મંગલ - 23 Ravindra Sitapara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંગલ - 23

મંગલ
Chapter 23 -- જે થાય એ સારા માટે જ થાય છે.
Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
ravisitapara.blogspot.com
M. 7567892860






-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ ત્રેવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. સુરેશભાઈની દુકાને બે વર્ષોથી કામે રહેલો મંગલ પોતાની કામથી પોતાની વિશેષ જગ્યા બનાવે છે. બે વર્ષે તે પોતાનાં ઘરે પાછો ફરે છે અને પોતાની મા ને મળે છે. આગળ હવે શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ત્રેવીસમું પ્રકરણ
મંગલ Chapter 23 – જે થાય એ સારા માટે જ થાય છે.







Chapter 23 – જે થાય એ સારા માટે જ થાય છે. ગતાંકથી ચાલું...
કોઈ સમાચાર વગર અચાનક જ તે ઘરે આવ્યો હતો. લાખીબહેન ડેલીએ ઊભા ઊભા સજળ નેત્રે મંગલને જોતાં રહ્યા. આગલા બે વર્ષ સૂધી તો ઘરે એક કાગળ લખીને મોકલી દેતો. લાખીબેન તો ભણેલા નહીં એટલે તેની ચિઠ્ઠીઓ ધાની વાંચી સંભળાવતી. ધાનીનાં રૂપમાં લાખીબેન મંગલને પોતાની પાસે જ છે એમ મનને મનાવીને રહેતા. મંગલને રજા પણ ખૂબ ઓછી મળતી અને બે દિવસનો વધારે સમય તો ખાલી મુસાફરીમાં જ નીકળી જતો. પૈસા બચાવવાની ટેવ પણ અછતનાં સમયમાં કંજૂસાઈનું રૂપ લઈ લેતી હોય છે. મંગલ સાથે પણ એવું જ થતું. વર્ષમાં એક વખત જ્યારે ઘરે જવાનું મન થતું તો મુસાફરીનાં પૈસા બચાવી લેવાનો વિચાર આવતો પણ અંતે બે વર્ષ પછી રહેવાયું નહીં ને મંગલ ઘર તરફ નીકળી પડ્યો.
“માડી... ?”ઘણા સમય પછી મા ને જોતા મંગલ ખાલી એક જ શબ્દ બોલી શક્યો.
“મંગલ... મંગલ. તું આવી ગયો. બહું રાહ જોવડાવી આ વખતે તો. કેમ ? હવે તારા શેઠ તને રજા નથી આપતા ? કેટલા મહિના વીતી ગયા તને જોયા એને ? કેમ આવ્યો નહીં ? માડી યાદ જ ના આવી તને ?” એક શ્વાસે લાખીબહેને પોતાની ફરીયાદ મંગલને કરવા લાગ્યા.
“માડી... માડી... હવે હું આવી ગયો છુ. મને અંદર તો આવવા દે.” ડેલે ઊભેલા મંગલે મા ને અટકાવતાં કહ્યું.
દીકરાનો હાથ પકડીને મા તેને ઘરમાં લઈ ગઈ. ફળિયામાં ખાટલો ઢાળીને મંગલ થાક ખાવા બેઠો. લાખીબહેન માટલાંમાથી એક કળશ્યામાં પાણી ભરીને મંગલને પીવા આપ્યું. જૂની પુરાણી સાડીના પાલવથી દીકરાનાં માથા ઉપર વળેલો પરસેવો લૂછતાં કહ્યું, “બહું દૂબળો થઈ ગયો છે. ખાતો પીતો નથી કે શું ? શેઠિયા આખો દિવસ કામ જ કરાવતા લાગે.”
“માડી, એવું કંઈ નથી. શેઠ બહું સારા છે. પગાર પણ પહેલા કરતાં ઠીક ઠીક સારો છે. આ તો તારા હાથનો રોટલો નથી ખાવા મળતો એટલે...”
