પગરવ - 32 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પગરવ - 32

પગરવ

પ્રકરણ – ૩૨

સુહાનીનાં ચહેરા પર ખુશી આવી ગઈ. એણે ખુશ થઈને એની જુની રૂમમેટને ફોન કરીને કહ્યું, " ફ્રી હોય તો ડીનર સાથે લઈએ ?? મળીશ ?? " ને સામેથી હા કહેતાં એ આજે ઘણાં દિવસે ફરી એકવાર બહું સરસ તૈયાર થઈને પોતાની જાતને નીહાળી રહી છે...ને સાથે જ સમર્થનાં એ પ્રેમભર્યા આલિંગન, એનું હૂંફાળું ચૂંબન , ઉષ્માસભર અવિરતપણે વરસતો પ્રેમનો વરસાદ...એ બધું જ યાદ કરી રહી છે...જાણે એવું અનુભવી રહી છે કે સમર્થ એની સાથે જ છે...એની બહું નજીક...!! " ને મીઠા સપનામાં ખોવાયેલી સુહાનીનાં ફોનમાં રીંગ વાગતાં જાણે એ ચમકી ગઈ...ને ફોન ઉપાડતાં જ બોલી, " બસ નીકળી... થોડીવારમાં મળીએ..." ને સુહાની ફટાફટ લિફ્ટમાં સડસડાટ કરતી નીકળી ગઈ...!!

સુહાની ફટાફટ એક ઘર પાસે પહોંચી...ને પહેલાં બાજુની એક દુકાનમાં ગઈ. અને થોડી વસ્તુઓ લીધી. પછી બોલી, " બીજું કંઈ લાવવાનું છે તારે ?? " પૂછીને એક જગ્યાએ ગઈ.‌ ત્યાંથી તરત સામાન આપીને નીકળીને એ ચાલતી જ નજીકમાં આવેલી એ અનુરાધા સોસાયટીમાં આવેલાં ૧૦૨ નંબરના બે માળનાં મકાનમાં ગઈ.

ત્યાં પહોંચતાં જ એક લગભગ સાઠેક વર્ષની આસપાસનાં દંપતીએ એને ઉષ્માસભર આવકાર આપ્યો... સુહાની બોલી, " કેમ છો પંડ્યા અંકલ..?? "

એ ભાઈ બોલ્યાં, " બસ બેટા જિંદગી ચાલે છે‌...હવે તો જવાની ઉંમર થઈ ગઈ..."

સુહાની : " આવું ન બોલો... હજું તો બહું જીવવાનું છે તમારે....આજે તમે મને તમારે ઘરે બોલાવી એનાં માટે હું આપની ખૂબ આભારી છું કારણ કે કદાચ બહાર આપની સાથે કોઈ પણ વાત કરવી બહું જોખમી હતી..."

જે.કે.પંડ્યા : " બેટા તારે મારી શું મદદ જોઈએ છે એ તો મને નથી ખબર પણ આ તો પેલાં દિવસે મીટીંગ પછી અનાયાસે તું ટેક્સીની રાહ જોતી ઉભી હતી ને આપણે મળી ગયાં. મેં તને આગળનાં સ્ટોપ પર ઉતારી. પણ તે એ સમયે મને જે રીતે મારી સાથે અગત્યની વાત કરવાનું કહ્યું મને કંઈ તો લાગ્યું કે તું ભલે આટલી મોટી પોસ્ટ પર અપોઈન્ટ થઈ છે પણ એમાં તું ખુશ હોવાની જગ્યાએ તું કોઈ મુસીબતમાં હોય એવું મને લાગ્યું. પણ તે મને એ વખતે કહેવાની ના કહી ત્યારે મને થયું કે કોઇ સિરીયસ વાત લાગે છે... કંઈ નહીં હવે તું અહીં મારાં ઘરે જે પણ વાત કરવી હોય એ ચિંતામુક્ત બનીને કરી શકે છે..."

સુહાની : " અંકલ, પ્રોબ્લેમ તો મોટો જ છે આશા છે કે કદાચ તમારી પાસે એની કોઈ માહિતી હોય...આ મારો બીજો નંબર છે જે કોઈની પાસે નથી...અને આ ફોન પણ એકદમ જુનો છે એમાં કદાચ કોઈ બહું ફેસિલીટી નથી.."

એટલામાં જ મિસીસ પંડ્યા શરબત લઈને આવ્યાં અને બોલ્યાં, " લે બેટા...આ પી લે પછી થોડીવારમાં જમીશું સાથે મળીને..."

સુહાની : " ના આન્ટી એની તફલીક લેવાની કોઈ જરૂર નથી. હું તો ઘરે જઈને જમી લઈશ..."

જે.કે.પંડ્યા : " એ તારે કંઈ કહેવું નથી...જમીને જ જવાનું છે...અમારે ત્યાંથી ઘરે આવેલું કોઈ જમ્યા વિના નથી જતું..."

સુહાની : " ઓકે...તો હું તમને કેટલાંક સવાલો પૂછી શકું ?? "

જે.કે.પંડ્યા : " હા બોલ..."

