પગરવ - 40 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પગરવ - 40

પગરવ

પ્રકરણ - ૪૦

સુહાની એનાં મમ્મી પપ્પાની સાથે ઘરે આવી ગઈ. ઘરે આવીને એ લોકોએ પણ કંઈ તરત પૂછ્યું નહીં. એને નાસ્તો કરી લેવાં કહ્યું. સુહાનીએ નાસ્તો પણ કરી દીધો. વીણાબેને એને શાંતિથી રૂમમાં જઈને નાહીધોઈને તૈયાર થવાં કહ્યું. સુહાની નાહીને આવી અને અરીસા સામે ઉભી રહીને એનાં ચહેરાંને જોવાં લાગી.

અરીસા સામે જોઈ રહીને મનોમન બોલવાં લાગી, " ભગવાને સુંદર ચહેરો આપ્યો છે એમાં મારો શું વાંક ?? હું તો ફક્ત મારાં સમર્થ સિવાય કોઈને પણ પ્રેમ નથી કરતી કે નથી કોઈને મારી મોહજાળમાં ફસાવવાનું કામ નથી કર્યું હજું સુધી...." ને જોરથી એનો અવાજ નીકળી ગયો, " તો હું શું કરું હવે ?? મારી જાતને ચાર દિવાલોની વચ્ચે ગોંધી દઉં ‌?? આવાં લંપટો તો મને ડગલે ને પગલે મળશે તો શું હું જીવન જીવવાનું પણ બંધ કરી દઉં ?? "

ત્યાં જ બારણે આવીને ઊભેલા વીણાબેન બોલ્યાં, " બેટા આ દુનિયા એવી જ છે...પણ એનાં માટે દરેક સ્ત્રીએ મજબૂત અને મક્કમ બનવું પડે છે...આ દુનિયા ભગવાને એવી જ બનાવી છે કે એક પુરૂષ કે જે આપણો જીવનસાથી હોય, પિતા, ભાઈ હોય, જેની સાથે રહીને દુનિયાની દરેક સ્ત્રી પોતાની જાતને સૌથી વધું સુરક્ષિત સમજે છે...અને એ સિવાયનાં દરેક સાથે એ જાણે અજાણે અસુરક્ષાની લાગણી અનુભવતી હોય છે. દરેક જગ્યાએ એક પુરૂષરુપી સહારો આપણી પાસે હોય કે ના પણ હોય !!...અને રહી વાત સુંદરતા તો એ તો કુદરતે આપેલો એક ઉપહાર છે...એ નસીબથી જ મળે છે...બસ આપણે એનો ખોટો ઉપયોગ ન કરવો જોઈએ. સ્ત્રીએ મજબૂત બનીને જીવવાનું શીખવું પડશે. "

સુહાની એની મમ્મી પાસે આવીને બેઠી. એટલે વીણાબેને દરવાજો આડો કરીને પૂછ્યું, " સુહાની હવે તું મને કહીશ બેટા કે શું થયું હતું ?? તું ઘરે આવી એ બહું સારું કર્યું પણ આ રીતે ?? એનું કારણ ?? "

સુહાની : " તું ચિંતા ન કર... કદાચ તું વિચારે છે એવું નથી બન્યું...પણ એમાંથી બચવા આજે કંઈ અનર્થ થતો રોકવા મારે આ કરવું પડ્યું. "

સુહાનીએ વીણાબેનને બધી જ વાત કરી પરમની અને સમર્થના ફોન આવ્યો હતો એની પણ‌‌...થોડી વાતો જે કદાચ એ કહીને મમ્મી પપ્પાને દુઃખી નહોતી કરવાં ઈચ્છતી એટલે ન કહી.

વીણાબેન : " એટલે એ તારાં બોસે જ સમર્થ સાથે આવું કંઈ કર્યું છે એવું તું કહે છે ?? "

સુહાની : " મમ્મી એવું ચોક્કસ કોઈ પુરાવો નથી મારી પાસે..."

વીણાબેન : " તો આપણે કોઈનાં દ્વારા તપાસ કે પોલીસ કેસ કરીએ તો ?? "

સુહાની : " એ બહું ચાલાક અને ખતરનાક છે.‌‌ એ જેમ કંપનીનાં સીઈઓ તરીકે એક સારાં હોદા પર છે એટલાં જ એનાં પપ્પા અન્ડરવર્લ્ડનાં મોટાં ડૉન છે. એટલે પોલીસ કેસ તો કરવો એ બહુ મોટી ભૂલ થશે‌‌...વળી આપણી પાસે કોઈ સજ્જડ પુરાવો નથી કે એ સાબિત કરી આપે કે આ બધું એણે જ કરેલું છે...કાલે સાંજે એ ઘણું બોલ્યો પણ એનાં અચાનક આવવાનાં કારણે હું કંઈ રેકોર્ડ પણ ન કરી શકી....બાકી આગળનાં તો બધા જ રેકોર્ડિંગ છે પણ એમાં તો એનો સારો ચહેરો જ પુરવાર થાય છે...વળી સમર્થનો સંપૂર્ણ રેકોર્ડ ફક્ત કંપનીમાં એનાં પોતાનાં પાસે છે..."

