Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રથમ મિલન - 5 - અંત કે આરંભ

આ નવરાત્રિ મારા માટે ખૂબ યાદગાર બની., પણ એ પછી પાછુ દેવ સાથે મળવાનું ઓછું થઈ ગયેલું.. દેવ ઘણો મહત્વકાંક્ષી છોકરો હતો.. અલબત્ત, ક્યારેક ક્યારેક માસીના ઘરે જતા એના ઘર પાસે મળવાનું થઈ જતું.. પણ બહાર ક્યાંય નહીં..!
જોતજોતામાં ફર્સ્ટ યર પુરુ થઈ ગયું.. હજુ સુધી કૉલેજમાં મારા ઓછા દોસ્ત બનેલા..
ક્યારેક ક્યારેક દેવ મને કૉલેજથી ઘરે ડ્રોપ કરી જતો.. વધારે મળવાનું અમારે ચારેયને સાથે જ થતું.., હું, ધારા, દેવ અને વિશાલ.. ફ્રેંન્ડસ ફોરેવર જેવી ટુકડી બની ગઈ હતી અમારી..!
એકવાર મને દેવનો ફોન આવેલો, કોઈ ઈઝી અને જલ્દીથી તૈયાર થઈ જાય એવી રેસીપી એને જાણવી હતી..! એક્ચ્યુલી, એના ઘરે કોઈ હતુ નહીં અને એને ભૂખ લાગેલી.., સંજોગવશ હું ત્યારે ધારાના ઘરે જ હતી, એટલે મેં અને ધારાએ એના ઘરે જ જવાનું નક્કી કર્યું..
હવે એ સમયે તો મને મેગી અને ચા સિવાય બીજી વસ્તુ આવડતી જ નહોતી!! આખરે અમે મેગી ફાઈનલ કરી (બીજો ઓપ્શન જ નહોતો..!)

દેવે વિશાલને પણ બોલાવી લીધો.. અને શરૂ થઈ અમારી નાનકડી મેગી પાર્ટી..!
મેગી બની રહી હતી.. દેવ અને વિશાલ બહાર બેઠેલા.. ધારા કંઇ કામથી રસોડાની બહાર ગઈ., કદાચ, દેવ પણ એ જ ઇચ્છતો હશે.., એ રસોડામાં આવ્યો..

"હજુ થોડી વાર લાગશે, કૃપા કરી ઇન્તેજાર કરો.. " હું હસતા હસતા બોલી..

"અરે, રસોડામાંથી આટલો અવાજ આવે છે તો મને લાગ્યું કોણ છે..! " જો કે હું એકલી જ હતી, દેવ મજાકના મૂડમાં હતો..

"અચ્છા, તો કોણ છે જોયું? " એની મજાકમાં મેં સુર પુરાવ્યો.

એ ફ્રીજ સામે જોતા બોલ્યો, " અરે, તુ બોલાવે છે! "

થોડી વારે એ રસોડાના બધા ખાના વારાફરતી ખોલી રહ્યો હતો...

હું કુતુહલવશ જોઈ રહી..

"આ શું કરે છે? "

"અરે, આ રસોડું મને કંઇક કહે છે.!"

"અચ્છા?! શું કહે છે રસોડું? "

"એમ કે..., એમ કે આ રુદિયાની રાણીને રસોડાની રાણી ક્યારે બનાવો છો..? "

એનો જવાબ સાંભળી હું કંઇ બોલી ન શકી.. બસ, શરમાઈ રહી...

"રસોડાની રાણી જેને બનાવવી છે, એને પુછજો કે મેગી સિવાય આવડે છે શું..? " ધારા અમારા એકાંતમાં ભંગ પાડતા બોલી..
વિશાલ પણ રસોડામાં જ આવી ગયો..

