ન્યાયચક્ર - 4 Bhumika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ન્યાયચક્ર - 4

     આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજી અને યુવાન સેવક જૂની જગ્યા છોડી નવી જગ્યાની શોધમાં ચાલી નીકળે છે રસ્તામાં તરસ લાગતા એક જૂની વાવમાં પાણી પીવા માટે ગુરુજી જાય છે ત્યાં એક સર્પ તેમને ડંખે છે.... હવે આગળ.....


      ધીરે ધીરે ગુરુજીની આંખો સમક્ષ અંધકાર પથરાઈ રહ્યો છે. તેમના શ્વાસ રુંધાવા લાગ્યા છે, નાડીઓમાં રુધિર જાણે જામવા લાગ્યું છે, અને શરીર ની સાથે સાથે જીભ પણ શિથિલ થવા લાગી છે. ગુરુજીને અંદાજ આવી ગયો કે હવે આ ધરતી ઉપર સમય પૂરો થઈ ગયો બસ હવે ગણતરી નાજ શ્વાસ બચ્યા છે. તેમણે ઘણી કોશિશ પછી નજર સ્થિર કરી અને આમ તેમ જોયું તો સર્પ કુંડળી મારી ને હજી ત્યાજ બેઠો છે, જાણે કે ગુરુજી ના છેલ્લા શ્વાસ ની પ્રતીક્ષા કરી રહ્યો છે. ગુરુજી ને એક વિચાર આવ્યો કે મે મારી આખી જિંદગીમાં ક્યારેય કોઈ માણસ તો ઠીક પણ પશુ, પક્ષી, જીવ જંતુ કે ઝાડ પાંદડા નું ય અહિત નથી કર્યું તો આ મારી સાથે આ દુર્ઘટના કેમ ઘટી અને આ સર્પને જોતા લાગે છે કે એ મારી સાથે જાણે કોઈ બદલો લઈ રહ્યો છે. તેમણે પોતાની તપસ્યા અને યોગની શક્તિઓ થી આંખો બંધ કરી પોતાની કુંડળીઓ જાગૃત કરી પોતાના આત્માને શરીરમાં થોડા સમય માટે સ્થિર કર્યો. એમને ઈચ્છા થઈ કે આ સર્પ પાસે થી ખબર પડે કે એના મનમાં મારા માટે આટલો દુર્ભાવ કેમ છે તો કંઇક સમાધાન થાય એના મન નું. એમણે પાસે ના  કુંડમાંથી હાથમાં જળ લઈ આંખો બંધ કરી કંઇક મંત્ર ભણ્યા અને એ જળ એ સર્પ ઉપર છાંટ્યું, ત્યાજ ચમત્કાર થયો સર્પનું અડધું શરીર માણસ રૂપમાં ફેરવાઈ ગયું હવે તે સર્પ અર્ધ માનવ અને અર્ધ સર્પ હતો.


     સર્પને અર્ધ માનવના રૂપમાં જોતાજ ગુરુજી આશ્ચર્ય પામ્યા. આ તે કેવો ચમત્કાર મે તો ફક્ત આ સર્પને વાચા મળે એવોજ મંત્ર ભણ્યો તો આ અર્ધ માનવ કેવી રીતે બની ગયો. આ કેવી રીતે શક્ય છે. ગુરુજીને કંઈ સમજાઈ નથી રહ્યું તે અસમંજસ માં છે. સર્પ પોતાને મળેલા અર્ધ માનવના શરીર ને જોઈ જાણે થોડો અચંબો પામ્યો છે. તે વારે ઘડીએ પોતાના મોઢા ઉપર હાથ ફેરવી રહ્યો છે.  એને આ બધું સ્વપ્ન સમાન લાગી રહ્યું  છે, જાણે વર્ષોની એની કોઈ ઈચ્છા આજે પૂરી થઈ ગઈ અને  ત્યાજ એની નજર કમર થી નીચેના શરીર ઉપર પડે છે તો જોયું કે હજુ તેનું અડધું શરીર સર્પ ના રૂપમાં જ છે. અચાનક તેની ખુશી ફરથી ક્રોધમાં પરિવર્તિત થઈ ગઈ તે ગુરુજી સામે ફરીથી ક્રોધ થી જુએ છે એની આંખોમાં લોહી ધસી આવવાથી એ લાલ ચોળ થઈ ગઈ છે. તે ક્રોધથી હાંફી રહ્યો છે. ગુરુજી આ બધું જોઈ સ્તબ્ધ થઈ ગયા. તેમને કંઈ સમજાતું નથી. 


