની શરૂઆત માટે મહિલા દિવસથી ઉત્તમ દિવસ બીજો તો ના જ હોય! ચાર વર્ષથી મુકી રાખેલાં આજે એ સ્પોર્ટસ શૂઝ પહેર્યા, મન તો સવારથી જ થનગની રહ્યું હતું કેમકે આજે એક વર્ષ બાદ એમ. એન. કૉલેજ ના બગીચાની, પક્ષીઓની અને વૃક્ષોની મુલાકાતથી દિવસની શરૂઆત થવાની હતી કે જે સવાર સાંજ ખાસ સહેલાણીઓ માટે જ ખુલ્લા મુકાયેલા છે.
અને ખરેખર આજે કસરતથી શરીરને નવી ઉર્જા મળી અને યોગથી મન શાંત થયું, આજે એક આહ્લાદક અનુભવ સાથે સવારની ઉજવણીથી દિવસની શરૂઆત કરી. પછી થયું લાવને આ કુદરતી સૌંદર્ય ને કેમેરામાં કેદ કરું એટલે બે, ચાર ફોટોઝ ક્લિક કર્યા. ૬ મહિનાથી ફિયાંસને આમ વહેલી સવારે વિડીયો કૉલ નથી કર્યો તો આજે શરૂઆત કરીએ એેમ વિચારી મેં ફોન કર્યો, પણ હજુ માંડ બે મિનિટ વાત થઇ હશે ત્યાં અચાનક ચોકીદાર આવીને કહેવા લાગ્યો, "મેડમ, ચાલવું હોય તો ચાલો પણ આમ ફોન ના વાપરશો."
મેં(શ્વેતાએ) પુછ્યું,"કેમ?"
ચોકિદારે જવાબ આપ્યો,"બે ત્રણ પુરુષોએ મને કહ્યું કે પેલી છોકરીને કહો કે ચાલવું હોય તો સરખી રીતે ચાલે આમ ફોન લઈને ના ફરે."
હું સાંભળીને અસમંજસમાં પડી ગઈ અને એટલું જ બોલી કે, "ચોકીદાર કાકા, જે પુરૂષો મને ટોકવાનું કહી ગયા એમને આવતીકાલે ફરી આવે એટલે પૂછજો કે એ લોકો હું શું કરુ છું એ જોવા આવ્યા હતા કે કસરત કરવા?"
અને અંતે મેં ઉમેર્યુ,
"થેંક યુ ફોર વુમન્સ ડે ગીફ્ટ..."
-શ્વેતાબા રાજપુતની ડાયરીમાં

આમ, એણે સવારે એની સાથે બનેલી ઘટનાને અદ્દલ એવી જ રીતે ડાયરીમાં ટાંકવાનો સફળ પ્રયત્ન કર્યો.
અને શ્વેતાના મનમાં એક નવા વિચારે જન્મ લીધો કે સ્ત્રીઓનું સન્માન એને ત્યાં કાર્યક્રમમાં જોયું એ હકીકત હતી કે સવારે બગીચામાં કુંઠિત વિચારધારા સાથે થયેલ અથડામણ સત્ય છે આ સમાજનું. પણ એના મગજમાં એક વાત સ્પષ્ટ થઈ કે આ સમાજની સ્ત્રીઓના બે ભાગ છે, જેમાંથી એક તરફ સ્ત્રી એટલે દેવી, શક્તિ અને લક્ષ્મી છે, જ્યાં તેઓ પોતાના વિચારો વ્યક્ત કરી શકે, પોતાના સપના પૂરાં કરવા તેમને મોકળાશ મળે, ઉડવા માટે ખુલ્લું ગગન મળે, આંખોમાં આશાઓ જીવે અને સપનાઓને પાંખો ફૂટે, ઘરમાં હોય કે બહાર તેઓ પોતાના મનની વાત કરી શકે અને તેમને આવું કરવાની સ્વતંત્રતા મળે છે અને તેમના વિચારો અને ઈચ્છાઓનું સન્માન થાય છે, તેમના સલાહ સૂચન સ્વીકારી લેવાય છે, અહીં જોતા એમ લાગે કે સ્ત્રી અને પુરુષ સમોવડિયા છે અને નારી જ સર્વશ્રેષ્ઠ છે.
