બાળપણની મોજ
નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે બાળપણ એ આપણને મળેલ અમૂલ્ય અને અજાયબ ભેટ છે , પણ હવે શુ! એ તો આપણા પાસેથી ક્યારનુંય ભાગી ગયું.આપણને તો પછી ખબર પડી કે આટલી અમૂલ્ય ભેટ આપણે ગુમાવી છે, જયારે બાળક હતા ત્યારે જલ્દીથી યુવાન થવું હતું અને હવે બાળક થવું છે ! તો એવી તો કેવી મજા હતી કે અત્યારે બધુજ હોવા છતાં એ બધાની જરૂર વગર બાળક જ થવાનું ગમે . ખરેખર કોઈ વસ્તુ જયારે સાથે હોય ત્યારે એની કિંમત થતી જ નથી , એતો હાથમાંથી જાય પછી જ એની કિંમત સમજાય છે. તો મિત્રો આ બાળપણની મોજ દ્વારા આપણા બાળપણ ની યાદો તાજી કરીએ અને આ પુસ્તક માંથી તમે પોતે કઈ જગ્યાએ હતા એ શોધવાનો પ્રયત્ન કરવાનો ન ભૂલતા. આ પુસ્તક માં આપણા બાળપણ ની મોજ નો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં અવ્યો છે. તો બસ હવે ચાલો નીકળી પડીએ આપણા બાળપણ ની મોજમાં અને બીજા મિત્રો ને પણ સાથે લઈને જઈએ એ આપણા મોબાઈલ યુગ પહેલાના બાળપણમાં .
Chapter-1
બાળપણ કોને કહેવું? , તો જ્યાં ન કોઈ જ ચિંતા હોય, ન કોઈ ડર હોય તમે જ રાજા અને બધુ તમારું જ રાજ્ય અને બધાના પ્રિય. ન તો સવારે કોઈ ઉઠવાનો સમય કે ન તો ચ્હા-દૂધ નો સમય અરે કેટલાક ને તો પથારી માં જ ચ્હા-દૂધ મળે! દાતણ જ એનુ , ન કોઈ જમવાનો સમય જયારે ઈચ્છા થાય ત્યારે મમ્મી કે દાદી માત્ર એક ઈશારામાં સમજી જાય અને બધુ જ હાજર અને બસ આખો દિવસ રખડ્યા કરવાનુ અને એ પણ કેવુ કે જેમાં જમવાનું કે ઊંઘવાનું પણ ભુલાઈ જાય બસ આપણી મરજી ના માલિક ઘડીક મા રાજા તો ઘડીક મા ખેલાડી તો વળી પાયલોટ , કે ડૉક્ટર , કે ડ્રાઈવર મન જ્યાં લઇ જાય એ મોજ કરવાની.
તો ચાલો આપણે શોધીએ કે ખરેખર આપણે એમાંથી કોણ હતા , શુ ખરેખર મોજ કરી છે! બાળપણમાં દરેક બાળકો જુદી જુદી જ ખાસિયત વાળા હોય છે. કોઈક રખડેલ તો કોઈ શાંત , કોઈ જિદ્દી તો કોઈ બિન્દાસ દુનિયા શુ કરે એને શુ જોવાનું!, કોઈ ખુશમિજાજ તો કોઈ રોતડુ અને તમે એમાંથી કોણ હતા? જો ન ખબર હોય તો પૂછો તમારી મમ્મી કે દાદી કે પપ્પા કે ઘરના કોઈ પણ સભ્યને એટલે હાલ જ ખબર. ખરા બાળપણની શરૂઆત તો જયારે આપણે લગભગ લગભગ સ્કૂલ મા જવાનું શરુ કરીએ ત્યારે થાય એટલે કે જયારે કંઈક સમજણ પડવાની ચાલુ જ થઈ હોય અને સીધા જ સ્કૂલમાં. બાળપણની ઉંમર આશરે ૬ થી ૧૦ વર્ષમાં જ કહેવાય છે , બસ માત્ર ૫ થી ૬ વર્ષજ અને એ પહેલા તો શું ખાધાની પણ ખબર ન પડતી હોય.