“મારો દીકરો” માથે હાથ ફેરવતા લાખીબહેન બોલ્યા, “બહું મહેનત કરતો થઈ ગયો છે. ઘણો બદલાઈ ગયો બહાર જઈને. હવે તો મારી પાસે રહીશ ને ? કેટલા દિવસ રોકાવાનો ? એક મહિનો તો રોકાઈશ ને ?”
મંગલ થોડી વાર રોકાઈને બોલ્યો, “માડી, હવે હું વહાણ તોડવાનાં કામમાં નથી. એક ફર્નિચરની દુકાને કામ કરું છું. એ કામ છોડી દીધું એને બે વર્ષ થઈ ગયા. નવી જગ્યાએ વધારે રજા મળતી નથી એટલે હવે મહિનો તો નહીં રોકાઈ શકાય પણ આ તહેવાર પૂરતી રજા મળી છે. પછી જવું પડશે.”
“કામ છોડી દીધું ? કેમ ? પહેલી જગ્યાએ તો મહિનો મળતો તો ત્યાં જ રહેવાય ને ? થોડા પૈસા ઓછા મળત તો અહીં ચલાવી પણ લેત. આ તો બે બે વરહ સૂધી તારું મોઢું જ નથી જોયું.” બોલતાં બોલતાં લાખીબહેને મંગલનો હાથ પોતાની હથેળીમાં લીધો પણ ત્યાં જ લાખીબહેન અટકી ગયા. કંઈક ખૂટતું હોય તેવું લાગ્યું. હાથ તરફ તેણે નજર ફેરવી અને તે આઘાત પામી ગયા. મંગલનો ડાબા હાથનો અંગૂઠો કપાયેલો હતો. તેની ઉપર કોઈ ઘા નું નિશાન પણ ખાસ તાજું જોવા મળતું ન હતું. લાખીબહેન થોડું ઘણું સમજી ગયા કે આ ઘા થોડો જૂનો છે. તેણે મંગલનાં મોઢા તરફ નજર નાખી.
મંગલ આમ તેમ કશું ન બન્યું હોય તેમ જોવા લાગ્યો પણ હવે વધુ સમય સાચી વાત છુપાવી શકાય તેમ નથી તેવું તે સમજી ગયો.
“મંગલ ?” આ શું છે ? તારો અંગૂઠો ? કેવી રીતે ? આ બધુ કેવી રીતે બની ગયું ? અને તે મને કંઈ કહ્યું કેમ નહીં ?”
“માડી, છોડ ને. આ તો જૂનું થઈ ગયું. આ તો વહાણ પર પતરું લાગી જવાથી કપાઈ ગયો હતો. બીજું કશું થયું ન હતું. તું ચિંતા ન કર.” મંગલે હળવાશથી કહ્યું.
“ધ્યાન રાખતો હો તો ? જોતાં આખો અંગૂઠો કપાઈ ગયો. અને તે મને કહ્યું પણ નહીં. હવે ત્યાં કામ ના કરતો.” લાખીબહેન વિહવળ થઈને બોલી ઉઠ્યા.
“એટલું બધુ વધારે પણ ન હતું અને હવે તેને બે વર્ષ પણ થઈ ગયા. તમને જાણ કરત તો નાહકની ચિંતા કરીને બેઠા રહેત. અને હવે હું ત્યાં કામ પણ કરતો નથી. એ બધુ છોડ. મને ભૂખ પણ બહુ લાગી છે. શું બનાવ્યું છે બોલ બોલ ?” વાતને વાળી દેતા મંગલે કહ્યું.
“રોટલો ને રીંગણાનો ઓળો બનાવ્યો છે. તું નાહી ધોઈને આવી જા. વાળું બનાવીને જ રાખીશ.” લાખીબહેને કહ્યું.
મંગલ થાકી ગયો હતો. તે સીધો ન્હાવા ગયો. લાખીબહેન આજે ઘણા ખુશ હતા. ખુશી તેનાં ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. પ્રસન્ન વદને તે રોટલા ટીપી રહ્યા હતા. મંગલ આવીને સીધો વાળું કરવા જ બેસી ગયો. લાખીબહેન તેને કોળિયો ભરીને ભરીને જમાડતા રહ્યા. આજે ઘણા સમય પછી મંગલે ધરાઈને ખાધું. મીઠો ઓડકાર આવ્યો અને અન્નની સંતૃપ્તિ થઈ.
