માનવસ્વભાવ - 6 - દેખાડો પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનવસ્વભાવ - 6 - દેખાડો

મણિનગર વિસ્તારના સ્કાય વ્યુ બિલ્ડીંગસમાં આજ સવારથી જ ખૂબ ભીડ જામેલી હતી. આસપાસની સોસાયટીના લોકો પણ અહીં જ જમા થયેલા હતા. એવામાં અચાનક પોલીસની ગાડી સાયરન વગાડતી આવીને ઉભી રહી. એક પી.આઈ. ગાડીમાંથી બહાર ઉતર્યો. સાથે ત્રણ કોન્સ્ટેબલ પણ ઉતર્યા. બિલ્ડીંગમાં અંદર જઈ લિફ્ટ બોલાવવા માટે બટન પ્રેસ કર્યું. લિફ્ટનો દરવાજો જેવો ખુલ્યો કે પી.આઈ. વોરા સાહેબ અને 2 કોન્સ્ટેબલ અંદર ગયા. ત્રીજો નીચે રોકાઈને ભીડને કાબુમાં રાખવાના પ્રયત્નો કરવા લાગ્યો. લિફ્ટમાં એમણે 8માં માળનું બટન દબાવ્યું. લગભગ 1 મિનિટ પછી એ સૌ 8માં માળ પર હતા. લિફ્ટનો દરવાજો ખોલી એ ડાબી સાઇડ પર આવેલ મકાનમાં ગયા. ઘટના સ્થળ પર એક ઊડતી નજર કરી એ ફોન કરનાર વિશે પૂછવા લાગ્યા.
નજીક ઉભા રહેલ 4 જણમાંથી એક આગળ આવ્યું અને બોલ્યું, "સર મેં જ તમને ફોન કર્યો હતો."
"હા તો બોલો મિ..."
"સર. રમેશ ત્રિપાઠી...."
"હા તો બોલો, તમને ઘટનાની જાણ કેવી રીતે થઈ?"
"સર હું સવારે મોર્નિંગ વોક કરવા ઘરની બહાર નીકળતો જ હતો કે અહીં આવી હાલત જોઈ અને તમને ફોન કર્યો."
"ઘર મલિક કોણ છે? ક્યાં છે? એમને ઘરની આ હાલત વિશે ખ્યાલ છે કે નહીં???"
"સર. સુધીર વ્યાસ. એ અને એમનો પરિવાર તો અઠવાડિયા પહેલા થાઈલેન્ડ ગયા હતા. કાલે આવવાના છે."
"ઓહ. તો લાગે છે કોઈને ખબર હતી એમના બહાર જવા વિશે. એટલે જ ઘરફોડી માટે એવો સમય પસંદ કર્યો. ખેર એ જાણી શકું મિ. ત્રિપાઠી કે આ બધું થયું ત્યારે તમે ક્યાં હતા??"
"સર મેં જ તમને ફોન કર્યો અને તમે મારી પર જ શક કરો છો?" હવે ફોન કરનાર શખ્સ હાંફળોફાંફળો થઈ ગયો.
"ના. આ વાત અજીબ નથી લાગતી કે તમારા પાડોશી ઘરમાં રાત્રે ચોર આવ્યા. દરવાજાનું લોક તોડ્યું. ઘરની માલમત્તા લઈ ગયા. અને તમને આ વિશે છેક સવારે જાણ થઈ!!! અહીં સુધી કે વોચમેન કે બિલ્ડીંગના અન્ય કોઈને ખ્યાલ નથી..."
એટલામાં બિલ્ડીંગનો મેઇનટેનન્સ સેક્રેટરી આગળ આવ્યો અને બોલ્યો, "સર હું કેળકર, બિલ્ડીંગનો સેક્રેટરી. સર વોચમેન કાલે રજા પર હતો અને દિવાળીને કારણે બિલ્ડીંગના ઘણા-ખરા ઘર આજે બંધ છે. એમના ઘરે કઈ નહિ ને અહીં જ આટલી મોટી ચોરી થઈ. કંઈ સમજ નથી આવતું...."
આ વાત સાંભળી કે પી.આઈ. સાહેબ વિચારમાં પડી ગયા. જો એટલા ઘર બંધ હોય જ તો ચોરી અહીં જ કેમની થઈ? અહીં સુધી કે કોઈને ખબર પણ ન પડી. ખેર ત્યાંની વિગતો નોંધી, સાક્ષીનું કથન લઈ, એફ.આઈ.આર કરી એ પોતાના સ્ટેશન પરત ફર્યા. આ કેસ ખુલતા કદાચ વાર લાગશે એવી એમના મનમાં આશંકાઓ જાગી.

દિવાળીને હજુ અઠવાડિયું જ વીત્યું હતું, ત્યાં આવા બીજા 4 થી 5 કેસનો ખડકલો થઈ ગયો. અને પી.આઈ સાહેબ મૂંઝાયા. એમને લાગ્યું કે આ કઈ નવી ઘરફોડીની ગેંગ સક્રિય થઈ છે કે શું? જાણવા માટે એ બધા કેસોની ફાઇલ પર નજર કરી તો જાણવા મળ્યું કે આ બધા કેસોમાં એક વાત સામાન્ય હતી, ઘરમાલિક ઘરે ન હોય અને પાડોશી પણ ખૂબ ઓછા હોય ત્યારે જ આ ઘટનાઓ બનતી હતી. ઉપરથી એક જગ્યાએ ચોરી થઈ ત્યારે લાગ્યું કે આમાં જરૂર કોઈ અંદરનું મળેલું હશે પણ અહીં તો દરેક કેસ એકબીજાથી અલગ વિસ્તારમાં હતો, પી.આઈ. સાહેબના એરિયા સિવાયના વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ ખૂબ બની હતી.

