પગરવ
પ્રકરણ - ૪૧
સુહાનીએ રસ્તામાં પોતાનાં ઘરે આવતાં કંપનીમાંથી આવેલો ફોન ઉપાડ્યો. કંપનીમાંથી એક વ્યક્તિનો હતો કે કંપનીમાં કેમ નથી આવતાં. એક ઓફિશિયલ રીતે વાત કરી રહ્યો છે. પણ સુહાની તો જાણે જ છે કે આ પરમે જ કરાવેલો ફોન છે !!
સુહાનીએ જ જવાબ આપ્યો, " એની મમ્મીની તબિયત સારી નથી એટલે જોબ છોડી રહી છે..." પહેલાં તો એને ફરીથી થોડાં દિવસો પછી જોઇને કરવાં કહ્યું. પણ સુહાની સ્પષ્ટ ના કહી. ઘણીવાર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ફોન આવી ગયાં. પણ સુહાનીએ હવે ત્યાં ન જવાનું નક્કી કરી દીધું.
એની કંપનીમાંથી એક્સિપિરિયન્સ સર્ટિફિકેટ , ને બધું લઈ જવાં કહ્યું. પણ એણે કહ્યું કે તમે મેઈલ કરી શકતાં હોય તો કરી દો બાકી વાંધો નહીં...આખરે અચાનક શું ઘટનાં બની એ કોઈને સમજ ન પડી... ફક્ત પરમ અને સુહાની કંપનીમાં જાણે છે... પરંતુ કોઈને કહી શકવાની પરમમાં હિંમત નથી. જે.કે. પંડ્યા સાથે સારાં સંબંધો હોવાથી એમણે સમજીને સુહાનીને બધું જરૂરી સર્ટિફિકેટને મેઈલ કરી દીધું કે જેથી ભવિષ્યમાં સુહાનીને ક્યાંય જોબ કરવી હોય તો આ કંપનીનો અનુભવ કામ લાગે..કારણ કે બાહ્ય રીતે તો આ કંપનીમાં કામ કરવાં સિલેક્ટ થવાં લોકો બહું મહેનત કરી રહ્યાં હોય છે.
સુહાની એની મમ્મીને કહેવા લાગી, " મમ્મી તું સમર્થના મમ્મીને મળી પણ ખરાં ?? એમની સ્થિતિ તો જો ?? મારે તો આ સ્થિતિ પેલાં પરમને બતાવવી છે એક માતાની વેદના તો જો...ભગવાન આવાં રાક્ષસ જેવાં માણસોનું પણ સર્જન કરતો હશે એ જોઈને પણ નવાઈ લાગે છે !! "
વીણાબેન : " હા અમે ગયાં હતાં. પણ એ કોઈની સાથે વાત નથી કરતાં બહું...અમે એક દિવસ જમવાનું પણ લઈને ગયાં હતાં પણ એમને લીધું જ નહીં. સારાં અને ખરાબ બે માણસોનું કુદરતે સુષ્ટિનું સર્જન કર્યુ છે ત્યારથી જ કર્યું છે...!! શું થાય આ બધું તો હવે મહાભારત અને રામાયણ કાળથી સદીઓથી આપણે જોઈએ છીએ....તો આ કળયુગની તો શું વાત જ કરવી ?? "
સુહાની : " હવેથી આપણાં ઘરેથી એમને જમવાનું આપીએ તો તને કે પપ્પાને કંઈ વાંધો ખરો ?? "
વીણાબેન : " ના બેટા જમવામાં શું વાંધો હોય ?? અને ભગવાને આપણને કોઈ ખોટ નથી આપી તો એમાં શું વિચારવાનું પણ હોય....એ માને તો તું આપજે ને રોજ..."
ને બસ પછી તો સુહાની બીજાં દિવસે પોતાનાં ત્યાં કામ કરવાં આવતાં બેનને સાથે લઈ જઈને એમનું આખું ઘર સાફ કરી આવી. ઘરની આખી રોનક બદલાઈ ગઈ. સાથે જ સવિતાબેનને પણ બહું સારી રીતે રાખવાં માંડી.