પરંતું બીજી તરફ તેથી તદ્દન વિપરીત અસરો છે, અહીં વિચારવાની છુટ સુદ્ધાં નથી, સ્ત્રીથી સપના જોવાની હિંમત તો કરાય જ નહિ, રસોડાની બહાર પણ ના જવા મળે ત્યાં ખુલ્લા આકાશની કે મોકળાશની વાત કરવી જ નિરર્થક પુરવાર થાય, એમની ઈચ્છા પૂરી કરવાનું તો દુર પણ એ ઈચ્છાનું સન્માન પણ ના થાય, ઘરમાં જેના મત કે મંતવ્યોની કદર ના હોય પછી બહાર તો સહકારની આશા કરી જ ના શકાય, આ તરફ જાણે પુરુષ જ શ્રેષ્ઠ હોય એમ સ્ત્રીઓનું અપમાન અને અનાદર કરવામાં આવે છે.
અભણ હોય કે ભણેલા સ્ત્રીને સમજવામાં ભૌઠા પડી જ જાય, એમની વિચારસરણીમાં લેશમાત્ર ફરક નથી હોતો. કહેવાય છે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે, પણ ધર્મ તો જાણે ભૂલાઈ જ ગયો છે, ક્યારેય કોઈ વિચાર સુદ્ધાં કરતું નથી કે એક સ્ત્રીની ખુશી શું છે બસ પોતાના સ્વાર્થ જ દેખાય છે અને અહમ્ આવું કરવા પણ દેતો નથી.
આમ, વિચારોમાં ગરકાવ થયેલી શ્વેતા ત્યાં ટેબલ પર માથું નમાવીને ઊંઘી જ ગઈ. સવારે પાછું બગીચામાં ચાલવા ગઈ પણ આજે એ જલદી પરત ફરી અને પોતાના કામે વળગી.
આમ,બગીચામાં જવાનું નિત્યક્રમ બની ગયો, રોજ એ રમણીય વાતાવરણમાં એના વિચારો ગહન થવા લાગ્યા અને મનની સ્ફૂર્તિ વધવા લાગી, પ્રકૃતિ સાથે જોડાયેલી શ્વેતા હવે પહેલાં કરતાં વધારે ખુશ અને હકારાત્મક બની ગઈ.
આમ, જોતાંજોતા છ-સાત મહિનાઓ વીતી ગયા. એક રવિવારે વહેલી સવારે શ્વેતા બાંકડા પર બેઠી હતી અને બાળકોને ક્રિકેટ રમતાં જોઈ રહી હતી અને ત્યાં અચાનક જ બાજુમાં એક આધેડ ઉંમરની સ્ત્રી એની બાજુમાં આવી ને બેસી જાય છે, ચાલીને આવવાના કારણે શ્વાસ ઝડપથી લઇ રહ્યાં હતાં અને જાણે થાકી ગયા હોય એમ લાગતું હતું, આખુય શરીર ધ્રુજી રહ્યું હતું, ઉંમર કદાચ ૪૦ -૪૫ વર્ષ હશે. શરીર જાણે તણખલું સૂકાઈ જાય એવું થઈ ગયેલું હતું, આંખે કાળા કુંડાળા આવી ગયા હતા ને આંખો તો અંદર જ જતી રહી હતી, જુની ફ્રેમ વાળા ચશ્માં પહેરેલા હતા અને પહેરવેશ પણ સાવ સામાન્ય હતો. શ્વેતાએ હાંફતા જોયા એટલે પાણી આપ્યું. શ્વેતાને આમ અજાણી હોવા છતા મદદ કરી એટલે એમણે ખૂબ આભાર માન્યો અને બંને છૂટા પડ્યા, બીજા દિવસે ફરી એકવાર મુલાકાત થઇ અને એકબીજાનો પરીચય થયો,
શ્વેતાએ પુછ્યું, "તમે રોજ અહીં આવો છો?"
જવાબમાં પેલી સ્ત્રીએ હકારમાં માથું ધૂણાવ્યું,"હા, રોજ આવું છું, મારું ઘર અહીં નજીક જ છે અને મારુ નામ વર્ષા છે. બેટા, તારું નામ શું છે?"