"દેવ, તને ખબર ભગવાન બધે પહોંચી ન શકે એટલે એમણે માં ને બનાવી, પણ હવે માં બધે ન પહોંચી શકે એટલે આ ધારા જેવી દોસ્ત બનાવી.." હું હસતાં હસતાં બોલી..
અને અમે બધા હસી પડ્યા.. એ સમયે એવુ લાગતુ કે અમે ચારેય આખી જિંદગી સાથે રહેવું.. ફોરેવર વાળા ફ્રેંન્ડસ...

સમય પુર ઝપાટે વધી રહ્યો હતો.. જોતજોતામાં મારા ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આવી ગઈ.. પણ આ વખતે કંઇક બદલાઈ રહેલું.. એ હતુ દેવનું વર્તન.. આમ તો મારી કોઈ પણ પરિક્ષા આવે એટલે એનો ગુડલક મેસેજ અથવા કોલ હોય જ.., પણ આ વખતે બે પેપર પૂરા થયા છતાં દેવનો કોઈ ફોન કે મેસેજ નહોતો આવ્યો..! અને હું સામેથી કરુ તો કામમાં છું કહી વાત કાપી નાખતો... મને ગુસ્સો તો ઘણો આવેલો પણ પરિક્ષા પછી સરખી વાત કરવાનું નક્કી કર્યું..

ત્યાં જ છેલ્લા પેપર બાદ એનો સામેથી ફોન આવ્યો, એને મને મળવું હતું.. હું ખુશ થઈ ગઈ, અલબત્ત ગુસ્સે હોવાનું નાટક કરી રહી હતી..
અમે અમારી કૉલેજની બાજુના એક પાર્કમાં મળ્યા..

"આરતી, એક વાત કહેવી છે, ઘણાં સમયથી કહેવું હતું પણ...."

"હા, બોલ શું કહેવું છે..? "

"આઈ એમ સોરી..! પણ હવે આપણે સાથે નહીં રહી શકીએ..!"

"તું મજાક કરે છે..? " દેવના હાવભાવ જોઈ બિલકુલ નહોતું લાગતુ કે એ મજાક કરે છે, છતાં મેં પુછ્યું..

"ના, આ મજાક નથી.."

"મને કારણ તો આપ.... " હું હવે રડુ રડુ થઇ રહી..

"તારુ ધ્યાન રાખજે..! અને મને આજ પછી કોઈ કોન્ટેક્ટ ન કરીશ!! " કહી એ ત્યાંથી નિકળી ગયો..

એના જતાં જ મારી આંખોએ જાણે બંધ તોડ્યો... આજુબાજુના લોકો મને જોઇ રહ્યા હતા.. પણ મને કંઇ ભાન ન રહ્યું, હું બસ રડી રહેલી...
થોડી વાર પછી મારુ ધ્યાન મારા ફોન પર ગયું.. પપ્પાના ત્રણ ચાર મિસ્ડ કોલ્સ હતા.. આમ તો હંમેશાં એ એક વાર જ કોલ કરે.. હું વધુ ધ્યાન ન આપતા ઘરે જવા નીકળી.. (રોજ તો હું અને ધારા સાથે એની એક્ટિવા પર જ પરિક્ષા આપવા આવતા, પણ આજે દેવને મળવાનું હોય મેં વિચારેલું કે દેવ મને ઘરે મુકી જશે એટલે ધારાને મેં સાથે જવાની ના પાડી હતી..!)

ઘરે હજુ પહોંચી જ હતી ત્યાં પપ્પા અને મમ્મી મારી સામે ગુસ્સેથી જોઈ રહેલા..

"ક્યાં હતી તું? પરિક્ષા તો ક્યારની પુરી થઈ ગઈ છે..! "

"પપ્પા હું ધારા સાથે.... "

" ધારા તો ક્યારની ઘરે પહોંચી ગઈ છે. !"

"હ... હું.. પપ્પા..." મારુ વાક્ય પુરુ થાય એ પહેલા જ સટટટટ્ કરતો પપ્પાનો હાથ મારો ગાલ લાલ કરી ગયો...

