UNKNOWN DEAD BODY books and stories free download online pdf in Gujarati

બિનવારસી લાશ

બિનવારસી લાશ... વાર્તા. દિનેશ પરમાર નજર

_____________________________________________

ન કીસી કી આંખ કા નૂર હૂં, ન કીસી કે દિલકા કરાર હૂં

જો કીસી કે કામ ન આ શકે, મેં વો એક મુસ્ત-એ-ગુંબાર* હૂં


પએ*-ફાતેહાં કોઈ આયે ક્યું, કોઈ ચાર ફૂલ ચઢાએ ક્યું

કોઈ આકે શમ્મા જલાયે ક્યું, મેં વો બેકસી* કા મઝાર હૂં

- મુર્ઝતર ખૈરાબાદી

_____________________________________________

* મુઠ્ઠીભર ધૂળ * ના માટે. *. વિવશતા

_____________________________________________

પ્રથમ દ્રશ્ય :

ભારતના નામાંકિત, શાસ્ત્રીય સંગીતના મહાન ગાયકમાં રુદ્ર પ્રસાદ શિવશંકર આર્યનું નામ આદરથી લેવાતું. તેમણે મોડી ઉંમરે, ઉજ્જૈનમાં એક કાર્યક્રમ દરમિયાન,ત્યાંના કથ્થક નૃત્યાંગના રોહિણીના સંપર્કમાં આવતા બન્ને કુટુંબની સહમતીથી લગ્ન કર્યા. તેમને પ્રશન્ન લગ્નજીવન દરમિયાન એક દીકરી થઈ. નામ તેનું ભૈરવી રાખ્યું. સ્વાભાવિક રીતે ઘરમાં ચાલતા શાસ્ત્રીય સંગીતના ક્લાસ અને થતી બેઠકોમાં ગુંજતા સ્વર,ભૈરવીના કાને નાનપણથી પડતા ત્થા માબાપના કારણે વારસાગત તેનામાં પણ સંગીત શીખવાની ઝંખના જાગી હતી ને તે શાસ્ત્રીય-ગાયન તેના પપ્પા પાસે શીખી....

પણ, તેના મમ્મી સારા નૃત્યાંગના હોઈ, પપ્પા રાષ્ટ્રીય કક્ષાના ગાયક હોઈ બન્ને વચ્ચે અહમ(ઈગો )ના કારણે ઘરમાં અંદરખાને નાની નાની વાતમાં ઝગડા કાયમ થયા કરતા.

આને કારણે, સંગીત તો ભૈરવી શીખી પરંતુ,તેને વ્હાલ કે પ્રેમ જોઈએ તે ના મળતા, રાજસ્થાન જોધપુરથી દર પંદર દિવસે, અમદાવાદ તેના ઘરે શીખવા આવતા અને ખુબ સારો કંઠ ધરાવતા, મલ્હાર રાઠીના, વ્યક્તિત્વ અને અવાજના પ્રેમમાં પડી.

કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે તેણે, મલ્હાર સાથે લગ્ન કરવા ની ઇચ્છા તેની માને જણાવતા, તેના મા બાપ ના માથે આભ તૂટી પડયું, તેમણે ભૈરવીને ધમકાવી ને, મલ્હારને શીખવવાનું બંધ કરતા..

પ્રેમ ભૂખી ભૈરવી રાતોરાત મલ્હાર સાથે ભાગી કોર્ટે મેરેજ કરી અમદાવાદને તિલાંજલિ આપી દીધી.

તેના પપ્પાએ, છાપાજોગ જાહેરાત આપી તેના દીકરી તરીકેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું......

**********

બીજું દ્રશ્ય :

લગ્ન કરી ઉદેપુર ખાતે મલ્હાર સાથે રહેવા ચાલી ગયેલી ભૈરવીના શરૂઆતના વર્ષો ખુબ સારા ગયા. મલ્હારને તે ખુબ પ્રેમ કરતી, એકવાર તેઓ સુખડિયા સર્કલ ફરવા ગયા હતા ત્યાં, એક ટેટૂ આર્ટિસ્ટ ને કામ કરાતા જોઈ તેણે પણ જીદ કરી, તેના જમણા હાથ પર ગિટારના પ્રતિક સાથે મલ્હારનો એમ ચિત્રાવ્યો ને મલ્હારના હાથ પર વાયોલિનના પ્રતીક સાથે ભૈરવી નો બી ચિત્રાવ્યો હતો...

બેત્રણ વર્ષ પછી, જાણવા મળ્યું કે મલ્હાર ઘર ચલાવવા, જે પ્રાઈવેટ સ્કુલમાં નોકરી કરતો હતો તે સ્કૂલમાં નવી આવેલી શિક્ષિકા મોહિનીને મલ્હાર વચ્ચે સંબંધ છે. બન્ને અઠવાડિયે એકવાર જોડે પિક્ચર જોવા, બહાર હોટલમાં જમવા, ને શારીરિક સુખ માટે એકાંત સ્થળે મળે છે.