"મારું નામ શ્વેતા"
હવે આ મુલાકાત રોજ સવારે થવા લાગી અને બંને જાણે મિત્ર બની ગયાં, વાતવાતમાં શ્વેતાએ જાણ્યું કે એમને હ્દયની બિમારી છે અને આ દુનિયામાં થોડો જ સમય બાકી રહ્યો છે, આ જાણીને શ્વેતા તો ધ્રુજી ઉઠી. પછી વર્ષાબેન બોલ્યાં, "અરે, બેટા તું કેમ આમ ડરે છે જે થાય એ ભગવાનની મરજીથી થાય છે અને આમેય આપણું ધાર્યું કયાં કંઈ થાય છે, આખું આયખું જતું રહ્યું રસોડામાં અને હવે થોડો વખત બચ્યો છે તે આ ભગવાનની ઈચ્છા મુજબ એ ય જીવી લઈશું!
બસ મનમાં એક ઈચ્છા અધૂરી રહી ગઈ ગિરનાર ચડવાની!!! ,પણ હવે તો આ ઘડીક ચાલું ને હાંફી જાઉં છું તે આ ગિરનારનો હરખ તો કેમ નો જીલાય હેં? હવે તો માતાજીના દર્શન આંખો બંધ કરીને મનમાં ને મનમાં કરી લઉ, બસ"
શ્વેતાએ કહ્યું, "હજુય તમે તો જરાય થાક્યા નથી, હજુય ઝપાટાંભેર ગિરનાર ખૂંદી આવો એમ છો કાકી."
કાકી ખુશ થઈને બોલ્યા, "પણ હવે ક્યાં વખત છે ગિરનાર જવાનો?"
"તમારો દિકરો છે ને એને ભેળો લઇ જાઓ અને જો આખો પરિવાર સાથે જાય માતાજીના ધામમાં તો એથી વિશેષ ખુશી વળી શું હોય! "શ્વેતાએ કહ્યું.
વર્ષાબેન બોલ્યાં, "પણ, હવે મારા દીકરાને વખત ક્યાં છે તે મારી સાથે ફરવામાં વેડફે, અને આજના સમયમાં કોણ કામ મુકીને અમારા જેવા પાછળ સમય બગાડે એમ છે. "
આમ ગિરનાર જવાનું સપનું અધૂરું જ રહેવાનું છે એમ મનમાં ગાંઠ વાળી વર્ષાબેન ઘેર પાંછા ગયા.
શ્વેતાએ સાંજે એના ઘરમાં કહ્યું, "ચાલોને આપણે બધા ગિરનાર જઈ આવીએ!, હમણા તો બધા સાથે છીએ અને સમય પણ છે."
ઘરમાં બધાજ જવા માટે તૈયાર થઈ ગયા, અને પાડોશી પણ જોડાયા એટલે દસેક માણસ થયા, શ્વેતાએ તો વર્ષાબેન સામે ગિરનાર જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.
વર્ષાબેન તો હરખમાં ને હરખમાં દિકરાને પૂછ્યા વિના જ હા બોલી ગયાં, પણ એમના દિકરાએ જવાની ના પાડી કે એક તો તમારી તબિયત સારી નથી અને અજાણ્યા લોકો સાથે આમ થોડી જવાય.
તો શ્વેતાએ ખુબ સમજાવીને અને વર્ષાબેનની આખરી ઈચ્છા છે એવું કહીને પણ આખરે એમનાં દિકરાં પાસેથી મંજુરી મેળવી જ લીધી.
અને બધા ગિરનાર જવા રવાના થયા. સાંજે ત્યાં પહોચ્યાં અને વહેલી સવારે બધાએ પગથિયાં ચડવાની શરૂઆત કરી પણ શ્વેતા વર્ષાબેને લઇને રોપ-વે થી ઉપર ગઈ, અને વર્ષાબેનું દર્શન કરવાનું સપનું પૂરું થયું, આ સમયે જે ખુશી એમની આંખોમાંથી છલકાઈ રહી હતી અને એમના ચહેરા પર જે આનંદ અને સંતોષ હતો એ આહ્લાદક હતો, એમને જોઈને શ્વેતાનું મન પણ પ્રફુલ્લિત થઇ ગયું.
વર્ષાબેન એકદમ ઉત્સાહથી શ્વેતાનો હાથ પકડીને બોલ્યાં, "આ મારા જીવનની સૌથી મોટી ભેટ છે, કદાચ આનાથી વધારે હું કોઈ દિવસ ખુશ નહીં થઈ હોઉં, મારું આ સહજ સપનું તેં પુરુ કર્યુ એ માટે તારો દિલથી ખુબ ખુબ આભાર!"
આટલું બોલતાં જ એમની આંખો છલકાઇ ગઈ અને શ્વેતાની આંખો પણ ભીની થઈ.