"આજ પછી ખાલી ભણવા સિવાય કોઈ પણ બાબતે તારુ નામ આવ્યું તો ભણવાનું પુરુ તારુ... "

હમણાં તો થોડા મેચ્યોર થયા એટલે આવી સ્થિતિ સામાન્ય લાગે, પણ એ સમય ઘણો કપરો બનેલો મારા માટે.. પપ્પાનું તો સમજી કે એમના માટે હું ત્યારે નાની હતી, જો કે અત્યારે પણ છું..! પણ દેવે આમ કેમ કર્યુ એનો જવાબ મને ન મળ્યો..
બસ એ દિવસથી હું જાણે મારી અંદર લોકડાઉન થઇ ગઇ.. અલબત્ત, હું ધારાને મળતી પણ દેવ અને વિશાલ સાથે કોઈ દિવસ વાત પણ ન કરી... ફરી બસ હું અને મારી ચોપડીઓ...

એક દિવસ મેં જોયું કે મારી જ સોસાયટીના એક કાકી એમના છોકરાને માર મારી રહેલા, બધા ભેગા પણ થયા હતા...
થોડી વાર પછી મમ્મીએ ઘરે આવીને મને આખી વાત કરી.. હકીકતમાં એ એમના છોકરાને ફેઇલ થવા બદલ મારી રહ્યાં હતાં.. એમાં પણ એ છોકરાને ગણિતમાં સાવ ઓછા માર્ક્સ હતા.. આ વાત જાણી મને શું સુજ્યું હું એમના ઘરે ગઈ.. એ કાકીને એમના છોકરાને (પ્રિન્સ) મારી પાસે ભણવા મોકલવા મનાવ્યા... મારા માર્ક્સ તો સોસાયટીના બધા લોકો જાણતા જ હતા એટલે એમણે તો રાજીપે પ્રિન્સને મારી પાસે ટ્યુશન લેવા મોકલ્યો..

એક નાનકડી શરૂઆત ધીમે ધીમે વધતી ગઈ.. એની પાછળ પ્રિન્સના ગણીતના માર્ક્સ જવાબદાર બન્યા જે ખરેખર પ્રશંસાને કાબિલ હતા.. એકથી ચાલુ કરેલું એ ટ્યુશન જોતજોતામાં વીસેક છોકરાઓનું ગ્રુપ બની ગયું..! જો કે મેં કદી ધારેલું નહોતું કે હું ટીચિંગ લાઈનમાં આગળ વધીશ.. પણ જિંદગીનો એ વળાંક મારા માટે સુખદ નિવડ્યો.. દેવને હવે હું ઘણા અંશે ભુલેલી..

એક દિવસ હું કામમાં હતી અને ધારા આવી..

"હાઈ.. ઘણાં દિવસે સમય કાઢ્યો બે'ન.." હું એની સામે જોઈ બોલી..

એ ત્યાં જ ઊભી રહી..

"ધારા.... આવને "

"આરતી.., એના (દેવના) લગ્ન છે..!"

મેં સાંભળ્યું પણ નકારી કંઇ પણ જવાબ આપ્યા વગર કામમાં લાગી..

"તું કંઈ પણ રિએક્ટ નહીં કરે..? "

"શું રિએક્ટ કરવાનું? જિંદગી છે લગ્ન તો બધા કરશે એમા શું..! "

ધારા બસ મને હગ કરી રહી.. એ જાણતી હતી આ સમાચારે મને અંદરથી હચમચાવી દીધી છે.. હું બસ આંસુ રોકી રહી.. ફરી સ્વસ્થ થઈ..

ના, દેવથી મને નફરત તો સહેજ પણ નહોતી, પણ એક અણગમો જરૂર હતો કે એણે એ દિવસ પછી એક વાર પણ મારી સાથે વાત નહોતી કરી..!