સ્કાય વ્યુ સોસાયટીની ઘટનાને એક મહિનો થઈ ગયો હતો. સુધીર વ્યાસ અને આવા જ બીજા કેસોના ઘરમાલિક અવારનવાર પી.આઈ. વોરા સાહેબની મુલાકાત લેતા. એમના ઘરનો જે સામાન ચોરી થયો હતો એમાં 7 થી 8 લાખના ઘરેણાં જ હતા. એ કેસ સુલઝવાનું નામ લઈ રહ્યો નહતો. શહેરના બધા ચોરો અને ગુનેગારોની પૂછતાછ કરવામાં આવી ગઈ હતી. તેમ છતાં અસલી ગુનેગાર સુધી ન પહોંચાયું.

એવામાં અચાનક ઘોડાસરની જ એક રોયલ સોસાયટીમાંથી એક ફોન આવ્યો, એ વ્યક્તિનો અવાજ ખૂબ ગભરાયેલો માલુમ પડી રહ્યો હતો, "સર હું રોયલ સોસાયટીનો રહીશ છું. હું ઘરે આવ્યો તો ઘરમાં કોઈ હલચલ લાગે છે. તમે જલ્દી આવો. એ પહેલાં કોઈ..."
આવો ફોન આવ્યો કે વાત કરતા કરતા જ વોરા સાહેબ પોતાની જીપમાં બેસી દસ મિનિટના ટૂંકા સમયમાં જ એ ત્યાં પહોંચી ગયા.
ફોન કરનાર વ્યક્તિ પોતાના ઘરથી બહાર થોડાક અંતરે ઉભો હતો. એની પાસેથી વાત જાણતા જ અંધારિયા ઘરમાં દબા પગલે ઘુસી એમણે ચોરોને પકડી લીધા. બે ચોરોને રંગેહાથો પકડ્યા બાદ એમણે બંનેને ત્યાં જ એક તમાચો ઝડી દીધો. ત્યારબાદ જે વ્યક્તિએ ફોન કર્યો હતો એ જયેશ અંદર આવ્યો. વોરા સાહેબે એમને કહ્યું, "તમારા લીધે આજે આ ચોરો પકડાયા છે. આ લોકોએ કેટલાય દિવસથી અમારી ઊંઘ હરામ કરી દીધી હતી."
ત્યારબાદ એ ચોરો તરફ જોઈ બોલ્યા, "તો હવે તમે લોકો કહેશો કે બાકીની માલમત્તા ક્યાં સંતાડી છે કે હું મારી રીતે જાણું????"
એમાંથી એક ચોર બોલ્યો, "ના ના સાહેબ મારશો નહિ. અમે બધું સોંપી દઈશું...."
વોરા સાહેબ ગુસ્સામાં જ બીજા ચાર તમાચા જડીને બોલ્યા, "સાલા તારામાં પોલીસનો માર ખાવાની તાકાત નથી ને ઉપડ્યો ચોર બનવા. બોલ તને કઈ રીતે જાણ થઈ કે એ લોકો ઘરે નથી? આટલી માલમત્તા મળશે જ એ કઈ રીતે ખાતરી હતી? બોલ....."
વોરા સાહેબનો સખત ચહેરો જોઈ એમાંથી એક બોલ્યો, "સાહેબ એ લોકો એમના ફેસબુક પર ટાઇમલાઈન મુક્તા હતા. એટલે..... અમે બસ એ જોઈને એ પ્રમાણે ઘરમાં દરોડા પાડતા.. અને એમાં ફોટા પણ હોય એ પરથી માહિતી મળતી હતી માલમત્તા વિશે."
"અચ્છા તો આ વખતે ફેસબુક નહતું જોયું કે શું???" વોરાસાહેબ હવે હસતા-હસતા બોલ્યા.
"હા સાહેબ જોયું હતું. આ લોકોએ ફ્રેન્ડની પાર્ટીમાં આલોક હોટેલમાં ચેકઇન કર્યું હતું. અમને લાગ્યું 3 કલાક મળી રહેશે એટલે અમે ઘરફોડી કરવા ગયા અને....."
હવે વોરાસહેબે જયેશ સામે જોયું, તો એ બોલ્યો, "હા ચેકઈન તો કર્યું હતું, પણ મારી વાઈફના ડ્રેસ પર કોઈકે કોલડ્રિન્ક ઢોળ્યું તો અમે લોકો પરત ફરી ગયા....."
હવે વોરાસહેબ પોતાનું પેટ પકડી હસવા લાગ્યા. કેટલાક દેખાડો કરનાર મૂર્ખાઓને કારણે અને ટેકનોલોજીની મદદથી કેવા-કેવા ગુના થઈ શકે છે? એ હવે એમને અને ત્યાં હાજર લોકોને પાકા પાયે ખ્યાલ આવી ગયો.

(ટેકનોલોજી માનવીની સરળતા ખાતર બની હતી, પણ આપણી મૂર્ખામી અમુક વસ્તુઓને નેક્સ્ટ લેવલ પર લઈ ગઈ. ચોરી ખૂબ નાનો ગુનો હોઈ શકે છે અપહરણ અને ખૂનની સામે. પણ આપણી પેઢીની વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં દેખાડો કરવાની આદત હવે આવા દૂષણોને આપણી તરફ આકર્ષી રહી છે. એ માટે આ ઘટનાઓ એક ખતરાની ઘંટડી સમાન છે.)

ટૂંકીવાર્તાઓ