ઘેર પાછા આવ્યા ના બીજા જ દિવસે વર્ષાબેને દેહત્યાગ કર્યો ને ભગવાનને ધામ ચાલ્યાં ગયાં પણ શ્વેતાને એમના પાર્થિવ દેહ પર પણ સંતોષનો ભાવ સ્પષ્ટ વંચાતો હતો.
આમ વર્ષાબેનના સપનાને પુરુ કરી એમને ખુશ કરી ને શ્વેતા પણ ખુબ ખુશ થઈ ગઈ. જાણે એને સાચે માં દુનિયાની સૌથી મોંઘી ભેટ મળી ગઈ.

શ્વેતાને વર્ષાબેનના ચહેરા પર ની એ ખુશી આજેય યાદ હતી અને એને અચાનક જાણે જીવન જીવવાનો ધ્યેય મળી ગયો, આ દુનિયામાં આવવાનું કારણ મળી ગયું, કહેવાય છે કે આપણેને અહીં મોકલ્યા છે તો કોઈતો હેતુ હશે જ! બીજાના ચહેરા પર હાસ્ય રેલાવવું એ કદાચ શ્વેતાના જીવનનું ધ્યેય હતું. જાણે ભગવાન જ એને આ કરવા માટે રસ્તો બતાવતા હોય એમ એની સોસાયટીના ભગવતીબેન એકવાર બધા જોડે બેસી વાતો કરતા હતા કે મને બાળપણથી ક્રિકેટ રમવાનો શોખ છે, પેલા મારા ભાઈને રમતા જોયો પછી મારા દિકરાને અને હવે તો એનાય દિકરા રમતા થઇ ગયા પણ મને ક્યારેય મોકો જ ના મળ્યો. આટલું બોલતાં જ ભગવતી બેન હસી પડ્યા, શ્વેતાએ આ વાતો સાંભળી અને એને થયું કે ૬૦ વર્ષ થઈ ગયા હશે પણ ભગવતી કાકીનો ક્રિકેટ માટેનો પ્રેમ એવોને એવો જાણે કોઈ બાળકનો હોય.
'બસ એમની આ ઈચ્છા તો મારે પૂરી કરવી જ છે' આવો સંકલ્પ શ્વેતાએ ત્યાં જ કરી લીધો.
પછી થોડા દિવસ પછી શ્વેતાએ એના બધા મિત્રોને ફોન કરીને ક્રિકેટ રમવાનું કહ્યું, બધાએ મળીને રવિવારે સાંજે ભેગા થવાનું નક્કી કર્યું. શ્વેતાના બધા મિત્રો તો એકબીજાને ઘણા સમય બાદ મળવાની વાતથી જ ખુશ હતાં પણ ખરેખર એમને ખબર જ નહતી કે આ અચાનક ક્રિકેટ રમવાનું શ્વેતાને કેમ યાદ આવ્યું.
જે રવિવારની સાંજની રાહ અધીરાઇથી જોવાતી હતી એ આવી ગઈ બધા મેદાનમાં આવી પહોંચ્યા.
બીજી બાજુ શ્વેતા ભગવતી કાકીના ઘરે પહોંચીઅને બુમ પાડી, " ભગવતી કાકી, શું કરો છો? મારે તમારુ કામ છે"
ભગવતી કાકી બોલ્યા,"હું તો આ રહી દિકરી, બોલ શું કામ પડ્યું તને?"
"મારી સાથે આવશો? તમારું એક કામ છે" શ્વેતાએ પુછ્યું.
"હા, ચાલ આવું ને! બોલ ક્યાં જવું છે?" ભગવતીકાકી તો ચંપલ પહેરીને છેક બહાર આવી ગયા.
શ્વેતાએ કહ્યું," તમે ચાલો મારી સાથે મેદાનમાં ત્યાં જઈને તમને ખબર પડી જશે. "
અને બંને મેદાન તરફ જવા નીકળ્યા.
રસ્તામાં શ્વેતાને થયું કાકી આ ઉંમરે પણ કેટલા સ્ફુર્તિલા છે! બોલાવતાની સાથે જ ઉત્સાહથી આવી ગયા મારી સાથે, ઉંમરનો થાક તો દેખાતો જ નથી અને આજકાલ તો નાની ઉંમરના લોકો ય થાકીને સૂઈ જાય.