રાત્રિ થઈ ચૂકી હતી. અગાસીએ ખાટલા પર સૂતા સૂતા ઠંડી હવાનાં ઝોકા સાથે તે આકાશનાં તારા સામે જોઈ રહ્યો હતો. દરિયાનાં મોજાઓનો ઘેરો અવાજ આવી રહ્યો હતો. બે વર્ષે તે ઘરે સૂતો હતો એનો આનંદ હતો. કિનારે લાંગરેલ હોડીઓને તે જોઈ શકતો હતો. અને સામે દૂર દૂર પાકિસ્તાનની કેદમાં રહેલા બાપાની મુક્તિ જેવુ દુષ્કર કાર્ય પણ હજું કરવું બાકી હતું. પોતાનાં હાથમાં તે ન હતું. કેમ કરવું ? શું કરવું ? ચિંતા પણ મન પર ફરી વળી. નિરાશા તેમનાં વદને ફરી વળી હતી. અંતે મનમાં વિચારો કરતાં કરતાં સૂઈ ગયો.
સવાર પડી. સૂર્યનો પ્રકાશ મોઢા પર પડતાં તેની ઊંઘ ઊડી ગઈ. તે નીચે ઉતર્યો. દૈનિક ક્રિયા પતાવીને તેણે સવારનું શિરામણ કર્યું. દીવાલ પર ટાંગેલ બાપુનાં ફોટા સામે જોઈને મંગલની આંખોનાં ખૂણા ભીના થઈ ગયા.
“મંગલ, દીકરા ?”
મા નો અવાજ કાને પડતાં જ તેણે ઝટપટ આંખો લૂંછી નાખી.
“હા માડી !”
“બેટા, તહેવાર આવી ગયો છે. કાલે ધન તેરસ છે, પછી કાળી ચૌદશ અને દીવાળી છે. ખરીદી ઘણી કરવી છે. તું આવ્યો છે તો આ વખતે તને ભાવતા લાડવા બનાવવા છે. એનાં માટે બજારમાંથી વસ્તુ લેવાની છે. એ લઈ આવ ને !” મંગલને થેલી આપતાં લાખીબહેન બોલ્યા.
“હમણાં લઈ આવું.” મંગલ આટલું બોલી થેલી લઈને બજાર ભણી નીકળી ગયો. લાખીબહેન ફરી કામે વળગી ગયા.
“શું વાત છે માડી ? આજે બહું ખુશ દેખાઓ છો ?
અચાનક કાને અવાજ પડતાં લાખીબહેન ચોંકી ગયા. સામે ધાની ઊભી હતી. મંગલની ગેરહાજરીમાં તેની લાકડી બનીને રહેલી પારકા ઘરની દીકરી પણ જાણે પોતાની સાથે કોઈ પૂર્વજન્મનો ઋણાનુબંધ હોય તેવો સંબંધ બંને વચ્ચે હતો. નાનપણમાં મંગલનાં તોફાનોની ફરીયાદ તે તેની મા ને કરવાને બદલે સીધી લાખીબહેનને રડતાં રડતાં કરી દેતી. લાખીબહેન મંગલનો કાન પકડીને ‘મારી દીકરીને હેરાન ના કરતો હવે’ કહી તેને છાની રાખતી.
“ધાની ! આવ આવ દીકરી. સારું કર્યું તું આવી ગઈ. લે આ ઓછાડનો છેડો પકડ.” હાથમાં છેડો આપતાં કામ કરતાં કરતાં કહ્યું.
ધાનીએ છેડો હાથમાં પકડ્યો અને કામમાં મદદ કરવા લાગી. લાખીબહેનનાં ચહેરા પર લાંબા સમય પછી એક નવું તેજ અને સ્ફૂર્તિ જોવા મળતી હતી. ધાનીને નવાઈ લાગી.
