ગત ભાગ- ૧ માં આપણે માનસ ની સંઘર્ષ યાત્રા જોઈ,સફળતાની યાત્રા જોઈ.. જોયું કે માનસ ફકત ધોરણ ૮ નાપાસ હોવા છતાં આર્થિક સમૃદ્ધિ ની ટોચે છે અને એ ધન પણ નીતિ ધર્મ ના રસ્તે મેળવેલું છે. સતત સંઘર્ષ પુરુષાર્થ અને લક્ષ ને પ્રાપ્ત કરવાની જીજીવિષા માનસ ના વ્યક્તિત્વ માં ઠાંસી ઠાંસીને ભરી પડી છે. કોઈ પણ માણસ ને પોતાનો બનાવવાની જાદુઈ લાકડી માનસ પાસે છે અને એ જ છે તેની સફળતાનું રહસ્ય. બચપણ થી લોઢા સાથે ની તેની મથામણે તેને આ મુકામે પહોંચાડી છે. દરેક વ્યક્તિ સાથેનો તેનો વ્યવહાર ખૂબ જ ઉદારતાભર્યો અને સહ્રદયતા થી ભરપૂર હોય છે,નહિતર ગામડામાં ખેતીકામ કરતા ભગવાન બાપા નો પુત્ર જે ભણવામાં ઠોઠ સાબિત થયેલો.. તે માનસ વિશે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ માનસ એક દિવસ આખા કુટુંબ ને ગૌરવ અપાવશે.
કહેવાય છે કે સરસ્વતી અને લક્ષ્મી બન્ને નો જે ઘરમાં વાસ હોય તે ઘર મંદિર બની જાય છે. માનસનું ઘર આવું જ એક મંદિર હતું, ખાલી લક્ષ્મી સુખ આનંદ આપે તેવું નથી હોતું,સારા સંસ્કારો સાથે ના બાળકો પરિવાર માટે કુબેર નો ભંડાર જ ગણાય અને તે મુજબ માનસ ને ભગવાને રામ લખન જેવા બે સુંદર બાળકો આપ્યા હતા કૃણાલ અને સુનીલ. બન્ને પિતાના પગલે પગલે ચાલતા હોય તેમ અત્યંત નિરાભિમાની મૃદુ સંસ્કારી હતા. એમાંય કુણાલ નો ચહેરો તો...ખાસ એવો કે... વહેતી નદી ના પ્રવાહ જેવું હાસ્ય તેના ચહેરા ઉપરથી ખસે જ નહિ. મોનાલીસા જેવું તેનું હાસ્ય તેના બિઝનેસમાં ચુંબકીય અસર ઉભી કરતું હતું. એમ છતાં ધીર ગંભીર પ્રકૃતિ, શાંત સ્વભાવ અને બિઝનેસ ની નાનામાં નાની વાત ને ઉંડાણપૂર્વક સમજવાની શક્તિ બિલકુલ માનસ જેવી જ હતી. બન્ને બાળકો જાણે માનસ નું જ પ્રતિબિંબ હોય તેવું લાગતું હતું, માનસ ના પત્ની ને બિઝનેસ માં કંઇ ખબર પડે નહિ પરંતુ તેઓ એટલું જાણતા કે મારા પતિ માનસ સાથે મારે ખભેખભો મિલાવી ને ચાલવું અને માનસ સાથે હું દરેક સુખ-દુઃખ અને સંઘર્ષ માં અડીખમ અણનમ ઉભી રહીશ અને એ જ સપોર્ટ માનસ ની શકિત નું કેન્દ્ર બિંદુ બની જતો હતો, માનસ ના પત્ની માનસ ની જોડે હમેંશા ઉભા રહેતા.. એ પછી રાત્રે ૩ વાગે માનસ માટે સુખડી બનાવી ડબ્બા માં ભરી આપવાની વાત હોય કે પછી સુરત થી મોડી રાત્રે ઘેર આવતા માનસ માટે ગરમા ગરમ જમવાનું બનાવવાની વાત હોય તે હંમેશા હસતા મોઢે તૈયાર જ હોય. માનસ ની આ સંઘર્ષ યાત્રા માં એક સમય એવો પણ આવ્યો કે ઘરમાં શાકભાજી માટે ફકત ૧૦૦ રૂપિયા ઉછીના લેવાનો વખત પણ આવ્યો. માનસ ના ફુઆ નાણાકીય સક્ષમ હતા, તેમના તરફથી સ્ટ્રોંગ સપોર્ટ માનસ ને મળ્યો. કહેવાય છે કે જેની નીતિ રીતિ સાચી અને જે ધર્મ ના માર્ગે ચાલતો હોય તેને બધે થી મદદ મળતી જ હોય છે. ભગવાન ના આશીર્વાદ સદેવ આપણી ઉપર હોય જ છે પરંતુ આ આશીર્વાદ ઝીલવાનું પાત્ર પણ આપણી જોડે હોય એ એટલું જ જરૂરી છે. આશીર્વાદ મેળવવાની પાત્રતા પણ આપણે જ કેળવવી પડે છે.. માનસ આ બધા ગુણો થી સમૃધ્ધ હતો.
