ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 12 અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 12

ટ્વિંકલ આ દ્રશ્ય તેની સામે બની રહ્યું હોય તેમ જોઈ રહી હતી. તેણે ધ્યાન કેન્દ્રિત કરીને આગળની ઘટના જોવાનો પ્રયત્ન કર્યો. રાજા વિશ્વરનો રથ સમુદ્રના તળિયા તરફ આગળ વધી રહ્યો હતો. એક પ્રહર જેટલો સમય પસાર થઈ ગયાં પછી રથ અટકી ગયો

સામે એક સુવર્ણથી બનેલો વિશાળ દ્વાર હતો. સૌપ્રથમ ચંદ્રકેતુ રથમાંથી નીચે ઉતર્યો અને તેણે રાજા વિશ્વર અને રાણી વૃંદાને રથમાંથી નીચે આવવા માટે કહ્યું.

તે બંને રથમાંથી નીચે આવ્યા એટલે તે રથ અદ્રશ્ય થઈ ગયો. આ જોયા પછી રાજા વિશ્વરે ચંદ્રકેતુ સામે જોયું. ચંદ્રકેતુએ કહ્યું, “મહારાજ ચિંતા ના કરો, આ દ્વારની બીજી તરફ આપનું રાજ્ય છે. આપ મારી સાથે આવો.” આટલું કહીને ચંદ્રકેતુ તે સુવર્ણ દ્વાર પાસે આવ્યો એટલે તે દ્વાર ખૂલી ગયો.

ચંદ્રકેતુની પાછળ રાજા વિશ્વર અને તેમની પત્ની વૃંદા દાખલ થયાં. દ્વારની બીજી તરફનું દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા વિશ્વરે પાછળ ફરીને સુવર્ણ દ્વાર તરફ જોયું તો તે દ્વાર બંધ થઈને અદ્રશ્ય થઈ ગયો. તે દ્વારના સ્થાને એક પારદર્શક પદાર્થની દિવાલ બની ગઈ.

તેમણે જોયું કે સામે એક વિશાળ નગર હતું. નગરની ઉપરની બાજુએ સમુદ્રનું વાદળી રંગનું પાણી હતું. પણ તે પાણીને કોઈ આવરણે રોકી રાખ્યું હતું. થોડું ધ્યાનથી જોતાં સમજ્યું કે એક છત તે પાણીને રોકી રહી હતી.

થોડીવાર સુધી રાજા વિશ્વરે તે દિવાલની ઊચાઇને માપવાનો પ્રયત્ન કર્યો ત્યારે ચંદ્રકેતુએ કહ્યું, મહારાજ આ દિવાલ હજારો મરકત મણિથી બનાવવામાં આવી છે. આ દિવાલ આખા નગરની બધી બાજુએ આવેલી છે અને નગરની ઉપર તરફ છત પણ મણિની બનેલી છે. જેથી મહાસાગરનું પાણી નગરમાં આવી શકે નહીં. આ આપનું જ રાજ્ય છે જેનું વરુણદેવે અહી સમુદ્રના તળિયે સ્થાનાંતર કરી દીધું છે. હવે આપ આગળ મારી સાથે આવો. હું આપને રાજમહેલ તરફ લઈ જાવ છું. આટલું કહીને ચંદ્રકેતુએ એક ચપટી વગાડી એટલે ત્યાં એક રથ આવી ગયો.

ચંદ્રકેતુએ એક ચપટી વગાડી એટલે એક રથ ત્યાં પ્રગટ થયો જેની સાથે ચાર શ્વેત અશ્વ જોડેલા હતાં. ચંદ્રકેતુએ રાજા વિશ્વર અને રાણી વૃંદાને તે રથ પર સવાર થવા માટે અરજ કરી. તે બંને રથ પર સવાર થયાં પછી ચંદ્રકેતુ સારથિના સ્થાને બેસીને રથ હાંકવા લાગ્યો.

વિશ્વર અને તેની પત્ની વૃંદા માર્ગની બંને બાજુ આવેલી ઇમારતોને જોવા લાગ્યા. આખું નગર તેમને પરિચિત લાગી રહ્યું હતું. એક ઘડી જેટલો પસાર થયાં પછી રથ એક સ્થાને રોકાઈ ગયો. ચંદ્રકેતુએ રાજા વિશ્વરને નીચે ઉતરવા માટે કહ્યું.

રથ જ્યાં રોકાયો હતો ત્યાં એક વિશાળ ખુલ્લું મેદાન હતું. ચંદ્રકેતુ નીચે ઉતર્યો એટલે ત્યાં એક તેજસ્વી પ્રકાશપૂંજ પ્રગટ થયો. એક ક્ષણ પછી તે એક માનવ આકૃતિમાં ફેરવાઇ ગયો. આ જોઈને ચંદ્રકેતુએ તરત તે આકૃતિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
વિશ્વર અને વૃંદાએ આ જોઈને તેનું અનુસરણ કર્યું. થોડી ક્ષણો પછી તે ત્રણેયને એક અવાજ સંભળાયો.

“ઊભા થાવ મારા ભક્તો. હું તમારી ઈચ્છાને પૂરી કરવા માટે અહી આવ્યો છું.” આ અવાજ સાંભળીને તે ત્રણેય ઊભા થયાં. રાજા વિશ્વરે જોયું તો સામે એક વૃદ્ધ પણ પડછંદ કાયા ધરાવતો વ્યક્તિ છે. તેમને જોઈને રાજા વિશ્વર અને તેમની પત્ની વૃંદા સમજી ગયાં કે તે વ્યક્તિ સાક્ષાત ક્ષીરસાગર સમુદ્રદેવ હતાં. જે રાજા વિશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે તેમને દર્શન આપવા માટે આવ્યા હતાં.


સમુદ્રદેવના દર્શન કરીને રાજા વિશ્વર એક ક્ષણ માટે ભાવુક થઈ ગયા તેમણે ફરીને સમુદ્રદેવને પ્રણામ કર્યા અને કહ્યું, "હે દેવ, આજે હું આપના દર્શન કરીને ધન્ય થઈ ગયો છું. મારી તપસ્યા આજે પૂર્ણ થઈ ગઈ છે. હવે મને કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ નથી રહી.