“માડી, આજે કંઈ નવીન છે ? નવો ઓછાડ પાથર્યો છે. તમે આજે અલગ જ મૂડમાં છો.’’ ધાનીએ પૂછ્યું.
“રાજી થવાની જ વાત છે. તને ખબર છે મંગલ આવ્યો છે ?” ખુશ થતાં થતાં લાખીબહેન ઉત્સાહમાં બોલ્યા.
“સાચે ? ક્યારે આવ્યો ? આજે ?” ધાનીનાં ચહેરા પર ખુશી પથરાઈ ગઈ.
“કાલે, સાંજે આવ્યો.”
“અને તમે મને આજે કહો છો. આ તો હું આવી. ન આવી હોત તો મને તો કહેવાનું ભૂલી જ ગયા હોત ને ?” મીઠી ફરીયાદ કરતાં ધાનીએ પૂછ્યું.
“અરે ! એવું કંઈ નથી. આ તો તે પણ કંઈ કહ્યા વગર અચાનક જ આવી ગયો હતો. અગાઉ આવવાની ક્યાં ચિઠ્ઠી લખી હતી ? લખી હોત તો તને કહ્યું ન હોત. વાંચવાની તો તારી પાસે જ વંચાવી હોત ને ? મને ક્યાં વાંચતાં આવડે છે ? આયાં તો કાળા અક્ષર ભેંસ બરાબર.”
બંને હસી પડ્યા.
“માડી, તો તો આજે મંગલની પસંદનું ખાવાનું બનશે ને ?”
“હા હો ! એ એનાં માટે જ બજારમાં વસ્તુ લેવા ગયો છે.” લાખીબહેને કહ્યું.
“મંગલે તમારી સાથે તો તો ઘણી બધી વાતો કરી હશે ને ?” ધાનીએ પૂછ્યું.
“હા. ત્યાંનાં કામકાજની ઘણી વાતો કરી. હવે તો ઠીક ઠીક સારો પગાર પણ મળે છે. દરિયાદેવની કૃપા છે.” લાખીબહેને કહ્યું.
“બસ ? ત્યાંની જ વાતો કરી ?” પોતાની મનની વાતોને મનમાં છુપાવી ધાની બોલી.
“હા. ત્યાં હતો તો ત્યાંની જ વાતો કરે ને ! બિચારો ત્યાં કેમ કરીને પેટ ભરતો હશે એ મને જ ખબર છે. કામેથી આવીને જાતે રસોઈ બનાવે અને ખાય. હવે બાઈ માણહ જેવી રસોઈ તો ભાયડાઓથી થાય ? એમાં હવે તેને રજા પણ મળતી નથી. આખો દિવસ બિચારાને તોડાવી નાખે છે.”

“વહાણ ભાંગવાના કામ બહું આકરા તો હોય છે.” ધાની બોલી ઊઠી.
“વહાણનાં કામમાં હવે નથી. અંગૂઠો કપાયા પછી...” આટલું બોલતાં લાખીબહેન અટકી પડ્યા. ધાનીનાં કાન ચમક્યા.
“અંગૂઠો કપાયા પછી ? શું થયું મંગલનાં અંગૂઠાને ?”
“વધારે તો મને ય કંઈ કહ્યું નથી પણ પતરું લાગવાથી કપાઈ ગયો હતો. પછી એ નોકરી મૂકી દીધી અને હવે એ એક દુકાનમા કામ કરે છે. આ ટેબલ, ખુરશી, કબાટ, પલંગ વેચે છે એનો હિસાબ સંભાળવાનો.”
“ઓહ ! મંગલનો અંગૂઠો ! બહું ખરાબ થયું. હવે તો બધુ બરાબર હશે ને ? બીજું શું શું કહેતો હતો ?” દુ:ખ સાથે ધાનીએ પૂછ્યું.