"લે, આવી ગયા મેદાનમાં તો! " ભગવતી કાકીએ શ્વેતાને કહ્યું.
શ્વેતાએ હકારમાં માથું ધુણાવ્યું અને પછી બુમ પાડીને બધા મિત્રોને એની પાસે બોલાવ્યાં.
"આ ભગવતીકાકી છે, મારી સોસાયટીમાં જ રહે છે અને એમને ક્રિકેટ રમવાનો ખુબ શોખ છે પણ એ કોઈ દિવસ રમ્યા નથી. માટે આજે આપણે એમને આપણી જોડે રમત રમાડવાના છે. તો તમે બધા તૈયાર છો? "
બધા એકીસાથે બોલ્યા, "હા"
પણ ભગવતીકાકીએ તો ચોખ્ખી ના પાડી દીધી, બધા તો ઝંખવાળા પડી ગયા.
પછી શ્વેતાએ કારણ પુછ્યું તો એમણે કહ્યું કે " બેટા! આ ઉંમરે છોકરાઓની રમત મારાથી ના રમાય, કોઈ જુએ તો ખરાબ લાગે અને જો રમતાં રમતાં લાગી જાય તો લોકો હજાર વાતો કરે"
શ્વેતાએ કહ્યું, " તમને જોવાવાળા તો એમ કહેશે કે અરે! આ ઉંમરે પણ આટલું સરસ રમી શકે છે કાકી.
અને રહી વાત લાગવાની તો એ તમે ના રમતાં હોવ તોય લાગે જ છે ને અને હજાર વાતો બનાવવી એ તો લોકોનું કામ છે એ એમને કરવા દો, ચાલો આપણે રમીએ."
કાકી તો શ્વેતાની વાત સાંભળીને તૈયાર થઇ ગયા. બધાએ ભેગા થઇને ખુબ મજા કરી, બધાની રજા કાકીને મળીને મજાની બની ગઈ.
કાકીએ તો શ્વેતાનો અને એના બધા મિત્રોનો ખુબ આભાર માન્યો અને ખુબ આશિર્વાદ આપ્યા.
પછી બધા પોતપોતાના ઘરે જવા નીકળ્યા. રસ્તામાં કાકીએ શ્વેતાને કહ્યું, "મને લાગે છે જાણે આ જ મારા જીવનની સૌથી ખુશ સાંજ હતી, મારા બચપણનું સપનું આજ પુરુ થયું, મનેય થતું કે લાવ રમવા જાઉં પણ છોકરીનો અવતાર એટલે ઘરની બહાર પગ ના મુકાય અમારા વખતમાં તો! નિશાળ તો ગયા જ નહિ, છોકરાઓને મુકવા ગયા તે દિ જોઈ હતી નિશાળ તો. પેલા મા-બાપ ને ભાઈ અને પછી પતિ, દિકરો, દિકરી અને એમનાં છોકરાઓ બધું સાચવવામાં આખુ આયખું નિકળી ગયું કોઈ દિ એ વિચારવાનો સમય જ ના મળ્યો કે આપણા સપના પૂરા કરીએ પણ આજે તો તે આખી જિંદગીનો થાક ઉતારી દીધો. તું તો મારા માટે ખુબ સરસ અને મોંઘી ભેટ લઇ આવી. તને દુનિયાની બધી ખુશીઓ મળે અને તારા બધા સપના પૂરાં થાય. "
આટલું કહેતા કાકી તો રડી જ પડ્યાં. શ્વેતા એમને ચુપ કરાવીને ઘેર મૂકી આવી.
કાકીના આંખમાં આવેલાં એ ઝળઝળિયાં અને ચહેરા પર આવેલું એ ઉમંગનું વાદળું શ્વેતાના માનસપટ પર છપાઈ ગયું, આજે ફરી એકવાર શ્વેતાને સંતોષકારક ઉંઘ આવી અને મન પ્રફુલ્લિત થઇ ગયું.
શ્વેતાએ ફરી એકવાર ખુશી જાતે શોધી લીધી. ભગવતીકાકી અને વર્ષાબેન તો જાણે એની જીંદગીની ભેટ સ્વરૂપે આવ્યા હતાં. એ બંનેની ઈચ્છા પૂરી કરીને, એમને ખુશ કરીને એ ખુબ ખુશ હતી.