સમય વધતો ગયો.. દેવના લગ્ન પછી તો મેં એને સાવ ભુલાવી દીધો હતો.. હું અને મારા ટ્યુશનના છોકરાઓ બસ..
એક દિવસ હું મારા રૂમમાં હતી, નીચેથી ધારાનો હસવાનો અવાજ આવી રહ્યો હતો.. હું નીચે આવી, એ મારા મમ્મી સાથે વાત કરી રહેલી..

"આખુ ફેમિલી સાથે આવવાનું છે હં માસી, અને આરતી મારે ત્યાં જ રહેશે... " એ મારા મમ્મી સાથે વાત કરી રહી હતી..

"ક્યાંની વાત કરે છે..? "

"આરતી... મારા લગ્નની..! "

"તને કોણે ગમાડી વળી..!? " હું મજાક કરતા બોલી..

"છે કોઈક..! " એ જીજુનો ફોટો બતાવતા બોલી..

ધારાના લગ્ન.. મને ઘણી નવાઇ લાગેલી.. પણ એ સાચું હતું..

હું પણ ખુશ હતી.. પણ ધારાના લગ્ન એટલે ત્યાં દેવ પણ... હું હવે દેવને મળવા નહોતી માંગતી.. પણ સામે મારી જાનજીગર હતી..

ધારાના લગ્નના દિવસે હું મમ્મી સાથે એના ઘરે પહોંચી.. ત્યાં રમાઆન્ટી પણ હતા, એમની વહુ સાથે..! મને જેટલુ દુઃખ દેવના લગ્નના સમાચારથી નહોતુ થયુ એટલુ દુઃખ એની પત્નીને જોઇને થયેલું.. જેમતેમ હું સ્વસ્થ રહી.. મેં બરાબર નક્કી કરેલું કે દેવની સામે જોવુ જ નહી..

હું મમ્મી સાથે દુર જ બેઠેલી પણ ધારાના વારંવાર કોલ આવ્યા મને એના રૂમમાં બોલાવવા.. એટલે હું એની પાસે ગઈ.. એને બસ તૈયાર થવામાં થોડુ મારુ કામ હતું, એ પતાવી હું ત્યાંથી બહાર નીકળી, રૂમ બહાર જ વિશાલ ભટકાયો..
"ઓહ હાઈ, તમે તો જાણે અમને ભુલી જ ગયા.. "
જવાબમાં મેં ખાલી સ્મિત કર્યુ..

ત્યાં એને કોઇએ સાદ પાડ્યો.. એ અવાજ મારાથી વધુ કોણ ઓળખી શકે..!

વિશાલની સાથે હું પણ એ બાજુ વળી અને સામે દેવ જ હતો..! એક ક્ષણ માટે નજર મળી, અને જાણે એ ક્ષણ ત્યાં જ થંભી ગઈ..

એની આંખો વાંચવી તો મારા માટે સામાન્ય હતું.. અને હવે તો હું ગણીતમાંં પણ પાક્કી હતી, એટલે એની આંખમાં ક્યાં ક્યાં મારી યાદ, કેટલો પ્રેમ છે બધુ વાંચી લીધેલું..! ક્યાંક એની આંખો પણ મારી આંખોની જેમ આંસુ છુપાવી રહી..!

બીજી જ ક્ષણે હું ત્યાંથી નિકળી ગઈ.. હું ત્યારે એવી પરિસ્થિતિનો સામનો કરી રહી હતી જે મને અંદરથી ભાંગી રહેલી છતાં હું બહાર એકદમ સ્વસ્થ હતી..! મારી એ વ્યથા એ ભીડમાં ફક્ત બે જણા સમજી શકે એમ હતા, ધારા અને દેવ..! અને બંને મને સંભાળવા સમક્ષ નહોતા.. એક પછી એક હું ડુમા ઉતારતી રહી..

ધારાની વિદાય પછી વિશાલ મને બોલાવી રહ્યો હતો..,

"બોલ શું કામ છે..? "

"દેવની એક વાત કહેવી હતી..!"