આ ખબર તેની પાડોશમાં રહેતા મલ્હારના મિત્ર સુખદેવે આપી. પહેલા તો તેને વિશ્વાસ ના આવ્યો, પણ શનિવારે તેમણે બનાવેલા પિક્ચર જોવાના પ્રોગ્રામની જાણ સુખદેવે કરતા ભૈરવીએ રુબરુ જઈ તપાસ કરતા બન્ને ને રંગે હાથ પકડયા.

ભૈરવી દુ:ખી દુ:ખી થઈ ગઈ. હવે મલ્હાર ઉઘાડો પડી જતા નફ્ફટ બની ગયો ને ખુલ્લેઆમ મોહિની સાથે ફરવા લાગ્યો ને, મોહિનીના ઘરે બે બે દિવસો સુધી રોકાવા લાગ્યો.

પ્રેમ ભૂખી ભૈરવી દુઃખી રહેવા લાગી. સુખદેવ આ તકનો લાભ લઈ ભૈરવીને લાગણી બતાવી પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો કરવા લાગ્યો.

અને પ્રેમ ભૂખી ભૈરવી તેની જાળમાં ફસાઈ મલ્હારને મુકી, એક દિવસ સુખદેવ સાથે ભાગી ગઇ.....

**********

ત્રીજુ દ્રશ્ય :

જુદા જુદા રાજ્યોના અજાણ્યા શહેરોની સી ગ્રેડ હોટલમાં સુખદેવ , ભૈરવીનો મહિનાઓ સુધી પત્નીની જેમ ઉપભોગ કરતો રહ્યો. છેલ્લે એક શહેરની દુકાનમાં તેને લાલરંગની, સફેદ ટપકી વાળી, ગુજરાતી બાંધણી ગમી જતા તે ખરીદી ને પહેરીને , સુખદેવનો હાથ હકથી પકડી આખું શહેર ફરી, તે દિવસે તે ખુશ હતી ને સુખદેવ દુ:ખી....

સુખદેવ આ, ભાગદોડની રઝળપાટથી કંટાળ્યો હતો. રાત્રે ભૈરવીના કમનીય દેહ પર પોતાની કાયા ફેલાવી તૂટી પડતો સુખદેવ હવે સવાર પડતાજ પકડાઈ જવાની બીકે સંકોચાઈને ગૂંચળુ વળી જતો.

એક દિવસ મનમાં, જુદોજ નિર્ણય કરી, ભૈરવીને લઈ,સુખદેવ મધ્યપ્રદેશમાંથી, મહારાષ્ટ્રના જલગાંવ થી, વાયા પારોલા, ધુળે, ચાંદવડ, નાસિક, ઈગતપુરી, વળીદ, થાણે થી, મુંબઈ વર્લીના સ્લમ વિસ્તાર નજીકની સી ગ્રેડની હોટલમાં પહોંચી ગયો.

બપોરે તે બહાર ગયો તે, રાત્રે મોડેથી એક આધેડ ઉંમર ની વ્યક્તિ સાથે હોટલ પર આવ્યો. ને આજે આપણે આ મારા કાકા ને ઘરે રોકાવાનું છે તેમ કહી ભૈરવીને લઈ ગયો.

સવારે મોડેથી ભૈરવી ઉઠી તો સુખદેવ નહોતો, તે પેલા કહેવાતા કાકા સાથે તેનો સારી એવી રકમમાં સોદો કરી ગાયબ થઈ ગયો હતો...

************

ચોથું દ્રશ્ય :

લોહીનો વેપાર કરતી ટોળીની જાળમાં સપડાયેલી, ભૈરવી કેટલાય દિવસો સુધી ગુંગળામણ અનુભવતી તરફડિયા મારતી રહી.

છેવટે એક મોટો વેપારી ધ્યાનચંદ તેને પસંદ કરી, શહેરથી દૂર આવેલા તેના ફાર્મ હાઉસ પર લઈ ગયો. રોજ કામ કરવા આવતા અભણ વૃધ્ધ માળીને, ઉદાસ રહેતી ભૈરવીમાં પોતાની બીટીયા દેખાતા, તેને ખુશ રાખવા ફાર્મ હાઉસની કમ્પાઉંડ ની પડખે ઉગાડેલા છોડ પરથી મોગરાની કળીઓ વીણી ગજરો બનાવી આપતો ને તેનો મુરઝાઈ ગયેલો ચહેરો ખીલી ઉઠતા, ડેન્ગ્યુમાં સપડાઈ ગઈસાલ મૃત્યુ પામેલી દીકરીને યાદ કરતા આંખના ખૂણા લુછી લેતો. રોજ સાંજે આવી, પોતાની દીકરીની ઉંમરની ભૈરવી પર આખલાની જેમ તૂટી પડતો ધ્યાનચંદ, રાત્રિ શરૂ થતા, પોતાની ગાડીમાં,મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા કહેવાતા ધરમાં મીંદડી થઈ ભરાઈ જતો.