જ્યારથી આ તમારા કોરા કાગળ જેવા બિલકુલ ખાલી મગજ માં થોડીક થોડીક સમજણ પડવાની ચાલુ થાય ત્યારથી તમારી સ્કૂલ તમારા સાથે અને છેક અડધી યુવાન અવસ્થા સુધી પીછો ન છોડે.તો બાળપણ નું પ્રથમ વર્ષ કે જેમાં માંડ માંડ સરખું બોલતા આવડે અને કેટલાક નું તો હજી સ્પીકર ચોંટી ચોંટીને ચાલતુ હોય અને કેટલાકનો હાથ નો અંગુઠો મોઢામાંથી બહાર જ ન નીકળતો હોય, હે મજાથી સવારે ઉઠવાનુ અને ચ્હા-દૂધ પીને તરત જ રખડવાનું ચાલુ કે જેમાં થોડા ઘણા મિત્રોનુ ટોળુ હોય અને ન પણ હોય કેમકે ઘણાને તો ટીવી આગળ કાર્ટૂનનો શોખ હોય અને ઘણાને મોંઘા મોંઘા રમકડાં રમવાનો તો કેટલાક ને બીજાના રમકડાં રમવાનો અને તોડવાના પણ , અરે કેટલાક તો એવા હતા કે બીજાના રમકડાં દાદાગીરી કરીને પણ રમવાના .અરે હા આપણી વખતે એક ખાસ રમકડું નહોતું જે અત્યારના બાળકો માતાના પેટમાંથી જ રમવાનું શીખીને આવે છે , સમજી ગયા ને કયું રમકડું? મોબાઈલ , બીજું કયું! આપણી પાસે તો બસ બોલ અરે એ પણ નહિ દડી , ૨-૪ નાની ગાડીઓ , ૧ બસ , ૧ ટ્રેક્ટર હોય , ઘૂઘરો હોય ખાસ કરીને ચાવી વાળા રમકડાં અને જો સેલ વાળા રમકડાં હાથમાં આવ્યા તો કેટલા દિવસ! માંડ માંડ ૩-૪ દિવસ ચાલે પછીતો દોરી બાંધી ને દોડાવવાના , રમકડાં થી કંટાળો આવે એટલે બહાર રેતીમાં રખડવાનું કે પછી સંતાઈને કોઈ જુએ નહિ એ રીતે રેતી કે ચૂનો ખાધે રાખવાનો અને જો પકડાઈ ગયા તો થોડોક માર પણ ખાવાનો, તો આમાંથી મળ્યા તમે કોણ હતા?
ચોકલેટ કે જે આપણા માટે અમૂલ્ય મીઠાઈ એ ખાલી એનુ પેપર પણ ક્યાંક નજરમાં આવે તો મોમાં પાણી જ પાણી અને કોઈપણ આપે એટલે આપણે તો રાજામાંથી તરત જ એના ગુલામ, પણ ક્યાં સુધી ? જ્યાં સુધી ચોકલેટ મોઢામાં હોય ત્યાં સુધીજ પછી તો પાછા આપણા રસ્તે. પછી બપોર પડે એટલે થોડું ગણું જમીને પાછુ સુઈ જવાનું અને કેટલાક ને તો ઘોડિયા વગર ઊંઘ ન આવે અને કેટલાક તો ન પણ ઊંઘે અને ઘરના બધાને જ હેરાન કરવાનું ચાલુ. કંઈક ને કંઈક તોડમફોડ કરવાનું જ એના વગર તો ન ચાલે અને હાથ પગ પણ તોડવાના , આમાંના કેટલાક તો એકદમ શાંત સ્વભાવવાળા પણ હોય જે મમ્મી ની એક જ બુમે ચાલવાવાળા કે પપ્પાની બીક લાગે એટલે શું કરે ચૂપ ચાપ ઘરમાં.
આપણે તો બાળપણના પહેલા વર્ષમાં આવીએ એટલે તરત જ સ્લેટ અને પેન ઘરમાં આવી ગયું હોય અને કેટલાકને તો તે પેન ખાવાની પણ મજા આવે. સવારે ચડ્ડી અને શર્ટ પહેરી સ્કૂલ માં જવા તૈયાર , પણ શું ખબર પડે કે સ્કૂલ એટલે શું? કે શિક્ષક એટલે શું? ઘણાને તો ઘર ની બહાર જવાનું મળે એટલે જલસા અને ઘણા તો સ્કૂલ નો દરવાજો આવે એટલે રડવાનું મ્યુઝિક ચાલુ અને ઘણા તો સ્કૂલ ચાલુ થયા પછીયે મહિનાઓ સુધી દરરોજ રડે.સ્કૂલમાં બધા ભેગુ બેસવાનું અને શિક્ષક જે બોલે તે બોલવાનું , સાચું કે ખોટું કોણ પૂછવાનું હતું! અને પાછુ ચાલુ સ્કૂલે ક્લાસ માં બીજાને હેરાન કર્યા વગર ચાલે જ નહિ. કોઈનો નાસ્તો ખાઈ જવાનો કે પાણી પી જવાનું , કોઈનું રબ્બર કે પેન્સિલ લઇ લેવાની બસ જલસા જ કરવાના.