થોડાં દિવસ પછી તો રોજ સાડા અગિયાર જેવું થાય કે સવિતાબેન સુહાનીનાં ઘરની નજીક લીમડાની નીચે આવીને બેસી જાય ને,, સાંજે સુહાની એમનાં ઘરે જમવાનું લઈને જતી. ને એમને પ્રેમથી જમાડતી. શરુઆતમાં તો લોકો મજાક પણ કરી લેતાં પણ સુહાનીને જાણે હવે કોઈ ફરક જ નથી પડતો. પછી એણે ધીમે ધીમે એમને દરરોજ એમની પોતાની વસ્તુઓ જાતે કરવાનું થોડું મગજને તૈયાર કરાવ્યું. એ કોઈની વાત નથી માનતા પણ સુહાનીની વાત માની જાય છે...પણ કદાચ એમનું મગજ એવાં સ્ટ્રોકમાં ખૂંપી ગયું છે કે એમાંથી સંપૂર્ણ બહાર લાવવા તો કદાચ સમર્થ પાછો આવે તો જ શક્ય બની શકે....!! બાકી તો આમ જ આ દેહ મૃત્યુની શૈયા સુધી પહોંચશે એવું લાગી રહ્યું છે.
ને બસ આમને આમ બીજું એક વર્ષ વીતી ગયું... સમર્થનાં ગયાં પછીનું દોઢ વર્ષ...સુહાની બસ આ જ રીતે જીવી રહી છે... ગામનાં છોકરાઓ તો એની પાગલ છે... કેટલાંય છોકરાઓ એનાં મમ્મી-પપ્પાએ બતાવ્યાં. દરેક છોકરાઓ હા કહે પણ સુહાની તરફથી ના સાંભળીને હવે મમ્મી પપ્પા પણ થાકી ગયાં છે...
સુહાની બસ એક જ વાત કહે છે કે, " મારી સામે જે દિવસે સમર્થનો મૃતદેહ આવશે હું માની લઈશ કે એ આ દુનિયામાં નથી... હું મારી જિંદગી તમે બધાં કહેશો એ રીતે કોઈ સારો છોકરો શોધીને પરણી જઈશ...બાકી એ સિવાય હું જીવનભર કોઈની સાથે લગ્ન નહીં કરું... કારણ કે મને વિશ્વાસ છે કે સમર્થ હજું પણ જીવિત છે...."
બસ આમ જ જિંદગી જીવતી સુહાની ઉંડા વિચારોમાં ખોવાઈને જાણે આખાં અતીતની સફર કરી આવી...!! ને વર્તમાન યાદ કરતાં ત્યાં જ એનાં મગજમાં વિચારોનું ઘમસાણ યુદ્ધ થમી ગયું...એને યાદ આવી ગયું કે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે તો મારે નીકળવાનું છે...એની આંખોમાંથી ઉંઘ ઉડી ગઈ.
ફરી એકવાર એનું મન સવાલો કરવા લાગ્યું કે શું સાચે જ મને આ વખતે તો સમર્થ મળી જશે ને ?? કોઈ મારી સાથે મજાક તો નહીં કરી રહ્યું હોય ને ?? સવા વર્ષ પહેલાં ફોન આવ્યાં પછી આજે પહેલીવાર આવી રીતે કોઈ અજાણી વ્યક્તિનો ફોન ?? એ બધું યાદ છે ને તને ?? કંઈ સમજાતું નથી...કોને પૂછું ?? ઘરે કોઈને પણ પૂછીશ તો કોઈ પણ આટલું મોટું અજાણ્યું જોખમ ઉઠાવવાની કોઈ પણ સંજોગોમાં પરવાનગી નહીં આપે...
