આપણને કાયમ એવું લાગે છે કે આપણી ખુશીને કોઈના Approved Certificateની જરૂર છે પણ વાસ્તવમાં આપણી ખુશી કે સુખ કોઈનું મોહતાજ નથી.આપણને આપણા સુખ કે ખુશીની જાણ છે એટલું પૂરતું છે કારણ કે આ બંને વસ્તુ વ્યક્તિલક્ષી છે.સુખ કે ખુશીની પરિભાષા અને અનુભૂતિમાં કાયમ ફરક રહેવાનો છે.આપણી ખુશીના માપદંડ જાતે જ નક્કી કરવાના હોય.આપણે શું કામ કોઈ બીજાની ખુશીની વ્યાખ્યામાં સૅટ થઈએ?શું આપણી ખુશીની પરિભાષા ખુદની જ ન હોવી જોઈએ? આપણને કેમ બીજાના સુખની પરિભાષામાં સૅટ થવું ગમતું હોય છે? આપણને કેમ બીજાને સુખી કે ખુશ જોઈને ઈર્ષા થાય છે? જ્યારે પણ આવું બને ત્યારે વ્યક્તિગત રીતે માત્ર એટલું જ વિચારવાનું હોય છે કે તેણે ખુશી તેની પરિભાષા પ્રમાણે પ્રાપ્ત કરી છે અને મારી પાસે જે સુખસગવડ છે એ મારી પરિભાષા પ્રમાણે છે અને આટલું જો અમલીકરણ થઈ જાય તો ક્યારેય પછી બીજાની સુખ-સમૃદ્ધિથી આપણને ઈર્ષા કે અણગમો નહીં રહે.
On This Note:આવે દુઃખ તો આપમેળે,
પણ સુખની વાવણી કરવી પડે,
અને ખુશીને લણવી પડે!
**********
જીવનમાં સફળતા સાથે કોઈ નિસ્બત નથી.આ સફળતાની પરિભાષા આપણે કાયમ ખોટી આપતા રહ્યા છીએ.આપણને અને સમાજને એવું જ લાગતું આવ્યું છે કે જીવનમાં સફળતા જ બધું છે પણ હકીકતમાં તેને કોઈ લેવાદેવા નથી.આપણા માટે સફળતાની વ્યાખ્યા એટલે એક ચોક્કસ ઉંમરે ભણી-ગણી નોકરી કે ધંધાની શરૂઆત થવી.પણ, શું કોઈએ આપણને ખુશ કેવી રીતે રહેવાય એ શિખવાડ્યું?આપણા માટે સફળતા એજ ખુશી છે? પણ નિજાનંદ પ્રાપ્ત કેવી રીતે કરાય તે કેમ ન શીખવે કોઈ?
અબ્બાસ અબ્દુલ વાસી જેને આખી દુનિયા 'મરીઝ' તરીકે ઓળખે છે એમની પાસે સ્નાતક કે અનુસ્નાતકની પદવી નહોતી તેમ છતાં તેઓ આજ સફળતાના શિખરે છે અને તેમને તો ખબર હતી કે મરણોપરાંત જ એ સફળ કહેવાશે.આથી માત્ર ભણતર જ બધું નથી પણ આવડતનુ હોવું પણ જરૂરી છે અને ભણતર એટલા માટે જરૂરી છે કારણ કે તેનાથી વ્યક્તિનો દ્રષ્ટિકોણ બદલાય છે પણ આ સાથે ખુદ કેવી રીતે ખુશ રહેવું એ શીખવું પણ જરૂરી છે!
On This Note: ખુદ નો આનંદ કરવો ઊભો કેવી રીતે તે પણ એક કળા છે!
**********
આપણે બધા જ સર્જક છીએ.એવુ જરૂરી નથી કે સર્જક શબ્દ માત્ર સાહિત્યિક અર્થમાં જ બોલાય કે વપરાય.સર્જક એટલે જે કશુંક કલાત્મક સર્જી શકે,એ પછી નવલકથા હોય કે કવિતા કે અન્ય કોઈ વસ્તુ.આપણે સર્જક એટલા માટે છીએ કારણ કે આપણે જીવન પર્યંત સુધી કોઈને કોઈ સંબંધ સર્જીએ છીએ અને ન કેવળ તેનું સર્જન કરીએ છીએ પણ તેને નિભાવવાની પૂરી કોશિશ કરીએ છીએ.સંબંધને બાંધવો એ શબ્દ પ્રયોગ ખોટો છે કદાચ કારણ કે સંબંધ બાંધવો એમ કહીશું તો ત્યાં મરજીયાત પણું આવી જશે કેમ કે આપણે જેની સાથે સંબંધ બાંધવા ઈચ્છુક છીએ એને આપણી સાથે સંબંધ બાંધવામાં રસ કે મરજી ન હોય એમ પણ બને.આથી જ સંબંધનું સર્જન થાય છે એમ કહું છું કારણ કે તે સ્વૈચ્છિક છે અને સંબંધને ટકાવવો એ એક કળા છે જે આપણી પર નિર્ભર કરે છે કે તે કળાને કેવી રીતે આપણે વધુ સારી રીતે નિખારી શકીએ.