અને જો ભાવતો નાસ્તો ન હોય તો ડબ્બો બીજાની સાથે તેને સમજાવીને અદલા બદલી કરવાનો , પછી રીશેષ માં પાછુ રખડવાનું .દોડ-પકડ કે થપ્પો એ તો આપણી મુખ્ય રમત એમાં કેટલાક શાંત કે જેમને એમાં પણ કોઈ ઈચ્છા ન હોય બસ બેસી રહે , અને કેટલાક તો એટલા તોફાની કે રોજ કોઈ સાથે મારામારી કરે કે કોઈ રોજ રડે પણ એ વખતની મારામારી પણ કેવી નિર્દોષ ! , અને હા રમતા રમતા કે કોઈ બાબતે કોઈ ને ખોટું લાગે કે તરતજ કિટ્ટા કરી દેવાની એટલે સામેવાળા ને તરત જ ઈમોશનલ કરવાનો અને એને ખબર પડી જાય કે આને ક્યાંક ખાંચો પડ્યો, અને ત્યાં પાછુ મનાવવાની અને પોતાની ભૂલ સુધારવાની અને બુચ્ચા કરવાની પ્રક્રિયા ચાલુ થઇ જાય. બસ આખો દિવસ આજ કરવાનું. સ્કૂલ માં એ વખતે કંઈ અત્યારના જેવું ન હોય કે A ,B ,C ,D , કક્કો કે પછી ચોપડીઓ આખો દિવસ ચાલે અને અત્યારે તો રમત પણ કેવી કે વાગી ન જાય , બેસીને રમો પડી ન જવાય. નાસ્તો પણ કેવો! બ્રેડ ,બિસ્કિટ ... પ્રોફેશનલ બાળપણ કહેવાય.
સ્કૂલે થી પાછા ઘરે પહોંચો ત્યારે કપડાનો તો કલર જ બદલાઈ ગયો હોય અને હા સ્કૂલે થી ઘરે આવો એટલે દાદા-દાદી કે મમ્મી- પપ્પા કોઈ તો પૂછે જ કે શું કરાવ્યું મેડમે કે સાહેબે બોલતો , તો આપણે જે થોડુંઘણું યાદ હોય એ બોલીએ કવિતા હોય કે જે કંઈ , વળી કેટલાક તો કંઈ જ ન બોલે , અને હા કેટલાક નું તો હજી રડવાનું જ ચાલુ હોય અને ખાસ લોકો તો રોજ એકના એક જ જવાબ આપે અને પછી નાસ્તો કરી આપણી દુનિયામાં રમકડાં ,માટી,થપ્પો,દોડ-પકડ, સ્લેટ પેન અને હા કપડા કોને બદલવાના આપડે નઈ. કોઈકને તો સાયકલ મળી હોય તો એ ચલાવે અને આપણે જોઈ રહેવાનું અને કદાચ ક્યાંક આંટો મળી જાય તો એતો આપણો પાક્કો ભાઈબંધ. નાનો કપડા ધોવાનો ધોકો એ આપણું બેટ હોય અને દડી/દડો બેટ પણ રમવાનું , ક્યાંક જો કુતરા ના ગલૂડિયાં હોય તો એની સેવામાં પાછળ પાછળ , બિચારું ગલૂડિયું કંટાળે કે આ ક્યારે છોડશે ! અને એમાં પણ કેટલાક તો બીકણ હોય. ઉનાળામાં ૧ રૂપિયાવાળી પેપ્સી ચૂસવાની અને સાંજે કુલ્ફીવાળો આવે એટલે જીદ કરીને પણ લેવાની ખરી પછી ભલેને નાકમાં કુલ્ફી જામી જાય. શું અનોખી મજા હતી એ બાળપણની , ન કોઈ ખાસ ભણવાની ચિંતા કે ન તો કંઈ કામ કરવાની ચિંતા , બસ એજ વર્તમાન સમયની મજા માણવાની. સોસાયટી કે શેરી માં ક્યાંક કોઈને ઘરનું કામકાજ ચાલતું હોય અને ત્યાં રેતી નો ઢગલો હોય તો પછી શું! બધુંજ ભૂલી જવાનું એ ઢગલો જ આપણો મહેલ, એમાં ખાડા કરવાના , ગુફાઓ બનાવવાની અને બીજાનો હાથ કે પગ એમાં દબાવવાનો અને એ રડે નહિ ત્યાંસુધી કાડવાનો પણ નહિ. રાત્રે ઘરે આવીએ એટલે આખું શરીર માટી જ માટી હોય પછી કોઈક ન્હાવા તૈયાર થાય કે ન પણ થાય. કોઈને જબરજસ્તીથી નહાવું પડે અને પછી પાછા તૈયાર, તો આ હતી આપણા બાળપણ ના પહેલા વર્ષ ની મોજ.