" કઈ વાત? "

"હી સ્ટીલ લવસ યુ..!"

"હમમ આઇ નો..! બીજુ કંઇ? " વિશાલથી હું કંઈ ગુસ્સે નહોતી પણ દેવનો ગુસ્સો કદાચ એના પર ઉતરી રહ્યો હતો..

"તું એને નફરત કરે છે..? "

"તને લાગે છે હું એમ કરી શકુ ક્યારેય...! "

"તને ખબર છે તમે બંને કેમ જુદા પડ્યા..? "

"કદાચ મારા પપ્પાને ખબર પડી અને એ દેવને બોલ્યા હશે.. "

"તારા પપ્પા તો રાજી હતા તારા દેવ સાથે લગ્ન કરાવવા...! પણ જો કંઇ નડ્યુ છે તો એ છે નાત..!"

દેવના પરિવારને માન્ય નહોતી મારી અને દેવની વાત.. બિચારો દેવ, અર્જુનની જેમ યુદ્ધ પોતાનાઓ જ સામે હતુ, પણ અફસોસ એનો સારથી માધવ નહોતો, હાર તો નિશ્ચિત હતી...! એ પણ તુટ્યો હશે મારી જેમ જ, એકલો એકલો...!
એ વાત આજે મને ખબર પડી હતી.. અને હવે ઘણું મોડું થઈ ગયું હતું... હું બસ મારી આંખોના ખુણા સાફ કરી રહી..

ધારાના લગ્ન પતાવી અમે સાંજે ઘરે પરત ફર્યા.. હવે વારો હતો એ બધા ડુમાને આંસુ સાથે બહાર કાઢવાનો, મને ખરેખર રડવુ આવી રહેલું, હું મારા રૂમમાં જઈ મારા નસીબને કોસી રહી...

એટલાંમાં મારો ફોન રણ્કયો.. એ ધારા હતી.. એ ગાંડી એની પહેલી રાતે પણ મારી ચિંતા કરી રહી હતી..! એને મેં કહ્યું કે હું એકદમ ઠીક છું, અને એ બધુ ભુલી ચૂકી છું..

ધારાનો ફોન રાખ્યા પછી મને મારા નસીબ પર ગર્વ થઈ આવ્યો, જે નસીબને બે મિનિટ પહેલાં કોસી રહી હતી એ મને સારામાં સારુ લાગ્યું.. ધારા જેવી દોસ્ત બધાના નસીબમાં ન હોય..! આખા દિવસની બધી વાતો ભૂલી હું મારી અને ધારાની દોસ્તીની પળો યાદ કરી રહી... (મિત્રતાનો પાવર)

ધારાના લગ્ન પછી તો મારા ઘરે પણ મને લગ્ન માટે બધા મનાવવા લાગ્યાં..! હા, હું દેવને ભુલાવી આગળ તો વધી હતી પણ હજુ લગ્નની ઇચ્છા નહોતી...

એક દિવસ પપ્પા મને એક છોકરા વિશે વાત કરી રહ્યા હતા...

"એક વાર ફોટો જોઇ લે ને યાદ આવી જશે, તમે નાના હતા ત્યારે સાથે રમેલા... "

"કોની વાત કરો છો પપ્પા મને કોઈ યાદ નથી.. "

"એના દાદા અને તારા દાદા ખાસ ભાઇબંધ હતા, મારા ફોનમાં એનો બાયોડેટા આવેલ છે.. જય (મારો ભાઇ), મારો ફોન આપ તો, એમાં અશ્વિનભાઇનો મેસેજ છે.. "

ભાઈ પપ્પાને ફોન આપતા પહેલા પોતે જ જોર જોરથી એ મેસેજ વાંચવા લાગ્યો..

"નામ... મિ. દેવ...!"

એ નામ સાંભળતા હું સહેજ ચોકી...

"દેવેન્દ્ર છે નામ, આજકાલના છોકરાઓને એવા નામ ન ગમે એટલે ટૂંકુ ટચ કરી નાંખે.. " પપ્પા હસતા હસતા બોલ્યાં..