સર્જન કાયમ સ્વૈચ્છિક જ હોય છે!
**********
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા!
•આ પ્રાર્થના આપણે એક બાળક તરીકે સૌએ સાંભળી અને ગાઈ હશે જ્યારે શાળામાં ભણતા હતા, પણ હકીકત એ છે કે બાળકોના મનમાં ક્યારેય અંધકાર નથી હોતો.તેના માટે તો સર્વે જગ્યાએ અજવાસ જ હોય છે પરંતુ સમાજ અને માતા-પિતા તરીકે બાળકોના મનમાં અંધકાર બક્ષીએ છીએ કારણ કે આપણી પાસે જ પૂરૂં અજવાળું નથી હોતું અને બાળકના દ્રષ્ટીકોણને ઉજાગર કરવા માટે આપણે ઘણા પુસ્તકો વાંચવા પડશે અને વાંચનની ટેવ કેળવવી રહી, વહેલી કે મોડી!
•પુસ્તકો જ એકમાત્ર એવું સાધન છે જે તમામ અંધારાને ઓગાળી શકે અને બાળકોએ જો આપણને વાંચતા જોયા હશે તો જ એમનામાં હોંશ જાગશે વાંચવાની અને આ રીતે પણ તેમના મનનું અંધારું મટી શકે છે.
•આપણે શું વાંચીએ છીએ તે ઘણું અગત્યનું છે કેમ કે આ મનનું અંધારું એટલે જ્ઞાનનો અભાવ હોવો અને આ અભાવ ત્યારે જ દૂર થશે જ્યારે આપણે આધ્યાત્મિક, સાહસિક આવા અનેક પ્રકારના પુસ્તકો વાંચ્યા હશે.
•બાકી સાચા જ્ઞાનને અભાવે બાળકનો સર્વાંગી વિકાસ કદાચ શક્ય નથી.
•અત્યારની આધુનિક પેઢી ભલે વાંચન રસિયા ન હોય પણ ભવિષ્યમાં ફરી એવો સમય આવશે જ્યાં એ લોકો ને પણ અઢળક પુસ્તકો વાંચવા જ પડશે કારણ કે વાંચવાથી આપણો અભિગમ બદલાય છે કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે અને તે લાંબા ગાળે એક હકારાત્મક સમાજમાં પરિણમે છે!
***********
માત્ર બાળકો જ નહીં પણ આપણે મોટેરા પણ જે જોઈએ છીએ, જે સાંભળીએ છીએ તે જ શીખીએ છીએ.બાળકો આપણને અને આપણો વ્યવહાર જોઈને શીખતું હોય છે અને આપણે આપણા માતા-પિતાના વાણી-વર્તનથી શીખીએ છીએ.આ રીતે આપણે બધા Observational Learning કરીએ. Observational Learning એટલે કોઈનું જોઈ તેને આપણા વર્તનમાં ઉતારવું.માતા-પિતાને એટલું જ સમજવાનું છે કે ભલે તેમના સંતાનો કંઈ કહે નહીં પણ તે બધું જ નિરીક્ષણ કરી રહ્યા છે.જો તમારી પાસે તેમણે પ્રેમ જોયો હશે તો તે પણ તેજ શીખશે પણ જો તેમણે તેમના માતા-પિતા વચ્ચે અંતરાય જોયા હશે તો તેમની માનસિકતા પર એજ અસર થશે.જો આપણે બાળકોની માનસિકતા અને દ્રષ્ટિકોણ બદલવા ઈચ્છુક હોય તો પહેલા આપણે આપણી માનસિકતા અને દ્રષ્ટિકોણ બદલવો પડશે અને આમ કરવાથી જ સમાજમાં પરિવર્તન આવશે જે આ તબક્કે જરૂરી છે.