વીણાબેન : " તે કહ્યું એ મુજબ પેલાં મંથનનો ફોન ફરીથી કરી જોઈએ તો ?? "

સુહાની : " મારું લેપટોપ તો ત્યાં જ છે...જો કે એમાં કોઈ ડેટા નથી...હવે અહીંથી મારે લેપટોપનું અરેન્જ કરીને એ પેનડ્રાઈવ મારી પાસે એમાં જોવું પડશે... કદાચ બીજો કોઈ કોન્ટેક્ટ નંબર કે ડિટેઈલ મળી શકે તો‌...."

વીણાબેનને સુહાની સાથે એવું કંઈ બન્યું નથી એ વિચારીને મનમાં એક મોટી શાંતિ થઈ. એમણે બધી વાત પછી અશોકભાઈને પણ કરી...હવે એમણે આગળ શું કરવું એ નિર્ણય સુહાની પર છોડ્યો.

**************

એક બે દિવસ થયાં. અવિનાશ, જે.કે.પંડ્યા બંન્નેના ફોન આવ્યાં કે કંપનીમાં કેમ નથી આવતી..સુહાનીએ કહ્યું, " કે મમ્મીની તબિયત સારી નથી એટલે મારે ઘરે રહેવું પડશે...એટલે જોબ છોડુ છું..."

અવિનાશે દુઃખી થઈને કહ્યું, " ઓકે...ટેક કેર ઓફ યુ એન્ડ યોર ફેમિલી...બટ આઈ નેવર ફરગોટ યુ ઈન માય લાઈફ...તને ક્યારેય જીવનમાં તફલીક પડે મને કહેજે... હું તારી સાથે જ હોઈશ...આઈ લવ યુ..." કહીને એણે ફોન મુકી દીધો...

સુહાની અવિનાશ અને પરમના પ્રેમને જાણે પ્રેમનાં ત્રાજવે જોખતી જ રહી... એકબાજુ એક નિઃસ્વાર્થ પ્રેમ અને બીજી બાજું પ્રેમને નામે લોલુપતા...દેહની લાલસા !!

જે.કે.પંડ્યાને એણે થોડું ટૂંકમાં કહ્યું એ પરથી એ સમજી ગયાં કે કદાચ એની ઈજ્જત દાવ પર લાગી જતાં હવે એણે આમાંથી આગળ વધવાનું છોડી દીધું છે....એમણે કહ્યું, " બેટા તારું ધ્યાન રાખજે...પણ તારે આ અડધે છોડવું પડ્યું એનું દુઃખ છે...હવે જેવી ભગવાનની મરજી..!! કહીને ફોન મૂકી દીધો.

બે દિવસ પછી અચાનક સુહાનીને ખબર પડી કે સમર્થનાં મમ્મી સવિતાબેન અહીં આવીને એકલાં રહે છે...

સુહાની : " મમ્મી તે કેમ કહ્યું નહીં ?? એમની તબિયત એવી છે તો એકલાં કેમ રહે છે ?? એમની સ્થિતિ હજું એવી જ છે ?? "

વીણાબેન : " બેટા એ ભાગીને લગભગ દસેક દિવસ પહેલાં જ આવી ગયાં છે...એ કોઈનું માનતાં નથી. એમનાં ભાઈ કેટલીવાર આવી ગયાં પણ એ જવાં તૈયાર જ નથી..."

સુહાનીએ તરત જ કહ્યું, " મમ્મી હું આવું છું હમણાં એમને મળીને..." કહીને સવિતાબેનને મળવા પહોંચી ગઈ.

એ ઘરે તો ગઈ પણ એણે જે સ્થિતિ જોઈ એને કમકમિયા આવી ગયાં. સવિતાબેન ઘરને બારણે બેસીને જાણે કોઈની રાહ જોઈને બેસી રહ્યાં‌ છે. કપડાં પણ જાણે અસ્તવ્યસ્ત...ને મેલાઘેલા... મેલું થયેલું ગાઉન...વાળ પણ જાણે કેટલાં દિવસોથી ઓળ્યા પણ હશે કે નહીં ?? આંખોની શુષ્કતા...વધી ગયેલા નખ...એનાં આંખમાં પાણી આવી ગયાં.