પણ આ વખતે સમર્થની મમ્મીને સાથે લઈ જવાનું કહ્યું છે આથી મને કંઈક મનમાં જાણે એવું લાગી રહ્યું કે જાણે કંઈ તો સારું જ થશે જ...!!
સુહાની ઘડિયાળનાં કાંટા તરફ મીટ માંડીને બેઠી છે રખે ને સમય નીકળી જાય. ને આખરે ત્રણ વાગી ગયાં. એણે ધીમેથી જોયું તો વીણાબેન અને અશોકભાઈ સુતેલા છે. એણે ઘરમાં બનાવેલાં કાનાજીનાં મંદિર પાસે બિલ્લી પગે જઈને દર્શન કર્યાં....ને પછી ધીમેથી ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો. ને પાછી પોતાના રૂમમાં જઈને એની તૈયાર કરેલી નાનકડી બેગ લઈ આવી...ને ધીમેથી એ ઘરમાંથી દરવાજો આડો કરીને નીકળી ગઈ.
થોડું શિયાળાનું વાતાવરણ હોવાથી બહાર નીરવ શાંતિ છે. લોકો આ કડકડતી ઠંડીમાં જાણે લપાઈને સૂવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. બંને જ શેરીની લાઈટો સિવાય બધાં જ ઘરમાં અંધકાર દેખાઈ રહ્યો છે. રસ્તામાં એક લાઈટ કોઈનાં ઘરે ચાલું જોઈને એ સહેજ ગભરાઈ પછી સહેજ કંઈ યાદ આવતાં એ મનોમન બોલી, " આ તો પ્રવિણકાકાનો ચિન્ટુ વાંચતો હશે...બારમા ધોરણમાં છે ને એટલે..." પછી એ ચિંતાને ખંખેરતી આગળ જવા માંડી.
ફરીથી એ ચોમેર નજર કરતી એ સવિતાબેનનાં ઘરે પહોંચી ગઈ. એણે ધીમેથી અંદર સવિતાબેન પાસે મરાવેલુ લોક એની પાસે રહેલી બીજી ચાવીથી ધીમેથી ખોલ્યું. પછી એ ઘરમાં પ્રવેશી. એણે જોયું તો રૂમમાં એ જાગતાં જાગતાં રૂમની છત સાથે પોતાની મનોવ્યથા ઠાલવી રહ્યાં છે.... એકલાં એકલાં બબડી રહ્યાં છે. હવે આ બધું સુહાની માટે કંઈ નવું નથી....એણે ધીમેથી એમને પાસે જઈને બેઠી.
સઘળું સૂધબધ ખોઈ બેઠેલા સવિતાબેનને હવે ક્યાં રાત દિવસ કે શિયાળા ઉનાળાની કોઈ પરખ જ છે...એ સુહાનીને જોઈને બેડ પરથી ઉભાં થઈ ગયાં. પછી રોજનાં રૂટિન મુજબ સાંજ પડી હોય એવું લાગતાં એ કહેવા લાગ્યાં, " બેટા જમવાનું લઈ આવીને ?? હું હમણાં જમી લઈશ હોને !! "
સુહાની : " ના મમ્મી હું જમવાનું નથી લઈને આવી આપણે ક્યાંક જવાનું છે મારી સાથે આવશો ને ?? "
સવિતાબેન ખુશ થઈને કબાટ પાસે પહોંચીને એક સાડી લઈને આવ્યાં ને બોલ્યાં, " આ ચાલશે ને ?? આપણે સમર્થને મળવા જઈએ છીએ...આ વખતે તો હું એને મનાવીને એને અહીં લઇને જ આવીશ...પછી હું તમારાં બંનેનાં લગ્ન પણ કરાવીશ...હવે તો થોડા જ દિવસો બાકી રહ્યાં છે...!! કેટલી તૈયારી કરવાની છે હજુ તો... "
સુહાની પાસે અત્યારે કોઈ જવાબ નથી એમને કહેવા માટે...પણ એણે એમની સામે હકારમા માથું ધુણાવ્યું...ને ફટાફટ એમનાં બે જોડી કપડાં એક બેગમાં પેક કર્યા. ને એમને તૈયાર કરી દીધાં... સુહાનીને એક ચિંતા માથેથી હળવી બની ગઈ કે એ વ્યક્તિએ સવિતાબેનને પણ સાથે લઈ જવાના છે. નહીંતર એ કોનાં ભરોસે એ એમને મૂકીને જાત...એ તો નાનાં બાળકની જેમ સુહાનીનાં હેવાયા થઈ ગયાં છે..!!