સુહાની : " તમારી આટલી મોટી પોઝિશન હોવાં છતાં તમે આટલાં સામાન્ય કહી શકાય એવાં ઘરમાં રહો છો એનું કંઈ કારણ ?? વળી આ ઉંમરે મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પરથી આસિસ્ટન્ટ મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પર ડિમોશન, આનું કોઈ ખાસ કારણ ?? "

જે.કે.પંડ્યા : "બેટા હું આ કંપનીમાં છેલ્લાં ત્રીસ વર્ષથી નોકરી કરું છું... હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવનાર સ્વપ્નશીલ અને મહેનતું યુવાન, ઘણું આગળ વધવાનાં સપનાં સાથે અહીં આવ્યો હતો...આ કંપનીએ મને ઘણું આપ્યું છે, ઘણું શીખવ્યું છે, ઘણો આગળ વધાર્યો છે પૈસા પણ એટલાં જ આપ્યાં છે....અમારે સંતાનમાં એક પુત્ર હતો...જે સતાવીશ વર્ષની યુવાન વયે હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યો. ઘરની પરિસ્થિતિ તો સારી જ હતી. એની પત્ની અને એક નાની ત્રણ વર્ષની દીકરી હતી. એ આપણી આ જ કંપનીમાં નોકરી કરતો હતો. આથી એ દરમિયાન ઘણીવાર એની પત્ની પંક્તિને ઓફિસ આવતાં પરમ અગ્રવાલે જોયેલી.

સુહાની : " પરમ મતલબ આપણાં સીઈઓ ?? "

જે.કે.પંડયા : " હા. એ વખતે પરમ નવો નવો હતો એનાં મામા સાથે આવતો...કોણ જાણે ક્યારથી પંક્તિ એનાં મનમાં વસી ગયેલી. એ પંક્તિ કરતાં લગભગ ત્રણેક વર્ષ નાનો પણ હતો. મારાં પુત્ર સમીરનાં મૃત્યુ બાદ એણે પંક્તિ માટે સામેથી એની સાથે લગ્ન માટે મને કહ્યું. મને ખુશી થઈ પણ પછી એણે પુત્રી ન્યાસાને સ્વીકારવાની ના પાડી.

આ વાત મેં ઘરે આવીને પંક્તિને કરી. પહેલાં તો એણે બીજાં લગ્ન માટે જ ના કહી. પણ પછી અમે એને બહું સમજાવી કારણ કે એનાં પિયરમાં એનાં માતાપિતા નાનપણમાં મૃત્યુ પામ્યા હતાં ને વળી એક નાનો ભાઈ હતો એ બેય જણાંને એનાં કાકાએ મોટાં કર્યાં હતાં. અમે લોકોય ક્યાં સુધી ?? એની સુંદરતા જ કદાચ અમારી ચિંતા બની ગઈ હતી... અને વળી પૌત્રી ન્યાસા...અમે કદાચ એને રાખીએ પણ ખરાં પંક્તિનાં સારાં ભવિષ્ય માટે...પણ એક નાનકડી દીકરીએ પિતા તો ગુમાવ્યા પણ હવે માતા પણ ગુમાવે તો એની શું સ્થિતિ થાય ?? આવો અનુભવ વચ્ચે મોટી થયેલી પંક્તિએ ખુદ ન્યાસાને મૂકીને કોઈ પણ જગ્યાએ લગ્ન કરવાની ના કહી દીધી. એ એનો આખરી નિર્ણય હતો.

મેં એક વાર ન્યાસા સાથે પંક્તિને સ્વીકારવાની પરમને વાત કહી...એ સાથે જ એણે એની સ્પષ્ટ ના તો કહી દીધી પણ એની ઓકાત પર આવી ગયો.ને કહ્યું કે , " એની મને ના કહેવાની હિંમત ?? પરમ અગ્રવાલને ?? એનાં જેવી તો દસ મળશે...." મેં એને ઘણું સમજાવ્યું પણ એ ન માન્યો‌. આ વાતની મેં વિનોદ અગ્રવાલને પણ બધી વાત કરી. એમણે પણ પરમને સમજાવ્યો પણ એ ન માન્યો. પણ પછી અચાનક એ શાંત થઈ ગયો. આખરે એક વર્ષ પછી સારો છોકરો જોઈને પંક્તિનાં અમે બીજે લગ્ન કરાવી આપ્યાં. ન્યાસા પણ એની સાથે ગઈ. ને અમે સાવ એકલાં પડી ગયાં...!! અમે અમારો બંગલો છોડી દીધો અને અહીં જુનાં ઘરે આવી ગયાં ત્યાંની એક એક દિવાલો અમને અમારાં હસતાં રમતાં પરિવારની યાદો પળેપળે સામે લાવી દેતી.