પ્રેમ-ભૂખી ભૈરવી આ, અર્થહિ‌ન, દોઝખ ભરી, સ્વાર્થી દુનિયાદારી ના ગંદા વલણથી કંટાળી એકવાર, તક મળતા રાત્રીના ચોકીદારની નજર ચુકવી ભાગી ગઇ.....

*************

અંતિમ દ્રશ્ય :

સિંધુ ભવન થી બોપલ બાજુ સરદારપટેલ રીંગ રોડ તરફ જતા, જમણે હાથે 'સંગીત કુટિર' લખેલા, વૃક્ષોની વનરાજીથી શોભતા અલિશાન બંગલામાં, સંગીત ગુરુ રુદ્ર પ્રસાદ શિવશંકર આર્ય, સવારે સવારે ડાઈનિંગ ટેબલ પર ચા નો ઘૂંટ ભરતાં આજના છાપાના અંદરના પાને એક જાહેરાત જોતા તેમનો ચહેરો ફરી ગયો........

એજ રીતે, ઉદેપુરની એક સ્કુલના સ્ટાફ-રૂમમાં ન્યૂજ પેપરનું અંદરનું પાનું જોતાજ, મલ્હારની આંખો પહોળી થઈ ને પાછી કાંઈ ન બન્યું હોય તેમ નોર્મલ થઈ પાનું ફેરવી દીધું......

સાવ અજાણ્યા શહેરમાં, ભીખમાંગી ખાતા સુખદેવ સવારે, એક ચાલીની પડખે આવેલી ભંગાર કીટલી પર ચા પીવા ગયો ત્યારે, ત્યાં તૂટેલા બાંકડા પર પડેલા અખબારનું , પવનમાં ઉઘડી ગયેલું અંદરનું પાનું જોતા, ધ્રૂજી ગયો. ને મોઢું ફેરવી બીજી તરફ ચાલી ગયો......

તેજ સમયે દાદર ખાતે, ધ્યાનચંદ પોતાના ઘરમાં પૂજા પતાવી જેવુ છાપુ હાથમાં લઈને અંદરના પાને, શેર-બઝારના ભાવો જોવા ગયો, જાહેરાત જોતા તેના ચહેરાના ભાવ બદલાય ગયા. તેના ચહેરા પર પરસેવો વળી ગયો,સામે મસમોટી કાયા વાળી પત્ની તરફ જોયું ના જોયું ને છાપુ બંધ કરી,નોર્મલ હોવાનો દંભ કરી નાસ્તો કરવા લાગ્યો......

છેલ્લા ત્રણ દિવસથી, ડિસેમ્બરની હાડધ્રૂજાવતી ઠંડીમાં, પડેલા કમોસમી માવઠાથી,શહેરમાં કેટલાય લોકો મ્રુત્યુ પામ્યા હતા. રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મથી થોડે દુર આવેલા ફ્લાય ઓવર બ્રિજ નીચે એક યુવાન સ્ત્રીની બિનવારશી લાસ મળી આવી હતી...

જે અંગે સગા-સંબંધીની ભાળ મેળવવા જુદા જુદા ન્યૂઝ-પેપરમાં, અંદરના પાને લાસના રંગીન ફોટા સાથે ઓથોરીટી તરફથી જાહેરાત છાપવામાં આવી હતી.

જેનાજમણા હાથ પર ગિટારના પ્રતિક સાથે એમ ચિત્રેલો હતો...

તો તેણે લાલ-ચટાક, સફેદ ટપકાંવાળી ગુજરાતી બાંધણી પહેરી હતી...

તો તેના સાવ વિખરાય ગયેલા વાળમાં, સુકાય ગયેલા મોગરાની કળીઓનો ગજરો પીળો પડી ગયો હતો...

અને હા. એક વાત તો કહેવાની રહી ગઈ..

કે તેનો નંખાઇ ગયેલો ચહેરો આખી જીન્દગી સાચો પ્રેમ ઝંખતી રહી તે ભૈરવી જેવો હતો...

આ લાસના સગા ના મળતા, જાહેરાતમાં જણાવ્યા મુજબ તેનો થોડા દિવસ પછી બિનવારશી લાસ તરીકે નિકાલ કરી દેવામાં આવ્યો.....

************************************

દિનેશ પરમાર' નજર '

બીજા રસપ્રદ વિકલ્પો