એ ધીમેથી એમની પાસે ગઈને ફક્ત એમનાં ખભા પર હાથ રાખીને એટલું બોલી, "મમ્મી..!! "

એ સાથે જ એ સુહાનીને જોઈને ઉભાં થઈ ગયાં ને એનાં ચહેરાં પર હાથ ફેરવતાં બોલ્યાં," સુહાની બેટા તું ?? તું સાચે જ આવી ગઈ...અને સમર્થ ક્યાં છે બેટા ?? કેટલો સમય થયો એ તો મને મળતો જ નથી રિસાઈ ગયો છે કે શું ?? " ને પછી જાણે ઘનધોર વાદળાં જાણે ફાટું ફાટું થતાં કેટલાય સમયથી ઉભાં રહ્યાં હોય એ અવઢવમાં એને જાણે એક બાફની જ જરૂર હતી એમ સુહાનીને જોતાં જ એ અનરાધાર વરસાદ શરું થઈ ગયો. સવિતાબેન સુહાનીને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.

સુહાનીએ પણ જાણે એમની આ શરીરની બાહ્ય રીતે અનુભવાતી વેરવિખેર હાલતને ભૂલીને એમને રડવા દીધાં. પછી એ ધીમેથી એમને ઘરમાં અંદર લઈ ગઈ.

એણે જોયું તો ઘરમાં જાળાં બાઝેલા છે... બધું જાણે ઘણાં સમયથી કોઈએ સરખું જ ન કર્યું હોય એમ પડેલું છે... ઘરમાં અનાજને બધી વસ્તુઓ પણ પહેલાંની હતી એ જ બહું દયનીય સ્થિતિમાં પડી છે... એનાં કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ આજે એક માતાની છે. જેને ઘરમાં એક કચરાનું તણખલું દેખાય તો ઘર ઉંચુ નીચું કરી નાખે, પોતાનાં કપડામાં

એક કરચલી સહી ન શકતી વ્યક્તિની આજે આ હાલત !!

સુહાનીએ સમજી ગઈ કે ખબર નહીં જમતાં હશે કે નહીં ?? શું કરતાં હશે એ પણ સમજી શકાતું નથી. એણે મનમાં એક નિર્ણય કર્યો. એ પહેલાં એમનાં રૂમમાં ગઈ થોડી સફાઈ કરીને એમને નહાવા લઇ ગઈને પછી વ્યવસ્થિત કપડાંને પહેરાવીને એમને સરખું માથું ઓળાવી દીધું... કદાચ એમનાં હજું સુધી યુવાન અને સુંદર દેખાતાં ચહેરાં પણ હવે ચિંતા અને ઉંમરની અસર વર્તાઈ હોય એવું દેખાઈ રહ્યું છે...એણે ત્યાં બધી વસ્તુઓ છે એમાંથી જ એમને થોડી ખીચડી બનાવી દીધી. ઘરમાં શાક કે દૂધનું તો નામોનિશાન ય નથી.

એમને જમવા આપ્યું. આજે એ જે રીતે જમી રહ્યાં છે એવું લાગી રહ્યું છે કે કેટલાંય દિવસોથી ખબર નહીં જમ્યાં પણ હશે કે નહીં... બધું જ ચાટી ચાટીને ખાઈ ગયાં. સુહાની ભીની આંખોએ બસ એમની આ સ્થિતિને જોતી રહી. પછી સુહાનીએ કહ્યું, " "સાંજે આવીશ મમ્મી" કહીને એ પોતાને ઘરે જવાં નીકળી એ જોઈને એ ફરી નાના બાળકની જેમ રડી પડ્યાં ને બોલ્યાં, " તું સમર્થને લઈને આવીશ ને બેટા ?? તો તું જા ફટાફટ..."

સુહાની પાસે કોઈ જવાબ નથી... શું કહેવું એ પણ એને સમજાયું નહીં...પણ એને મનમાં કંઈક નિર્ધાર ચોક્કસ કરી દીધો ને ત્યાં જ અચાનક એનાં મોબાઈલમાં કંપનીનાં નંબર પરથી ફોન આવતાં એ ફટાફટ ઘરે જવાં માટે ત્યાંથી નીકળી ગઈ !!

કોનો ફોન હશે કંપનીમાંથી ?? શેનાં માટે હશે ફોન ?? સુહાની સવિતાબેન માટે શું કરશે ?? એમની આવી સ્થિતિમાં શું મદદ કરી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રેમનો પગરવ ભીનેરો - ૪૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....