“બીજું તો કંઈ કહેતો ન હતો.” લાખીબહેન તેનાં કહેવાનો મર્મ સમજી શક્યા નહીં. ‘કંઈ જ કહ્યું નહીં. મારા વિશે પૂછ્યું પણ નહીં ?’ તે સ્વગત બબડી. ‘શું મંગલ માટે હું જે વિચારું છું કે જે લાગણી મારા મનમાં છે એવી જ લાગણીઓ તેનાં મનમાં હશે ? કે પછી હું જ અમથી ગાંડી થઈને તેનાં વિશે વિચારું છું ?’ ધાનીને અપેક્ષા કરતાં અવળો જવાબ મળતા તે મનમાં જ પોતાને આવા પ્રશ્નો કરવા લાગી. પોતે જ વધુ પડતી ઉત્સાહી થઈ ગઈ હતી એમ વિચારીને તે પોતાનાં ઉત્સાહને ઝટ શાંત કરી દીધો.
“અરે ધાની ! એક વસ્તુ તો મંગલને કહેતા જ ભૂલી ગઈ.” માથે હાથ દઈને લાખીબહેન બોલ્યા.
“શું ? શું ભૂલાઈ ગયું ?” વિચારોની તંદ્રામાંથી બહાર આવતા તે બોલી ઊઠી.
“દીવાળી આવે છે ને રંગોળી કરવા માટે રંગ પૂરા થઈ ગયા છે. તે લેવાનાં છે.”
“અરે એમાં શું ? હું લઈને આવી જાઉં છું.” ધાનીએ કહ્યું.
ધાની રંગોળીનાં રંગો લેવા બજારમાં ગઈ. ત્યાં જ તેની નજર કરિયાણાની દુકાને ઉભેલા યુવક પર પડી. કાળી ઘનઘોર વધેલી દાઢી અને વધેલા વાળ સાથે થોડા ઘણા મજબૂત કદ કાઠી ધરાવતા યુવાનને જોતાં તેનાં મુખમાંથી શબ્દો સરી પડ્યા, “મંગલ !”
બે વર્ષે તેને ધાનીએ જોયો. તે હવે ઘણો બદલાઈ ચૂક્યો હતો. તેણે બાજુની રંગની લારીએ જઈને તેને સંભળાય તેમ રંગનાં વેપારીને પૂછ્યું, “ભાઈ, આ કેસરી રંગનું શું છે ?”
મંગલનાં કાન ચમક્યા. જાણીતો અવાજ કાને પડતાં તે તરફ નજર નાખી. ધાની જાણે પોતાનું ધ્યાન રંગો તરફ હોય તેમ વેપારીને પૂછી રહી હતી પણ તેનું ધ્યાન મંગલ તેને જુએ છે કે નહીં એ તરફ હતું. માથે ચૂંદડી નાખી હળવેકથી એ તરફ નજર નાખી ફરીથી લારી તરફ ફેરવી લીધી.
“એક રૂપિયાનાં સો ગ્રામ ?” વેપારીએ કહ્યું.
“બસ ? આટલો જ.” ધાનીથી બોલાઈ ગયું.
“એક રૂપિયામાં કેટલો આવે ? કિલો તો ના આવે ને ?” વેપારીએ કહ્યું.
મંગલથી હસી પડાયું. ધાનીએ થોડા ગુસ્સા સાથે તેની તરફ જોયું. વેપારીનાં જવાબથી તે છોભીલી પડી ગઈ. ઉપરથી મંગલે જાણે પોતાનું અપમાન કર્યું હોય તેમ રીસથી ત્યાંથી ચાલી નીકળી. પાછળથી તેને થયું કે તેણે કોઈ ભૂલ તો નથી કરી ને ? બધાની સામે તેણે આમ હસવું ન જોઈએ. ધાનીને ખોટું લાગી ગયું હશે. તે જાણતો હતો કે પોતાનાંથી જ્યારે તે રિસાય ત્યારે તે સીધી તેની માડીને ત્યાં જ જશે. પણ હવે તો તેઓ મોટા થઈ ગયા છે. હવે થોડી રિસાઈ જાય ? એમ સમજીને બાકીની ખરીદી પૂરી કરીને તે ઘરે આવ્યો. ઘરે તેણે જોયું કે ધાની કૃત્રિમ ગુસ્સા સાથે બેઠી હતી.