આ વાતને બેએક મહિના થયા હશે. આવી રીતે એ ઘણા લોકોની મદદ કરવા લાગી અને વળતરમાં એને ખુબ બધી ખુશીઓ મળે. સમય મળે એટલે એ આવા લોકો શોધે અને પછી એમની ઈચ્છાઓ પુરી કરે અને કંઈક પામ્યાનો સંતોષ મેળવે.
એકદિવસ શ્વેતાએ આ બધા અનુભવો જાનકીને કહ્યા. જાનકીએ તો આ સાંભળ્યું તો એને નવાઈ લાગી. આવી ખુશી?
પણ શ્વેતાએ કહ્યું કે,"ખરેખર આ કંઈક અલગ જ અનુભવ છે."
જાનકી આપણી લેખક એટલે એણે તો આ બધું લખ્યું અને વાર્તા બનાવી દિધી.
હવે, થયુ એમ કે જેટલા લોકોએ જાનકીનું લખાણ વાંચ્યું એ બધા તો જાણે આશ્ચર્યચકિત થઇ ગયા અને પુછવા લાગ્યા કે ખરેખર આ વાત હકીકત છે? અને જાનકી એ બધાને કહેવા લાગી તમે પણ આવો એકાદ અનુભવ કરો તો સમજાઈ જશે કે સાચું છે કે નહીં!
અને હા તમે કંઈ આવુ કરો છો, કોઈ બીજાની મદદ કરીને સંતોષ અનુભવો છો, કોઈને ખુશ કરવા પ્રયત્ન કરો છો તો મને જણાવજો જરૂર...

જાનકીએ જે લખ્યું એ ઘણા મિત્રોએ વાચ્યું અને બીજા લોકોને પણ આ વિશે જણાવ્યું એટલે વાત જરાક આગળ વધી. કહેવાય છે કે સારા કામ કરવા માટે લોકો ભેગા ના કરવા પડે. સજ્જન માણસો હંમેશા તત્પર જ હોય, હવે શ્વેતા પાસેથી નિકળેલું આ આનંદનુ એટલે કે સાચી ભેટનું ઝરણું વહેતા વહેતા નદિ બની ગયું. એટલે સરળ શબ્દોમાં કહીએ તો બીજા લોકો પણ પોતાના ઘરની કે અાડોશપડોશ માં રહેતી સ્ત્રીઓ ના સપનાં જાણવામાં અને પૂરા કરવામાં રુચિ દાખવવા લાગ્યા. ઘરમાં પણ દરેક સ્ત્રીને માન અને મનનું કરવાની છૂટ મળવા લાગી પછી ભલે એ દિકરી હોય કે પુત્રવધૂ, મા હોય કે દાદી, કાકી, ભાભી, બહેન, પત્ની કે પછી સાસુ.
આ વહેણમાં ભણેલાં 'ને અભણ, નાના અને મોટા, સ્ત્રી અને પુરુષ બધા જ જોડાયા હતાં, અહીં એ સમાજ નો અર્થ બદલાઇ રહ્યો હતો જ્યાં સ્ત્રીનું સ્થાન તુચ્છ હતું, શ્વેતા આ બધું જોઈને વિચારતી હતી કે 'પેલો Women's Day ના બનેલો પ્રસંગ ખરેખર આટલો બધો જરૂરી બની શકે એવું તો મેં કલ્પના પણ નહોતી કરી, આજે મારું સંપૂર્ણ ધ્યાન એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલું હતું કે હું જેમને મળું છું, જાણું છું અને જોઉં છું એવી દરેક સ્ત્રીનું જો એક પણ સપનું જીવવામાં એની મદદ કરુ તો બસ આ અવતાર એળે ના જાય.'
અને બસ એ તો લાગી ગઈ પછી કોઈ શાળામાં ભણતી કવિતાને આગળ વધવાની મદદ કરવામાં, શાકભાજી વેચતા શાંતિબેનને નવી સાડી પહેરીને મંદિર લઇ જવામાં, અને બાજુવાળા કાકીની દિકરીને એની પસંદગી ની નોકરી કરવાની મંજુરી અપાવવામાં વગેરે વગેરે...