ફટાફટ સમય નીકળી જાય એ પહેલાં સુહાનીએ ઘરને લોક કર્યું. અને પછી બેય જણાં એક અજાણી આશાની મંઝિલ તરફ મીટ માંડી જાણે મૃગજળને પકડવા નીકળી ગયાં !!
***************
લગભગ આઠેક વાગતાં સુહાની બહાર ન આવતાં વીણાબેને રૂમમાં જોયું કે અંદર રૂમમાં તો સુહાની નથી. એમણે આખાં ઘરમાં બીજાં માળે પણ જોઈ લીધું પણ સુહાની ન દેખાઈ. એ મંદિરમાં પૂજા કરતાં અશોકભાઈને બોલાવા ગયાં. એ બોલ્યાં, " મેં તમને કહ્યું હતું ને કે સુહાની કંઈ યોજના બનાવી રહી છે...એ સાચે જ ઘરમાં નથી."
અશોકભાઈ : " શું ?? પણ આપણે અઢી વાગ્યા સુધી તો જાગતાં હતાં અને એનો મોબાઈલ પણ આપણે એનાં સૂઈ ગયા પછી ચેક કર્યો હતો છેલ્લે એવો કોઈ અજાણ્યો નંબર પણ નહોતો દેખાયો...વળી રૂમમાં બહાર કોઈ સામાન કે બેગ પણ નહોતું દેખાયું. અને આપણે છેલ્લે બે વાગે તો એનાં રૂમમાં પણ ગયાં હતાં જ એ વખતે તો એ સૂતી હતી...."
વીણાબેન : " મતલબ કે એ પછી જ બે થી ચાડાચારનાં સમયમાં થયું છે. સાડા ચારે તો મારી આંખ ખૂલી ગઈ હતી. પણ આખી રાત જાગવાને કારણે ખરાં સમયે આપણને ઉંઘ આવી જતાં સુહાની સમયને વર્તીને નીકળી ગઈ. પણ હવે શું કરશું ?? ક્યાં શોધશુ એને ?? "
અશોકભાઈ : " પણ સવિતાબેનનું દિવસ રાત દીકરી કરતાં પણ વધારે ધ્યાન રાખતી સુહાની એમને આમ મુકીને તો ન જ જાય...!!અને એમનું કામ તો એવું છે કે એ કોઈને સોંપીને પણ ન જાય...!! "
વીણાબેન : " એ પણ છે... પહેલાં ત્યાં જોઈ આવીએ...!! "
અશોકભાઈ : " તું એકલી જ જા..આવી રીતે સવાર સવારમાં બે જણાંને સાથે જતાં જોશે તો લોકો દસ સવાલો કરશે... તું તારી ત્યાં નજીકમાં બહેનપણી રહે છે એનાં ત્યાં કામનું બહાનું કાઢીને જઈ આવ..."
વીણાબેન પરિસ્થિતિ સમજીને એકલાં જ એ તરફ જવાં માટે નીકળી ગયાં !!
શું થશે વીણાબેનની સ્થિતિ સવિતાબેનનાં ત્યાં પહોંચીને ?? હવે એ લોકો કંઈ કરી શકશે ?? સુહાની અને સવિતાબેન સાથે શું થશે ?? એમને સમર્થ મળશે કે કોઈ નવી મુસીબતમાં ફસાઈ જશે ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રેમનો પગરવ ભીનેરો - ૪૨
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......