બન્ને બાળકો કુણાલ અને સુનીલે યુવાની માં પગરણ માંડી દીધા હતા અને પિતાના નકશે કદમ પર ચાલી રહ્યા હતા. તેઓ બન્ને સમજતા હતા કે આજે ૨૫૦૦૦ ની નોકરી મેળવવા દોડધામ કરવી પડતી હોય તેવા સમયે તેમના પપ્પા એ તેમને એક તૈયાર બિઝનેસ પ્લેટફોર્મ આપી દીધું છે તે ઘણી મોટી વાત છે. પૂરા ૩૫ દેશો માં માનસ ની પ્રોડક્ટ export થતી હતી.
માનસ નું હુલામણું નામ મનસુખ હતું,બચપણ નું તેનું લાડકું નામ મનસુખ હતું. જેણે મન ઉપર વિજય મેળવી સુખ પ્રાપ્ત કરેલ છે તે મનસુખ. કુટુંબ ને સાથે લઈને ચાલવાની મનોવૃત્તિ અને ઘરના દરેક સભ્ય ને આગવી સ્વતંત્રતા આપવી તેવું વલણ માનસ નું હમેંશા રહેતું અને આ જ કારણ કુટુંબ ને જોડી રાખવા પર્યાપ્ત હતું.
આજે પણ માનસ ની કંપનીમાં જૂના માં જૂનું લેથ મશીન કે જે ધંધાની શરૂઆતમાં માનસે ખરીદેલું હતું તે હયાત છે તે મશીન માનસ ને તેના સંઘર્ષ પૂર્ણ દિવસોની યાદ તાજી કરે છે. સવારે ૩ વાગે બસમાં ધંધાના કામે સુરત જવા નીકળતો માનસ ઘણી વાર બીજા ત્રીજા દિવસે ઘેર પરત આવતો. બહારના નાસ્તા પાણી બિલકુલ નહી ખાતો માનસ ઘણીવાર ભૂખ્યા સૂઈ જતો, તો ક્યારેક પત્ની એ ડબ્બા માં ભરેલી સુખડી ના બે બટકા ખાઈ સૂઈ જતો. એક જ ધ્યેય.. એક જ લક્ષ.. આગળ વધવું અને લક્ષાંક ને પાર કરવું, ઘણીવાર પોતાના ધંધાકીય હરીફ ને પણ મદદ કરી ને પોતાની ઉદારતા નું ઉદાહરણ તેણે પૂરું પાડ્યું છે.
આજે સંપતિ સમૃદ્ધિ ની ટોચે હોવા છતાં જૂના દિવસોને માનસ ક્યારેય ભૂલી શકતો નથી, "ડાઉન ટુ અર્થ" રહેવા ટેવાયેલો માનસ પોતાના નિરાભિમાની વ્યક્તિત્વ ની મિશાલ બની રહ્યો છે તે નિર્વિવાદ છે
- રસિક પટેલ
સેટેલાઈટ,અમદાવાદ