આજે ઘણાં સમય પછી હું કંઈક લખવા બેઠી છું. વિચારોની આવનજાવન સતત શરુ છે.પણ આ વિચાર લખાણ સ્વરૂપે કેમે કરી અભિવ્યક્ત થતાં નથી. અને આ સમય છે કે ઉભો રહેતો જ નથી. કેટલીવાર કહ્યું મેં કે ઉભો રહે થોડી ક્ષણ પણ તે છે કે માનતો જ નથી. અને તેને બેસતા આવડે તો ઉભો રહેને! એ તો ઘડીક અહીં તો ઘડીક તહીં. એ તો હવામાં સરકતી રેત જેવો, ઉડાઉડ કરતાં પેલા પતંગિયા જેવો, કદી ન અટકતાં નદીના વહેણ જેવો, આ ધરતી અને આકાશના મિલનની ક્ષિતિજ જેવો, અને અમાપ આકાશના પટ જેવો. સરરસટ કરતાં વાતા પવનની ગતિ જેવો. આ સમયને પકડી રાખવો ઘણો અઘરો છે. અને સમયની પ્રમાણિકતા માટે શું કહેવું- "આપણે આપેલી એક પણ વસ્તુ તે પોતાની પાસે રાખતો નથી. લાંબા- ટુંકા સમયે તે તરત જ પાછી આપી દે છે. અને તેથી જ તેને શોધી પકડી પાડવો અઘરો છે. અને તેથી જ તો કહ્યું છે કે," સમય સમય બલવાન."સમયની પાસે પાંખો છે તેથી તે ઊડી જાણે છે ને ઊડે પણ છે.સમયની આંટી ઘૂંટીને હું તો સમજી શકતી નથી. ક્યારેક ક્યારેક તો એ મારી પાસે હસતો રમતો મને વીંટળાઈ પડે, તો ક્યારેક ગળે વળગીને રડી પણ લે. તે રૂઆબથી ચાલે પણ અભિમાનનો એક છાંટો પણ જોવા ન મળે. આ આદત પર તો હું ફિદા છું . જો એ આપણી પાસેથી નીકળી ગયો તો પાછો આવે તે બીજો. જ્યારે જુઓ ત્યારે પોતાની મનમાની કરે. આપણી તો કંઈ કિંમત જ નહીં. આવી આવી ને કંઈક ચેનચાળા કરતો ઉભો રહે. આ સમયના પગમાં મારે એક સાંકળ બાંધવી છે.
આને થોડો બંધાઈ ? આપણને બાંધે તેવો છે. અને પોતાનો નિયમ પાળવામાં ચોક્કસ પણ એવો હો. દિવસની રાત અને રાત પછી દિવસ. વળી તેમાં પણ સવાર , બપોર ને સાંજ. અને સંધ્યાના રંગોમાં વળી પોતાના વૈભવી જીવનની શૈલીનો મોહક પરિચય પણ આપી દે.
સમય માટે તો ઘણુંબધું કહેલુ અને સાંભળેલું છે. સમય ક્યાં કોઈના માટે રાહ જુએ છે? એને મન તો 'મેં ભલા ઔર મેરા કામ ભલાં. ' સમયને આજ દિવસ સુધી કોઈ ખોળી શક્યું નથી, સાંભળ્યું છે કે તેની પોતાની સાથે પોતાનો પડછાયો પણ નથી રાખતો? કેવો એક્કલહુડો છે નૈ. શું તેને ક્યારેય મિત્રની જરૂર નહીં પડી હોય!
સમય મને ક્યારે મળ્યો તો ? અમમમમ........ ચોક્કસ તો યાદ નથી. પણ હા, માના ગર્ભમાં જ્યારે મારો પીંડ બંધાતો હતો ત્યારે તેને મેં સાંભળેલો. કહે, " હવે જો હું તને જીવનનાં બધા જ રંગો દેખાડીશ. તૈયાર થઇ જજે મારી સાથે આ અવનવા જગતનાં દર્શન કરવા. અને હા હું માત્ર તને દેખાડીશ લડવાનું માત્ર તારે છે. છો તૈયાર? " અને મેં પણ ખુમારી સાથે જવાબ આપ્યો હતો, "હા. મિત્ર જરૂર. હું અનુભવ તો ચોક્કસ મેળવીશ." પણ જો કેવો છે !! કેવો આગળ વધી રહ્યો છે. પરંતુ કંઈ નારાજ થોડું થવાનું છે. હું પણ તેને એક દિવસ ચોક્કસ પકડી પાડીશ જો જો.
એ તો સાવ આંટી ઘૂંટીને આપણને પી જાય તેવો છે. તેની વાતોમાં ખુબ સરળતા છે. અને તેથી જ તેમાં મારા જેવા,, ના,ના. આપણા જેવા લોકો ઝડપથી ભોળવાઇ જાય છે. ધ્યાન રાખજો. એ ક્યારે આપણી તરફ ગુગલી ફેંકી દે તે કહેવાય નહીં. અને આ જ તો જીવનનો પડાવ છે.
હવે, હું સમયને પકડવા જાઉં છું. તમે બધા ત્યાં સુધી કંઈક યુક્તિ વિચાર જો. આ મને પાછળ દોડાવતા સમયને પકડી પાડવા માટે.!!!
- હેતલ ગોહિલ ચૌહાણ