“અરે હું પૂછું છું કે રંગ લેવા ગઈ હતી તો ખાલી હાથે કેમ આવી ગઈ ? રંગ મળ્યા ન હતા ?” લાખીબહેન ધાનીને પૂછી રહ્યા હતા, પણ ધાની ચૂપ રીસમાં જ બેઠી રહી.
મંગલને જોતાં જ ખાટલેથી ઊભી થઈને ફરીયાદનાં સૂરમાં બોલી, “પૂછો તમારા દીકરાને.”
“દીકરાને ?” મંગલ સામે જોતાં તે સ્થિતિ પામી ગયા. “તમે એકબીજાને મળી ગયા ? ને પાછો મળતા વેંત ઝગડો ચાલુ પણ કરી દીધો ? મોટા ક્યારે થશો બેય ? અને મંગલ, તે શું હેરાન કરી ધાનીને ?” કહેતા લાખીબહેન શાકભાજીને અંદર લઈ ગયા.
“આ ગાંડીને સમજાવો કંઈક. રંગ લીધા વગર હાલી નીકળી હતી. આ તો પાછળ પાછળ મેં રંગ લઈ લીધા હતા. મને એમ કે એનાં ઘર માટે લીધા હશે. હું તો લઈને તેનાં ઘરે આપવા જાત અને સાથે સાથે માસા માસીને મળી લેત.” મંગલે કહ્યું.
મંગલની વાતો સાંભળી ધાનીને વધુ ગુસ્સો ચડ્યો. તે આક્રોશમાં બોલી ઊઠી, “કોઈ જરૂર નથી ઘરે આવવાની. મને એમ કે હવે શાંત થઈ ગયો હશે પણ હજું વટ જતો નથી. માડીએ કહેલું કે તારો અંગૂઠો કપાઈ ગયેલો. થોડું દુ:ખ થયેલું પણ તને જોઈને એમ થાય કે સારું થયું કે અંગૂઠો કપાઈ ગયો. જે થાય એ સારા માટે જ થાય છે.”
ધાનીનાં મોઢે નીકળતા ધાણીફૂટ ગોળીબાર જેવા શબ્દોથી મંગલ વધુ ગુસ્સે થઈ ગયો, “શું કહ્યું ? મારો અંગૂઠો કપાઈ ગયો એ સારું થયું ?”
“હા.”
“મને એમ હતું કે હવે તો બદલાઈ ગઈ હોઈશ. પણ હું ખોટો જ હતો. આજથી તારી હારે બોલવાનું જ બંધ.”
“મને પણ કોઈ શોખ નથી. હું તો માડી માટે આવેલ. હવે તું જઈશ ત્યારે જ હું આવીશ. હું જાઉં છું.” કહેતાં ધાની ચાલી નીકળી.
બંનેનો શોરબકોર સાંભળી લાખીબહેન દોડી આવ્યા. ધાની જઈ ચૂકી હતી. લાખીબહેન નિરાશ થઈ ગયા. તે રડવા જેવા થઈ ગયા. મંગલે તેનાં આંસુ જોતાં તરત જ તેની પાસે જઈને પૂછ્યું, “માડી, કેમ રડે છે ?”
“મંગલ, તારા બાપુ ગયા પછી મારૂ ધ્યાન રાખવા વાળું કોઈ ન હતું. ધાનીએ મારુ ધ્યાન રાખેલ હતું. છે થોડી ભોળી. હજું ગુસ્સો આવ્યા કરે છે. હરખનાં તહેવારમાં એ દીકરી દુ:ખી થઈને ગઈ છે અને એ પણ તારા કારણે. હવે તું જ એને મનાવીશ.” લાખીબહેને ભારપૂર્વક કહ્યું.
“ઠીક છે. હવે તું કહે છે તો મનાવી લઈશ.” મંગલે વચન આપતાં કહ્યું.
આ સાંભળીને લાખીબહેનને થોડી રાહત થઈ.
To be Continued…
Wait For Next Time…