     આખરે ગુરુજી વારે ઘડીએ પોતાની તરફ ધસી આવતા સર્પને સંબોધે છે.હે સર્પ તું કોણ છે? અહીં શું કરે છે અને મારા ઉપર આટલો ક્રોધિત કેમ છે, કેમ તું મારો જીવ લેવા ઈચ્છે છે?. મને યાદ નથી કે મેં કોઈ સર્પનું ક્યારેય કોઈ અહિત કર્યું હોય તો તું કેમ મારી ઉપર આટલો ક્રોધિત થઈ ઘાત કરી રહ્યો છે?. સર્પ ક્રોધથી આમ તેમ ડગી રહ્યો છે તે ક્રોધ ના લીધે સ્થિર થઈ શકતો નથી બસ મૌન થઈ ગુસ્સાભરી નજરે એકીટસે ગુરુજીને જોઈ રહ્યો છે. ફરીથી ગુરુજી એને પૂછે છે, હે સર્પ તું આટલા ક્રોધનું કારણ બતાવ હુ મારી જિંદગીની છેલ્લી ક્ષણોમાં તારો આ મારા પ્રત્યેના દુર્ભાવ જાણવા માંગુ છું અને કદાચ બની શકે કે હું તારી કંઈ મદદ કરી શકું. મારી ઉપર ભરોશો રાખ આ સંન્યાસી નું તને વચન છે. મારા જીવનમાં મેં જે તપસ્યા કરી છે એ બધી તપસ્યાને ઘુમાવીને પણ હું તારી મદદ કરીશ.


     ગુરુજીના શાંત અને મીઠા વચનો સાંભળી સર્પના મનમાં જાણે ઠંડક વળવા લાગી એનો ક્રોધ થોડો ઓછો થયો અને એણે વારે ઘડીએ ગુરુજી ઉપર પ્રહાર કરવાનો પ્રયત્ન બંધ કર્યો. ક્રોધ ઓછો થતા એની નજર ગુરુજીના મુખ સામે પડી અને ગુરુજીના ચહેરા ના તેજ થી એ અંજાઈ ગયો. તેના મનમાં હવે એક અજાણી શાંતિની અનુભૂતિ થવા લાગી. જાણે વર્ષોથી ભિષણ અગ્નિમાં તપતા રણમાં ધોધમાર વરસાદ વરસ્યો. હજુ એ મૌન છે. ગુરુજીએ ફરી તેને કહ્યું સર્પ મારી પાસે બહુ ઓછો સમય હવે બાકી છે આ ધરાતલ ઉપર માટે તું  મને આ ઘટનાનુ રહસ્ય જણાવ.


     સર્પે ગુરુજી સામે જોઈ કહ્યું ....તમારે જાણવું જ છે તો સાંભળો.

     મારું નામ ભોળો હતું. મારું ગામ અહીં થી સેંકડો જોજન દૂર છે, એટલું દૂર કે હું હવે ફરી ત્યાં ક્યારેય પાછો નહિ ફરી શકું. મારી માં કહેતી કે હું જ્યારે ત્રણ માસનો હતો ત્યારે જ મારા પિતાનું એક અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું. સર્પ વાત કરી રહ્યો છે અને ગુરુજી ધ્યાન અને ઉત્સુકતા થી તેની વાત સાંભળી રહ્યા છે. તેમને વચ્ચે સવાલ કર્યો અકસ્માત, કેવો અકસ્માત?  માં કહેતી કે મારા પિતા એક જાગીરદાર ની અનાજની વખારમાં કામ કરતા એક દિવસ ગાડાં માંથી અનાજ ની ગુણો ઉતરતા હતા ત્યાં અનાજની ગુણો થી ભરેલું ગાડું નમી ગયું અને બધીજ ગુણો મારા પિતા ઉપર આવીને પડી અને તેઓ તેની નીચે દબાઈને મૃત્યુ પામ્યા. માં શ્રીમંતો ના ઘરે કામ કરી અમારા બંનેનું પેટ ભરતી. ઊંચા ઘરોમાં ઢસરડા કરી કરીને માં નું શરીર જીર્ણ થઈ ગયું તે પણ બીમાર રહેવા લાગી અને હું ચાર વર્ષનો હતો ત્યારે મને આ દુનિયામાં એકલો મૂકીને ચાલી ગઈ.....


.                              ક્રમશઃ

રેટ કરો અને રિવ્યુ આપો

Bhumika

Bhumika માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 11 માસ પહેલા

Mamta

Mamta 12 માસ પહેલા

Batuk Patel

Batuk Patel 1 વર્ષ પહેલા

Mohit

Mohit 1 વર્ષ પહેલા