આગળ આપણે જોયું કે હસ્તી અને પંક્તિ બંને લાંબા સમય પછી મળે છે અને હસ્તી, પંક્તિને કંઈક કહેવા માગે છે. હવે, આગળ...
(હસ્તી રસોડામાં ગ્લાસ મૂકી, પંક્તિ પાસે આવીને બેસે છે.)
પંક્તિ: (હસ્તીનો હાથ પકડીને) કહી દો આજે... જે મનમાં છે એ બધું જ કહી દો.
હસ્તી: (પંક્તિના હાથ પર હાથ મૂકી) હા....
પંક્તિ, છ વર્ષ પહેલાં મારા લગ્ન યાદ છે તને?
પંક્તિ: હા... યાદ છે..એ જ દિવસે મારા માસીજીના દિકરાના લગ્ન હતાં એટલે હું નહોતી આવી શકી.
હસ્તી: હા... એ દિવસે શું બન્યું હતું એ ખબર છે?
પંક્તિ: ખાસ તો કંઈ નહીં પણ જાન બહું મોડી પડી હતી કારણ કે રેલ્વે ફાટક બગડી જતાં એમનાં વાહનો બીજી તરફ આવી જ નહોતાં શક્યા એમ અનિતા મેડમે કહ્યું હતું.
હસ્તી: હા... જેમ તેમ એમને ફાટક ક્રોસ કરાવી, ગાડીઓમાં એમનાં ઉતારે લઈ જવાયા હતા. મારા બંને ભાઈઓએ એમને જોઈતી વસ્તુઓ પૂરી પાડી હતી.
પંક્તિ: હમમમ્...
હસ્તી: આજે મને આટલાં સમયે સમજાય છે કે એ એક ઈશ્વરીય સંકેત હતો. જો તે દિવસે આ સંકેત સમજાઈ ગયો હોત તો આજે ઘણું બધું અલગ હોત.
પંક્તિ: એ વાત શું કામ યાદ કરો છો? જે થવાનું હતું એ થઈ ગયું.
હસ્તી: યાદ તો કરવું જ પડશે પંક્તિ... શરૂઆત તો એ ઘટનાથી જ થઈ હતી ને. એ અસફળતાએ જ તો આ બીજી નિષ્ફળતા નોતરી હતી.
પંક્તિ: ત્યાં શું થયું હતું એ મને ખબર છે તમે કહ્યું હતું. એ માટે હું એ માણસને ક્યારેય માફ નહીં કરું.
હસ્તી: પણ હું માફ કરી ચૂકી છું પંક્તિ.....એમનાં પપ્પાએ એમને આત્મનિર્ભર કરવા મને મક્કમ થવા કહ્યું, હું બની પણ પછી મારા સાથીએ મને જ પૈસાની લાલચુ સાબિત કરી. હું આત્મનિર્ભર હતી છતાં એક બોજ હતી એમનાં પર એટલે હું એમનાથી અલગ થઈ. દસ મહિનાના દાંપત્યજીવનમાં મારું કોઈ સ્થાન નહોતું એમનાં જીવનમાં એ સાબિત થઈ ગયું. અલગ થયા પછી એક વર્ષમાં એકવાર પણ એમણે ના મને ફોન કર્યો કે ના ઉપાડ્યો પછી નામનો સંબંધ રાખવાનો અર્થ નહોતો. સાસુ, સસરાજી, નણંદોને મારા માટે કોઈ ફરિયાદ નહોતી ના મને એમના માટે.
તો તકલીફ ક્યાં હતી એ જ ના સમજાયું. બધું નોર્મલ હતું અમારી વચ્ચે પણ મારી સાથે વાત કરવા પણ તૈયાર નહોતો એ માણસ...દસ મહિનામાં હું એને ઓળખી જ ના શકી કે એ મને ના ઓળખી શક્યા એ જ ના સમજાયું.
જુદા થવાનો નિર્ણય કરતા મને એક વર્ષ લાગ્યું... અને આ આઘાતમાંથી નીકળતા બીજું એક વર્ષ...
પંક્તિ: હા... જાણું છું. તમે બધાથી દૂર થઈ ગયા હતાં.. મારાથી પણ...
હસ્તી: (ઉભી થઈ બારીમાંથી બહાર જોતા જોતા) આ વખતે તો હાલત વધુ જ ખરાબ હતાં
પંક્તિ: એટલે?
હસ્તી: તને ખબર છે એમ... હું સ્વનિર્ભર હતી. મમ્મી પપ્પા કે ભાઈઓ પર બોજ નહોતી છતાં એ પણ મારું સારું જ વિચારતા હતા અને મને સુખી જોવા ઈચ્છતા હતા. પહેલાં તો દોઢેક વર્ષ એમની વાત ટાળી દીધી. પછી તને ખબર જ છે ઈમોશનલ અત્યાચાર.... મેં પણ વિચાર્યું કે ચાલો જીવનને ફરી એક ચાન્સ આપી જોઉં અને હું મળવા તૈયાર થઈ. મને મારા નવા જીવનસાથીમાં નકારાત્મકતાનો અનુભવ થયો. મેં મમ્મીને કહ્યું પણ આશાવાદી મારી મા.... એણે કહ્યું કે એ વ્યક્તિ પણ તારી જેમ જ જીવનનાં નબળા પાસામાંથી પસાર થયો છે, ધીરે-ધીરે બધું સારું થઈ જશે, તું બધું સારું કરી દઈશ મને વિશ્વાસ છે. અને મેં મમ્મીના વિશ્વાસ પર વિશ્વાસ મૂક્યો અને મારા બીજા લગ્ન થઈ ગયાં.
(ક્રમશઃ)