જેટલું સરળ દેખાય એટલું સરળ તો કંઈ હોતું જ નથી, આ સપના સાકાર કરવા અને સાચી ભેટ આપવા માટે એને ઘણા લોકો સાથે દલીલો કરવી પડતી, કયારેક હાથ જોડીને વિનંતી પણ કરવી પડતી અને ક્યારેક તો ડરાવીને કે ધમકાવીને પણ કામ કરવું પડ્યું હતું, ઉપરથી એને રૂપિયા અને સમય બંને ખર્ચવા પડતાં, પણ આ કામનું મહેનતાણું એટલું આનંદદાયી મળતું કે શ્વેતા ક્યારેય થાકી ના જતી, જ્યારે ઘરનાં બધા સભ્યો નો માનસિક ટેકો આ કાર્ય કરવાની શક્તિ પૂરી પાડતો.
અને હવે તો બધા મિત્રો પણ જોડાયા છે જાણી ને એનો ઉત્સાહ બમણો થઇ ગયો.
શ્વેતાની આ નાનકડી ભૂમિકા ઘણા માટે પ્રેરણારૂપ બની ગઈ, આ પ્રવાહ હવે અંતરિયાળ વિસ્તારમાં પણ પહોંચી ગયો અને સ્ત્રી સશક્તિકરણ માં ઘણો ફરક પડવા લાગ્યો. સ્ત્રીઓને રોજગાર આપવામાં ખચકાટ દુર થયો અને જુદા જુદા ક્ષેત્રોમાં સ્ત્રીઓનું વર્ચસ્વ વધવા લાગ્યું, જે પણ આ સમજતા હતા એ બસ એટલું જાણવા લાગ્યા કે કોઈ ચડિયાતું નથી પણ સ્ત્રી પુરૂષ સમોવડિયા છે. આ બધું શ્વેતા કોઈક વાર્તા જેવું લાગે છે કેમકે જે સપનામાં ય ના વિચાર્યું હોય એવું વાતાવરણ, એવો સમાજ એની સમક્ષ હતો.
બસ આમ ધીમે ધીમે આ કાર્ય આગળ વધી રહ્યું હતું અને પોતાના વ્યસ્ત જીવનમાંથી આ આનંદદાયી કામ માટે સમય નિકાળવા લાગ્યા. શ્વેતા પોતાના કામ અને અંગત જીવનમાંથી સમય નિકાળીને એની સાચી ભેટ મેળવવાની શોધમાં રહેતી.
આ ઘટનાક્રમ નિયમીત ચાલુ જ હતો, છએક મહિના જેવું થયું હશે અને એક તબક્કે બીજાના સપના સાચા કરવાની આ મુહિમમાં સફળતા પણ મળી હતી શ્વેતાને. એવામાં એની મુલાકાત એક એવી સ્ત્રી સાથે થઈ જેને એના આ કામને વાયુવેગે આગળ ધપાવવાની પ્રયુક્તિ આપી.
એક એવું વ્યક્તિત્વ જેનાથી દરેક પ્રભાવિત થઈ જાય, ટટ્ટાર અને ખડતલ શરીર, સ્વભાવે કડક અને મનનાં મકક્મ પણ લાગણીશીલ અને બધાને મદદરૂપ થાય એવા કોમળ, ભાષા પર સારી પકડ, વાત રજૂ કરવામાં સચોટ આવડત, સંપૂર્ણ જવાબદારી ભરેલી યોજનાઓ સાથે રાખનાર, એક નજરે જોઈએ તો લાગે કોઈ કઠોરતાનો પથ્થર પણ ખરેખર તો હતાં એ આમ સાવ નિર્મળ અને દયાની મૂર્તિ. ઉંમર કદાચ બત્રીસેક વર્ષ હશે પણ અનુભવ જોતા લાગતું હતું કે જાણે પચાસ પૂરા થયા હોય.
શ્યામ રંગી ઘાટીલું અંગ અને ચહેરા પર રેલાતું એ સહેજ સ્મિત એમની સુંદરતાની ઓળખ, આંખો જરીક ભુરી અને ઢગલો આશાઓથી ભરેલી, દરેક સ્ત્રીથી તદ્દન અલગ આભુષણ એમની પાસે હતું આત્મવિશ્વાસ, આત્મસન્માન અને હકારાત્મક અભિગમ. આ એમનો ટુંકમાં પરિચય કેમકે જેમનું આખું વ્યક્તિત્વ વર્ણવવા માટે તો શબ્દો ઓછા પડે એવું એક જ નામ એટલે 'રાહી'...
શ્વેતાની મુલાકાત રાહી સાથે થઈ અને એનો રસ્તો જ બદલાઈ ગયો જાણે હવે એના ઉત્સાહ અને સાહસને સાચી દિશા મળી.
કોમલ ડેરિયા (P. K...)