"હા... નિકુંજકાકાના લગ્નમાં ધાબા પરથી પડી ગયો હતો એ??" હું એ ઘટના યાદ કરતા બોલી...
દેવેન્દ્ર અને હું બસ ત્યારે સાથે રમેલા, હું ત્યારે લગભગ સાતમાં ધોરણમાં હતી...!

"આવ્યું ને યાદ, તારો પાક્કો દોસ્ત.. "

"પપ્પા કંઇ પણ ચડાવીને બોલો છો, એ પછી મેં ક્યારેય એને જોયો પણ નથી..!"

"પણ છોકરો સારો છે, ઘર સારુ છે..., બેંગ્લોર શહેર પણ સારૂ છે..!"

"બેંગલોર....?"

"હવે તો ફ્લાઈટનો જમાનો છે એટલે બધુ નજીક જ કહેવાય.. " મમ્મી બોલ્યા વગર રહી જતા હોય એમ બોલ્યા..

"મમ્મી એ બેંગલોર છે, બાપુનગર નહીં કે હું રિક્ષા કરીને આવી જઈશ...! મારી ના છે.., અમદાવાદની બહાર ન ગોતો પ્લીઝ... "

"એકવાર તું વાત કરી જો બેટા, આ સંબંધ થશે તો દાદા પણ ખુશ થશે.. "

પપ્પા હવે મને દાદાના નામથી ઇમોશનલ બ્લેકમેલ કરી રહ્યા..
હું મળવા રાજી થઈ..

અમે ઘણા વર્ષો બાદ વાત કરી રહ્યા હતા. અમારી પહેલી વાત વિડીઓ કોલથી થયેલી.. ત્યારે મેં તેને મારે દુર મેરેજ નથી કરવા કહી ના પાડી હતી..

પણ એ પછી એને કોઈ કારણોસર અમદાવાદ આવવાનું થયું, અને પપ્પાએ આ વખતે અમારી મિટીંગ ફિક્સ કરી.. એ મારા ઘરે જ આવવાનો હતો.. એના વિશે મને થોડી ઘણી ધારણા બંધાયેલી કે કદાચ એ વધુ પૈસાવાળો છે તો ઘમંડી હશે.., પણ એ સાવ ઊલટો હતો, પૈસાની આછકલાઈ એનામાં સહેજ પણ નહોતી... અમે મળ્યા.

" અમદાવાદથી દૂર ન જવાનું કંઇ ખાસ કારણ? "

"અહીં બધા મારા છે, એમને છોડીને જવાની ઈચ્છા ઓછી છે, ઘણા દોસ્ત (એક ધારા જ હતી!) ફેમિલી, ઘણી યાદો છે એટલે..." મેં જવાબ આપ્યો..

"અચ્છા, પણ તને કોઈની પણ યાદ ન આવે એની હું જવાબદારી લઉં તો...?! "

"હં... "

"મજાક કરુ છું, તારો નિર્ણય લેવાનો તને હક છે.. " એ હસતા હસતા બોલ્યો..

દેવેન્દ્ર મારી ધારણાથી એકદમ અલગ હતો.. લગભગ એ એકાદ કલાક મારા ઘરે હતો પણ એટલી વારમાં આખુ ઘર એને એના રમુજી સ્વભાવથી ખુશનુમા બનાવી દીધું હતું..

એ દિવસે હું વિચારોથી ઘેરાઈ હતી, એક બાજુ અતીત અંધારામાં મારી આંગળી પકડીને બેઠું હતું, તો સામે ઝળહળ ભવિષ્ય હાથ લંબાવી ઊભુ હતું... અતીતને પકડી રાખવું વ્યર્થ હતુ..! આખરે મેં એ આંગળી છોડી અજવાળા તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો...!!!

સમાપ્ત 🙏

Thank you for read🙏