ફરી અમે અમારી જિંદગી એકલવાયા થઈને એકબીજાં ને સહારે જીવવાનું શરું કર્યું...અમે તો બધું ભૂલી પણ ગયાં હતાં. પણ અમને ખબર નહોતી કે પરમ હજું આ વાત ભૂલ્યો નથી...ને એક વર્ષ પહેલાં જ એની સીઈઓની પોસ્ટ પર નિમણૂક થઈ...!! પછી તો એણે ટપોટપ બધાં નિર્ણયો લેવાનાં શરું કર્યાં. હવે વિનોદ અગ્રવાલ અમૂક સમયે જ વિઝીટ માટે આવવાનું શરું કર્યું. એ બેંગલોરનુ બધું જ સંભાળતાં. એ કંપની પુણે કરતાં ત્રણ ગણી મોટી કહી શકાય એટલું જોરદાર ડેવલોપમેન્ટ છે એનું...

ને પછી એક દિવસ અચાનક મને લેટર અપાયો કે મારી મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને આસિસ્ટન્ટ મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પર લાવી દેવાયો છે. મારી જગ્યાએ બહું ઓછાં અનુભવ વાળાં નવોદિત વ્યક્તિને એ જ્ગ્યા પર નિમણૂક કરાયો એ અવિનાશ બક્ષી..એ કદાચ એટલો કાબેલ હોત તો પણ ઠીક છે પણ એવું પણ નથી. એ સમયે મને આ સાંભળીને એટેક આવી ગયો . તબિયત નબળી થતાં મનોબળ નબળું પડી ગયું. એ પરમનો કોઈ સગો હોવાથી એ એને અહીં લઈ આવ્યો છે...એ જગ્યા પર એવી કોઈ વાત સાંભળી હતી કે સમર્થ પંડ્યાને લાવવાનો હતો પણ અચાનક બધું બદલાઈ ગયું.

સુહાનીને જાણે 'ભાવતું હતું ને વૈદે કહ્યું ' એમ એનો મેઈન પોઈન્ટ સામેથી આવતાં એ તરત જ બોલી, " તમે ઓળખો છો સમર્થ પંડ્યાને ?? "

જે.કે‌.પંડ્યા ભાવુક થતાં બોલ્યાં, " હા..પણ કદાચ સારાં માણસોની ભગવાનને પણ એટલી જ જરુર હોય છે..."

સુહાની : " એટલે ?? કંઈ સમજાયું નહીં..."

જે.કે‌.પંડ્યા : " સમર્થનાં પ્રમોશનની જગ્યાએ અચાનક છેલ્લા સમયે શું થયું કે એને કંપનીનાં એક મોટાં પ્રોજેક્ટ માટે યુએસએ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો‌. પણ કોને ખબર કે એ કદી પાછો નહીં આવે...!! બહું સારો છોકરો હતો. એ સમયે મારે આ પોસ્ટની સાથે અમુક ડિપાર્ટમેન્ટ પણ સંભાળવાના હતાં. એ મારી સાથે જ કામ કરતો. બહું જ ડાહ્યો અને સમજું અને હોશિયાર છોકરો...મને તો એનામાં હંમેશા મારો સમીર જ દેખાતો. એ પણ એવો જ હતો..."

સુહાની : " કેમ એને શું થયું ?? કેમ પાછો ન આવ્યો ?? "

જે.કે‌.પંડ્યા : " વર્તમાન સ્થિતિની અસર...આ બધાંને કારણે કદાચ એનો સંપર્ક જ ન થઈ શક્યો. એનાં આવવાનો એક મહિનો જ બાકી હતો એ પહેલાં આ બધું થયું... એનાં તો લગ્ન પણ હતાં થોડાં જ દિવસોમાં....ને કદાચ કાયમ માટે એ આ દુનિયા છોડીને...."

સુહાનીએ એમને વાક્ય પૂરું કરતાં પહેલાં અટકાવીને બોલી, " એ હજુ આ દુનિયામાં જ છે..."

જે.કે‌.પંડ્યા : " શું ?? કોને કહ્યું તને ?? તું એને ઓળખે છે ??"

સુહાની : " હું જ તેની મંગેતર છું...એણે ખુદ મારી સાથે વાત કરી છે કે અહીં આવ્યો છે ઈન્ડિયા..."

જે.કે‌.પંડ્યા : " શું તું સાચું કહે છે ?? તો એ આવ્યો નથી હજું સુધી ?? "

સુહાની : " નહીં...આ માટે જ મારે તમારી મદદ જોઈએ છે...તમે આ કંપનીમાં આટલાં સમયથી છો તમને બધું જ ખબર હશે‌..કે કોણ આવું કંઈ કરી શકે..."

જે.કે‌.પંડ્યા : " કોણ આવું કરી શકે મતલબ‌..કોઈએ જાણી જોઈને આવું કર્યું છે એમ ?? "

સુહાનીએ " હા " કહીને એમની પાસે એમનું લેપટોપ માગ્યું. અને એમાં એક નાનકડી માઈક્રો ચીપ સેટ કરીને કંઈક ઓપન કરીને બતાવ્યું...એ સાથે જ જે.કે.પંડયાની આંખો પહોળી થઈ ગઈ !!

શું લઈને આવી હશે સુહાની ?? શું એ જે‌.કે.પંડ્યાને સંલગ્ન હશે ?? સુહાનીને કોઈ મદદ મળશે ખરી ?? કોણ હશે અસલી વિલન ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૩૩.

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....